સદેહે સ્વર્ગમાં

Home

સદેહે સ્વર્ગમાં

(રમૂજ)

હું કશેક જતો હતો કે ક્યાંકથી આવતો હતો. એકલો જ હતો, ચાલતો હતો ને ખિસ્સા પણ ખાલી હતા તેથી ઘરની નજીક જ હોઈશ. સાંજ પડવા આવી હતી. પણ એકદમ અંધારું થઇ ગયું જાણે ખગ્રાસ સૂર્યગ્રહણ થતું હોય. અમાસ તો નહોતી તેથી તે તો શક્ય નહોતું. ઘનઘોર વાદળો પણ નહોતા ચૈત્ર મહિનામાં. તો યે ભૂલો પડી ગયો.

અચાનક એક એવી જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં લોકોની લાઈન લાગી હતી. વચ્ચે બે-ત્રણ મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખીને બધા દૂરદૂર ઊભા હતા અને ધીરે ધીરે આગળ વધતા હતા. બીજે કશે જવાનું ના જડ્યું કે સૂઝ્યું. પૈસા આપવા પડવાના નહોતા તેથી લાઈનમાં જોડાઈ ગયો. આગળવાળા કે પાછળવાળા કોઈની સાથે વાત કરી શકાતી નહોતી.

વધતા વધતા એક ઉદ્વાહક (એસ્કેલેટર) પાસે આવી પહોંચ્યો. ચકડોળમાં ચડવા માટે હોય છે તેવી વ્યવસ્થા હતી. એક એક જણ વારાફરતી ઉપર જતા હતા.

ઉપર પહોંચ્યો. મોટો દરવાજો હતો. તેના પર લખ્યું હતું, संस्कृतमेव ब्रूयातत्र (અહીં સંસ્કૃત જ બોલો.) મને થયું કર્ણાટકના મત્તુર ગામે કેવી રીતે આવી પહોંચ્યો?. ત્યાં બધો વહેવાર સંસ્કૃતમાં જ ચાલે છે. મને તો સંસ્કૃત બરાબર આવડતું નથી. દાયકાઓ પહેલાં નિશાળમાં થોડું શીખેલો. ત્યારના સન્નિષ્ઠ શિક્ષકોએ સારી રીતે ભણાવેલા તેથી થોડું થોડું સમજાય છે. પણ બોલવું કેમ કરીને? પાછા વળાય તેવું તો હતું જ નહિ. યાહોમ કરીને ખસો આગે, પછી ભલે ટાંટિયા ભાંગે.

વિચાર્યું કે મોબાઈલ પર ગુજરાતી-સંસ્કૃતનું એપ્પ (App) ડાઉનલોડ કરી લઉં. તો ફોન પર જ મેસેજ આવ્યો, दूरभाषं निषिध्धं निर्युक्तं च. (ટેલિફોનની મનાઈ છે અને નિષ્ક્રિય, ડિસેબલ, કરવામાં આવ્યું છે.) લે કર વાત! વાઈફાઈ બંધ કર્યું છે છતાં સંસ્કૃતમાં જણાવે છે. વાહ ખુબ.

આગળ તો એરપોર્ટ પર હોય છે તેવું પીપલમુવર હતું. મારે તો ઊભા જ રહેવાનું. ધીમે ધીમે આગળ વધતું હતું. તેના છેડા પર એક શાવરસ્ટોલ હતો તેમાં જવું પડ્યું. તરત જ પાછળનું બારણું બંધ થઇ ગયું અને સ્ટોલ બાજુ પર ખસી ગયો. અંદર આછું અજવાળું હતું. સામે કાચ પર લખાણ આવ્યું गङ्गास्नानं अर्पयाम: (ગંગા સ્નાન કરાવીએ છીએ). આવું કશું સત્યનારાયણ કથામાં ગોર મહારાજ કહેતા હોય છે. કદાચ પંચગવ્ય અને મધથી પણ સ્નાન કરાવે. સામેની ભીંત પર ગંગોત્રીથી બંગાળ સુધીનો આખી ગંગા નદીનો નકશો આવી ગયો. થથરી ગયો. ઉપરવાસમાં ગંગાનું પાણી ખુબ ઠંડુ અને હેઠાણમાં તો ખુબ પોલ્યુટેડ છે. કશું પણ કરી શકું તે પહેલાં જ જલધારા શરૂ થઇ ગઈ. પાણી ઠંડુ કે ગંધાતું નહોતું. જરા વારમાં તો સાવ પલળી ગયો. લખાણ આવ્યું अपि भवत: सर्वाण्यान्तर्गात्राण्यप्यार्द्रिभूतानि. યાદ આવ્યું કે अपि શબ્દથી પ્રશ્નો શરુ થાય. સવાલ સમજાય તો જવાબ આપું ને? ભૂતનો ભય લાગે છે એમ પુછતા હશે? સંસ્કૃતમાં હા કહેતા આવડ્યું નહીં. બે નકાર મળીને એક હકાર થાય છે તેમ માનીને બે વાર ના પાડી. પાણી ચાલુ જ રહ્યું. ગભરાટના માર્યા જાતજાતના ચાળા કર્યા. આખરે પાણી બંધ થયું. કોરોના વાઇરસ ધોઈ નાખવા માટે નવડાવ્યો હશે?

