આંતરધર્મીય લગ્નો

home

 આંતરધર્મીય લગ્નો

(Translation of Interfaith Marriages)

 

     હિંદુ માતાપિતાઓ તેમની દીકરીઓ બિનહિંદુ પુરુષો સાથે લગ્ન કરે તે અંગે ચિંતા કરતા હોય છે, ખાસ કરીને ભારત બહાર વસતા હિંદુઓમાં આ સમશ્યા વધુ પ્રમાણમાં જણાય છે.   આ અંગે થોડા અવલોકનો પ્રસ્તુત છે.

      ભવભૂતિના उत्तररामचरितम् નાટકમાં નીચેનો શ્લોક આવે છે.

      व्यतिषजति पदार्थानान्तरः कोSपि हेतुर्न खलु बहिरुपाधीन्प्रीतय: संश्रयन्ते |

     विकसति हि पतंगस्योSदये पुंडरिकः द्रवति च हिमरश्मावुद्गते चन्द्रकान्तः ||

     "બે વ્યક્તિઓ વચ્ચેની પ્રીત કોઈ આંતરિક કારણ પર આધાર રાખે છે, નહીં કે બાહ્ય કારણ પર.  જેમ કે (ગરમ) સૂર્ય ઉગે ત્યારે (કોમળ) કમળ ખીલે છે અને (શીતલ) ચંદ્ર ઉગે ત્યારે ચન્દ્રકાન્ત પથ્થર પીગળે છે.  (સંસ્કૃત કવિતામાં ચંદ્રકાન્ત નામના પથ્થરની કલ્પના છે જે ચન્દ્રકીરણથી પીગળે છે.)"

      જયારે કોઈ યુવાન અથવા યુવતી પોતાના સમાજની બહાર લગ્ન કરવાનું નક્કી કરે છે ત્યારે તે ધર્મ, રાષ્ટ્રીયતા, ભાષા, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ વગેરે બાહ્ય બાબતોના વિચાર નથી કરતા.  ગુજરાતી અખબારોમાં છપાતી "રાજીખુશીથી પરણી ગયા છીએ" ની જાહેરાતો જોઈએ તો નવાઈ લાગે કે આ બે વચ્ચે પ્રેમ થયો જ કેમ કરીને!  પણ ખૂબ સુંદર છોકરીઓ કદરૂપા છોકરાઓના પ્રેમમાં પડતી હોય છે અને ખૂબ દેખાવડા છોકરાઓ સાવ સામાન્ય છોકરીઓના પ્રેમમાં પડતા હોય છે.  તેવી જ પરિસ્થિતિ ઉંચાઈ, ભણતર, સંપત્તિ વગેરે બાબતોમાં પણ થાય છે.  પ્રેમનું કામ જ એવું છે!  તેથી જયારે યુવાનો બિન-હિંદુ વ્યક્તિને પરણવાનું નક્કી કરે છે ત્યારે તે કાંઈ હિંદુ ધર્મના વિરોધ ખાતર નથી કરતા.

      આટલું કહ્યા પછી પણ જોઈએ કે કોઈ હિંદુ યુવતી કોઈ હિંદુ યુવક પાસેથી શાની અપેક્ષા રાખી શકે?  આપણા બાળકો જુએ છે કે તેમના પિતાઓ ઘેર આવીને એક હાથમાં છાપું (અથવા પરદેશમાં હોય તો બીઅરની બાટલી કે કેન) ધારણ કરીને ટીવી જોવા સિવાય બીજું કશું કરતા નથી.  તેમની માતાઓ નોકરી કરતી હોય તો પણ ઘરે આવીને ઘરકામના ઢસરડા કરતી હોય છે.  કહેવાય "અર્ધાંગિની" પણ બને "સર્વાંગિણી".  વળી જુઓ પત્ની માટેની અશક્ય અપેક્ષાઓ.

 भोज्येषु माता शयनेषु रंभा वित्तेषु मंत्री कार्येषु दासी |

"જમાડવામાં માતા, પથારીમાં રંભા, પૈસા ટકાની બાબતમાં મુનીમજી, કામકાજમાં દાસી."  પત્નીએ આ બધા પાત્રો ભજવવાના હોય છે.  પતિ માટે આવો કોઈ શ્લોક છે? 

     વળી આપણે આપણા બાળકોને સંસ્કૃત શ્લોકો ગોખાવીએ છીએ પણ તેમનો અર્થ તેમને સમજાવતા નથી.  બાળકો આનું ખોખલાપણું સમજી જાય છે અને જાણે અજાણ્યે પણ તેની સામે વિદ્રોહ કરે છે.

      આપણા હિંદુ પુરાણોની વાર્તાઓમાં એક તત્વ સામાન્ય હોય છે અને તે એ કે પતિઓ પત્નીઓના ચારિત્ર્ય અંગે શંકાશીલ હોય છે પછી તે શિવજી હોય કે રામ.  કાં તો બાળકનું માથું વધેરી નાખશે કે પછી અગ્નિપરીક્ષા લેશે.  આ વાર્તાઓ આપણા બાળકોને કેવો સંદેશ આપે છે?

      મનુસ્મૃતિ અનુસાર પત્ની એ પતિની માલિકીની વસ્તુ જ છે.  પત્ની અને જમીન બંને સરખા.  હરિશ્ચન્દ્રની જેમ વેચી શકે કે યુધિષ્ઠિરની જેમ દાવ પર મૂકી શકે.  અંગ્રેજી હસબંડ (husband) શબ્દના લગભગ બધા પર્યાય શબ્દોના અર્થ 'માલિક' થાય છે.  શા માટે?  કારણ કે આપણા પુરુષો તેમની પત્નીઓ પર માલિકી હક ધરાવે છે.

      ढोल चमार पशु और नारी, ये सब ताड़नके अधिकारी | એમ કહીને તુલસીદાસે તો હદ   જ કરી નાંખી ને?  માણસાઈની તો કોઈ વાત જ નહીં.

     કઈ યુવતી આવી જીંદગી જીવવા ઇચ્છશે?  બધી નહીં તો કોઈ કોઈ તો તે ટાળવા પ્રયત્ન કરે ને?

     લગ્ન જો ઇસ્લામિક પદ્ધતિથી કરવાના હોય તો એટલું તો સ્પષ્ટ કરવું જોઈએ કે તેમાં લગ્ન બે જણ વચ્ચેનો કરાર મનાય છે. અને છૂટાછેડા લેવાની જરૂર પડે તો તેના નિયમો પહેલેથી જાણી લેવા જોઈએ. આ બંને બાબતો સ્વીકાર્ય હોય તો જ તેવા લગ્ન કરવા જોઈએ. 

      જો કોઈ કન્યા પરધર્મીને પરણવા ઈચ્છે તો તે યુગલને કહેવું જોઈએ કે બેઉ જણા પોતપોતાના ધર્મોને પડતા મૂકીને કેવળ માનવધર્મ અપનાવે, સારા નાગરિક અને સારા માબાપ બને.

 

home