ઝબકારો

Home

(મારા મનમાં ઉમટતા વિચારોના વાદળો વચ્ચે કોઈ વાર ઝબકારો થઇ જાય છે. તે આપની જાણ ખાતર રજુ કરું છું.

તેમાંથી પ્રકાશ મેળવવો કે અગ્નિ તે આપની પોતપોતાની મરજી.)

June 14, 2017

ગીતાના બીજા અધ્યાય અનુસાર જો આત્મા અવિનાશી અમર હોય અને આપણા શરીરો વસ્ત્રો જેવા હોય તો કંસ કે કૌરવોના શરીરોને મારવાનો કશો પણ અર્થ હતો ખરો? તેમના શરીરોને બદલે તેમના કંસત્વ અને કૌરવત્વને ઈશ્વર કેમ ના નાબૂદ કરી શકે?

June 23, 2017

જીવન માટે આશા આવશ્યક છે, આશાનો પાયો છે શ્રદ્ધા. બધી બાજુથી અત્યંત વિષમ સંયોગોથી ઘેરાયેલી વ્યક્તિ નિરાશ થઈને જો રેશનલ દૃષ્ટિકોણથી વિચારે તો તેને એમ લાગી શકે કે આપઘાત કરવા સિવાય બીજો કશો ઉપાય નથી. આવો વિચાર આવવાનું કારણ શ્રદ્ધાનો સદંતર અભાવ. કોઈના પર કે કશાક પર જો શ્રદ્ધા હોય તો આશાનું નાનું સરખું પણ કિરણ તે વ્યક્તિને જીવતી રાખી શકે.

June 24, 2017

મનગમતાના વખાણ જ કરવા અને અણગમતાની નિંદા જ કર્યે રાખવી તેના કરતાં ગમતાની ભૂલો સમજી તેમને ટાળવી અને અણગમતાના સદ્ગુણો સ્વીકારી તેમનું અનુકરણ કરવું જોઈએ

Jul 9, 2017

એક બાણ વાગવા માત્રથી મરી જાય તેવા નાશવંત શરીરના જન્મનો ઉત્સવ ધામધૂમથી મનાવવાથી તે શરીરમાં થોડા દાયકા રહી ચૂકેલા આત્માએ બોધેલા સાંખ્યયોગનું અપમાન નથી થતું?

July 13, 2017

દુષ્કૃતોનો વિનાશ એટલા માટે કરવાનો કે તે સાધુઓ (સજ્જનો અને સન્નારીઓ) ને ઘણા દુઃખ આપતા હોય છે? પણ દુઃખ અને સુખને તો સરખા ગણવાના છે. તો પછી 'સંભવામિ' શા માટે? દુષ્કૃતો અને સાધુઓને સરખા કેમ નહિ ગણવાના? વળી યુગે યુગે જ શા માટે, સો સો વરસે કેમ નહિ? સત્યુગમાં પાંચ વાર, ત્રેતામાં બે વાર, દ્વાપરમાં અને કળિયુગમાં એક જ વાર અવતાર લીધા એમ કેમ? સત્યુગમાં દુષ્ટો ઘણા પાક્યા? તો તેને સારો કેમ કહે છે?

July 18, 2017

અર્જુન તો સદેહે સ્વર્ગમાં જઈ આવ્યો હતો, ઉર્વશીને નકારી આવ્યો હતો. પછી શ્રીકૃષ્ણના મુખે ગીતા સાંભળી, વિશ્વરૂપ પણ જોયું, છેલ્લે કૃષ્ણે વચન પણ આપ્યું કે તેઓ તેને તેના બધા પાપમાંથી મુક્ત કરશે. છતાં પર્વતારોહણ સમયે તેને સ્વર્ગમાં પ્રવેશ ના મળ્યો, યુધિષ્ઠિર અને કૂતરાને મળ્યો! શું કૃષ્ણે અર્જુનને છેતર્યો હતો કે વ્યાસ આપણને સૌને મૂરખ બનાવે છે?

July 19, 2017

મને લાગે છે કે બંને વાત બનેલી. કૃષ્ણે જોયું કે આ અનાડી કશી વાતે માને તેવો નથી. કૃષ્ણ અત્યંત મહાન લોકહિતૈષી રાજપુરુષ હતા, પરમેશ્વરની ઘણા નિકટ હતા પરંતુ પરમેશ્વર નહોતા. કોઈના પાપ માફ કરવાની તેમને સત્તા નહોતી. છતાં આપત્તિધર્મ ગણીને તેને ખોટું વચન આપ્યું. અને વ્યાસ તો આપણને આખા મહાભારતમાં મૂર્ખ જ બનાવે છે.

July 22, 2017

મારા જન્મસ્થળે જતા પહેલા મારા આત્માને તેની સાથે બુદ્ધિ અને શ્રદ્ધાનું ભાથું બાંધી જવાની તક મળેલી. હું તો પહેલેથી જ ઢીલો તે બંને લાઈનમાં છેલ્લો રહી ગયો. નાના નાના બે પડીકા જ મળ્યા, અલ્પબુદ્ધિ અને અલ્પશ્રદ્ધાના. આસ્તિક બન્યો પણ બધા ધર્મો અને સંપ્રદાયોથી આઝાદ. એક મોટું પડીકું કોઈ ન્હોતું લેતું તે લીધું. તેમાંથી મળી ભરપૂર ધૃષ્ટતા. તેથી સૌ કોઈની ખણખોદ કર્યા કરું છું.

July 28, 2017

જેમને સ્વર્ગે કે વૈકુંઠે જવું હોય તેમને માટે ધાર્મિક વિધિઓ જરૂરી હશે. બીજાઓ માટે તો નકામી ઝંઝટ જ ને?

August 2, 2017

"માર્યો જઈશ તો સ્વર્ગે જઈશ, જીતીશ તો રાજ્ય ભોગવીશ" નો યોગ્ય જવાબ "સ્વર્ગમાં તો હું જઈ આવ્યો છું, જીતીશ તો મોટોભાઈ ફરીથી દાવમાં મૂકીને દાસ નહિ બનાવે? માટે હે ભલા ભગવાન, ખોટી લાલચ ના આપ. હું તો નથી જ લડવાનો." હોવો જોઈતો હતો કે નહિ?

