ભક્તિ, પ્રાર્થના અને શ્રદ્ધા

 
ભક્તિ, પ્રાર્થના અને શ્રદ્ધા 
 
    
     ભક્તિ અને પ્રાર્થના પવિત્ર અને સાત્વિક પ્રવૃત્તિઓ મનાય છે.  પણ શું આપણે તેમનું હાર્દ સમજ્યા છીએ ખરા? 
 
     'માણસાઈના દીવા' પ્રગટાવનાર સ્વ. શ્રી રવિશંકર મહારાજે ભક્તિને વરાળની ઉપમા આપી હતી.  વરાળ તો બધે જ હોય. રણમાં, અલ્પ માત્રામાં ભલે, પણ હોય છે ખરી.  તે સર્વવ્યાપી વરાળ એટલી બધી ઉપયોગી નથી નીવડતી.  જયારે બોઇલરમાં પુરાયેલી વરાળ તો લાંબી લાંબી આગગાડીઓને તેમજ મોટા મોટા જહાજોને કે કારખાનાઓને ચલાવી શકે.  શરત એટલી જ કે બોઈલરમાં છિદ્ર ન હોવું જોઈએ.  નકર જરૂરી દબાણ પેદા ન થાય.  તેવી જ રીતે ભક્તિ રૂપી વરાળની શક્તિ પેદા કરવા માટે આપણા મનના બોઈલરમાં છિદ્ર ન હોવું જોઈએ.  પૂ. મહારાજ અનુસાર આ છિદ્ર હતા, ગાયન, નર્તન અને પ્રદર્શન. 
 
     ભક્તિ એટલે જીવાત્મા રૂપી પત્નીનો પરમાત્મા રૂપી પતિ માટેનો ઉત્કટ પ્રેમભાવ.  તે જાહેરમાં અને સમૂહમાં થઇ જ ન શકે.  છતાં તેને માટે કેટકેટલા મંદિરો, ચર્ચો, સીનાગોગો, મસ્જીદો, ગુરુદ્વારાઓ વગેરે બાંધવા અને નિભાવવામાં આવે છે!  આ બધા સામાજિક જીવન માટે જરૂરી ખરા પણ ભક્તિ કરવા માટે નહીં.  ત્યાં ન જનારી બધી વ્યક્તિઓને દુષ્ટ નાસ્તિક ન ગણી શકાય.
 
     કેટલાક મિત્રો ભક્તિ કરવા માટે બીજાઓને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે.  પણ ભૂલી જાય છે કે ભક્તિ તો થઇ જાય, કરવાની ન હોય.  ખાસ તો તેને માટે અગાઉથી સ્થળ સમય નક્કી ન કરી શકાય.  વળી કોણે ક્યાં, કઈ ભાષામાં, કયા શબ્દોમાં, ક્યારે, કેવી રીતે પ્રાર્થના કરવી તે જે તે વ્યક્તિની પસંદગી પર છોડવું જોઈએ.  તેને બદલે ગુરુઓ તેમના અનુયાયીઓની પ્રાર્થનાનું નિયંત્રણ કરતા હોય છે તે કેટલે અંશે યોગ્ય છે?
 
    શ્રધ્ધા વિના ભક્તિ ન થઇ શકે.  પણ શ્રદ્ધા એટલે શું?  જે માન્યતા સાચી કે ખોટી સાબિત ન થઇ શકે તેને સાચી માનવી તેનું નામ શ્રદ્ધા.  કોઈ વાત માનવા માટે કારણ આપીએ તો તે શ્રદ્ધાની વાત નથી રહેતી.  જેમ કે કોઈ ધર્મપુસ્તકમાં લખ્યું હોય કે પૃથ્વી સપાટ છે તો તે વાતને,  ધર્મપુસ્તકમાં લખ્યું છે તેથી જ સાચી માનવી તે શ્રદ્ધા નથી.  બીજી બાજુ પૃથ્વી ગોળ છે તે સ્વીકારીએ તો તે પણ શ્રદ્ધા નથી.
 
     આ થોડા દાખલા વડે સ્પષ્ટ કરીએ.  નીચે લખેલા પ્રસંગો ખરેખર બનેલા છે, આ લખનારે ઉપજાવી કાઢેલા નથી.
 
     એક સજ્જનને તેમના ગુરુ પ્રત્યે ઘણી શ્રદ્ધા છે.  તેમના કહેવા પ્રમાણે તેમના ગુરુએ તેમને બઢતી અપાવી હતી.  તેમની સરકારી નોકરીમાં તો વરિષ્ઠતા (સિનિઓરિટિ) પ્રમાણે જ બઢતી મળતી હતી.  હવે જો તેમનો વારો હતો જ તો ગુરુકૃપા વિના પણ બઢતી મળી હોત.  અને વારો ન હોવા છતાં ગુરુકૃપાને લીધે તે બઢતી મળી હોય તો બીજા કોઈને અન્યાય થયો.  ગુરુજીએ કોઈ વિદ્યા શીખવી હોય જેને લીધે તેમની આવડત વધી હોય અને વધુ સારી નોકરી મળી હોય તો તે સાચી અને સારી ગુરુકૃપા ગણી શકાય.
     એક ખૂબ ધાર્મિક વડીલે કહેલું, "તલાટીની નોકરીમાં તો શું પૂરું થાય,પણ ઈશ્વરકૃપાથી ઉપરની આવક સારી છે તેથી ગાડું ગબડે છે."  ઈશ્વર જો કૃપા જ કરવાનો હતો તો તેમને ભણવામાં મદદ કરી સારી નોકરી ના અપાવત?
 
