પૂર સંચાલન

home

પૂર સંચાલન

પૂરનિવારણ અથવા પૂરનિયંત્રણ ને બદલે પૂરસંચાલન શબ્દ હેતુપૂર્વક વાપર્યો છે. કારણ કે પહેલા બેમાંથી એકેય શક્ય નથી હોતા. અહીં "સંચાલન" શબ્દ અંગ્રેજી handling અથવા managing ના અર્થમાં વાપર્યો છે. અર્થાત પૂર આવી જ પડે ત્યારે તેને કેવી રીતે સંભાળવું (મેનેજ કરવું)? ખાસ કરીને શહેરની ઉપરવાસમાં ઉકાઈ જેવો ડેમ (બંધ) હોય ત્યારે.

આમ તો આ કામ બહુ સહેલું લાગે તેવું છે. બંધની ઉપરવાસમાં ભારે વરસાદ પડવા માંડે ત્યારે જે કશી આગાહી અને માહિતી મળે તેના આધારે પાણી છોડવા માંડવું કે જેથી જળાશયમાં જગ્યા થઇ જાય અને પૂર આવે ત્યારે ડેમની પાછળ રોકાઈ જાય. વાસ્તવમાં આ કામ એટલું સહેલું નથી. તે સમજવાનો પ્રયત્ન કરીએ.

બહુ ઓછા સ્થળોએ એવા ડેમ બાંધવામાં આવે છે કે જેનો હેતુ પૂરનિવારણ અથવા પૂરનિયંત્રણ હોય. સામાન્ય રીતે ભારતમાં તો ડેમ સિંચાઈ અથવા જળવિદ્યુત ઉત્પાદન અથવા બંને હેતુઓ માટે બાંધવામાં આવે છે. ઉકાઈ ડેમનો હેતુ પૂરનિયંત્રણ નહોતો, સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પાદનનો હતો અને છે. આ હેતુ માટે પાણી બને તેટલું વહેલું અને બને તેટલું વધારે ભરી લેવું જોઈએ. જયારે પૂર ઘટાડવા માટે ડેમનું જળાશય બને તેટલું ખાલી રાખવું જોઈએ. આ બે પરસ્પર વિરોધી બાબતો વચ્ચે સમતુલા જાળવવી હોય તો ગણતરીપૂર્વકનું જોખમ (calculated risk) લેવું પડે. તે કેવી રીતે કરી શકાય તે જોઈએ. પણ તે પહેલા એકમોને સમજી લઈએ.

જળાશયમાં જે પાણી ભરી શકાય તેને સંગ્રહક્ષમતા કહીએ. તેનું માપ ઘ.ફી. (ઘનફીટ) માં ગણાય. ઉકાઈ જેવા મોટા જળાશય માટે તો તે લાખો ઘ.ફી. હોય. તેથી બીજું એકમ એ.ફી. (૧ એકરફીટ = ૪૩,૫૬૦ ઘ.ફી.) પણ વપરાય છે. મેટ્રિક પધ્ધતિમાં ઘ.મી (ઘનમીટર) વપરાય જે હજુ આપણે ત્યાં ચલણમાં આવ્યું નથી.

નદીનો પ્રવાહ માપવા માટે સમયનું પણ ધ્યાન રાખવું પડે. વ્યાજના દર માટે વરસ, મકાનના ભાડા માટે મહિનો, વાહનની ગતિ માટે કલાક, ટાઇપ કરવાની ઝડપ કે હૃદયના ધબકારા માટે મિનીટ વપરાય છે. જયારે નદીનો પ્રવાહ માપવા માટે સેકંડ વપરાય છે. પ્રવાહ દર સેકન્ડે કેટલું પાણી વહે છે તે એકમમાં મપાય છે, જેમકે ૮.૫ લાખ ઘ.ફી./સે. (ઘનફીટ પ્રતિ સેકંડ). સરળતા માટે ઘ.ફી./સે. ને કયુસેક (cusec) પણ કહે છે જે અંગ્રેજી cubic feet per second નું ટૂંક સ્વરૂપ છે.

