સમતુલા અને પ્રમાણસરતા

સમતુલા અને પ્રમાણસરતા

ગુરૂઓ અને બીજા પ્રવચનકારોના ભાષણો અને લખાણોની ભરમારમાંથી છેવટે તાત્પર્ય શું નીકળે છે? આ બધા ઉપદેશો આચરણમાં મૂકી શકાય એવા છે? હોય તો તેમની ફલશ્રુતિ શું? ન હોય તો શું? 'સાક્ષાત્પરબ્રહ્મો'ની પૂજાનો કશો ફાયદો સમાજને થાય છે? ધર્મનો ઉદ્દેશ આપણી વર્તણુંક સુધારવાનો છે એમ કહેવામાં આવે છે તો તે હજારો વર્ષો પછી પણ કેમ ફળ્યો નથી? આપણે સામાન્ય માનવીઓ શું કરી શકીએ?

સાધક હોવાનો દાવો કરવાનો ખાસ ફાયદો એ છે કે પછી નોકરીધંધો કશું જ કરવું ન પડે, સમાજ જ આપણું ભરણપોષણ કરે. તેમ છતાં બધા સ્ત્રીપુરૂષો કંઈ 'મુમુક્ષુ' બની 'સાધના' કરી શક્તા નથી કે કરવા ઈચ્છતા નથી. બધા જ બ્રહ્મનિર્વાણ પામે તો ઈશ્વરના નાના કામો કોણ કરે? ઘડીઘડી અવતાર થોડા જ લેવાય છે? સાચા ઈશ્વરપ્રેમીઓ તો અનેક જન્મોમાં તેના કાર્યો કરવા તત્પર રહે, મોક્ષ ન વાંછે.

એક કવિ (મનસુખલાલ ઝવેરી?) એ કહ્યું છે.

"ને દીઠું મેં જીવને ધર્મ્ય એક.

સામાન્યોના રાગ ને દ્વેષ વચ્ચે

રાખી હૈયાપાંખડીને અડોલ

આત્મા કેરી વર્ષવી સત્કલાને."

આમ કરવા માટે જરૂર હોય તો તે સમતુલા અને પ્રમાણસરતા કેળવવાની, બહુ મોટી આધ્યાત્મિક સાધનાની નહીં. સમતુલા બે પ્રકારની હોય છે, નિષ્ક્રિય અને સક્રિય. આપણે સૂતા હોઈએ ત્યારે તો કમાલની સમતુલા હોય પણ બેસીએ, ઊભા થઈએ તેમ સમતુલા જાળવવા વધારે ધ્યાન રાખવું પડે પછી ભલે તે આપોઆપ થતું હોય.

ચાલવા માટે સક્રિય સમતુલા જાળવવી પડે. આ પ્રક્રિયા સમજવા જેવી છે. કઈ દિશામાં જવું તે માટે આંખો વાપરવી પડે પણ ગતિ તો પગ વડે જ કરી શકાય. એક પગ આગળ જાય ત્યારે બીજો પગ પાછળ રહે પણ તે બાજુનો હાથ આગળ જાય. વારાફરતી બંને પગ તથા હાથ આગળપાછળ થયા કરે પણ એક સાથે નહીં. બન્નેની લંબાઈ તથા મજબુતાઈ પણ સરખા જ હોવા જોઈએ. બીજી પણ એક વાત જરૂરી હોય છે તે જે સપાટી પર ચાલવું હોય તેનું ઘર્ષણ અને પ્રતિક્રિયા. તે ન હોય તો લપસી પડાય. ઘર્ષણ અને પ્રતિક્રિયા પહેલી નજરે ખરાબ જણાય પણ ગતિ માટે તે પણ આવશ્યક છે. હવે આનો ઉપયોગ જીવનગતિ સમજવા કરીએ.

કેટલાક લોકો કેવળ બુધ્ધિને મહત્ત્વ આપે છે, બીજા કેટલાક કેવળ ભાવનાને. ડાબાજમણા પગની જેમ આ બન્ને આવશ્યક છે. બંનેને અવરોધો પણ આવે પણ તેમની મદદથી આગળ વધવું જોઈએ.બેમાંથી એક ઓછું હોય તો જીવનયાત્રા ખોડંગાતી ચાલે. આવા જ બીજા પણ દ્વંદો (જોડકાઓ) ઘણા છે જેવા કે શ્રધ્ધા અને તર્ક, વિદ્યા-અવિદ્યા, સંભુતિ-અસંભુતિ, હિંસા-અહિંસા, ભક્તિ-કર્મ, આધ્યાત્મિકતા-ભૌતિકતા વગેરે. તે બધાનું વિષ્લેષણ કરવાની જરૂર નથી. દરેક વાંચક પોતપોતાની રીતે તેમને સમજીને તે પ્રમાણે વર્તી શકે છે.

