આપણું કલંક આપણે વાંચીએ છીએ ઘણું અને લેખકની પ્રતિષ્ઠાને કારણે વાંચેલું બધું સ્વીકારી પણ લઈએ છીએ. આપણે ઘણું સાંભળીએ પણ છીએ અને બોલનારની વકતૃત્વ શક્તિથી અંજાઈ જઈને સાચું માની પણ લઈએ છીએ. મહત્વ વાંચવા અને સાંભળવા સાથે વિચારવાનું પણ છે કે આમાંથી કેટલું સ્વીકારવા જેવું, કેટલું નકારવા જેવું અને કેટલું વ્યર્થ વાણીવિલાસ તરીકે અવગણવા જેવું છે. આમ વિચારવામાં નડતા અંતરાયો છે : - આપણને વારસામાં મળેલી શ્રદ્ધા, જે ખરેખર તો અંધશ્રદ્ધા પણ હોઈ શકે, જે હિરણ્યમય પાત્રની જેમ આકર્ષક અને મૂલ્યવાન દેખાવા ઉપરાંત સત્યને ઢાંકી દે છે,
- આપણી ઈશ્વરદત્ત વિવેકબુદ્ધિ વિષેની આપણી હીનતાગ્રંથિ,
- સામાજિક પરંપરાનો પ્રતિકાર ન કરવાનું ડહાપણ.
થોડી વાર માટે આપણા હિન્દુત્વને બાજુ પર રાખીને હવે વિચારીએ: - કોઈ એક સ્ત્રી પર બળાત્કાર થયો હોવાની શક્યતા હોય તો તે બળાત્કાર નથી થયો તેની ખાતરી કરવા તે સ્ત્રીની પરીક્ષા લેવી અને તે પણ એવી રીતે કે જો બળાત્કાર થયો હોય તો તે ભોગ બનેલી (victim) સ્ત્રી બળી મરે તેવી મનોવૃત્તિ તાલિબાનોની હોઈ શકે. આપણી પણ? જો રાવણે સીતાજી પર બળાત્કાર કર્યો હોત તો તે અપરાધ રાવણનો હોત છતાં સીતાજી બળી મર્યા હોત કે નહીં? શું આ ન્યાયી હોત? આ શું ક્રૂરતાયુક્ત મૃત્યુ ના હોત? આ શું સત્ય, ન્યાય અને માનવીયતા વિહીન કૃત્ય નહોતું? ન્યાય કે માનવીયતાની કોઈ જ મર્યાદા "મર્યાદા પુરુષોત્તમ"ને ના નડી?
- સીતાજીના પ્રશ્નના જવાબમાં રામે કહ્યું કે આ પરંપરા તેમનાથી આરંભ અને તેમનાથી જ અંત પામશે. એનો અર્થ એવો જ ને કે તેમને એકલાને જ આ અન્યાય માટે તારવવામાં (singled out) આવ્યા હતા? આ પરીક્ષા જો લેવા જેવી હતી તો તે કાયમ માટે ચાલુ કેમ ના રાખી? મારી પત્ની જો આવી પરિસ્થતિમાં મુકાય તો શું મારે પણ આવી કશી પરીક્ષા લેવાની? કોઈ બીજી સ્ત્રી જો આવા સંજોગોમાં મુકાય અને તેનો પતિ આવી કોઈ પરીક્ષા લેવા માંગે તો તે આપવાનો ઉપદેશ આપવો જોઈએ?
- અહલ્યાના કિસ્સામાં એક ભૂલ થઇ તો હતી. તેને માફ કરી પણ સીતાજીને તો બીજાના દોષ માટે પણ દંડ દેવાનો? બીજાની પત્ની ક્ષન્તવ્ય પણ પોતાની પત્ની અક્ષમ્ય? શા માટે?
