પતિતપાવન મર્યાદા પુરુષોત્તમ?


Home

પતિતપાવન મર્યાદા પુરુષોત્તમ?


તમે રામના પરમ ભક્ત હો અને કશો જ વિચાર કરવાની વિરુદ્ધ હો તો આગળ વાંચવાની તસ્દી ના લેશો.


નીચેનું લખાણ વાલ્મીકિ રામાયણ પર આધારિત છે, મારું પોતાનું તો સંકલન જ છે. જો તમારે મેં ટાંકેલા શ્લોકની ચકાસણી કરવી હોય તો મને જણાવશો. તે હું તમને મોકલી આપીશ.


દશરથપુત્ર રામચંદ્ર 'મર્યાદા પુરુષોત્તમ' કહેવાય છે. તેઓને "પુરુષોત્તમ" (પુરુષો માટે ઉત્તમ) કહી શકાય કારણ કે તેમણે પુરુષોના હિતમાં નિર્ણયો કર્યા, માનવ માત્રના હિતમાં નહિ. તેથી તેમને 'માનવોત્તમ" ના જ કહી શકાય.


મર્યાદા કોની અને કેવી? રામે સ્ત્રીઓની મર્યાદા વધારે કપરી બનાવી પતિઓને લાભ કરી આપ્યો હતો. પોતાને માટે તો પોતાની પુરુષ તરીકેની જ મર્યાદા સ્વીકાર્ય હતી. સત્ય, ન્યાય અને માણસાઈની કોઈ મર્યાદા રામ જાણતા અને માનતા હોત તો તેમણે સીતાને ત્રણ વાર ત્રાસ આપ્યો ના હોત.


૧) રાવણને માર્યા પછી લંકામાં સીતાને બોલાવીને કહ્યું કે "રાવણે જે ધાર્યું હશે તે તેણે કર્યું જ હશે તેથી મારે તારું કશું કામ નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જા." (વાલ્મીકિ રામાયણ યુદ્ધ કાંડ, સર્ગ ૧૧૮, શ્લોક ૨૨-૨૪). સીતાજીએ પોતે જ લક્ષમણને કહીને ચિતા બનાવડાવી, સળગાવડાવી તેમાં પ્રવેશ કર્યો હતો. (વા.રા., યુ.કાં, ૧૧૯ ૧૬-૧૯). ત્યારે અગ્નિદેવે જે પ્રમાણ (સાબિતી, proof, certificate) આપ્યું તે લંકાના નિવાસ માટે જ હતું, અયોધ્યાના નિવાસ માટે ન્હોતું તેથી નવા પ્રમાણની અયોધ્યામાં જરૂર પડી હતી.


૨) લોકાપવાદ તો રાજ્યાભિષેકના દિવસથી જ ચાલુ થયો હોય. તે જાણવાનો પ્રયત્ન કર્યા વિના બંને જણા અશોકવનિકામાં (અશોકવાટિકામાં નહીં) ગયા હતા અને ઘણાં વરસો સુધી ત્યાં રહ્યા હતા. (વા.રા., ઉત્તર કાંડ , ૪૨ ૨૬). તે દરમ્યાન લોકોક્તિ જાણવાનો પ્રયાસ ન્હોતો કર્યો. વર્ષો પછી સીતાજી ગર્ભવતી થયા. તે બાળક રાવણનું તો ન્હોતું જ. પરંતુ કોઈ અકળ, અકથ્ય અને ગોપનીય કારણસર રામને વ્હેમ પડ્યો હોવો જોઈએ તેથી તે જ દિવસે પોતાના અનુચરોને લોકોક્તિ જાણવા પૂછ્યું. અનુચરોએ ખરાબ વાત કહી. ગુરુ વસિષ્ઠને પણ પૂછ્યા વગર તરત જ ભાઈઓ અને ભત્રીજાઓને બોલાવ્યા. કહ્યું કે "યશસ્વિની* સીતા શુદ્ધ છે તેમ મારો અંતરાત્મા પણ કહે છે." ( વા.રા., ઉ. કાં, સર્ગ ૪૫, શ્લોક ૧૦) પણ પાંચ શ્લોક બોલતાં થાય તેટલી થોડી જ વારમાં સીતાને ત્યજવાનો નિર્ણય વ્યક્ત કરીને સીતાને કલંકિની** બનાવી દીધા. (વા.રા., ઉ. કાંડ, સર્ગ ૪૫, શ્લોક ૧૫). જૂઠું બોલીને સીતાજીને ઘણે દૂર જંગલમાં મોકલી આપ્યા. અને તે પણ પોતાની કીર્તિસંપાદન માટે, લોકહિત માટે નહીં. લોકાપવાદનું તો બહાનું જ હતું.


૩) બાર વરસ પછી અશ્વમેધ યજ્ઞ પ્રસંગે વાલ્મીકિ સાથે સીતા અયોધ્યા આવેલા હતા. ત્યારે વાલ્મીકિએ બધાના દેખતા કહ્યું કે તેમણે તેમની દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું હતું કે સીતાજી શુદ્ધ હતા. (વા.રા., ઉત્તર કાંડ, સર્ગ ૯૬ શ્લોક ૨૩). આ પ્રમાણ સીતાના વાલ્મીકિના આશ્રમમાં પ્રવેશ સમયનું હતું તેથી તે પણ જૂનું થઇ ગયું હતું. રામે ત્રીજી વાર સીતા પાસે શુદ્ધતાનું નવું પ્રમાણ પોતાની પ્રસન્નતા અને લોકોના સંતોષ માટે માંગ્યું. (વા.રા., ઉત્તર કાંડ, સર્ગ ૯૭, શ્લોક ૯-૧૦). તેથી સ્વમાની સીતાજી પૃથ્વીદેવીને પ્રાર્થના કરી ને અંતમાં તેમની ગોદમાં સમાઇ ગયા.


ખરેખર તો સીતાએ (રામ સાથે રાજ્યાસન પર બેસવાને બદલે) સદૈવ શંકાશીલ રામનો અને અયોધ્યાની નાદાન પ્રજાનો ત્યાગ કર્યો હતો.


આવો વહેમીલો પતિ, કે જેણે પોતાની પાવન પત્નીની શુધ્ધતાની અવહેલના અને અગ્નિદેવની ભલામણનો અનાદર કરીને તેમનો ત્યાગ કર્યો, તે બીજા પતિતને પાવન કરી શકે? તેને "પતિતપાવન" કહી શકાય?


નિર્દોષને દંડ કરવાથી પ્રજાનું ભલું થઇ શકે એવી માનસિકતા ક્યાંથી ઉત્પન્ન થઇ હશે? આપણા 'મહાન' ઋષિમુનિઓએ પ્રજાને આવું જ શીખવ્યું હતું?


વિચાર કરી જોજો.

-----------------------------------------

* આ શબ્દ મારો નથી, વાલ્મીકિનો છે.

** આ શબ્દ મારો છે.



વધુ માટે જુઓ:

આપણું કલંક રામ

રામાયણ - માનવતાનું મહાકાવ્ય?

સત્યધર્મી રામ?

વાલ્મિકી રામાયણમાંથી કેટલાક ઉતારા


Home