ગીતા કહે છે 'શોક ના કરો'. એવું કોઈ હશે કે જેને જાણી જોઇને શોક કરવાની ઈચ્છા થાય? શોક તો અનિચ્છાએ થઇ જ જાય. જેનું હૃદય પથ્થર જેવું હોય તેવા માણસાઈ વિનાના લોકોને જ શોક ના થાય.

શ્રીકૃષ્ણએ ભલે કહ્યું (ભગવદ્ગીતા ૨-૩૮) પણ સુખ-દુઃખ, લાભ-અલાભ, કે જય-પરાજય ને સરખા ગણી શકાય જ નહીં. તેમણે પોતે પણ છ સાત વાર પાંડવોનો વિજય કરાવવા માટે ગેરરીતિ અપનાવી હતી. બધું જ સરખું ગણવાનું હોય તો પછી 'સાધુ'ઓનું પરિત્રાણ અને દુષ્કૃતોનો વિનાશ શીદ કરવો? એટલા માટે કે દુર્જનો સજ્જનોને ('સાધુ' એટલે 'સારા' નહીં કે ભગવા વસ્ત્રધારી) ત્રાસ અર્થાત્ દુઃખ આપતા હોય છે. હવે જો સુખ્-દુઃખને સરખા જ ગણવાના હોય તો પરમેશ્વર સજ્જનોને તેવો ઉપદેશ આપીને સંતોષ ન માને? અવતાર શા માટે લે? આપણે પણ આરતીમાં 'દુઃખ વિનશે મનકા, સુખ સંપતિ ઘર આવે, કષ્ટ મીટે તનકા' ગાઈએ છીએ તે શું ગીતાના ઉપદેશની વિરુધ્ધનું નથી? સ્પષ્ટ છે કે સુખ અને દુઃખને સરખા ગણી શકાય જ નહીં. એ ખરું કે પરમેશ્વર કંઈ સુખદુઃખનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર નથી ચલાવતો કે આપણી પસંદગી પ્રમાણેના સુખદુઃખ આપે. તે તો તેની અકળ સ્વયંસંચાલિત વ્યવસ્થા પ્રમાણે મળ્યા કરે.

એક ખાસ જોડકા વિષે વધુ વિચારવા જેવું છે, આત્મા અને દેહ. શ્રીકૃષ્ણએ ભલે દેહને ઉતારી પાડ્યો હોય, તે પણ આત્મા જેટલો જ મહત્ત્વનો છે ન તો ઓછો, ન વધારે. જેટલો નકામો આત્મા વગરનો દેહ છે તેટલો જ નકામો દેહ વગરનો આત્મા (ભૂત?) પણ છે. દેહનું કશું જ મહત્ત્વ ન હોત તો નવ નવ વખત અવતાર લેવાની (દેહ ધારણ કરવાની) જરૂર કેમ પડી? નિર્ગુણ પરમેશ્વર નિર્ગુણ અવસ્થામાં જ દુષ્ટોનો વિનાશ અને સજ્જનોનું પરિત્રાણ કેમ ન કરી શકે? જેના 'બહૂનિ' જન્મો થયા છે તેના જન્મદિનો ઉજવવા માટે ઘણા દિવસો ન જોઈએ? દર વર્ષે શ્રાવણ વદ આઠમને દિવસે જે ઉજવીએ છીએ તે દેવકીને પેટે કંસના કારાગારમાં જન્મેલા નશ્વર દેહનો નહીં તો શું તેના આત્માનો જન્મ હતો? જો જન્મનો આનંદ ઉજવીએ તો મરણનો શોક ન થાય એમ કેમ બને? સ્વયં શ્રીકૃષ્ણના મુખેથી ગીતાનો ઉપદેશ સાંભળનાર અર્જુનને અભિમન્યુના મૃત્યુનો શોક થયો તેનાથી શું પૂરવાર નથી થતું કે તે ઉપદેશ પાળી શકાય તેવો છે જ નહીં?

આત્મા અને શરીર વચ્ચેનો સંબંધ કંઈ શરીર અને કપડા વચ્ચેના સંબંધ જેવો છીછરો (superficial) નથી. આત્મા અને શરીર વચ્ચે એકએકસંગતતા (one-to-one-correspondence) હોય છે. એક આત્મા એક જ શરીરમાં વસી શકે, એક શરીરમાં એક જ આત્મા વસી શકે. જ્યારે એક શરીર જુદા જુદા કપડા પહેરે, એક કપડું કાઢી નાંખી, ધોવાયા બાદ ફરી પાછું પહેરે. શરીરો એક બીજાના કપડા પહેરી શકે, આત્માઓ એક બીજાના દેહ ધારણ ન કરી શકે. આમ આ બે સંબંધો જરા પણ સરખા નથી. તેથી શરીરની વસ્ત્ર સાથેની સરખામણી (ભગવદ્ગીતા ૨.૨૨) વ્યર્થ છે. તેમ ન હોત તો પ્રહ્લલાદ નામના નાશવંત શરીરને હિરણ્યકશિપુ નામના નાશવંત શરીરના દુઃખમાંથી બચાવવા નરસિંહ નામનું કામચલાઉ શરીર ધારણ કરવાની ફરજ વિષ્ણુને પડી ન હોત.