સંદેશો આવ્યો आङ्ग्लवस्त्रान्परित्यज्य् आर्यमेकं वसनं गृध: આવું કોઈ વાક્ય ગીતામાં સાંભળવામાં આવેલું. કશું જવા દઈને બીજું કશું લેવાનું હતું. वसन એટલે વસ્ત્ર તે યાદ આવ્યું. અનુમાનથી અર્થ કર્યો. અંગ્રેજી કપડા કાઢી નાંખી ભારતીય કપડું પહેરો. કપડાં કાઢવામાં મને સંકોચ થતો હતો. પણ નવી વિડીઓ કલીપ ચાલુ થઈ તેમાં બતાવ્યું કે બારણું અંદરથી લૉક કરેલું છે. ભીના કપડા કાઢી નાંખ્યા. નવું ભારતીય વસ્ત્ર શોધવા માંડ્યું. કપડા ના મળ્યા. બીજી વિડીઓ કલીપ પણ ચાલુ થઈ અને ભીંતમાં સ્લોટ ખુલી તેમાંથી અબોટિયું (રેશમી ધોતિયું) નીકળવા માંડ્યું. મારી નાખ્યા! જીવનમાં એક જ વાર તે કોઈ વડીલે પહેરાવેલું ને હું કાયમ માટે ફસાઈ ગયેલો, પરણાવી દીધો મને પત્ની સાથે. બીજી તો ના જ કરાય. વળી તે પહેરવું કેમ કરીને?

તેનો પણ જવાબ વીડીઓમાં હતો मामनुसर (હું કરું છું તેમ કર). કર્યું. ધોતિયું પહેરાઈ ગયું. બીજી સૂચના પ્રમાણે ભીંતમાં એક સ્થળે માથું અડાડયું તો સરસ મઝાનો ચાંદલો પણ કપાળમાં થઈ ગયો. બંદા પક્કા ભૂદેવ બની ગયા! હું કંદોરો તો પહેરતો નથી. ધોતિયાના ભૂમિપ્રેમના પ્રતિકારનું કશું સાધન નહોતું, બે હાથે પકડી રાખવું પડ્યું.

હવે બારણું ખૂલી ગયું. એક કાગળિયું નીકળ્યું. સદેહે સ્વર્ગમાં પ્રવેશ મળવા બદલ અભિનંદન હતા. મારા જેવા નામના બીજા કોઈ ભાગ્યહીનને બદલે હું આવી પહોંચ્યો હતો. મારું રીઝર્વેશન તો નર્કમાં છે.

બહાર નીકળ્યો. થયું, આવ્યો જ છું તો યુધિષ્ઠિરને મળી ઠપકો આપું. ક્યાં શોધું, કોને પૂછું? કોઈ નહોતું. એક કૂતરો દેખાયો. યુધિષ્ઠિરનો જ હોઈ શકે. તેનો પીછો કર્યો. તે અને હું બંને નાસીપાસ થયા. એક કૂતરી પણ દેખાઈ. કૂતરો તેની પાછળ પાછળ જવા લાગ્યો. કાક-મંજરીનો સંવાદ યાદ આવ્યો शुनिमन्वेति श्वा વાળો.

ખભા પર કોઈનો હાથ કળાયો. પાછા વળીને જોયું. એક સજ્જન હસતા હતા. અહીં મળી જાય તેમને સજ્જન કહેવા જોઈએ કે સદ્દેવ? તમે જ કહો. સોશિયલ ડીસ્ટન્સ રાખવા દૂર હટવા જતો હતો પણ તેમણે ના પાડી. તેમણે કહ્યું, "ગુજરાતીમાં બોલીશ તો ચાલશે." મેં કહ્યું, "આપને ઓળખ્યા નહીં".