જળાશય અંગે બે સપાટીઓ મહત્વની હોય છે. પૂર્ણ જળાશય સપાટી(પૂજસ) (Full Reservoir Level અથવા FRL) જે ડેમ ભરવા માટેનું લક્ષ્ય હોય છે. સિંચાઈ અને વીજળી માટે પાણી ભરી રાખવા માટે આ સપાટી આયોજનમાં લેવાય છે. સામાન્ય રીતે ૭૫ ટકા વરસોમાં નાના મોટા બધા પૂરો મળીને આટલું પાણી આવી શકતું હોય છે અર્થાત ૨૫ ટકા વરસોમાં જળાશય થોડું અધૂરું પણ ભરાય. ૭૫ ટકા વરસોમાં વધારે પાણી આવે તે છોડી દેવું પડે. બીજી છે મહાપૂર સપાટી(મપૂસ) (High Flood Level અથવા HFL), મોટા પૂર સમયે પાણી થોડા દિવસો માટે પૂર્ણ જળાશય સપાટીને આંબી જાય તો પણ કઈ સપાટી સુધી ડેમ સલામત રહે તે. ઉકાઈ માટે આ બે સપાટીઓ અનુક્રમે ૩૪૫ અને ૩૫૧ છે.

પૂરને સંભાળવામાં (મેનેજ કરવામાં) બે કુદરતી મર્યાદાઓ, એક માનવનિર્ણિત મર્યાદા અને એક માનવસર્જિત મર્યાદા જાળવવી પડે. બે કુદરતી મર્યાદાઓ (Constraints) છે; જળાશયની સંગ્રહક્ષમતા (જે કાંપ ઠરવાથી ઘટતી જાય છે) અને ડેમની છલતીક્ષમતા (spillway ની પ્રવાહક્ષમતા) એટલે કે છલતીના બાવીસે બાવીસ દરવાજા પુરેપુરા ખોલી નાખવામાં આવે તો તે જળસપાટીએ કેટલું પાણી વહી જશે તે. આ બે આપણા અંકુશની બહાર છે. માનવનિર્ણિત મર્યાદા (Restraint) છે જળાશયની મહત્તમ સપાટી જે ધારીએ તો ૩૪૫ અને ૩૫૧ ની વચ્ચે થોડી વધઘટ કરી શકાય. માનવસર્જિત મર્યાદા છે નદીની પ્રવાહક્ષમતા. તાપીની પ્રવાહક્ષમતા સાડા આઠ લાખ ઘ.ફી./સે. ની હતી તે આપણી સુરતીઓની બેદરકારીને લીધે હવે લગભગ સવા ચાર લાખ ઘ.ફી./સે. જેટલી પણ રહી હોય તો આપણું સદ્ભાગ્ય.

પુરોના બે પ્રકાર હોય છે, નાના કે મધ્યમ પૂરો (small and medium floods) અને મહાપૂરો (major floods). જે પૂરનો મહત્તમ પ્રવાહ નદીની પ્રવાહક્ષમતા કરતા ઓછો હોય તે નાના કે મધ્યમ પૂર ગણાય. જો તે નદીની પ્રવાહક્ષમતા કરતા વધારે હોય તો તે મહાપૂર ગણાય. બધા પૂરોના બે તબક્કા હોય, આરોહ (ચડતું પૂર) અને અવરોહ (ઓસરતું પૂર). મહાપૂરના આરોહના બે ભાગ; પહેલો, પૂર્વારોહ (પ્રવાહ નદીની પ્રવાહક્ષમતા કરતા ઓછો હોય તે) અને બીજો, ઉત્તરારોહ (પ્રવાહ નદીની પ્રવાહક્ષમતા કરતા વધારે હોય તો તે). તેવી જ રીતે અવરોહના પણ બે ભાગ; પહેલો, પૂર્વાવરોહ (નદીની પ્રવાહક્ષમતા કરતા વધારે હોય તો તે) અને બીજો, ઉત્તરાવરોહ (પ્રવાહ નદીની પ્રવાહક્ષમતા કરતા ઓછો હોય તે). આ ચારેય તબક્કાઓમાં આપણી ગણતરીના લક્ષ્ય જુદા જુદા હોય.

નાના અને મધ્યમ પૂરોમાં ઉત્તરારોહ અને પૂર્વાવરોહ ન હોય. આવા પૂરો તો ખાસ ઉપયોગી નીવડે કારણ કે તેના પાણી જ સંઘરી શકાય. પરંતુ મધ્યમ પૂર મહાપૂર થઇ જાય તો ઉપાધિ થાય તેથી તે દરમ્યાન પણ સાવચેતી તો રાખવી જ પડે.