August 6, 2017

સંતો કે મહાત્માઓને પરમેશ્વર માની તેમની પુજા કરવાનો લાભ એ ખરો કે તેઓના આદર્શો અને ઉપદેશોનું આચરણ કરવામાંથી આપણને મુક્તિ મળી જાય છે.

August 15, 2017

જેના બહુ જન્મો મહાભારત પહેલા થયા હતા તેના બીજા ઘણા જન્મો ત્યાર પછી પણ થયા જ હશે. તે બધાનો ઉત્સવ મનાવવા માટે તો એક વરસના 360 દિવસો પણ ઓછા પડે. ઉત્સવ તો દરરોજ મનાવવો જોઈએ. તો આજે આપણે કેમ ઉત્સવ મનાવવીએ છીએ?

August 16, 2017

એક દોડવીર હતા. તેમના પાડોશીને ત્યાં ચોરી કરીને ચોર નાસતો હતો. ઘણા લોકો પકડવા દોડ્યા પણ દોડવીર સિવાય બીજા બધા થાકી ગયા. ચોરને પકડીને પાડોશીનો મુદ્દામાલ પાછો લેવાને બદલે દોડવીર ચોરથી પણ આગળ નીકળી ગયા. કોઈએ પૂછ્યું કેમ દોડો છો તો કહે, "પેલો મૂરખ ચોર શું જાણે કે હું શહેરનો સૌથી ઝડપી દોડવીર છું, ક્યાંય પાછળ પાડી દીધો." આવું જ ગુરુઓનું પણ છે. આ જન્મની વિકટ સમસ્યાઓના સમાધાન માટે લોકો તેમની પાસે જાય. તેને બદલે તેઓ આવનારો બીજો જન્મ સુધારવાની વાત કરે. કેટલાક વિજ્ઞાનીઓ સુધ્ધાં આવા હોય છે. પૃથ્વી પરની મુશ્કેલીઓના નિરાકરણ શોધવાને બદલે અબજો કિલોમીટર દૂરના તારાઓ વગેરેનો અભ્યાસ કરવામાં અને હિગ્સબોસોન જેવા અત્યંત ઝીણા અને ક્ષણાર્ધજીવી નિરુપયોગી કણોને શોધવા માટે CERN જેવી પ્રયોગશાળાઓ બાંધવામાં પ્રજાઓના અબજો સાર્વજનિક ડોલર વેડફી નાખે છે. બીજા કેટલાક ઈશ્વર નથી એમ પુરવાર કરતા પુસ્તકો લખવા કે ભાષણો આપવા પાછળ પોતાનો અને વાંચકો કે શ્રોતાઓનો સમય વેડફતા હોય છે.

August 21, 2017

સૂર્ય આડે ચંદ્ર આવે તો સૂર્યગ્રહણ થાય. ઇશ્વર આડે ગુરુ આવે તો 'ઈશ્વરગ્રહણ' થાય. શાણા ગુરુએ આઘા રહેવું જોઈએ ને?

September 9, 2017

શ્રીકૃષ્ણે કહ્યું હતું કે "ધ્રુવં જન્મ મૃતસ્ય" અર્થાત "મરેલાનો જન્મ નિશ્ચિત છે." આપણા મરેલા પૂર્વજોના પણ પુનર્જન્મ તો થયા જ હોય. તેમને કાકવાસ લેવા બોલાવીએ અને તેઓ આવે તે સમય દરમ્યાન તેમના અત્યારના શરીરનું શું થતું હશે? નિષ્પ્રાણ બની જતા હશે?

September 12, 2017

અર્જુને જે પ્રશ્ન પૂછ્યો જ નહોતો તેના ઉત્તરથી ગીતાનો ચોથો અધ્યાય શરુ થાય છે. રણભૂમિ પર આ માહિતીની કશી જરૂર હતી? એવું તો નથી ને કે ચોથાથી સત્તરમા સુધીના અધ્યાયો 'દોઢકૃષ્ણો'એ પાછળથી વચમાં ઉમેરી દીધા હતા?

September 25, 2017

બાર વરસ સુધી બ્રાહ્મણવેશ પહેરી લોકોને છેતરી ભિક્ષાન્ન ખાધું. ફરી એક વાર બ્રાહ્મણવેશ પહેરી વિરાટ રાજાને ત્યાં એક વરસ સુધી રહ્યા. તે યુધિષ્ઠીર અર્ધઅસત્ય બોલી શકે તે માટે ભોગ બન્યો બિચારો હાથી. કેમ? કારણ કે કોઈએ તેનું નામ અશ્વત્થામા પાડ્યું હતું. કેવા હતા 'સત્યવાદી'? અને કેવા હતા આપણા પૂર્વજો! કેવા હતા આપણા 'ધર્મરાજ' અને કેવો હતો આપણો ધર્મ!

September 28, 2017

કામુક રાજા શાંતનુની એવી તે શી આધ્યાત્મિક સિદ્ધિ હતી કે તે તેના પુત્રને ઈચ્છામૃત્યુનું વરદાન આપે અને યમરાજ તેને કબુલ પણ રાખે? ઈચ્છામૃત્યુવાળા પુત્રનું પરેચ્છાજીવન એવું હતું કે તેમની દૃષ્ટિ સમક્ષ 'પૂત્રવઘુ'નું વસ્ત્રાહરણ થતું હતું તે રોકી ના શક્યા. તે 'પિતામહ'ને તે જ સમયે મરવાનું મન ના થયું? સ્વર્ગનો મોહ એટલો બધો તીવ્ર હતો? જો ઉત્તરાયણ પહેલા મરનાર મનુષ્યો સ્વર્ગે ન જઈ શકતા હોય તો દક્ષિણાયન (સોળમી જુલાઈ થી તેરમી જાન્યુઆરી) દરમ્યાન મરણ પામેલા નરનારીઓને 'સ્વર્ગસ્થ' કહી શકાય?

October 2, 2017

"સબકો સન્મતિ દે ભગવાન". ક્યાંથી લાવીને આપે? ઘણી બધી તો ગાંધી યુગમાં વપરાઈ ગઈ! હવે તો તેના ભંડારમાં સન્મતિની ભારે અછત જણાય છે.

