સાયન્સ ભ્રમણા - The Science Delusion

Home

હા જી, શ્રીમાન રીચર્ડ ડોકિંન્સ ના જાણીતા પુસ્તક The God Delusion ને ધ્યાનથી વાંચ્યા પછી આ લખવા પ્રેરાયો છું.


એક કબૂલાત કરું. આ લખનારને શ્રદ્ધા ઓછી મળી છે, બુદ્ધિ તો તેનાથી પણ ઓછી છે. તેથી ગુરુતાગ્રંથિ માટે અવકાશ નથી, કદાચ લઘુતાગ્રંથિ બંધાઈ ગઈ હોત. પણ તેમાંથી બચી ગયો કારણ કે ભરપૂર મળી હોય તો તે છે ધૃષ્ટતા. રેશનલ થવા માટે પણ ધૃષ્ટતા અતિ આવશ્યક છે. તેથી આવું બધું લખ્યા કરું છું. તમને ગમે તો ઠીક, નહીં તો ડીલીટ બટન હાજર છે.

અંગ્રેજીમાં બે શબ્દો છે, Credulity અને Gullibility. તેમને માટે કોઈ જ સચોટ ગુજરાતી શબ્દ નથી, ભોળપણ કે સાલસતા વાપરી શકાય. કેટલાક લોકો તેમના સાંભળવામાં કે વાંચવામાં જે કંઈ આવે તે બધું સ્વીકારી લેતા હોય છે. આવી સરળતા માટે બે કારણો હોઈ શકે. એક તો પોતાની લઘુતાગ્રંથિ ને બીજું કારણ કોઈ વિશેષ વર્ગ પ્રત્યેનો અહોભાવ. કોઈ કોઈ સુશિક્ષિત સજ્જનો (અને સન્નારીઓ પણ) તેમના પોતપોતાના મનગમતા વર્ગના નાયકો માટે વિશેષ માન ધરાવતા હોય છે, જેમ કે ધર્મગુરુઓ, રાજદ્વારીઓ વગેરે. તે પૈકી સાયન્સ અને સાયન્ટિસ્ટો પરત્વે અહોભાવ ધરાવનારાઓ પૈકી કેટલાકને તો સાયન્સ અને સાયન્ટિસ્ટો માટે એટલી અત્યંત શ્રદ્ધા હોય છે કે તે પણ ભ્રમણા (Delusion) બની જાય છે. ધર્માન્ધતા જેવી જ સાયન્સાન્ધતા પણ હોય છે. તેથી આ લખું છું.


સાયન્સ શબ્દનું ભાષાંતર 'વિજ્ઞાન' થઈ ગયું તે ભૂલ હતી. સાયન્સ કશું જ્ઞાન નથી આપતું, ફક્ત માહિતી આપે છે. તેનો ઉપયોગ કરવાની આવડત જુદી કેળવવી પડે. અને તે આવડતનો સદુપયોગ કરવો કે દુરુપયોગ તે જ્ઞાન સાયન્સ ન આપે, આપણે સ્વેચ્છાએ બીજેથી મેળવી લેવું પડે.


1905 થી 1945 સુધીના ચાલીસ વર્ષ દરમ્યાન આઈન્સ્ટાઈને એક વાર પણ એવો વિચાર ના જણાવ્યો કે અણુશક્તિનો ઉપયોગ શાંતિમય હેતુઓ માટે કરી શકાય. છતાં તેઓ 'શાંતિવાદી' ગણાતા હતા. 1939 માં તેમણે અમેરિકન પ્રમુખને પત્ર લખીને સુઝાવ આપ્યો કે જર્મનો બનાવે તે પહેલા અમેરિકાએ અણુબોંબ બનાવવો જોઈએ. બીજા ત્રણ પત્રો લખી દબાણ કર્યું. અણું ને તોડવાની આવડત કેળવવા માટે નિયુક્ત થયેલા સાયન્ટિસ્ટ ઓપનહાઇમરને અને તેમના સહાયક સાયન્ટીસ્ટોને પણ છ વર્ષ દરમ્યાન એવો વિચાર ના આવ્યો કારણ કે સાયન્સથી જ્ઞાન મળતું નથી.


રિચર્ડ ડોકિંન્સ ના જાણીતા પુસ્તક The God Delusionના આધારે કોઈ કોઈ વિદ્વાનો નાસ્તિકતાનો પ્રચાર કરે છે. તે પુસ્તકના 37મા પાના પર એમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ કેવળ ખ્રિસ્તી ધર્મથી પરિચિત છે અને બીજા કોઈ ધર્મ વિષે લખતા નથી. તેઓ જે god ને નકારે છે તે કેવળ બાઇબલનો god છે. છતાં આપણા ભારતીય મહાનુભાવો તે પુસ્તકના મંતવ્યો સ્વીકારવા આપણને આગ્રહ કરે છે. ભારતીય તત્વજ્ઞાનના પરમેશ્વર god કરતાં ઘણા જુદા છે તે સમજતા નથી.