૧) પૂર્વારોહ

સરળતા ખાતર પૂરની શરૂઆતની ક્ષણને આપણે T1 કહીશું અને પૂર્વારોહના અંતની ક્ષણને T2 કહીશું.

પૂરના પૂર્વારોહ દરમ્યાન જ આપણે આગોતરું છોડાણ (advance release for advance depletion) કરી શકીએ કે જેથી ઉત્તરારોહ અને પૂર્વાવરોહ દરમ્યાન છોડાણ ઓછું કરવું પડે. અહી મૂંઝવણ ઉભી થાય છે કે મહાપૂરના ડરથી પાણી છોડી દઈએ અને પૂર ધાર્યા કરતા ઓછું આવે તો પાણી બગાડ્યાનો અફસોસ થાય. આવા સંજોગોમાં જોખમ લેવા માટે ગણતરી કરી શકાય તેમ છે.

આવરો (ઉપરવાસમાંથી જળાશયમાં આવતો પ્રવાહ, inflow) અમુક પૂર્વનિર્ધારિત માપ કરતા વધી જાય ત્યારે આ ગણતરી કરવી જોઈએ. તે સમયે તો પૂર મધ્યમ જ હોય. પણ આવરો વધી શકે, સ્થિર રહી શકે અથવા ઓસરવા માંડે. માની લઈએ કે તે ઓસરવા માંડશે. તો પણ ત્યાર પછીના સમયમાં કેટલું પાણી આવશે તેનું સુત્ર ઉપલબ્ધ છે. તેટલું પાણી ત્રણ કલાકમાં (અથવા નક્કી કરેલા સમયગાળામાં) છોડી શકાય. તેટલું પાણી છોડવા માટેનો દર કુલ જથ્થાને સમયગાળાની સેકન્ડો વડે ભાગવાથી મળે. આ પ્રમાણે પાણી છોડવાનું ચાલુ કરીએ. સપાટી ઘટીને કેટલી થશે તે ગણી રાખીએ. જળાશયની સપાટી પર સતત નિગરાની રાખીએ. જો તે ગણી રાખેલી સપાટી કરતા ઘટવા માંડે તો તરત દરવાજા બંધ કરીને પાણી સંઘરવા માંડીએ. પૂર ઓસરશે તો પણ છોડ્યું તેટલું પાણી તો લાવશે જો કે તેને માટે સમય વધારે લાગશે.

આ વાત નક્કર ઉદાહરણથી સ્પષ્ટ થશે. ધારીએ કે કોઈ એક દિવસે મધ્યાહ્ને ૧૨ વાગ્યે જળાશયની સપાટી ૩૩૬ છે. ત્યાર સુધી આવરો ઘટતો જતો હતો પણ છેલ્લા ત્રણ કલાક દરમ્યાન તે વધ્યો છે. અર્થાત એક નવા પુરની શરૂઆત થઇ હોઈ શકે. ગાફેલ રહેવાને બદલે તરત જ સાવધાન થઇ જઈએ. ઉપર જણાવેલા સુત્રનો ઉપયોગ કરીને ગણીએ કે જો આવરો ઘટવા માંડે તો કેટલું પાણી આવવાની શક્યતા છે. જો તેના કરતા વધારે સંગ્રહક્ષમતા ઉપલબ્ધ હોય તો હાલ તુરત કશું કરવાની જરૂર નથી. છતાં હેઠવાસની પ્રજા તથા સ્થાનિક અધિકારીઓને જણાવી દઈએ કે આવરો વધવા માંડ્યો છે અને ત્રણેક કલાક પછી કદાચ પાણી છોડવું પડશે. બપોરે ત્રણ વાગ્યે (અથવા તે પહેલા) ફરીથી આવરો તેમજ સપાટી ચેક કરી લઈએ. ધારો કે આવરો હજુ વધે છે અને સપાટી ૩૩૬.૨ પર પહોંચી છે. ફરી ઉપરોક્ત સૂત્ર વડે ગણતરી કરીએ. હવે એમ લાગે કે જો આ નવો આવરો ઘટવા માંડે તો જેટલું પાણી આવવાની શક્યતા છે તેના કરતા વધારે સંગ્રહક્ષમતા ઉપલબ્ધ નથી. તો ઉપલબ્ધ સંગ્રહક્ષમતા કરતા વધારાનું પાણી છોડી દેવું જોઈએ. તેનો દર ઉપર દર્શાવાયા પ્રમાણે ગણી ને તે પ્રમાણે પાણી છોડીએ તો સપાટી ૩૩૬.૨ પરથી ઘટીને ૩૩૫.૯ થાય તે ગણી રાખીએ. હવે હેઠવાસના અધિકારીઓને વિશ્વાસમાં લઇ, પાણી છોડવા માંડીએ. સપાટી પર સતત ધ્યાન રાખીએ. સપાટી ઘટીને ૩૩૬ થાય તો તરત પાણી છોડવાનું બંધ કરીએ. પણ જો ઉપરવાસમાંથી વધુ પાણી આવવાની આગાહી હોય તો પરિસ્થિતિનું ફરીથી મૂલ્યાંકન કરીએ. કોઈ સંજોગોમાં બહારથી કશી માહિતી ન મળતી હોય તો પણ સપાટી કેટલી થાય છે તે પરથી પૂરનો અંદાજ આવી શકે. આ પ્રમાણે સતત પરિસ્થિતિનું પુનર્મુલ્યાંકન કરતા રહીને જાવારા (outflow, discharge) નું માપ નક્કી કરતા રહીએ. આ સમય ગાળા દરમ્યાન જાવરો નદીની પ્રવાહક્ષમતા કરતા વધવા ન દેવો જોઈએ.

