મારો અભિગમ

Home

મારો અભિગમ

વાંચકોના પ્રતિભાવ:

મારી વેબ સાઈટ પરના લખાણો વિષે કેટલાક મિત્રોનો પ્રતિભાવ છે કે તે ઘણા નકારાત્મક અને ખંડનાત્મક છે. મને ઘણી વાર સલાહ મળી છે કે મારે વિધાયક હકારાત્મક અભિગમ રાખવો જોઈએ. ચીલાચાલુ માન્યતાના વિરોધમાં બોલવાનું કે લખવાનું થાય ત્યારે આ લખનારને ઉતારી પાડવા માટે ઘણી વાર કહેવામાં આવ્યું છે કે, "ખાલી ચણો વાગે ઘણો', "નાના મોંએ મોટી વાત", "સુરજ સામે ધૂળ ઉછાળો છો", "ઘુવડની જેમ સુરજને જોઈ શકતા નથી" વગેરે વગેરે. વિરોધીઓના અવાજને દબાવી દેવા માટેની આ જાણીતી તરકીબ છે. કેટલાક મુમુક્ષુ મિત્રોના મતે રેશનાલીસ્ટ લોકો એટલે જાણે દાનવો.

જરૂરી સાવચેતી:

શું રેશનાલીઝમ પ્રત્યેની આ આભડછેટ પણ નકારાત્મક નથી? રેશનાલીસ્ટ વિચારોથી પણ માનવજાતની ઉન્નતિમાં ઉપયોગી યોગદાન થઇ શકે. પ્રગતિ માટે પણ પ્રતિક્રિયા આવશ્યક હોય છે. જમીન પોચી હોય, પ્રતિક્રિયા ના કરતી હોય, તો આપણે ચાલી શકતા નથી. તેવી રીતે રેશનાલીસ્ટ પ્રતિક્રિયા સમાજની પ્રગતિ માટે આવશ્યક છે. વળી ચાલવા માટે બે પગ જોઈએ. બંને સરખા લાંબા અને સરખા મજબુત હોય તો બરાબર ચલાય. નહિ તો લંગડાવું પડે. ( જુઓ સમતુલા અને પ્રમાણસરતા ) તેવી રીતે જીવનમાં પણ સારી બુદ્ધિ અને સાચી શ્રદ્ધા ( જુઓ ભક્તિ અને શ્રદ્ધા, Uses and Abuses of Faith) સરખા હોવા જોઈએ. રેશનાલીઝમ રૂપી આંખો વડે જોતા રહેવું જોઈએ કે પગ ગમે ત્યાં પડતો તો નથી ને? નહિ તો દુર્બુદ્ધિ કે દુર્ભક્તિ રૂપી કેળાની છાલ પર પગ પડી જાય અને નાકતોડ ભૂમિપૂજન થઇ જાય!

ચોખવટ:

શરૂમાં એક ચોખવટ કરી લઉં. હું પુરેપુરો રેશનાલીસ્ટ નથી, અધુરો જ છું. પુરેપુરો થવા ચાહું તો છું પણ થઇ શકું તેમ નથી. કારણ કે હું એટલો બધો બુદ્ધિશાળી અને વિદ્વાન નથી. જેવી છે તેવી અને જેટલી છે તેટલી મારી બુદ્ધિ વાપર્યે રાખું છું, બીજા બધાના અવરોધોને ગણકાર્યા વિના. ધાર્મિક વાર્તાઓ અને માન્યતાઓ અંગે હું તે વૈજ્ઞાનિક કે તર્કયુક્ત હોવાનો માપદંડ વાપરતો નથી. કેવળ તે ઉચિત છે કે અનુચિત, ન્યાયી છે કે અન્યાયી તે વિચાર કરું છું.

હું મારી જાતને સમજવાદી (સીધી સાદી સામાન્ય સમજ common sense વાપરવાનો આગ્રહી) માનું છું. આસ્તિક છું (જુઓ પરમેશ્વર વિ. બધા ધર્મો) પણ બધા ધર્મોથી અને બધા પ્રકારની આધ્યાત્મીકતાઓથી આઝાદ છું (જુઓ આધ્યાત્મિકતા). મારું અધૂરું રેશનાલીઝમ તેમાં નડતું નથી. રામના દુષ્કૃત્યોને વખોડવા જેવી મારી ધ્રુષ્ટતામાં (જુઓ આપણું કલંક ) તે સહાય પણ કરતું નથી.

