અધુરો ભરેલો કે અધુરો ખાલી?

Home

ધારો કે હું કોઈ સ્વયંસંચાલિત વિક્રયયંત્ર (vending machine) પાસે જાઉં અને નાના કદના પીણા માટે જરૂરી પૈસા તેમાં નાખું. પછી મોટા પીણાનો ખાલી પ્યાલો તેના નળની નીચે ધરું. યંત્રમાંથી તો જેટલા પીણા માટે પૈસા નાખ્યા હોય તેટલું જ પીણું નીકળશે. પણ મને લાગશે કે પ્યાલો અધુરો છે. ખરેખર તો તે નથી અધુરો ભરેલો કે અધુરો ખાલી, ફક્ત મારી અપેક્ષા વધારે પડતી છે.

આવું જ જીવનનું પણ છે. આપણા પ્રયત્નો ના ફળ કોઈ અજાણી આપમેળે ચાલતી વ્યવસ્થા પ્રમાણે મળ્યા કરતા હોય છે.

આપણે અપૂરતો પ્રયાસ કરીને પુરેપુરા પરિણામની અપેક્ષા રાખતા હોઈએ છીએ. પ્યાલો અધુરો લાગે તો પ્રયાસ બેવાડવાવો જોઈએ. અથવા અપેક્ષા ઘટાડીને સંતોષ માણવો જોઈએ. સંતોષ પણ એક 'માણવા' જેવી વાત છે. જે કંઈ સુખ આવી મળ્યું હોય તેને વેડફી દેવાને બદલે તેનો પુરેપુરો લાભ અને આનંદ લેવા જોઈએ.

ક્યારેક એવું પણ બને કે આપણે ધરેલો પ્યાલો નાનો પડે. આપણે ભૂલથી વધારે પૈસા નાખ્યા હોય કે પછી યંત્રમાં ખરાબી હોય.

વાસ્તવિક જીવનમાં પ્રયત્ન અને પરિણામ વચ્ચે કોઈ એવું જડબેસલાક ગણિત કે ભાવપત્રક નથી હોતું કે જેથી કર્મ કરતાં પહેલા ફળનો અંદાજ બાંધી શકીએ. હવામાનની આગાહી કરવામાં અસંખ્ય પરિબળો ભાગ ભજવતા હોવાથી અનિશ્ચિતતા આવતી હોય છે. તેના કરતા પણ વધારે જાણ્યા અજાણ્યા કારણોને લીધે આપણી મહેનતનો બદલો ધાર્યા કરતાં વધારે ઓછો મળે છે. વધારાનું પીણું આપણાથી પી શકાય તેમ હોય કે ન હોય તો પણ તે ઢોળી દેવાને બદલે કોઈ બીજાની સાથે વહેંચી લઈએ. તેવી રીતે આપણને મળેલા સારા ફળને બીજાઓમાં વહેંચવું જોઈએ નહીં કે બીજા કામો કરવામાં મહેનત ઘટાડીએ.

Home