૨) ઉત્તરારોહ:

આની શરૂઆત T2 ક્ષણે થશે. મહત્તમ આવરાની ક્ષણને આપણે T3 કહીશું. તે ક્ષણે આ તબક્કો પૂરો થશે.

જયારે આવરો નદીની પ્રવાહક્ષમતા જેટલો થાય ત્યારે મધ્યમ પૂર મહાપૂર થઇ જાય. આ સમયે જળાશયની સપાટી સૌથી નીચી પહોંચી હોય. તે અને પૂર્વનિર્ણિત મપૂસ વચ્ચે કેટલી સંગ્રહક્ષમતા ઉપલબ્ધ છે તે ગણી રાખીએ. ઘણુંખરું તો હવે, ભારત સરકારના હવામાન ખાતા તરફથી, આવનારા પૂરના પ્રવાહની માહિતી મળવા માંડે. તેના પરથી ગણી લઈએ કે નદીની પ્રવાહક્ષમતા કરતા વધારાનું કેટલું પાણી આવવાની શક્યતા છે. તેનું માપ જો ઉપલબ્ધ સંગ્રહક્ષમતા કરતા ઓછું હોય તો તે બધું પાણી જળાશયમાં સમાવી શકાશે, જો કે નદીની પ્રવાહક્ષમતા જેટલો જાવરો ચાલુ રાખવો પડે. પણ જો તે માપ વધારે હોય તો બે વચ્ચેના તફાવત જેટલું વધારાનું પાણી પણ છોડવું પડે. અને તેટલે અંશે જાવરો નદીની પ્રવાહક્ષમતા કરતા વધારે રાખવો પડે જેને લીધે નદીના પાણી શહેરમાં પ્રવેશે. જો તેમ ન કરીએ તો ડેમની મપૂસ ઓળંગાઈ જાય, ડેમ તૂટવાનો ભય ઉભો થાય અને શહેરને માથે ઘણું વધારે મોટું સંકટ તોળાય. આ સમય ગાળા દરમ્યાન પરિસ્થિતિ પર સતત ધ્યાન રાખીને મળતી માહિતી અનુસાર જાવરામાં વધઘટ કર્યા કરવી પડે.

૩) પૂર્વાવરોહ:

આ તબક્કો T3 ક્ષણથી T4 ક્ષણ સુધીનો છે. આવરો ઘટીને નદીની પ્રવાહક્ષમતા જેટલો થઇ જાય તે ક્ષણને T4 કહીશું.