October 27, 2017

ગણિતમાં વર્ગમૂળ કેવળ ઘન (પોઝિટિવ positive) સંખ્યાઓનું જ કાઢી શકાય. કારણકે બે ઋણ (નેગેટિવ negative) સંખ્યાઓને એક બીજા વડે ગુણીએ તો જવાબ ઘન જ આવે. છતાં ગણિતની એક શાખામાં કાલ્પનિક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકાર વગેરે કરવામાં આવતા હોય છે. તેમાં ઋણ 1 ના વર્ગમૂળને i ( imaginary શબ્દનો પહેલો અક્ષર) સંજ્ઞા આપવામાં આવે છે. અને બધી ગણતરીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. √−1 વાહિયાત લાગે તો યે આ ગણિત વીજળીને લગતા સમીકરણો ઉકેલવામાં ઘણું ઉપયોગી થાય છે. તે સિવાય પણ બીજી ઘણી ગણતરીઓમાં તે વપરાય છે.

ishvar નો પહેલો અક્ષર પણ i છે. જેવી રીતે -1 નું વર્ગમૂળ કાઢી શકાતું નથી તેવી રીતે ઈશ્વરનું મૂળ પણ કાઢી શકાતું નથી. છતાં ઘણા માનવોને તેમના વિકટ સંજોગોમાં ટકાવી રાખવા માટે કામ લાગે છે. આ કાલ્પનિક ઈશ્વરનો વેપાર ના થાય તેની તકેદારી રાખવી જોઈએ. પણ વધારે પડતા બુધ્ધિવાદમાં પડવાને બદલે ઈશ્વર નથી જ નથી તેવો આગ્રહ રાખવાની જરૂર નથી. બુદ્ધિનો પણ અતિરેક ના થવો જોઈએ.

November 11, 2017

મહાભારત યુદ્ધના મૂળમાં પાંડવોનું અસત્ય હતું. મહેલ બનાવ્યો તેમાં જળ સ્થળ જેવું દેખાય અને સ્થળ જળ જેવું તે છળ અસત્ય હતું. તેનું અંતિમ પરિણામ મહાયુદ્ધમાં આવ્યું.

April 29, 2018

નીચેનો સંવાદ ઘણો જાણીતો છે.

પુરુષ: હું તમને પાંચ લાખ પાઉન્ડ આપું તો તમે મારી સાથે એક રાત ગાળશો?

સ્ત્રી: હા.

પુરુષ: પાંચ પાઉન્ડ આપું તો?

સ્ત્રી: ના, હું કાંઈ વેશ્યા નથી.

પુરુષ: તે તો સાબિત થઇ ગયું, હવે તો ભાવ ઠરાવવાનો છે.

તેના પરથી ઝબકારો આવ્યો. પાંડવોને પાંચ ગામ આપવાની દુર્યોધને ના પાડી તેથી મહાભારત યુદ્ધ થયું. અઢાર અક્ષૌહિણી ક્ષત્રિયોના શરીરોની આહુતિ અપાઈ તેનું મૂલ્ય પાંચ ગામ ના ગણાય? તે પછી તરત કોઈ ગઝની કે અબ્દલ્લી ભારત પર ચડી આવ્યો હોત તો પ્રજાનું રક્ષણ થઇ શક્યું હોત?

MAY 27, 2018

સાયકલ

સ્વામી શ્રી સચ્ચીદાનન્દજી કહે છે, ‘ધર્મ એ સાયકલનું આગળનું પૈડુ છે અને વીગ્નાન એ સાયકલનું પાછળનું પૈડુ છે.’

આ રૂપક સારી રીતે સમજવા જેવું છે.

(અહીં વિજ્ઞાન એટલે કેવળ સાયન્સ નહીં પણ સાથે તર્ક પણ આવી જાય એમ માનું છું.)

આગલા પૈડાની દિશા બદલવાનું કામ બે હાથ કરે તે બુધ્ધિ અને શ્રધ્ધા, એક ખેંચે તો બીજાએ ઢીલ મુકવી પડે. એક જ હાથ વડે સાયકલ ચલાવી તો શકાય પણ ઢીલ-ખેંચ તો બુદ્ધિ-શ્રદ્ધાની જેમ જ કરવા પડે. હાથ કોના? ચાલકના? ચાલક સવાર મગજમાંથી સંદેશો આવે તે પ્રમાણે હાથ ચલાવે. મગજ કયા આધારે સંદેશ મોકલે? આંખે જોયું હોય તે પ્રમાણે ખાડા ટેકરા ટાળે અને જવાનું હોય તે તરફ જાય.

બંને પૈડાંને બ્રેક હોય. સામાન્ય રીતે બ્રેક પાછલા પૈડાંને મારવી સારી. આગલા પૈડાંને બ્રેક મારીએ તો કોઈ વાર ઉથલી પણ પડાય. તેથી હું સાયન્સ (અને તર્ક) રૂપી પૈડાંને બ્રેક મારવાની તરફેણમાં છું.

ખાસ અગત્યની વાત એ છે કે પાછલા પૈડાંને કશો ફેર નથી પડતો કે સવાર કોણ છે. ઈશ્વર છે કે નથી તેની પંચાત સાયન્સે કરવાની ના હોય.

કોઈ કારણસર સાયકલ સવાર બેમાંથી એક હેન્ડલને જ પકડી રાખે તો શું થાય? સાયકલ તે જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે. 'શોર' ફિલ્મમાં આવે છે તેમ ચક્કર ચક્કર ફરે પણ કશી પ્રગતિ ના થાય. તેવી જ રીતે જો ફક્ત શ્રધ્ધા પૂર્વક ધર્મને પકડી રાખીએ તો પણ હાનિકારક નીવડે. કોઈ લેભાગુ ગુરુ આપણને મૂર્ખ બનાવી જઈ શકે. અથવા કેવળ બુદ્ધિ પૂર્વક તર્કને જ મહત્વ આપીએ તો માનવીય સંબંધોમાં તિરાડ પડે કે સંકટના સમયે ધીરજ અને હિંમત ગુમાવી બેસીએ. સાયકલ ચલાવીએ ત્યારે આપણે જરૂર પ્રમાણે ડાબો અથવા જમણો હાથ પોતાના તરફ ખેંચીએ છીએ તેવી રીતે સંજોગ પ્રમાણે ધર્મ અથવા તર્કનો કે બંનેનો ઉપયોગ કરવો જોઈએ.