- અણસમજુ ધોબીએ તો ખોટો આક્ષેપ કર્યો, પણ સત્યનું સમર્થન કરવાની રામની ફરજ નહોતી? પ્રજાને વાંધો હોય તો પોતે રાજ્યાસન છોડીને સીતાજી સાથે નજીકના કોઈ વનમાં ના જઈ શકયા હોત? રાજ્ય તો ભરતે ચૌદ વરસો સુધી સારી રીતે ચલાવેલું તેમ ફરીથી ચલાવત. પ્રજાનું કલ્યાણ કરવા માટે રાજ્યસત્તા હોવી આવશ્યક છે એમ હાલના આપણા નેતાઓ માનતા હોય છે તેમ રામ પણ માનતા હતા?
- અગ્નિપરીક્ષામાં પવિત્ર નીવડેલા સીતાજીનો ત્યાગ કર્યો. તેમને પોતાનો બચાવ કરવાની તક પણ ના આપી. જુઠું બોલીને લક્ષ્મણ સાથે વનમાં મોકલી આપ્યા. સજા તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ થતી હતી તેનો વિચાર પણ ના કર્યો. પાછળથી સીતાજીનું અને તેમના ગર્ભનું શું થયું તે જાણવાની દરકાર ના લીધી. સપ્તપદીમાં સીતાજીનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું કે નહીં? તો ખોટા આક્ષેપ વિરુદ્ધ તેમનું રક્ષણ ન કરીને તેમણે વચનભંગ નહોતો કર્યો? રક્ષણ શું પત્નીના ભૌતિક શરીરનું જ કરવાનું, તેના સન્માનનું નહીં? રામ વડે ત્યાગ કરાએલા સીતાજી વિશે અશ્વમેધ યજ્ઞ સુધી અયોધ્યાની પ્રજાએ ખરાબ અભિપ્રાય રાખ્યો જ હશે ને? પાછળથી જાણે કે તેઓ પવિત્ર હતા તેથી શું?
- અયોધ્યાની પ્રજા શું એટલી નાદાન હતી કે તેના પર દાખલો બેસાડવા માટે નિર્દોષને સજા કરવી જ પડે?
- કૈકેયીએ માંગેલું વચન ભરતની ઈચ્છા કે અનિચ્છા પર નિર્ભર નહોતું. રાજ્યાસન નકારવાનો વિકલ્પ ભરતને હતો જ નહીં તે કેમ ભૂલી જવાય છે? ભરતે પ્રાણત્યાગ કરવાનું કહ્યું ત્યારે તેને તેમ કરવાને બદલે રાજ્યાસન સ્વીકારવાની આજ્ઞા કરી શક્યા હોત કે નહીં? દશરથના વચનનું પાલન ન જ થયું ને? પોતાની પાદુકા આપવાને બદલે દશરથની પાદુકા કે મૂર્તિ કેમ ના મુકાવી?
- શુર્પણખાનો વધ એટલા માટે ના કર્યો કે તે સ્ત્રી હતી. તો તાડકાનો વધ કેમ કર્યો?
- પર્વત પર રહેતા શંબુકના તપથી અયોધ્યાવાસી બ્રાહ્મણના પુત્રનું મરણ થાય તેવી "કહેતા ભી દીવાના ઔર સુનાતા ભી દીવાના" જેવી ગુરુઓની સલાહ સ્વીકારીને રામે તેનો વધ કર્યો તે શું યોગ્ય હતું?
- ટૂંકમાં પત્નીઓ અને શૂદ્રોને અન્યાય થાય તો તે આપણને ખૂબ ગમે છે.
ઉપરના કારણોને લીધે શું એ સ્પષ્ટ નથી કે રામની પૂજા એ આપણું સૌથી ખરાબ કલંક છે? મારું માનવમન દુભાય છે તેથી આપણા આ ઈષ્ટદેવના અત્યાચારોને ઉઘાડા પાડું છું. તેમને છાવરવા તમારી દુભાતી ધાર્મિક લાગણી રૂપી બુરખો ઓઢાડવો હોય તો તમારી મરજી. |