આવરો વધવાનો બંધ થઈને ઘટવા માંડે એટલે પૂર્વાવરોહ ચાલુ થાય. હવે થોડી નિરાંત જેવું લાગે તો પણ સાવધાની છોડી ન દેવાય કારણ કે પૂર ફરીથી વધી શકે છે. સામાન્ય રીતે તો જે કોઈ સંગ્રહક્ષમતા બચી હોય તેનો ઉપયોગ આ તબક્કા દરમ્યાન કરી નાંખવો જોઈએ અર્થાત આ તબક્કો પૂરો થાય ત્યારે સપાટી પૂજસ સુધી ઘટી જાય તે પ્રમાણે પાણી છોડ્યા કરવું જોઈએ. તેમ ન કરીએ તો અને જો પૂર ફરીથી વધવા માંડે તો મુશ્કેલી થાય.

મહત્તમ આવરાને આધારે હજુ કેટલું પાણી આવવાનું બાકી રહે છે તેનો અંદાજ ઉપરોક્ત સુત્ર વડે મળી શકે. ધારો કે તે અંદાજ ૫૦ લાખ ઘ.ફી. છે, પણ જળાશયમાં ૩૦ લાખ ઘ.ફી. જેટલી જ જગ્યા બચી છે. તો તફાવતના ૨૦ લાખ ઘ.ફી. જેટલું પાણી નદીની પ્રવાહક્ષમતા ઉપરાંત છોડવું જોઈએ. જો ઓછું પાણી છોડીએ તો ઉપલબ્ધ સંગ્રહક્ષમતાનો પુરેપુરો ઉપયોગ ન થાય, વધારે છોડીએ સુરત વિસ્તારને બિનજરૂરી ત્રાસ સહન કરવો પડે.

૪) ઉત્તરાવરોહ:

આવરો નદીની પ્રવાહક્ષમતા કરતા ઘટી જાય તે T4 ક્ષણથી આ તબક્કો ચાલુ થાય તે ભવિષ્યમાં બીજું પૂર આવે ત્યાં સુધી ચાલે. આની શરૂઆતમાં જો જળસપાટી પૂજસ કરતા વધારે હોય તો નદીની પ્રવાહક્ષમતા જેટલો જાવરો ચાલુ રાખવો જોઈએ. સપાટી પૂજસ સુધી ઉતરી જાય ત્યારથી જાવરો આવારા જેટલો કરવો જોઈએ કે જેથી પૂજસ જળવાઈ રહે સિવાય કે વ્યાજબી કારણોસર સપાટીને વધુ નીચી લાવવાની જરૂર હોય.

ઉત્તરારોહ અને પૂર્વાવરોહ:

T2 અને T4 વચ્ચેનો સમય ગાળો ખાસ ધ્યાન માંગી લે છે. તે દરમ્યાન ક્યારે કેટલું પાણી છોડવું જોઈએ તેનો આધાર આપણે શાને મહત્વ આપીએ છીએ તેના પર રહે છે. ધારો કે આપણે એવું નક્કી કરીએ કે જળસપાટી ૩૪૫ થી વધવા દેવી જ નથી તો મહાપૂર દરમ્યાન ઘણું વધારે પાણી છોડવાની જરૂર પડી શકે. બીજી બાજુ જો એવું નક્કી કરીએ કે જાવરો નદીની પ્રવાહક્ષમતા કરતા ન જ વધવો જોઈએ તો કોઈ કોઈ સંજોગોમાં જળાશયની સપાટી ઘણી ઊંચી જાય જેને લીધે ડેમની સલામતી જોખમાઈ શકે. એકેય વિકલ્પ એવો નથી કે બધા સંજોગોમાં કામ લાગે. કેવી પરિસ્થિતિમાં કયો વિકલ્પ સ્વીકારવો અથવા બે વચ્ચે સમન્વય કરીએ તેમાંથી જે વધારે હિતાવહ નીવડે તે સ્વીકારવો જોઈએ. આને માટે જુદીજુદી પરિસ્થિતિઓ (scenario) ની ગણતરીઓ કરીને નીતિ (policy) નક્કી કરી રાખવી જોઈએ કે જેથી ચાલુ પૂર દરમ્યાન ગૂંચવાડો કે મૂંઝવણ ન રહે.