May 30, 2018 ​સિક્કાની બે બાજુ

શોલે ફિલ્મમાં જય પાસે એક સિક્કો હતો. તેનો ઉપયોગ કરીને તે હંમેશા તેના દોસ્ત વીરુને હરાવતો. છેલ્લે ખબર પડે છે કે તે સિક્કાની બંને બાજુ એક સરખી હતી. આવો સિક્કો ચલણમાં કામ ના લાગે. કેટલાક ધર્મગુરુઓ તેમના અનુયાયીઓને આવા જ સિક્કા પધરાવતા હોય છે. તેમના સિકકાની બંને બાજુ પર ફક્ત શ્રદ્ધાની જ છાપ હોય છે. ​ કારણ કે તેમને ગુરુવાદ ચલાવવો હોય છે. બીજા કેટલાક મિત્રોના સિક્કાની બંને બાજુ પર સાયન્સની છાપ હોય છે કારણ કે તેઓ અનીશ્વરવાદના પુજારીઓ હોય છે. બેઉ પ્રકારના સિક્કાઓ નિરુપયોગી છે.

ઉપયોગી સિક્કાની બે બાજુ પર જુદી જુદી છાપ હોય. જીવન માટેના સિક્કાઓ પણ તેવા હોવા જોઈએ, એક બાજુ પર બુદ્ધિ અને બીજી પર ભાવના. બુદ્ધિમાં સાયન્સ, કાયદો, વેપાર વગેરે પ્રવૃત્તિઓ કે જેમાં બુધ્ધિ ને મહત્વ આપવું જોઈએ તે આવે. ભાવનામાં શ્રધ્ધા, પ્રેમ, દોસ્તી, ન્યાય વગેરે આવે. બંને એકબીજાથી વિમુખ દેખાય પણ વિરુધ્ધ ના હોય, એક બીજાના પૂરક હોય તો તે જીવનમાં કામ લાગે. બુદ્ધિ વિનાની ભાવના અને ભાવના વિનાની બુધ્ધિ ટાળવા જોઈએ.

June 22, 2018

કહેવાયું છે કે પુત્ર સોળ વરસનો થાય ત્યારથી તેની સાથે મિત્ર જેવું વર્તન કરવું જોઈએ. દીકરી વિશે આવું કશું કહેણ જાણવામાં નથી.

આનાથી વિપરીત છે આપણી પરંપરાગત વડીલવંદના. થોડા પણ વહેલા જન્મ્યા હોય તે બધા થોડા પાછળથી જન્મેલાઓના વડીલ અને તેથી સન્માન અને વંદનને પાત્ર ગણાય. આમાં ઔચિત્ય ક્યાં આવ્યું?


July 3, 2018:


શ્રીકૃષ્ણે કહ્યું, "હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં। ... " અર્થ "કાં તો તું હણાઇને સ્વર્ગ પામીશ ... ". (શ્રીમદ્ભગવદ્દગીતા ૨:૩૭). તે શું એકલા અર્જુન માટે સાચું હતું કે તેના પક્ષના સાત અક્ષૌહીણી સૈનિકો કે બધા અઢાર અક્ષૌહીણી સૈનિકો માટે? વળી આખું યુદ્ધ ઉત્તરાયણ પહેલા થયું હતું તેથી ગાંગેયના મંતવ્ય પ્રમાણે સ્વર્ગમાં પ્રવેશ ના મળે. તો તે બધા ક્યાં ગયા હશે?


ખેર, અર્જુનને ના તો રાજ્ય મળ્યું, ના તો સ્વર્ગ. (યુધ્ધ પહેલાં સ્વર્ગે ગયો હતો અને ઉર્વશીને પણ નકારી આવ્યો હતો તે જુદી અને કદાચ જૂઠી વાત હશે?) મળ્યું તો કેવળ આધ્યાત્મિક જ્ઞાન. બિચારો!


શરુઆતમાં ગાંગેયે શંખ ફૂંક્યો હતો. પછી પાંડવોના પક્ષે અર્જુન સહીત બાર જણાએ પોતપોતાના શંખ ફૂંકીને યુધ્ધનો પ્રારંભ તો કરી જ દીધો હતો. ત્યાર બાદ અર્જુનને વિષાદ થયો. ગીતાના બધા મળીને ૭00 શ્લોક છે. તેમાંથી ૬૨ શ્લોક ઉપદેશના નથી. ૬૩૮ શ્લોકો ઉપદેશાત્મક છે. તે બધા શ્લોકોનો સંવાદ પૂરો થાય ત્યાં સુધી બાકીના સેનાપતિઓ અને તેમના સૈનિકોએ ધીરજ રાખીને જોયા કર્યું હશે? સંભળાતું તો નહીં જ હોય કારણ કે ૧૭મા અધ્યાયના ૬૩મા શ્લોક અનુસાર આ જ્ઞાન "ગુહ્યાદ્દગુહ્યતરં' (ગોપનીયથીય અતિ ગોપનીય) રહસ્યયુક્ત જ્ઞાન છે. (તો પણ સંજય અને તેની મારફત ધૃતરાષ્ટ્રને તે જ્ઞાન મળ્યું!)

વાત વિચારવા જેવી નથી લાગતી?


November 5, 2018 યુધિષ્ઠિર સત્યવાદી?


કેટલીક વાતો દેખીતી રીતે (obviously) ખોટી હોય છે છતાં આપણે માનીએ છીએ. જેમ કે યુધિષ્ઠિર સત્યવાદી મનાય છે. લાક્ષાગૃહની આગમાંથી બચીને નાસી છૂટ્યા બાદ બાર વરસો સુધી બ્રાહ્મણ વેશે લોકોને છેતરેલા. તે તો કદાચ આપત્તિધર્મ તરીકે માફ કરી શકાય. પરંતુ વિરાટ રાજાની સભામાં 'કંક' નામ ધારણ કરીને પુરા એક વર્ષ સુધી જુઠાણું ચલાવ્યું તે તો અસત્ય જ હતું. અજ્ઞાતવાસમાં જવાનું હતું તો કોઈ ગુફામાં, વનમાં કે નિર્જન ટાપુ પર રહી શક્યા હોત. પણ કોઈએ ગપ્પું માર્યું એટલે વગર વિચાર્યે આપણા પૂર્વજોએ સ્વીકારી લીધું અને આપણા પર ઠોકી બેસાડ્યું.


November 22, 2018 ભૌતિક બળો અને બિગ બેંગ


બળો સકર્મક હોય છે. કોઈ વસ્તુ પર જેની અસર ના થાય તે બળ શાનું? કોઈ પણ બળનો ઉપયોગ અથવા પ્રતિકાર કરવો હોય તો તેની દિશા, માપ અને વસ્તુના કયા ભાગ પર તે લગાડવાનું છે તે જાણવું પડે. નહિ તો વસ્તુ ખોટી દિશામાં જાય કે સીધી ખસવાને બદલે ગોળગોળ ઘૂમે.