     એક સામયિકમાં એક લેખ હતો કે કોઈ ખાસ મંત્રના જાપ કરવાથી એક પરિવારને કોર્ટ કેસમાં જીત મળી હતી.  જરા વિચારીએ.  જો સત્ય તેમને પક્ષે હતું તો જાપ વગર પણ જીત થવી જોઈતી હતી.  અને નહોતું તો જાપને લીધે બેવડો અન્યાય થયો.  મંત્રના જાપથી સામા પક્ષે, કોર્ટમાં ગયા વગર, સમાધાન કર્યું હોત તો જુદી વાત હતી.
 
     એક બીજા ભક્ત એક વિખ્યાત ઐતિહાસિક સંતને તેમના ઇષ્ટદેવ માને.  તેમની પુત્રીનું વેવિશાળ તે જ સંતના એક બીજા ભક્તના પુત્ર સાથે થયું.  વરના કુટુંબની ઈચ્છા તે વરસે લગ્ન લેવાની હતી.  આ ભાઈ પાસે પૈસા નહોતા.  કહે, "મેં તો મારી સમશ્યા મારા  ઇષ્ટદેવને સોંપી દીધી.  મારા વેવાઈના જમાઈનું અકસ્માતમાં મરણ થવાથી લગ્ન મુલતવી રહ્યા.  જોયો મારા ઈષ્ટદેવનો  પ્રભાવ?"  ઇષ્ટદેવ શું એવા નાદાન હોઈ શકે કે એક ભક્તને સહાય કરવા તેમના જ બીજા ભક્તનું ઘોર અહિત કરે?   જૂની ઉઘરાણી અણધારી વસુલ થવાથી કે બીજી કોઈ નૈતિક રીતે પૈસા મળી ગયા હોય તો તે ઈષ્ટદેવનો પ્રભાવ.
 
     આવી શ્રધ્ધાને આપણે શું કહી શકીએ?  તેને ખોટી અથવા અંધશ્રદ્ધા ન કહીએ તો પણ કાચી તો કહી શકાય.આપણી શ્રદ્ધા એવી તો ન જ હોવી જોઈએ કે જેથી બીજાનું અહિત થાય.
 
     શ્રદ્ધા કોનામાં કે શાનામાં રાખવી જોઈએ?  આપમેળે આવી મળતી શ્રદ્ધા અંગે પસંદગીનો અવકાશ ના હોય.  છતાં જો શક્ય હોય તો વિચારવું જોઈએ કે પોતાની શ્રદ્ધા ખરેખર શ્રદ્ધા છે?  હોય તો તે પરમેશ્વરમાં કે બીજા કોઈ કે બીજા કશામાં?  
 
     ઘણી વાર એવું પણ બને છે કે જેને આપણે પરમેશ્વર પ્રત્યેની શ્રદ્ધા માનતા હોઈએ તે તેમ નથી હોતું.  દાખલા તરીકે ઘણા લોકો કોઈને કોઈ એક પુસ્તકને, પછી તે ભલે તે વેદ, ગીતા, બાઈબલ, કુરાન, ગ્રંથસાહેબ કે તે કક્ષાનું બીજું કોઈ પુસ્તક હોય તેને, ઈશ્વરનો શબ્દ માનતા હોય છે.  તેમને તો કોઈ વડીલ, પિતા, માતા, શિક્ષક અથવા ધર્મગુરુએ કહ્યું હોય કે તે પુસ્તક ઈશ્વરનો શબ્દ છે.  તે કહેનાર પ્રત્યેના વિશ્વાસને લીધે લોકો માની લેતા હોય છે. પણ આ વિશ્વાસ કંઈ ઈશ્વર પ્રત્યેની  શ્રદ્ધા નથી  હોતી. આમ કહેનારને પણ બીજા કોઈએ કહ્યું હોય તે માની લીધું હોય.  આવી રીતે આગળથી ચાલી આવતી માન્યતાને શ્રદ્ધાનું નામ ન આપવું જોઈએ. 
     બીજા કેટલાક ભક્તોની શ્રદ્ધા ચમત્કાર અથવા વ્યક્તિગત ઉપકારને લીધે ઉત્પન્ન થયેલી હોય છે.  તે પણ કાચી શ્રધ્દ્ધા ગણી શકાય.  આવી શ્રધ્ધાને બદલે આપણે ઈશ્વર અને સત્ય, ન્યાય, પ્રેમ જેવા ઈશ્વરીય ગુણો પર શ્રદ્ધા રાખીએ તો સારું.
     આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર આપવાને નામે પ્રાર્થના કરતાં શીખવીએ છીએ.  સારી વાત છે.  પણ તે પ્રાર્થના સમજ્યા વગર યંત્રવત ના કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. 
    God is above and beyond all religions.  આ વાક્યનું સરળ સચોટ ગુજરાતી ના આવડવાથી અંગ્રેજીમાં જ રહેવા દીધું છે પણ તે સમજીને યાદ રાખવા જેવું છે.