ડોકિન્સનો મુખ્ય વાંધો બાઇબલમાં આવતી આદમ-ઈવની વાર્તા વિષે છે. છ દિવસમાં god એ આખી સૃષ્ટિની રચના કરી. સાતમા દિવસે આરામ કર્યો. પછી તેમને વિચાર આવ્યો કે પોતાના જેવો માણસ બનાવું. તે આદમ. તેની પાંસળીમાંથી સ્ત્રી બનાવી તે ઇવ. ડાર્વિનની ઉત્ક્રન્તિવાદની થીયરી પ્રમાણે બધી જીવસૃષ્ટિને બનતા લાખો વરસો લાગ્યા હતા. તેથી બાઇબલમાંની વાર્તા ખોટી છે. તેને પુરાવો માન્યો કે god નથી એમ સાબિત થઈ ગયું.


તે પુસ્તકમાં લેખકે બાઈબલના જુના કરાર (old testament) અને નવા કરાર (new testament) બંનેની જબરી ઝાટકણી કાઢી છે. પણ એક મુદ્દો ચુકી ગયા છે. તે godએ તો પોતાના એક માત્ર પુત્ર જીસસને પણ બચાવ્યા નહોતા. એક રોમન સૈનિકે તેમના મુખમાં સરકો (vinegar) રેડ્યો ત્યારે જીસસ થી પણ છેલ્લી ક્ષણે બોલાઈ ગયું હતું "હે પ્રભુ, મને કેમ તજી દીધો?" (lama sabachthani, why hast thou forsaken me? - from Bible - Matthew 28:46; Luke 15:34). આવો god હોય કે ના હોય તેની ચર્ચા જરૂરી છે?


પુસ્તકના 50-51 મા પાનાઓ પર ડોકિન્સ આસ્તિક-નાસ્તિક લોકોની સાત શ્રેણીઓ જણાવે છે. સો ટકા આસ્તિકોને પહેલી અને સો ટકા નાસ્તિકોને સાતમી શ્રેણીમાં મૂક્યા છે. પણ પોતાને છઠ્ઠી શ્રેણીમાં ગણે છે સાતમીમાં નહીં. આપણા કોઈ કોઈ ગુજરાતી વિદ્વાનો તો પોતપોતાને સાતમી શ્રેણીમાં મૂકે છે.


બુદ્ધિ બહેર મારી જાય તેવા વિકટ સંજોગોમાં અમારા આશા, હિંમત અને ધીરજ ટકાવી રાખવા માટે અમારી પોતપોતાની આગવી આસ્તિકતા રૂપી કાલ્પનિક દોરી જ અમને મંદબુદ્ધિજનોને કામ લાગે છે. સાયન્સભક્તો તેમાં વિઘ્ન ના નાંખે તો મોટી મહેરબાની.


બધું જ સાયંસ સારું કે સાચું નથી હોતું. યુદ્ધો લડવા માટેના સાધનો સાયન્ટિસ્ટો જ બનાવતા હોય છે. સાયન્સપ્રેમીઓ દલીલ કરે છે કે સાયન્સ પોતાની ભૂલ સુધારી લે છે. તે ખરું પણ તે દરમિયાન જનતાનું ઘણું નુકશાન થઈ ચૂક્યું હોય છે. ઉદાહરણ છે એસ્પિરિન. દાયકાઓ સુધી મનાવતા હતા કે રોજની એક એસ્પીરીન લેવાથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. હવે જણાવે છે કે તેવો કશો ફાયદો થતો નથી. દરમ્યાન દવાખોરો (બનાવવાળાઓ, ડોક્ટરો અને વેચવાવાળાઓ) અઢળક નફો કમાયા. તે દવાથી ફક્ત એક ટકા લોકોને માઠી આડઅસર થતી હોય તો પણ લાખો લોકોએ તે સહન કરવું પડ્યું. ભોગ તેમના, સાયન્સ બિચારું શું કરે?