મપૂસનું મહત્વ:

ઉકાઈ જળાશયની "ભયજનક સપાટી" ૩૪૫ છે કે ૩૫૧? ડેમની સ્ટ્રકચરલ ડીઝાઇન ૩૫૧ માટે કરવામાં આવી હતી. છતાં એવો ભ્રમ પ્રવર્તે છે કે તે ૩૪૫ છે. જો ૩૪૫ જ રાખીએ તો બે સપાટીઓ વચ્ચે ઉપલબ્ધ સંગ્રહક્ષમતાનો પૂરેપુરો ઉપયોગ ન થાય. પરિણામે જરૂર કરતા વધારે પાણી સુરત પર છોડવું પડે. તેથી ખાસ અગત્યની બાબત છે કે આ ભ્રમનો ખુલાસો કરીને સૌ સંબંધિત વ્યક્તિઓ તથા સંસ્થાઓને જાણ કરી દેવામાં આવે કે ઉકાઈની "ભયજનક સપાટી" ૩૫૧ છે.

નદીની પ્રવાહક્ષમતાનું મહત્વ:

આ બાબત ખાસ સમજવા જેવી છે. નદીની પ્રવાહક્ષમતાની ભારે અસર પૂરના તબક્કાઓ પર પડે છે. જો પ્રવાહક્ષમતા ઓછી થાય તો પુર્વારોહ, T1 અને T2 વચ્ચેનો સમય ગાળો, ટૂંકો થઇ જાય. પરિણામે આગોતરું છોડાણ કરવા માટેનો સમય તેમજ તેની પ્રવાહમર્યાદા ઘટી જાય. તેથી આગોતરા છોડાણનો જથ્થો ઘટી જાય. વળી T2 થી T4 નો સમય ગાળો વધી જાય તેમજ તે દરમ્યાન જે જથ્થો ડેમની પાછળ રોકી રાખવો જોઈએ તેનું માપ પણ વધી જાય. આમ બેવડું નુકશાન થાય છે. તેને લીધે T2 થી T4 દરમ્યાન ઘણું વધારે પાણી છોડવું પડે. માટે સુરત અને સુરતીઓના હિત ખાતર તાપીની પ્રવાહક્ષમતા બને તેટલી વધારવાના બધા પ્રયત્નો કરવા જોઈએ.

કિસ્સા અભ્યાસ (Case Study) :

જ્યાં લોકોના જાનમાલની સલામતી જોખમાતી હોય ત્યાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે તૈયારી કરી રાખવી સારી. ભારતીય જળ આયોગ દ્વારા ઉકાઈ ડેમ માટે સૌથી ખરાબ પૂર, મહત્તમ સંભવિત પૂર (Maximum Probable Flood) કેટલું આવી શકે તેનો જળાલેખ (hydrograph) બનાવવામાં આવ્યો છે. તે પ્રમાણે જે પૂર આવી શકે તેમ છે તેનો મહત્તમ આવરો ૨૧.૧૬ લાખ ઘ.ફી./સે. છે. આ પૂર જો ૧૯૭૪ માં આવ્યું હોત તો ત્યારે તાપીની પ્રવાહક્ષમતા ૮.૫ લાખ ઘ.ફી./સે. હતી. ત્યારે સુરત પર કેટલું પાણી છોડવું પડ્યું હોત તેની ગણતરી કરી છે. તેમાં પણ બે વિકલ્પ મપૂસ ૩૪૫ અથવા ૩૫૧ ની ગણી છે. તે જ પૂર જો હવે આવે તો તાપીની પ્રવાહક્ષમતા ફક્ત ૪.૨૫ લાખ ઘ.ફી./સે. રહી છે એમ માનીને તે પ્રમાણે પરિણામ કેવા આવે તેની ગણતરી પણ કરી છે. ચારેય સંજોગોના પરિણામો નીચેના કોષ્ટકમાં રજુ કર્યા છે.

નીચે પરિણામોના જે આંકડા આપ્યા છે તે સરખામણી માટે જ છે, શીલાંકિત (Cast in concrete) નથી. મપૂસ અને તાપીની પ્રવાહક્ષમતામાં ફેરફાર થવાથી પૂર સંચાલનના પરિણામો પર શું અસર થાય તે દર્શાવવાનો પ્રયત્ન માત્ર છે. આ લખનાર આશા રાખે છે કે કોઈ વધારે બુદ્ધિશાળી વ્યક્તિ આના કરતાં સારા પરિણામો લાવવાની રીત શોધી કાઢે. પણ ત્યાં સુધી આપણી તકેદારી ઘટવા દેવાનું પરવડે તેમ નથી.