હકારના પ્રકાર :

હકાર બે જાતના હોઈ શકે. તથ્ય પરત્વે અથવા રજૂઆત અંગે. "છગનભાઈએ વધારે ડહાપણ વાપરવું જોઈએ" એમ કહીએ અને "મગનભાઈ મૂરખ નથી" એમ કહીએ તો તે બેમાંથી કયું હકારાત્મક અને કયું નકારાત્મક ગણાય? વધારે મહત્વનું શું, મુદ્દો કે શબ્દો? સારા શબ્દોમાં કોઈને વખોડી પણ શકાય જેને 'કોથળામાં પાંચશેરી' કહે છે. કોઈ એકાક્ષીની ગરજ હોય તો તેમની આંખ વિષે મૌન રહેવાને બદલે "ધીરે ધીરે પૂછીએ કે શાથી ખોયું નેણ" વાળી સલાહ માનીએ તો તે હકારાત્મક ગણાય? કોઈની ગરજ ના હોય છતાં આપણી વાત અસ્પષ્ટ રીતે રજુ કરીએ તો તે કહેવાનો કે લખવાનો હેતુ ના પણ સરે. તેથી મારા લખાણોમાં કોઈકોઈને નકારાત્મકતા વરતાતી હોય છે. મારો ઈરાદો કોઈનું પણ અપમાન કરવાનો નથી હોતો. આશય સાફસાફ વાત કરીને વાંચકોને મૂળભૂત મુદ્દાઓ વિષે તેમની પોતપોતાની રીતે વિચારતા કરવાનો જ છે. કુલડીમાં ગોળ ભાંગવો મુત્સદ્દીઓને શોભે, મને ગમે પણ નહિ ને આવડે પણ નહિ.

ખરેખર તો પોતાની સામાન્ય બુદ્ધિ પણ ના વાપરવી તેના જેટલો નકારાત્મક અભિગમ બીજો કોઈ નથી.

જે કંઈ વાંચવામાં આવે કે સાંભળવામાં આવે તે બધાને સાચું માનીએ તો તે હકારાત્મક ના કહી શકાય. પરસ્પર વિરોધી વાતોમાંથી કઈ વાતને સાચી માનવી? જેમના તરફથી રજુ થઇ હોય તેમાંથી જે વધારે બળવાન, ધનવાન, જાણીતો કે સત્તાધીશ હોય તેની? જેની વાત સાદી સમજાય તેવી ભાષામાં હોય તેની કે કાવ્યમય ભાષામાં હોય તેની? કે પછી ગાડરિયા પ્રવાહમાં ભળી જઈ બીજા બધા જે માનતા હોય તે વાત માનવી? આપણી પોતાની સામાન્ય બુદ્ધિ વાપરીને પસંદગી કરીએ તો તે નકારાત્મક ગણાય? બધી જ સકારાત્મકતા (કે વિધાયક અભિગમ) સાચી કે સારી નથી હોતી. કેટલીક આભાસી તો બીજી કેટલીક તો દંભી પણ હોય છે. ભીરુતાને છુપાવવા માટે પણ સકારાત્મકતા ઉપયોગી થઇ પડે. આપણે જો કોઈની વાત આખેઆખી માનીએ તો જ હકારાત્મક ગણાઈએ?

"ના' એ ખરાબ શબ્દ નથી. વાલ્મીકી અને વ્યાસ જેવા મુનિઓએ પણ તે વાપર્યો છે. મોક્ષ મેળવવો એટલે પુનર્જન્મ ન જ થવા દેવો. તેમાં કઈ હકારાત્મકતા આવી? ધ્યાનમાં નિર્વિચાર કે વિચારવીહીન અવસ્થા પ્રાપ્ત કરવાની હોય છે, તે પણ નકારાત્મક પ્રવૃત્તિ છે. તેના વિકલ્પે હકારાત્મક સુઝાવ આ લખાણના છેડે આપ્યો છે.

એક મિત્રે કહ્યું કે તેમના ગુરુના ગુરુ પાંચસો વરસથી જીવતા હતા. મેં પૂછ્યું કે શું તે ગુરુવરને પોતાનો નશ્વર દેહ એટલો બધો વ્હાલો હતો કે ચારસો વરસથી પકડી રાખ્યો હતો. આ સવાલ તેમને નકારાત્મક લાગેલો. તમને લાગે છે? ખરેખર નકારાત્મક તો તે મહાગુરુનો દાવો હતો કે તેઓ ચારસો વર્ષોથી મરતા નહોતા.