કેરમ રમીએ ત્યારે આપણે સ્ટ્રાઈકર ક્યાં મૂકવો, કેટલા જોરથી કઈ દિશામાં ધકેલવો, રાણી લેવાની હોય તો પણ સફેદ કે કાળી ફૂકીને કેવી રીતે મારવી કે જેથી તે ફંટાઈને રાણીને ખસેડે તે આવડત કામ લાગે છે.


કોઈ નાનું સાધન બનાવવું હોય તો પણ વિચારવું પડે. ચીપિયો કે સાણસીનો ઉપયોગ ગુરુત્વાકર્ષણનો પ્રતિકાર કરવા માટે કરીએ છીએ. તેની લંબાઈ, મજબૂતાઈ, તેના બે પાંખિયા ક્યાં જોડવા તેમ જ વાપરનારના હાથ અને આંગળાના આકારને અનુરુપ ઘાટ ઘડવો વગેરે સમજીને વિચાર્યા વિના તે સાધન બનાવીએ તો નકામું પણ નીવડે.


થોડું મોટું સાધન બનાવવું હોય તો વધારે બાબતો ધ્યાનમાં રાખવી પડે. રેંટિયો બનાવવો હોય તો તેના બે વર્તુળ આકારના ચક્રોના વ્યાસ, બે વચ્ચેનું અંતર, તકલીની ગોઠવણી વગેરે નક્કી કરવા પડે. મોટરગાડી માટે તો પેટ્રોલ પંપ, એંજીન, વગેરે બધા ભાગોની રચના એવી રીતે કરવી પડે કે જુદા જુદા બળો યોગ્ય સમયે, યોગ્ય ક્રમમાં અને યોગ્ય માપમાં સક્રિય થઈને પછી નિષ્ક્રિય પણ થઈ જાય.


વિજ્ઞાન અનુસાર બધી ભૌતિક પ્રવૃત્તિઓ પાછળ મોટું જબરું (stronger), નાનું નબળું (weaker) અને વીજચુમ્બક (electromagnetic) બળો એમ ત્રણ મૂળભૂત (fundamental ) બળો કામ કરે છે. ગુરુત્વ બળ છે કે નહીં તેનો વિવાદ ચાલે છે. ત્રણ કે ચારથી જુદું પાંચમું બળ નથી. આ બળોની જુદીજુદી ગોઠવણોને કારણે જુદાજુદા પદાર્થો બન્યા છે એમ મનાય છે.


વૈજ્ઞાનિક ધારણા (theory) એવી છે કે અબજો વરસો પહેલા મહાવિસ્ફોટ (બિગ બેંગ) થયો. તે પહેલા કશું જ નહોતું. પછી એકાએક વારાફરતી ઘણા પદાર્થો પેદા થયા. જે ત્રણ કે ચાર બળોના મિશ્રણ થી વિશ્વ બન્યું તે બધા કોઈની પણ મધ્યસ્થી કે દોરવણી વિના અમલમાં આવ્યા અને આપમેળે રચનાઓ થઇ ગઈ. તે પણ એવી કે બધા કુદરતી બનાવો નિશ્ચિત્ત સમયે નિશ્ચિત્ત નિયમો અનુસાર થાય છે.


આ વાત માની શકાય છે?


March 30, 2019 - Water under the bridge


અંગ્રેજીમાં એક બહુ સરસ મહાવરો છે. ભૂતકાળના પ્રસંગ માટે "Water under the Bridge" (પુલ હેઠળનું પાણી) એમ કહેવાય છે. તેનો ઈશારો એવો છે કે તે બનાવને ભૂલી જવો જોઈએ. આ વાત સમજવા જેવી છે.


વરસાદનું પાણી બે મુખ્ય રીતે વહે છે. થોડું પાણી જમીનની સપાટી પર વહી જાય છે. તેની સાથે જમીન પરનો કચરો અને માટી પણ તણાઈ જાય છે. ત્યારે તે પાણી પીવાને લાયક નથી રહેતું. પૂર મોટું હોય તો તરવાનું કે હોડી ચલાવવાનું પણ બંધ રાખવું પડે છે. સારું છે કે તે ડહોળું પાણી ઝડપભેર વહી જાય છે.


બીજું પાણી જમીનમાં શોષાઈ જાય છે અને ઝરણું બનીને નદીના પ્રવાહમાં ભળી જાય છે. તેમાં જમીનના ક્ષારો ઓગળે છે ખરા તો પણ એકંદરે તે સ્વચ્છ અને પીવા યોગ્ય હોય છે. અને મંદ ગતિએ પુલની નીચેથી વહે છે.


બેમાંથી એકે ય પાણી પાછું ફરીને બીજી વાર પુલની નીચેથી વહેતું નથી.


આપણા પોતપોતાના જીવનમાં આપણા કૌટુંબિક અને સામાજિક સંબંધીઓના વર્તન રૂપી પાણીનો વરસાદ પડતો હોય છે. તેનાથી ઉદ્વેગ પામવાને બદલે તે પ્રવાહને પણ નદીના "પુલ નીચેથી વહી જતા પાણી" સમજીને દરગુજર કરી નાખવો જોઈએ. અને સુધરેલા સંબંધ રૂપે સ્વચ્છ પાણી આવે ત્યારે તેને આવકારવું જોઈએ.


Mon, Aug 12, 2019 - હરિમાં જ અરિ


સંસ્કૃતમાં 'હરિ' શબ્દના ઘણા અર્થ થાય છે. સામાન્ય રીતે વપરાતો અર્થ વિષ્ણુ હોય છે. અહીંપરમેશ્વર અર્થ માનીશું. 'અરિ' શબ્દના પણ ઘણા અર્થ થાય છે. અહીં શત્રુ અર્થ માનીશું. 'હરિ'માં 'હ' ના હોય તો 'અરિ' શબ્દ રહે છે. તો શું પરમેશ્વરમાં પણ શત્રુ સમાયેલો છે?


