આવકાર

આવકાર

(ચશ્માં બદલીએ)


Home

આપણી વિચારસરણી પર ક્યારેક અજાણતાં ખોટી દૃષ્ટિ આવી જાય છે. આપણા ચશ્માના કાચ (લેન્સ) પરંપરા, વારસાગત શ્રદ્ધા, ધર્મ, દેશપ્રેમ, સંસ્કૃતિપ્રેમ, વફાદારી, ઇત્યાદિ જાતજાતના હોય છે. તેમને લીધે આપણે સાચી વાત જાણી સમજી શકતા નથી કારણ કે તે આપણી દૃષ્ટિને અવરોધે છે. તે ચશ્માં ઉતારીને આત્મવિશ્વાસના લેન્સ પર ધૃષ્ટતાનો ઢોળ (coating) ચડાવ્યો હોય તેવા ચશ્માં પહેરીએ તો સત્ય પારખી શકીએ. ધૃષ્ટતાનો ઢોળ એટલા માટે કે બીજાના કુપ્રભાવથી આંખ અંજાઈ ના જવાય.

લખનારે તેમ કરી જોયું. પરિણામ અહીં રજુ કરેલા લખાણોમાં વાંચી શકશો. આપે સહમત થવાનું આવશ્યક નથી. પુરેપુરા વિરોધી વિચારો ધરાવતા હો તો પણ એટલી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું બંધન હોય તો તે ફગાવી દઈ તમે પોતે નિર્ણય કરો. તમારે, મારા કૂવા ના સહિત, કોઈના પણ કૂવા ના દેડકા થવાની જરૂર નથી. તમે પોતે વિચાર-આકાશ ના એવા ગગનવિહારી રાજહંસ બની શકો છો કે જે સમુદ્રથી હિમાલયની ઉપરથી ઉડી શકે.

લખનાર તો વા દેડકા જેવો છે જે વહેતી નદીના નિર્મળ પાણીમાં તર્યા કરે છે અને અવારનવાર જમીન પર પણ આંટો મારી આવે છે. અને નદીઓના પાણીમાં તેમજ બંને કાંઠે જમીન પર નદીના મૂળ થી મુખ સુધીનું બધું ચકાસી આવે છે. કોઈ મગર કે અજગર એને ગળી તો જુએ, તેનું પેટ ફાડીને બહાર આવે.

કાનમાં કહું? ના રે ના, વાતો ગંદી નથી કે ગુપ્ત પણ નથી. છે તો છાપરે ચડી પોકારવા જેવી, જો છાપરું હોય તો. કે લાખો ચોપાનિયા છપાવી વહેંચવા જેવી છે. પણ તેનાથી પ્રદુષણ થાય. મોટેથી બોલું તો પણ બીજા બધા પડઘમ ના શોરબકોર માં સત્યનો ઝીણો અવાજ ડૂબી જાય. માટે કહું છું વેબસાઈટ (https://sites.google.com/site/tatoodi/home) ખોલીને વાંચી લો નિરાંતે.

અહીં જે લખાણો રજુ કર્યા છે તે નિબંધ કે લેખ નથી, એક જુદા પ્રકારના ચર્ચાપત્રો ગણી શકાય. આશય એવો છે કે આપનું કુતુહલ જાગૃત થાય અને સ્વતંત્ર વિચાર કરવા પ્રોત્સાહન મળે.


મારા મંતવ્યો એક ડબ્બામાં રાખું છું. તે ડબ્બાના ત્રણ અંગ છે, સત્ય, ન્યાય અને માણસાઈ.


સત્ય: ગોળાકાર તળિયું, મજબૂત, અતૂટ અને ઝૂકી ના જાય તેવું

ન્યાય: તળિયા ની ધાર પર મર્યાદા, નિષ્પક્ષ, કેવળ સત્ય પર નિર્ભર, કલ્યાણકારી

માણસાઈ: ઢાંકણું, તટસ્થ, બધાના હિત સાચવનાર, વિવાદોથી અલગ


તેમાંથી બે હોય પણ ત્રીજું ના હોય તો સુગંધ આવી શકે પણ જલ્દી ઉડી જાય, નિરુપયોગી થઇ જાય.


Home