અમુક જૂથ કે વ્યક્તી લોકોને છેતરે છે એમ બધાને સમજાવવાનો પ્રયાસ કરીએ તો તે નકારાત્મક ગણાય? કોઈ એક પરંપરા ખોટી કે હાનીકારક છે એમ કહીએ અને તે બંધ કરાવવાની માંગણી કરીએ તો તે વિધ્વંસક બની જાય? દાખલા તરીકે સતી પ્રથા બંધ કરાવવાનું પગલું કે અસ્પૃશ્યતા નાબુદીને ખંડનાત્મક કહેવાય?

મારી વાત:

ખોટી અને ખરાબ વાતને તે તેવી છે એમ ના કહું તો સાચી અને સારી વાતને સારી કહું તે ખોખલી ઔપચારિકતા બને, સાચી સારી વાતની હાંસી થાય. આવી અર્ધહૃદયી (halfhearted) નીતિ ભીરુતાની નિશાની છે. સાચી વાતને સાચી કહેવા સાથે ખોટી વાતને ખોટી કહેવી જ જોઈએ. દુધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખવા તે બિનજવાબદારી અને ડરપોકપણું છે. વિદ્યા શીખવી જોઈએ એમ કહેવા સાથે કઈ વિદ્યા શીખવી અને કઈ નહિ તે પણ ના કહીએ તો 'પરાતીસંધાન' (બીજાને છેતરવાની) કે જુગાર રમવાની કળા પણ શીખવા યોગ્ય ગણાય. સારી ટેવો પાડો અને કુટેવો છોડો એમ કહીએ તો તે નકારાત્મક ના ગણાય.

સજ્જનોનું મૌન દુર્જનો માટે તેમના દુષ્કૃત્યોનું અનુમોદન બની જતું હોય છે. અને તેને લીધે ખોટા ને ખરાબ તત્વોને ફાવતું આવી જાય છે. તે તો ના થવા દેવું જોઈએ ને?

અમેરિકાના મંદિરોના સંચાલકો ભક્તોની ભીડ ભેગી કરવા 'મહાપ્રસાદ' ધરાવે છે કે જેથી લોકો તેમના ગુરુનું ભાષણ સાંભળે. અહીં તો મધવિહીન સુ-દર્શન કાઢો છે, જોવો ય ના ગમે. ચાખવાની હિંમત કરી શકશો?

વિકલ્પોની શોધ:

જ્યોતિષ જેવી વાહિયાત અને બાધક પરંપરાનો સકારાત્મક વિકલ્પ હોઈ શકે ખરો? છેતરર્પીડીના પ્રતિકાર માટે કયો વિધાયક અભિગમ હોઈ શકે?

બધી ક્રિયાઓ સર્જનાત્મક ના હોઈ શકે. સર્જન કરતા પહેલા વિનાશ પણ કરવો પડે. આર્યોએ ખેતી કરવા માંડી તે કેવી રીતે? વનોનો નાશ કરીને જ. વનવાસી પર્યાવરણ રક્ષકોએ વાંધો ઉઠાવ્યો તો તેમને રાક્ષસો કહીને રહેંસી નાખ્યા. ઇન્દ્રપ્રસ્થ બાંધવા માટે આખે આખું ખાંડવ વન બાળી નાખ્યું ત્યારે તેમનો વિધાયક અભિગમ ક્યાં હતો?

માપદંડ:

અલ્પાત્માને માપવા માટે સત્યનો ગજ ટૂંકાવવો ના જોઈએ પણ મહાત્માને માપવા માટે તેને લંબાવવો તો જોઈએ. નહી તો તે મહાત્મા શાના? કુંવારો માણસ પરણે કે તરત તેની વર્તણુક વિશેની બધાની અપેક્ષા થોડીક વધી જાય. તે બાપ બને ત્યારે થોડી ઔર વધે. વિભક્ત કુટુંબના વડા કરતા સંયુક્ત કુટુંબના વડાની જવાબદારી વધારે હોય. માણસ જેમ જેમ મોટો થતો જાય, ખાસ કરીને પદપ્રાપ્તિમાં, તેમ તેમ તેની વર્તણુંક સુધરતી જવી જોઈએ. તેથી ઉપદેશ આપવા નીકળેલાઓનું વર્તન આપણા કરતા ઘણું વધારે સારું હોવું જોઈએ. દાખલા તરીકે આપણા જેવો સામાન્ય માણસ કોઈ બાળકીને જુએ તો તેની ફરજ છે કે તે બાળકીની મા અથવા બાપને શોધીને તેને સોંપે. ને તે ના મળે તો પણ તે બાળકીને સાચવી શકે તેવી કોઈ જવાબદાર વ્યક્તિને સોંપે કે જેથી તેને કશી હાની ના પહોંચે. આ વાત તમને માન્ય હોય તો વિચારો કે નવજાત બાળકી શકુંતલાને મોરલાઓ વચ્ચે મુકીને તપ કરવા ચાલ્યા જવાનું વિશ્વઅમીત્રનું (જે વિશ્વામિત્ર તરીકે ઓળખાય છે તેનું) કૃત્ય અમાનુષી હતું કે નહીં? આમાં રેશનાલીઝમનો પ્રશ્ન ક્યાં આવ્યો?

વિસંગત ઉપદેશો:

સંતો મહંતો ઉપદેશકો કહે તે બધું સાચું માની શકાય? 'દયા ધર્મકા મૂલ હૈ' કહેનાર જો 'યે સબ તાડન કે અધિકારી' એમ પણ કહે તો પૂછીએ નહિ કે 'તમારી દયા ક્યાં ગઈ'? જીવનભર જે સ્વધન કમાયા જ ના હોય, અને જેમણે બીજાનું ધન વાપરી નાખ્યું હોય, તે ભક્ત 'વૈષ્ણવજન પરધન નવ ઝાલે હાથ' કહે છતાં તેમને સંત કહેવાય તે સ્વીકારી લેવાનું? આવી બાબતોમાં વિજ્ઞાન કે તર્કની જરૂર પડે?

કુપાત્ર નાયકો:

'યથા રાજા તથા પ્રજા' કહેવાયું છે. કારણ કે રાજાના ગુણઅવગુણ થોડેવત્તે અંશે પ્રજામાં આવે. તેવી રીતે માબાપ અને અન્ય વડીલો જેના વખાણ કર્યા કરતા હોય તેના ગુણઅવગુણ બાળકોમાં આવે. તેથી જરૂરી છે કે માનને લાયક ના હોય તેવા 'મહાપુરુષો'ના વખાણ ના કરવા જોઈએ. આવા કેટલાક પાત્રોની અપાત્રતા ઉઘાડી પાડવાના આ લખનારના પ્રયત્નોને સાથ આપવાને બદલે વખોડવામાં આવે તે શોચનીય છે. ઉદાહરણ તરીકે લઉં છું વિશ્વઅમિત્ર. ખરેખર જુઓ તો તેઓ મહાનાયક નહિ પણ મહાખલનાયક હતા. કેમ કે રાજા હરીશચંદ્ર, વસિષ્ઠ, ત્રિશંકુ અને શકુંતલાના જીવનોમાં તેમણે ખલનાયકની ભૂમિકા જ ભજવી હતી. આવી વ્યક્તિને 'બ્રહ્મર્ષિ' તો શું, ઋષિ પણ ના કહેવા જોઈએ. આવી વ્યક્તિઓને આપણે વખાણીએ છીએ તે ખોટું નથી?

ત્યારે કરીશું શું?

મૃતાત્માઓના વખાણ બંધ કરવા સિવાય વધારે કશું કરી શકાય તેમ નથી. પરંતુ હાલમાં જેઓ લોકોને છેતરે છે તેમને અટકાવવા માટે હકારાત્મક વિધાયક અભિગમ ના જડે ત્યાં સુધી નિષ્ક્રિય રહીશું? પુરતા વિરોધીઓ ભેગા થાય તેની રાહ જોતા રહીએ તે દરમ્યાન છેતરપીંડી ચાલતી રહેવા દઈશું? રેશનલ હોઈએ કે ના હોઈએ તો પણ સમજદાર નાગરીકો તરીકે શું આપણી ફરજ નથી કે અવાજ ઉઠાવીને લોકોને જણાવીએ કે હકીકત શું છે? શ્રધ્ધાને બહાને અંધશ્રધ્ધા ફેલાવી જનતાને છેતરવામાં આવે છે તે પ્રત્યે આંખ મીંચી રાખી મોક્ષ માટે સાધના કરતા રહીશું?