શત્રુ પરમેશ્વરમાં તો નથી પરંતુ તેને કયારે, કેવી રીતે અને શા માટે યાદ કરીએ છીએ તેમાં છે. કારણ કે અનુચિત રીતે તેને યાદ કરવાથી વ્યક્તિ નબળી અને ગાફેલ બની જઈ શકે છે. આપણા આખ્યાનો અને ભજનોમાં હરિભક્તિને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. પરિણામે આપણા ઘણા લોકો હરિ પર જ આધાર રાખે છે. બધી વાતમાં 'ઈશ્વરને ગમશે તો' આવી જ જાય.


એક ભજનમાં તો કહે છે, "પ્રભુ મેરે અવગુણ ચિત્ત ના ધરો". પોતે અવગુણ ચાલુ રાખવા છે ને ઈશ્વરની મદદ જોઈએ છે! "અવગુણ દૂર કરો" એમ ના કહે. બીજા એક ભજનમાં તો હરિએ કોને કોને કેવી કેવી મદદ કરેલી તેની લાંબી યાદી છે, પણ તેઓના સદ્ગુણ કે કર્મો કેવા હતા તેનો જરા પણ ઉલ્લેખ નથી.


ઈશ્વર છે કે નહિ તેનો વિવાદ ચાલે છે. પણ જો હોય તો તેને આવા બેદરકાર ભક્તો ગમે ખરા? સાચા ઈશ્વરભક્તોએ તેના કામો કરવાના હોય કે પોતાના કામ તેને સોંપવાના હોય?


ઈશ્વર હોય કે ના પણ હોય પરંતુ તેને નામે આપણે પાંગળા થઇ જઈએ તો તે હરિને બદલે અરિ જ થઇ જાય ને?


Wed, Nov. 20, 2019 નિષ્કારણ મરણ

કૈકેયીની બે માંગણીઓમાંથી એક પણ એવી નહોતી કે જેનાથી રામનું મૃત્યુ થાય. વનવાસ પણ મર્યાદિત સમય માટે જ કરવાનો હતો. વન દૂર જ હોવાની શરત નહોતી. તેથી દુઃખી થઈને દશરથે મરવા જેવું નહોતું. રામ તો અગાઉ પણ વિશ્વઅમિત્ર સાથે વનવાસ કરી આવ્યા હતા. કોઈ પણ પુત્રને રાજ્ય સોંપ્યા પછી રાજાઓ વનવાસ કરતા તે પ્રમાણે દશરથ રાજાએ પણ વાનપ્રસ્થાશ્રમ માટે વનમાં જવું જોઈતું હતું. તો રામને બદલે ભરતનો રાજ્યાભિષેક કરીને રામ સાથે પાસેના કોઈ વનમાં જઈને રહી શક્યા હોત. ત્યાંથી ભરતનું માર્ગદર્શન અને સહાય કરી શક્યા હોત. આખું રામાયણ સામાન્ય બુધ્ધિના અભાવમાંથી ઉત્પન્ન થયું હતું એમ નથી લાગતું? વિનાશકાળે વિપરીત બુદ્ધિ એમ કહેવાય છે તે આ હશે?


Sun, May 24, 2020 ઉપકારની સાંકળ


વાલ્મીકિ રામાયણના ઉત્તર કાંડના ૪૦ મા સર્ગમાં એક બહુ સરસ શ્લોક (નં. ૨૪) આવે છે. રામ હનુમાનજીને કહે છે કે "કપિશ્રેષ્ઠ, હું ઈચ્છું છું કે તમે જે જે ઉપકાર કર્યા છે તે બધા મારા શરીરમાં પચી જાય. તેનો બદલો ચુકવાનો અવસર મને ક્યારેય ના મળે; કારણ કે ઉપકારનો બદલો વાળવાની તક માણસને આપત્તિકાળમાં જ મળતી હોય છે. (હું નથી ઈચ્છતો કે તમે સંકટમાં પડો ને હું તમારા ઉપકાર વાળી દઉં.)


મારા જીવનમાં પણ એવા ઘણા પ્રસંગો આવ્યા છે કે જયારે કોઈની મદદ ઉપયોગી થઇ પડી હતી. બધા મદદગાર મારા સગાસંબંધી કે મિત્રો નહોતા, ક્યારેક તો સાવ અજાણી વ્યક્તિઓએ ખુબ જરૂરી મદદ કરી હતી. તેમનો આભાર ત્યારે તો વ્યક્ત કર્યો હોય તો પણ તે મદદનો વળતો બદલો આપવાની ઈચ્છા થાય. પણ તેવી તક જ ના મળી. કોઈએ આપણા પર ઉપકાર કર્યો હોય તો તે ભૂલી જવાને બદલે જો અને જયારે શક્ય બને તો અને ત્યારે તેમના પર ઉપકાર કરવો જોઈએ. પણ જો તેમને આપણી મદદની જરૂર જ ના પડે તો શું? વસવસો જ કરી શકીએ.


ઉપકારનો હિસાબ પરસ્પર ચૂકવવો જ જોઈએ તે જરૂરી નથી. તેને બદલે ઉપકારની સાંકળ (પરંપરા) ચાલુ રાખવી જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિને મદદની જરૂર હોય તો તે, બદલાની આશા રાખ્યા વગર, કરવી જોઈએ. કારણ કે તે વ્યક્તિ પણ આપણા કરેલા ઉપકારનો બદલો વાળી શકવાની સ્થિતિમાં ના પણ હોય.


Thu, JULY 8, 2021 આપણી સંસ્કારિતા આવી?


દુ:શાસનનું લોહી પીવું અને તે લોહીથી દ્રૌપદીના વાળ સીંચવા તે બે કૃત્યો ભીમ કરવાનો હતો તે વાત અગાઉથી જાણીતી હતી. આ પાશવી (પશુઓ તો આવું ના કરે.) દાનવી (કોઈ દાનવે આવું કશું કરેલું ખરું?) કૃત્યો અટકાવવા માટે ધર્મરાજ યુધિષ્ઠિર, ધર્મસંસ્થાપક શ્રીકૃષ્ણ કે ત્રીજી કોઈ વ્યક્તિએ જરા પણ પ્રયત્ન કર્યો હોવાનો કશો ઉલ્લેખ મહાભારતમાં છે ખરો? હોય અથવા કોઈ પણ પુરાણમાં આના જેવા કોઈ પ્રસંગનો એક પણ પૂર્વ આધાર (precedent) આપ જાણતા હો તો મને લખી જણાવવા વિનંતી કરું છું.