ઉપરના પરિણામો દર્શાવે છે કે

૧) મપૂસ ૩૫૧ પરથી ૩૪૫ પર લાવવાથી સુરત પર છોડવા પડતા પાણીમાં લગભગ ૩,૭૬,૦૦૦ લાખ ઘનફીટ જેટલો વધારો થઈ જાય છે.

૨) તાપીની પ્રવાહક્ષમતા ૮.૫ લાખ ઘનફીટ પ્રતિ સેકંડ પરથી ૪.૨૫ લાખ ઘનફીટ પ્રતિ સેકંડ થઈ જવાથી

  • પૂર્વારોહનો સમયગાળો ૩૩ પરથી ઘટીને ૨૪ કલાક થઈ જાય છે,

  • તે દરમ્યાન કરી શકાતું આગોતરું છોડાણ ૧,૯૬,૫૩૨ પરથી ઘટીને ૮૭,૯૯૨ થઈ જાય છે,

  • ઉત્તરારોહનો સમય ગાળો ૨૪ પરથી વધીને ૩૩ કલાક થઈ જાય છે,

  • પૂર્વાવરોહનો સમયગાળો ૨૪ કલાક પરથી વધીને ૩૩ કલાક થઈ જાય છે,

  • વધારાના પાણીનો કુલ જથ્થો ૧૩,૧૩,૧૫૩ પરથી વધીને ૨૬,૪૧,૫૬૩ થઈ જાય છે.

  • પરિણામે સુરત પર છોડવા પડતા પાણીના જથ્થામાં જે વધારો થાય છે તે મપૂસના ઘટાડા કરતા લગભગ ત્રણ ગણો છે.

૩) તાપીની પ્રવાહક્ષમતા ૪.૨૫ પરથી ૬.૦ કે ૬.૫ લાખ ઘનફીટ કરી શકાય તો પણ ઘણો ફાયદો થાય એમ છે.

દેખીતું છે કે ઉકાઈ જળાશયના મપૂસને ૩૫૧ પર રાખવા ઉપરાંત તાપીની પ્રવાહક્ષમતા પણ બની શકે તેટલી વધારવાની તાતી જરૂરિયાત છે.

રૂલ લેવલ:

ઉપર જણાવ્યા પ્રમાણે જળાશય ભરવું કે ખાલી રાખવું તે અંગે દ્વિધા રહે છે. તેનો એક ઉપાય એવો સુઝ્યો કે જળાશય ભરવું તો ખરું પણ ઉતાવળ કાર્ય વગર. તેમાંથી રૂલ લેવલની પરિકલ્પના (Concept) આવી. તે પ્રમાણે ચોમાસાની શરૂઆતથી ૩૦ મી સપ્ટેમ્બરે તેનો અંત આવે ત્યાં સુધી જુદી જુદી તારીખો માટે જુદી જુદી ધીમે ધીમે વધતી જતી જુદી જુદી જળસપાટીઓ નક્કી કરવામાં આવી. જે તે તારીખે તેને માટે નક્કી કરેલી સપાટી કરતા વધારે પાણી નહિ ભરવાનું. આમ કરવાથી પૂરનું સંચાલન યોગ્ય રીતે થઇ શકશે એવું માનવામાં આવતું હોય તેમ લાગે છે. તે માન્યતા કેટલે અંશે સાચી છે તે જોઈએ.