અન્યાય સામે અવાજ ઉઠાવે તે યુવાન, અન્યાય સહન કરી લે કે તેને અનુમોદન આપે તે વૃદ્ધ. તમે શરીરે વયસ્ક ભલે હો, માનસિક યુવાન છો કે નહીં?

અહંકારના પ્રકાર:

મારી આવી વાતોના કારણે મને ઘણી વાર એમ પણ કહેવામાં આવ્યું છે કે મારા વિચારો મારા અહંને લીધે છે તેથી મારે મારું અહં છોડવું જોઈએ. તો જોઈએ કે આવા પ્રતિભાવ પાછળ શું છે.

અહંકાર પણ જાતજાતના હોય. કોઈ નાના, કોઈ મોટા; કોઈ હિતકારક (શ્રીકૃષ્ણ मामेकं शरणं व्रज), તો કોઈ હાનીકારક (કંસ), કોઈ સર્જનાત્મક (ભગીરથ) તો કોઈ સર્વનાશક (રાવણ). ચતુર વાંચક તેમના ઉદાહરણ જાતે જ જોઈ જાણી લેશે. છતાં એક અહંકાર વધારે લખાણ માંગી લે છે, તે છે આધ્યાત્મિકતાનો અહંકાર.

ગુરુ કોણ બની શકે? જે બીજાઓને લઘુ બનાવી શકે તે. શિષ્ય વિનાનો ગુરુ જોયો કે સાંભળ્યો છે? કોઈને ચેલા બનાવવા શું કરવું પડે? તેનું અહં છોડાવવું પડે. તે અહં જાય ક્યાં? ગુરુના મસ્તકમાં. જેટલા શિષ્યો વધે તેટલું ગુરુનું અહં વધે. દુ:ખના માર્યા લોકો ગુરુઓ પાસે જાય પણ ગુરુઓ સુખની વ્યાખ્યા જ બદલી નાખે. શિષ્યો અને અનુયાયીઓને દબાયેલા રાખવા માટે તેમનામાં લઘુતાગ્રંથી, હીનતાભાવ કે તેથી પણ નીચો ક્ષુદ્રતાભાવ જગાવવો અને ટકાવી રાખવો જોઈએ. તે માટે પોતાનો ચરણસ્પર્શ કરાવવો. વસિષ્ઠની ચરણરજ ના લીધી ત્યાં સુધી વિશ્વઅમિત્ર બ્રહ્મર્ષિ કહેવાને પાત્ર નહોતા, લીધી કે તરત જ સુપાત્ર થઇ ગયા! વસિષ્ઠનો અહંકાર પણ નાનો થોડો હતો? ગુરુઓ પોતાના નામની સહી કરે ત્યારે પણ 'સ્વામી', 'પરમહંસ' કે એવી પદવી પહેલા લખે પછી પોતાનું નવું નામ ફલાણાનંદ કે ઢીંકણાનંદ જે હોય તે લખે.

આપણા બધાનું સુક્ષ્મ અહં હોય. કેટલાકનું મહાહં (મહા અહં) હોય, તેઓ બીજાઓને અહં છોડવાની સલાહ આપ્યા કરે. બધા માટે અહં જરૂરી છે. તેના વગર માણસનું અસ્તિત્વ અધૂરું રહે. કોઈનું અહં તેના ધારક પાસે સારા કામ કરાવે, બીજા કોઈનું અહં ખરાબ કામો કરાવે. આપણું અહં ખરાબ પ્રકારનું ના બની જાય તેની તકેદારી રાખવી જોઈએ. મારામાં અહં છે. તેનો ગર્વ કરવાનો ના હોય, ક્ષોભ પણ શા માટે કરવો?

અંતમાં:

મારી ઈશ્વરદત્ત બુદ્ધિનો દુરુપયોગ ન કરવો જોઈએ. સાવ ન જ વાપરું તો તે પણ દુરુપયોગ જ ગણાય અને ઈશ્વરનું અપમાન પણ થાય. તેથી હું મારી સમજશક્તિ વાપરું છું, કોઈને ગમે કે ના ગમે. મને તો જે સાચું લાગે છે તે એવું જ ભેળસેળ વિના જણાવું છું, સ્વીકારવું કે નકારવું તે તો વાંચકનો સ્વાધિકાર છે. નકારવું હોય તો ભલે, પણ હજારો વર્ષોના પ્રચારથી રૂઢ બનેલી વિચારસરણીમાં ઘણી નહિ તો થોડી તો ભૂલો છે એટલું જાણો તો યે મારો પ્રયત્ન સાર્થક થશે.