એસ્પીરીન કરતાં પણ ઘણું વધારે નુકશાન ઓક્સિકોડીન નામની દવાથી થયું છે. શરૂઆતમાં તે બહુ અસરકારક જણાતી હતી પણ નહોતી. ડોક્ટરો અને દર્દીઓ ડોઝ વધારતા ગયા. સેંકડો નહીં પણ હજારો લોકો ઓવરડોઝથી મરી ગયા છે. હવે સાયન્સ તેની ભૂલ સુધારે તેથી શું? ભોગ તેમના, સાયન્સ બિચારું શું કરે?


સાયન્સની શોધો ઘણુંખરું સાયન્ટિફિક સામયિકોમાં જાહેર થાય છે. તે લેખો peer-reviewed (અર્થાત લેખકની કક્ષાના બીજા સાયન્ટિસ્ટોએ ચકાસેલા) હોય છે. આ તો ઋષિમુનિઓ જેવી પ્રથા થઇ. એક ઋષિ ગપ્પું મારે તો બીજા બધા સ્વીકારી લેતા અને અનુયાયીઓને દોરતા. દાખલ તરીકે જીવાત્મા ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થાય પછી જ માનવ અવતાર મળે. કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના. "મારુ શું જાય છે, ચાલવા દો, મને તો લાભ જ છે ને!" એમ માની ગપ્પું ફેલાવા દીધું. તેવી જ વાત બધા સાયન્ટિસ્ટો નહીં કરતા હશે પણ એસ્ટ્રોફિઝિસીસ્ટો તો કરતા હોય તેમ લાગે છે. કરોડો ડોલર ખર્ચીને હબલ ટેલિસ્કોપ બનાવડાવ્યો. તે પણ ઓછું પડ્યું તેથી દસ બિલિયન ડોલરના ખર્ચે જેમ્સ વેબ ટેલિસ્કોપ બનાવડાવ્યો. તેમાંથી જે દેખાયું તે જનતાને લખી જણાવ્યું. આપણે તો તેને સાચું જ માની લેવું પડે. હજારો પ્રકાશવર્ષ દૂરથી આવેલું કિરણ વારંવાર ભારે તારાઓ પાસેથી પસાર થવાથી ફંટાઈ ફંટાઈને પૃથ્વી સુધી પહોંચ્યું હોય તે ક્યાંથી નીકળ્યું હશે તે અનુમાન જ કર્યું હોય. છતાં તે જાણે સીધી લીટી માં જ આવ્યું હશે તેમ માની લેવું પડે.


શ્રી સ્ટેફાન હોકીંગે લખેલી બધી ચોપડીઓ મેં વાંચી છે. તે પૈકી The Theory of Everything માં મહાવિસ્ફોટ (Big Bang) ની વિગત આપી છે. તે સ્વીકારવા જેવી નથી. વધુ માટે જુઓ Did Big Bang Happen? પરંતુ તેના ઢોલ પીટવામાં આવે છે.


ટૂંકમાં સાયન્સની સિદ્ધિઓથી અંજાઈ જઈને સો ટકા નાસ્તિક થઈ જવાની જરૂર નથી.


શ્રીમાન રીચર્ડ ડોકિંન્સ ના જાણીતા પુસ્તક The God Delusion વિશે એક વધુ અવલોકન:


તે પુસ્તક ના 360 પાના છે. તે પૈકી પાના નંબર 111 થી 160 સુધીના ફક્ત 50 પાનામાં પ્રકરણ નંબર 4 છે. તેનું શીર્ષક છે WHY THERE ALMOST CERTAINLY IS NO GOD જેમાં લેખકે તેમના નિરીશ્વરવાદ ના પુરાવા રજુ કર્યા છે. બાકીના 310 પાનામાં તેમના ધર્મની ખામીઓ અને બીજા આનુષંગિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. હવે તે પ્રકરણ નું નામ જુઓ. તેમાં ALMOST શબ્દ છે તે શું સૂચવે છે? એ જ ને કે તેમને પોતાને પણ થોડી શક્યતા તો જણાય છે કે GOD કદાચ હોય પણ ખરો. તો પછી તેમનું અનુસરણ કરીને સો ટકા નાસ્તિક થઇ શકાય?


આ લખનારે તેના એક બીજા લખાણમાં જણાવ્યું છે કે વિષ્ણુ (ભગવાન) નથી કારણ કે પૃથ્વી શેષનાગના શિર પર નથી, શેષનાગ નથી, ક્ષીરસાગર નથી. તેથી દશાવતાર પણ થયા જ ના હોય. એમાં કશી શંકા કરી શકાય તેમ નથી. દશાવતાર ની કલ્પના સમાજ માટે ઉપયોગી છે એમ દલીલ કરી શકાય તો યે તે કલ્પના જ છે એમ સ્વીકારવું પડે.

Home

-----000-----