આ અભ્યાસ માટે સાત જુદાજુદા માપના પૂરોના સંચાલનની ગણતરીઓ કરી. ભારત સરકારના જળ આયોગે નક્કી કરેલા મહત્તમ સંભવિત પૂર (Maximum Probabale Flood, MPF) ને પ્રમાણભૂત માનદંડ (Standard reference ) તરીકે સ્વીકારીને શરૂઆત કરી. તે પૂરનો મહત્તમ આવરો ૨૧.૧૬ લાખ ઘનફીટ પ્રતિ સેકંડ છે. તેનાથી નાના છ પૂરો કે જેમના મહત્તમ આવરા ૬.૦, ૯.૦, ૧૨.૦, ૧૫.૦, અને ૧૮.૦ લાખ ઘનફીટ પ્રતિ સેકંડ હોય તેમનો પણ અભ્યાસ કરવો જોઈએ. તેથી મહત્તમ સંભવિત પૂર ના દર ત્રણ કલાકના માપને પ્રમાણસર ઘટાડીને તેમના જળપ્રવાહાલેખ તૈયાર કાર્ય. આમ બધા મળીને છ પૂરોની ગણતરી કરી. દરેક પૂર માટે છ જુદી જુદી પરિસ્થિતિઓ હોય તો કેવા પરિણામ આવે તે ચકાસણી કરી. આમાં બે મપૂસ (૩૫૧ અને ૩૪૫) અને ત્રણ પ્રારંભિક સપાટીઓ (૩૩૩, ૩૩૯ અને ૩૪૫) માટે ગણતરીઓ કરી. બધામાં તાપી નદીની પ્રવાહક્ષમતા ૪.૨૫ લાખ ઘનફીટ પ્રતિ સેકંડ ગણી છે.

જે પરિણામો બે જુદા જુદા કોષ્ટકોમાં નીચે રજુ કર્યા છે. પહેલા કોષ્ટકમાં દરેક પરિસ્થિતિમાં મહત્તમ જાવરો કેટલો રાખવો પડે તે માહિતી આપી છે. બીજા કોષ્ટકમાં મહત્તમ કેટલી થાય તે જણાવી છે.

નીચે પરિણામોના જે આંકડા આપ્યા છે તે સરખામણી માટે જ છે, જડબેસલાક અફર (Cast in concrete) નથી. પ્રારંભિક સપાટી અને મપૂસમાં ફેરફાર થવાથી પૂર સંચાલનના પરિણામો પર શું અસર થાય તે દર્શાવવાનો પ્રયત્ન માત્ર છે. આ લખનાર આશા રાખે છે કે કોઈ વધારે બુદ્ધિશાળી વ્યક્તિ આના કરતાં સારા પરિણામો લાવવાની રીત શોધી કાઢે. પણ ત્યાં સુધી આપણી તકેદારી ઘટવા દેવાનું પરવડે તેમ નથી.

કેટલાક કિસ્સાઓમાં છલતી ક્ષમતાને લીધે જાવરો મર્યાદિત કરવો પડ્યો હતો.

મહત્તમ જાવરો

મહત્તમ જળ સપાટી

જોઈ શકાય છે કે મહાપૂર સપાટી ૩૫૧ પરથી ઘટાડીને ૩૪૫ કરવાથી મહત્તમ જાવરો ઘણો વધી જાય છે.

બધા પૂરો એક સરખા નથી હોતા. દાખલા તરીકે ૧૯૬૮ નું પૂર એટલી ઝડપથી વધ્યું હતું કે ૧૯ જ કલાકમાં તો ૪.૨૫ લાખ

લાખ ઘ.ફી./સે. થઇ ગયું હતું અને ૨૨મા કલાકે તો ૮.૫૦ લાખ ઘ.ફી./સે. પર પહોંચી ગયું હતું. ૧૯૬૮માં તો તાપીની પ્રવાહક્ષમતા ૮.૫૦ લાખ ઘ.ફી./સે. હતી જે હવે ૪.૨૫ લાખ ઘ.ફી./સે. જ રહી છે. પરિણામે ત્યારે ૭,૬૨,૮૦૪ લાખ ઘ.ફી. પાણી રોકવું પડ્યું હોત તેને બદલે હવે ૧૫,૬૯,૦૨૪ લાખ ઘ.ફી. પાણી રોકવું પડે. જો આવું પૂર હવે આવે તો શું થઇ શકે તેના પરિણામ નીચે રજુ કર્યા છે.

મહાપૂર સપાટી ૩૫૧ પરથી ઘટાડીને ૩૪૫ કરવાથી કેટલું વધારે પાણી છોડવું પડે તે જોઈ શકાય છે.

(આ લેખમાં જે પદ્ધતિનું વર્ણન છે તેનો સ્વીકાર ગુજરાત સરકારે હજુ સુધી કર્યો નથી તેથી તે સત્તાવાર નથી. છતાં તે અમલમાં મુકવા જેવી છે.)

ઉકાઈ જળાશયની ભયજનક સપાટી

ખતરનાક રૂલલેવલ

પૂર સંચાલન

floodmodulation

fooodanalogy

home