"હું સંજય, ગીતાવાળો. મેં સાંભળી, વિશ્વરૂપ જોયું, બધું ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું. તેનો તો ના થયો પણ મારો ઉદ્ધાર થયો. અહીં આવી પહોંચ્યો. કૂતરા પાછળ કેમ રખડે છે?"

"હું યુધિષ્ઠિરને શોધું છું".

"તે તો અહીં નથી. તું પીછો કરતો હતો તે કૂતરાની સાથે ઘુસી ગયેલો. લઇ ગયા નર્કમાં, રહી ગયો કૂતરો. યુધિષ્ઠિરને શોધ્યા કરે છે ને ઉદાસ રહે છે."

"કૂતરી કોણ છે?"

"વાલ્મીકિના આશ્રમમાં હતી, સીતાજીની માનીતી. સીતાના ભૂમિપ્રવેશ સાથે તે પણ આવેલી. સીતાજી ગયા વૈકુંઠમાં, કૂતરીને અહીં મૂકી ગયા. ક્યારેક સીતાજી આવીને મળી જાય છે. ખુશ છે."

"આ સ્થળ કેવું છે? કોઈ દેખાતું કેમ નથી?"

" તમારી મૃત્યુલોકની ધરતી પર સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા છે તેવું અહીં બધા લોકનું મંડળ છે. ઘણા જીવો આવે ને જાય. બહુ ઓછા તારી જેમ સદેહે આવે, દેહ વિનાના આત્માઓ હોય, તને ના દેખાય."

"ગીતાના પહેલા અધ્યાયના બારમા શ્લોકમાં ભીષ્મે શંખ વગાડ્યો તે પડકાર ફેંકવા માટે ને? પંદરમા શ્લોકમાં શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય શંખ વગાડ્યો, અર્જુને દેવદત્ત શંખ વગાડ્યો, બીજા સોળ જણાએ પોતપોતાના શંખ વગાડી પ્રતિકાર કર્યો. યુદ્ધનો આરંભ થઇ ગયા પછી અર્જુનને વિષાદ થયો અને પરિણામે સાતસો શ્લોકોની ગીતાનો સંવાદ થયો. કૌરવ પક્ષે બધા સ્થિર પ્રતિમા જેવા થઇ ગયા હતા?"

" સામટા પ્રશ્નો ના પૂછ. બીજું કશું ના પૂછવું હોય તો હું જાઉં." જતા રહ્યા, માથું ખંજવાળતા ખંજવાળતા. ત્યાંની આરોગ્ય વ્યવસ્થા વિષે પૂછવાની તક ના મળી.

સદેહે આવ્યો છું તો દૈહિક વૃત્તિઓ તો થાય જ ને? ભૂખ લાગી. ફળો ઘણા હતા, જાતે તોડીને થોડા ખાઈ લીધા. પછી લાગી. સમજી ગયા ને? અહીં તેની શી વ્યવસ્થા હોય છે તે હવે કોને પૂછું? આવી ખબર હોત તો આગોતરું ખાલીકરણ (preemptive emptying) કરીને જ લાઈનમાં જોડાયો ના હોત? ફાંફા મારતાં शङ्कानिवारणं સ્થાન જડ્યું. અંદર ગયો, કામ પતાવ્યું. હવે જ ખરી મુસીબત ઊભી થઈ. ધોતિયું ઢીલું પડી ગયું હતું. સરખું કરવા ગયો તો નીકળી ગયું. વિડિઓ કલીપ વિના પહેરતા પણ ના આવડે. બહાર જવાય કે ના જવાય, કોણ જાણે, કોને પૂછું? પાછલા બારણેથી બહાર ડોકિયું કરવા ગયો. અડધું જ ખોલ્યું તો બહાર ઘણાબધા અગ્નિશામકસ્ત્રોત (ફાયર હાયડ્રન્ટ ) હતા. આશ્ચર્યવશ બારણું ખોલી બહાર પગ મુક્યો કે તરત જ સામટા ઘણા બધા કૂતરાઓના ભસવાના અવાજ સંભળાયા. તે તો તેમનું મલપ્રપાતક્ષેત્ર હતું. હું ભાગવા ગયો. એકાદ શ્વાનદેવે મારું આર્યવસ્ત્ર પકડી લીધું હતું. પગ અટવાયો. હું ગબડ્યો.

માનવસ્વરનો મહારવ સંભળાયો. દુધવાળાએ ઘાંટો પાડ્યો હતો, કૂતરાઓને હાંકી કાઢવા.

મારી ઊંઘ ઉડી ગઈ.

----- 000 -----

Home