હકારત્મક વિકલ્પનો નમુનો:

આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સિવાયના સમયમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે છે. ધ્યાન તો દિવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ 'ધ્યાની'ઓ હોય છે કે વચગાળાના સમયમાં દુષ્કૃત્યો કરતા હોય. તેથી 'ધ્યાન રાખવા'નું મહત્વ વધારે છે એટલે કે જે કાંઈ કર્મ કરીએ તેમાં ધ્યાન રાખીએ કે તે ઈશ્વરપ્રીત્યર્થે જ કરવાનું છે. કદાચ આપણી મનોવૃત્તિ એવી ધાર્મિક પ્રકારની ન હોય. આપણા સ્વાર્થ માટે જ કર્મ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાનું હિત ભલે ન થાય પણ અહિત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહિતનું અહિત ન થાય. પ્રત્યેક પળે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરથી આપણી કોઈ પ્રવૃત્તિ અજાણી નથી.

મનના બે સ્વરૂપ હોય છે, બાહ્ય મન અને આંતરિક મન. ઘણી વાર આ બે મન એક જ સમયે જુદાજુદા વિચાર કરતાં હોય છે. મનને વિચાર કરતું બંધ કરવાને બદલે એવી રીતે કેળવવું જોઈએ કે બંને મન એક સમયે એકી સાથે એક જ કામ વિષે વિચાર કરે અને તે પ્રમાણે તે કામ કરે. આને આપણે 'એકવિચાર' કે એકાગ્રતા કહી શકીએ. અથવા આંતરમનને એવું કેળવવું જોઈએ કે તે સતત પ્રાર્થનામય રહે. સાંસારિક કૃત્યો તો કર્યા કરવા પડે. તેમાં બાહ્ય મન પરોવાયેલું રહે. પણ જયારે જયારે બાહ્ય મન નવરું પડે ત્યારે ત્યારે આંતરમન પ્રાર્થના કર્યા કરે. તેનો પણ અતિરેક ના થવો જોઈએ. આપણી જે કંઈ જવાબદારી હોય તે પ્રત્યે દુર્લક્ષ ના થવું જોઈએ. 'નિર્વિચાર' તો દિવસમાં થોડા કલાક જ કરી શકાય અને બાકીના સમયમાં દુર્વિચાર અને દુષ્કૃત્યો પણ કરી શકાય. જયારે સદ્વિચાર તો જાગૃત અવસ્થામાં સતત કરી શકાય અને કરતાં રહેવું જોઈએ કે જેથી સત્કૃત્યો કરતા રહીએ.

-----

Submission

Unlike Einstein (http://sivers.org/weidman), another Bach lover would have given a lecture about the greatness of the musician. Einstein used a gradual approach by starting with what Weidman already knew and liked. After that, he step by step came to Bach's music. He did not replace Weidman's preference for Bing Crosby's light vocal music with that for Bach's classical instrumental one. He only added the other types of music to his liking.

We, the proponents of rationalism, should also adopt an approach similar to Einstein's. Rather than trying to convince the public that God does not exist, we should start with accepting the general description of God and build on it our argument in favor of giving up the religious fads hurting the people. Theism is a universal human weakness that is almost impossible to eradicate. We can only make people realize that God, if there is one, cannot be so childish as many of the religious practices imply him to be. This is what I am trying to do in the postings on this site.

Personally, I compare God to the joker in a pack of playing cards. That card is not used in the game of bridge because that game needs a lot of logic to play but not luck. Not every one can play bridge. I don't. It is too taxing to my brain. But in other games, the joker card is assigned a value exceeding even the ace of trump. It overrides all other cards. A player who got only the lower value cards would hope, and probably pray, for a joker. Similarly, those of us who have received only low value opportunities in our lives can, and should, be excused for wishing the help of the joker that God is, just an imaginary arbitrary concept. Why should not we use that concept for benevolent use to prevent its misuse?

We also have to guard against ourselves slipping into extremism of analyzing every thing. Analysis is useful only if it is followed by productive synthesis. Also, not every aspect of life can be subjected to analysis.

Do we want to serve our people or make them intellectual puritans instead of religious ones?

Home