આત્મપરિચય

Home

આત્મપરિચય

 

મારી તો લખાણ

એ જ ઓળખાણ.

 

     આનાથી લાંબી કવિતા લખતા મને નથી આવડતી. 

 

     મારું કુટુંબ સુરત જીલ્લાનું, મારો જન્મ પણ સુરત જીલ્લાના ગામડામાં.  શિક્ષણ વડોદરા અને અમદાવાદમાં.  પિતાજીની સરકારી નોકરીને લીધે બૃહતગુજરાતના લગભગ બધા શહેરોમાં ફર્યા તેથી બધા વિસ્તારોથી પરિચીત છું.

 

     ભણ્યો સીવીલ ઈજનેરી.  ગુજરાત સરકારની નોકરી કરી.  તે દરમ્યાન ઘણા વરસો ગુણવત્તા નિયંત્રણ ઇજનેર (Quality Control Engineer) તરીકે કામગીરી બજાવી હતી.  ત્યારે હું મારી જાતને 'ખણખોદિયો' કહેતો કારણકે તેમ કરવાની મારી ફરજ હતી,  પરંતુ દરેક કામમાં ખોટું શું છે તે જોવાની ટેવ પડી ગઈ તે રહી ગઈ.  ૨૨ વરસ પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.  અમેરિકા આવ્યો.  ૨૦ વરસ અમેરિકાના એક મોટા શહેરની અર્ધસરકારી સંસ્થામાં નોકરી કરી.  નિવૃત્ત થયો.  હજુ અમેરિકામાં જ છું.

 

     હું તો સાહિત્ય સંગીત કલા વિહીન એક સામાન્ય ઈજનેર હતો.  નિવૃત્તિ બાદ હવે કેવળ દાદો (Full Time Grand-father) છું. 

 

યુવાનીમાં અધ્યાત્મનો શોખ હતો.  ઘણું વાંચ્યું.   થોડું ન સમજાણું, બીજું ઘણું અસ્વીકાર્ય લાગ્યું.  પણ તેથી હીનતાભાવ (ઇન્ફીરીઓરીટી કોમ્પ્લેક્ષ) અનુભવવાને બદલે મારી ઈશ્વરદત્ત સામાન્ય બુદ્ધિ વાપરી.  મોક્ષ માટેનો મારો મોહ મટી ગયો.  એટલે અધ્યાત્મ પણ અનાવશ્યક બની ગયું.  વાંચવાને બદલે વિચારવા માડ્યું.  પરિણામ મારા આ લખાણો.  લોકો વાંચવા ઉપરાંત વિચારતા પણ થાય એ હેતુથી પ્રગટ કરું છું.

 

હજારો વરસોના અપપ્રચારની વિરુદ્ધ બોલવા કે લખવાની ધૃષ્ટતા આ લખાણોમાં કરી છે.  તે ભાગ્યે જ કોઈ વાંચવા પણ તૈયાર હોઈ શકે તેવી સભાનતાને લીધે મારું ઉપનામ 'તતુડી' રાખ્યું છે જેણે નગારખાનામાં વાગવાનું હોય.  વાગવાની મારી ફરજ છે, સાંભળવાની તમારી નથી.  સાંભળો તો તમારો આભાર.


     મારી પત્નીને કાર ચલાવતા શીખવતો હતો.  ગાડી કયા ગીઅરમાં ચલાવવી તે અંગે તે ગૂંચવાતી હતી.  મેં કહ્યું, " જો તારું નામ D થી શરુ થાય છે, તું કાયમ સીધી બુદ્ધિ ચલાવે છે તેથી ગાડી સીધી ચલાવવી હોય તો D ગીઅર વાપરવું.  મારી બુદ્ધિ ઊંધી ચાલે છે, મારું નામ R થી ચાલુ થાય છે તેથી ગાડી ઊંધી ચલાવવી હોય તો R માં ચલાવવી."  વાત તેના મનમાં બરાબર ઉતરી ગઈ.  મારા ઘણા મિત્રો મને "ઊંધી ખોપરી" કહે છે તે અકારણ નથી.

 

મારો મનોરોગ છે 'અંજાઈ ના'.  હું કોઈથી કે કશાથી પણ અંજાઈ જતો નથી.  તેથી તો શ્રીકૃષ્ણના ઉપદેશ સાથે પણ અસંમત થાઉં છું.  આ રોગનો ચેપ બધાને લાગે તેવી મારી આશા છે.


પ્રિય વાંચકો, મારા વિચારો સાથે આપ સંપૂર્ણ પણે અસંમત થતા હો તો તે પણ મને સ્વીકાર્ય છે.  ફક્ત એટલીજ વિનંતી કરું છું કે જે કંઈ અપનાવો તે તમે પોતે વિચારીને સ્વીકારો, નહિ કે બીજાના કહેવાથી પછી ભલે તે અન્ય વ્યક્તિ ગમે તેટલી મહાન ગણાતી હોય.



Home