"પંચાધિક શતા: વયં" કહેનારા મોટાભાઈ આ કેમ જોઈ શક્યા? કેવળ સારથિ તરીકે આવેલા હોવા છતાં પાંચજન્ય શંખ ફૂંકીને પોતે શરુ કરાવેલા યુધ્ધ વચ્ચે અર્જુનને લગભગ સાડા છસો શ્લોકનો રાગદ્વેષ વિયુક્તિનો ઉપદેશ આપનારે તેના અઢારમા દિવસે દ્વેષાતિરેક ન કરવા માટે ભીમને એકાદ શ્લોક પણ ના કહ્યો? મોટું આશ્ચર્ય!


આપણા પૂર્વજોની સંસ્કારિતા ના વખાણ કરતાં આપણે થાકતા નથી. તેથી પ્રશ્ન ઉપજે છે કે કોઈને પણ કેમ ના સૂઝ્યું કે આ ખૂબ ઘૃણાસ્પદ અસંસ્કારી વર્તન હતું. આવું વર્તન સામાન્ય પણે સ્વીકાર્ય તો નહોતું ને?


Wed, JULY 28, 2021


વિદ્યાભ્યાસના અંતે દ્રોણ ગુરુને દક્ષિણા આપવા માટે દ્રુપદ રાજાને બંદીવાન બનાવી લાવનાર પાંડવો કિશોર વયના તો હશે જ. શરણાગતને સંકટમુક્ત રાખવાનો ક્ષત્રિય ધર્મ અને "અતિથિ દેવો ભવ" પણ જાણતા જ હશે. છતાં રાતવાસો રહેવા આવેલા મહેમાનો ને બળવા દઈ લાક્ષાગારમાંથી એકલા નાસી છૂટ્યા તે અધર્મ ના ગણાય? બોગદામાં પ્રવેશતા પહેલા અતિથિઓને જવા દઈને પછી જ પોતે પ્રવેશવું જોઈતું હતું કે નહિ?

બોગદાના બીજા છેડે સુરક્ષિત બહાર નીકળ્યા બાદ તે બધા વૈશ્ય રૂપે ઉદ્યોગ અથવા શુદ્ર રૂપે શ્રમ કરીને જીવી શક્યા હોત કે નહિ? બ્રાહ્મણ બનવાનું કેમ પસંદ કર્યું? બ્રાહ્મણનો ધર્મ અધ્યયન અને અધ્યાપન તે તેમણે પાળેલો? હા, તો ક્યાં અને કેવી રીતે? ના, તો લોકોને છેતરીને ભિક્ષાન્ન ખાધું તે અધર્મ અને અસત્ય ના ગણાય?

વાલ્મિકી રામાયણના ઉત્તર કાંડ ના ૩૮મા સર્ગમાં રાજસૂ યજ્ઞ કરવાથી થનારા અનર્થનું વર્ણન છે. છતાં તે યજ્ઞ કર્યો તેનાથી બધો વિનાશ થયો.

પોતાના રાજનિવાસમાં મય દાનવે બનાવેલી જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ વાળી રચના રાખી તે અસત્ય નહોતી?

જુગારના દાવમાં સહિયારી પત્ની દ્રૌપદીને મૂકી પણ પોતાની બીજી રાણી દેવિકાને* કેમ ના મૂકી?

વિરાટ રાજાના નગરમાં યુધિષ્ઠિર એક વર્ષ સુધી જુઠા નામે વસ્યા. ત્યારે 'સત્યવાદ' સ્થગિત થયેલો?

દુર્યોધને પાંચ ગામ આપવાની ના પાડી તો એકસો પાંચ જણાએ આપસમાં લડી લેવાને બદલે મહાયુદ્ધ કરવાની જરૂર હતી? પોતાનું સૈન્ય તો હતું જ નહીં. લાખો પારકા સૈનિકોના પ્રાણ વેડફ્યા. ધર્મનો એવો કયો સિદ્ધાંત છે કે જેને માટે આખું યુદ્ધ લડાયું? મનુ સ્મૃતિમાં તો નથી. બીજે કશે છે?

આ માણસને સત્યવાદી કે ધર્મરાજ કહી શકાય? આપણા મૂલ્યો એવા કેવા કે તેના બણગાં ફૂંકતા આપણે થાકતા નથી?

________________________

* Devika is a minor character in the Mahabharata. She was the daughter of Govasena, the king of the Sivi Kingdom, and the second wife of Yudhishthira they got married in a self choice ceremony. They had a son called Yaudheya. https://en.wikipedia.org/wiki/List_of_characters_in_the_Mahabharata#Devika


Wed, AUGUST 4, 2021 - વાલ્મીકિના વાંકે


વાલ્મિકી ઋષિની કરુણા એટલી તીવ્ર હતી કે ક્રૌંચ પક્ષી ને મારનાર શિકારીને તરત જ શાપ દઈ બેઠા. પાછળથી તે એવી બુઠ્ઠી થઇ ગઈ કે તેમના આશ્રમ પાસે ત્યજાયેલા સીતાજીને જોઈને પોતાની દિવ્યદૃષ્ટિથી જાણી તો લીધું કે તે પવિત્ર હતા છતાં કશું ના કર્યું. વાલ્મિકી ઋષિએ જાણી જોઈને વિલંબ કર્યો તેથી સીતાજીએ ત્યકતા કલંકિની તરીકે જીવન જીવવું પડ્યું. તેમના ગર્ભની સીમંત વિધિ જે રામે કરવી જોઈતી હતી તે ના થઇ. લવ કુશ ને પણ પિતાના પ્રેમથી વંચિત રહેવું પડ્યુ.


રામે જુઠ્ઠું કહીને લક્ષમણ સાથે સીતાજીને વાલ્મીકિના આશ્રમ પાસે મોકલી આપ્યા. ઋષિને બાળકોએ જાણ કરી. ઋષિએ પોતાની દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું કે સીતાજી શુદ્ધ હતા. દંભ ની પરાકાષ્ઠા તો જુઓ. તે ઋષિએ તે જ દિવસે સીતાજીને અયોધ્યા લઇ જવા જોઈતા હતા. ત્યાં રામ ને તેમ જ પ્રજા ને સમજાવીને તેમનો ત્યાગ રદ કરાવવો જોઈતો હતો. પરંતુ ત્વરિત પગલાં ના લીધાં. કારણ? પત્નીને અન્યાય કરીને ત્રાસ આપવાનો પતિનો અબાધિત અધિકાર તેમને સ્વીકાર્ય હતો? તેમના પુસ્તકમાં તો કશો ખુલાસો નથી.