અહીં જ પ્રમાણસરતાની જરૂર પડે છે. કોઈ સ્વજન કે સ્નેહીના દેહાંતનો શોક તો થાય જ અને તેમાં કશું ખોટું નથી. શોક ન જ કરવો તે એક આત્યંતિકતા (extremism) થઈ. બીજે છેડે શોકનો અતિરેક એવો થાય કે આપણો કે આપણા જીવિત સ્વજનોનો વ્યવહાર સાવ ઠપ્પ થઈ જાય. બંન્ને પ્રતિક્રિયા અનુચિત છે. મરનારની વય તથા મરણના સંજોગો અનુસાર વધતોઓછો પ્રમાણસર શોક કરવો જોઈએ. ભીષ્મના મરણનો શોક એટલો ન જ થાય જેટલો અભિમન્યુના કપટવધનો થાય. પણ અર્જુને અભિમન્યુના વધનો શોક ન જ કરવો જોઇએ એમ તો ન જ કહી શકાય.

તેવી જ પ્રમાણસરતા બીજા ભાવો અંગે પણ જાળવવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પણ આપણા નૈસર્ગિક ભાવો છે, શત્રુઓ નહીં. તેમને સાવ નિર્મૂળ કરવાની જરૂર નથી. જો તેમને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો (channelize કરવામાં આવે તો) અને પર્યાપ્ત પ્રમાણમાં તેઓ પણ ઉપયોગી નીવડી શકે. જેમકે દૃષ્ટિ સમક્ષ અત્યાચાર થતો હોય ત્યારે ક્રોધ કરવામાં કશું ખોટું નથી.બીજી તરફ પ્રેમ, દયા, ઇત્યાદિ સારા ગુણોનો અતિરેક પણ યોગ્ય નથી.

આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સિવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દિવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ 'ધ્યાની'ઓ હોય છે કે વચગાળાના સમયમાં દુષ્કૃત્યો કરતા હોય. તેથી 'ધ્યાન રાખવા'નું મહત્ત્વ વધારે છે એટલે કે જે કાંઈ કર્મ કરીએ તેમાં ધ્યાન રાખીએ કે તે શુભાશય માટે જ કરવાનું છે. આપણા સ્વાર્થ માટે જ કર્મ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાનું હિત ભલે ન થાય પણ અહિત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહિતનું અહિત ન થાય.

ગુરૂઓ કહે છે કે અહમ્ છોડો. પણ પોતાના આધ્યાત્મિક ચડિયાતાપણાના અભિમાન વગર ગુરૂ બની શકાતું નથી. કોઈ એક આત્મા અને તેના તે સમયના શરીરની એક વિશેષ ઓળખાણ હોય છે. જેમકે જેના 'બહૂનિ' જન્મો થયા તે કૃષ્ણ તેના મીન કે વરાહ અવતારથી સાવ નોખા હતા. તેમ ન હોય તો બધા જ અવતારને એક જ નામથી ન બોલાવીએ? અથવા તેમના ક્રમાંકથી, જેમ કે રામને સપ્તમ અને કૃષ્ણને અષ્ટમ કહીએ તો કેવું લાગે? આમ આપણી વિશિષ્ટતા સાચવવા અહમ્ બહુ જ જરૂરી છે. તેનો સદુપયોગ કરી શકાય કે દુરૂપયોગ કરી શકાય. સદુપયોગ જ કરવો જોઈએ. પણ તેને નિર્મૂળ કરવાની સલાહ સાવ ખોટી છે. આપણે કંઈ એક ક્રમાંક (નંબર) નથી, જીવતા, જાગતા, વિચારતા માનવો છીએ. આપણું આગવું વ્યક્તિત્વ ભૂલાવી દેવાથી આપણું, પરમેશ્વરનું કે પછી સમાજનું શું ભલું થઈ શકે? કદાચ શિષ્યોને દબાયેલા રાખવા માટે ગુરૂઓને તે જરૂરી જણાતું હશે.

હવે આપણે પહેલા ફકરામાં પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપી શકીશું. આપણી વર્તણુંક સુધારવામાં સૌથી મોટો અંતરાય હતો બિનજરૂરી અને અશક્ય આદેશોનો જેવા કે 'બ્રહ્મચર્ય પાળો', 'શોક ન કરો', 'અહમ્ છોડો' વગેરે. આને લીધે જે શક્ય અને જરૂરી હતા અને છે તે સીધા અને સરળ નિયમો, જેવા કે 'સાચું બોલો', 'દયા રાખો' વગેરે, પણ દબાઈ ગયા અને ભૂલાઈ ગયા. ન પાળી શકાય એવા સો નિયમો કરતાં પાળી શકાય એવા દસ નિયમો સારા.

Home