બાર વરસ પછી અશ્વમેધ યજ્ઞ પ્રસંગે વાલ્મીકિ સાથે સીતાજી અયોધ્યા ગયા હતા. ત્યારે વાલ્મીકિએ બધાના દેખતા કહ્યું કે તેમણે તેમની દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું હતું કે સીતાજી શુદ્ધ હતા. (વા.રા., ઉત્તર કાંડ, સર્ગ ૯૬ શ્લોક ૨૩). તો પણ રામે માંગણી કરી કે સીતાજીએ પોતાની "શુદ્ધિ" નું પ્રમાણ બધાના દેખતાં આપવું. ઋષિએ સીતાજીને પૂછ્યા વિના તે સ્વીકારી હતી.


અયોધ્યાની શંકાશીલ પ્રજા અને તેના કાચા કાનના અને નબળા મનના (અગ્નિદેવ તેમ જ વાલ્મીકિના પ્રમાણને અવગણીને ત્રીજું પ્રમાણ માંગતા) રાજા સ્વમાની સીતા માટે સાવ જ અપાત્ર હતા. તેથી સીતાજી ભૂગર્ભમાં જતા રહ્યા. રામ સાથે રાજ્યાસન પર ના બેઠા. આમ કરીને સીતાજીએ રાજા અને પ્રજા બંનેનો ત્યાગ કર્યો. રામ તો સીતાજીને સ્પર્શ પણ ના કરી શક્યા. બિચારા લવકુશને પિતા મળ્યા તો પિતાની મૂર્ખામીને લીધે માતા ગુમાવવી પડી.


રામે તો ભૂલ કરી, પણ તે સુધારવાની જવાબદારી વસિષ્ઠ, વાલ્મિકી અને જનકરાજાની હતી. કોઈએ નાનો સરખો પ્રયાસ પણ નહોતો કર્યો. અગ્નિદેવનું અપમાન થયું હોવા છતાં દેવોએ પણ કશું જ ના કર્યું. કારણ? તે સમયના આપણા પૂર્વજોના મૂલ્યો એટલા અધૂરા હતા કે સત્યનું સમર્થન કરવા કોઈની ઈચ્છા જ નહોતી. સ્ત્રીઓ અને શુદ્રોને અન્યાય થાય તો તે અજુગતું નહોતું ગણાતું.


Thursday, AUGUST 19, 2021 -પડીકાં packaging


આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઉપદેશ શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરેલો હોય છે. જેમ કે કઠોપનિષદ માં નચિકેતા ની વાત. અંતમાં યમરાજે તેના ત્રીજા પ્રશ્નનો જે જવાબ આપ્યો તે સુયોગ્ય હતો એમ માની લઈએ. પણ આખો પ્રસંગ કેટલો ઘૃણાસ્પદ અને હાસ્યાસ્પદ છે તે વિચારવા જેવું છે.


વાજશ્રવસ ઋષિ દાન આપતા હતા? ઋષિઓ તો અકિંચન હોય, તે દાન આપે? દસ જ વરસનો પુત્ર તેમની ભૂલ કાઢે? ક્રોધ કરે તેને ઋષિ કહેવાય? યમરાજ ક્યારેય દાન લે? આ પ્રસંગે તેમણે દાન માગ્યું હતું? ના માગનારને દાન આપી શકાય? છોકરો યમને શું કામ લાગે? આમ જુઓ તો પિતાએ ખૂબ ઘૃણાસ્પદ અવિચારી કામ કરેલું. નચિકેતા નીકળી પડ્યો યમના ઘરે જવા. યમરાજ કોઈ ઘરમાં રહેતા હોય? ને રહેતા હોય તો ત્રણ દિવસ સુધી બહાર હોય? અને તેના ઓટલે ખાધા પીધા વગર બેસી રહેવાનું હોય? આ બધું હાસ્યાસ્પદ વર્તન કર્યું. આખી વાર્તા વાહિયાત છે. પણ તેનો હેતુ યમે જે જ્ઞાન નચિકેતાને આપ્યું તે વાંચકોને પહોંચાડવાનો છે. અર્થાત વાર્તા પડીકું (packaging) છે. ખરેખર જોવા જાવ તો તેની કશી જરૂર જ નથી. તે જ્ઞાન સીધેસીધું જણાવી શકાય તેવું છે.


આવા ઘણા પડીકાઓ આપણા શાસ્ત્રોમાં છે. તેમના હેતુ સારા હોય છે. પણ આપણે તે પડીકાઓના મોહમાં પડી જઈએ છીએ અને તેમની મારફત આવેલા જ્ઞાન પ્રત્યે ધ્યાન આપતા નથી. હીરાનો સેટ ઝીપલોક બેગમાં ના મુકાય, તેના બોક્સમાં જ મુકવો જોઈએ. પરંતુ તે ટપાલમાં આવ્યો હોય તો તેના પેકીંગ માટે વપરાયેલા સ્ટાયરોફૉમ, બબલ રૅપ કે બીજી વસ્તુઓ તો ફેંકી જ દેવાની હોય ને? કોઈ સંદેશવાહક પશુ કે પક્ષી આવ્યું હોય તો સંદેશો સાચવીને તેને તો છોડી દેવાનું હોય, પાસે રાખીને પાળવાનું ના હોય. આપણે તો પુષ્પક વિમાન, રામ સેતુ વગેરે ના પ્રેમમાં એવા પડી ગયા છીએ કે તેમને આપણા પ્રાચીન પૂર્વજો ની મહાન સિદ્ધિઓ તરીકે બિરદાવીએ છીએ. ગણેશજી ના ધડ પર હાથીનું માથું ચોંટાડ્યું તેને વિશ્વનું પહેલું ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ પણ ભૂલી જઈએ છીએ કે તેમ કરવાની જરૂર કેમ પડી. એવો કેવો ગુસ્સો કે અજાણ્યા બાળકનું માથું વાઢી નાખ્યું? કેટલી બધી બેદરકારી કે માથું એવું ખોવાઈ ગયું કે જડ્યું જ નહિ?


પડીકા ફેંકી દેવાનો આરંભ કરીશું ખરા? ક્યારે?


-----XXX-----

Home