આધ્યત્મિકતા
આધ્યત્મિકતા
અંધશ્રધ્ધાનો બીજો પ્રકાર છે અતિશ્રધ્ધા.
મને આધ્યત્મિકતાની એલર્જી છે તેથી નહીં પણ ગંભીરતાથી કહેવા માંગું છું કે તે અતિશ્રધ્ધાનો આવિર્ભાવ જ છે. બુધ્ધિ અને તર્ક વડે જે ન જાણી શકાયું તે બધું જ શ્રધ્ધા વડે જાણી શકાશે એવી આશાથી માણસ આધ્યત્મિકતા તરફ વળે છે. બુધ્ધિ અને તર્કની મર્યાદા તો જાણવી જોઈએ પણ શ્રધ્ધાની મર્યાદા જાણવી પણ ખુબ જ જરુરી છે. (સત્ય, શ્રધ્ધા અને તર્ક)
કેટલાક પ્રશ્નો એવા છે કે જેના જવાબ જાણવાની કશી જ જરુર નથી. જેમ કે મર્યા પછી આત્માનું શું થશે? 'ગતે શોચો ન કર્તવ્યો ભવિષ્યં નૈવ ચિંતયેત્' ખાસ તો ગયા જન્મ અને આવતા જન્મ અંગે લાગુ પડે છે. મારા દેહાંત પછી અત્યારના મારા શરીરમાં જે આત્મા છે તેનું પરમેશ્વરને જે કરવું હોય તે કરે, મારે તેની શું પંચાત? સબ છોડ દે ઉસી પર.
પણ નહીં, આધ્યત્મિક 'સાધકો' પોતાનો અંકુશ જતો કરવા તૈયાર નથી. મર્યા પછી પણ તેમના આત્માનો કશો જ ઉપયોગ ઈશ્વર ન કરે તે માટે તેમને 'મોક્ષ' અને 'મુક્તિ' જોઈએ. શા માટે ભાઈ? અને આને માટે બધી સાધના કરે. તેનો પણ વાંધો નહીં પણ પાછા આપણા જેવા અસાધકોને તુચ્છ ગણે, પોતાનું ભરણપોષણ સમાજ પાસે કરાવે, માન સન્માન સ્વીકારે અને ઉપદેશો આપતા ફરે.
આધ્યત્મિકતા એ શું ખરેખર ઉપયોગી પ્રવૃત્તિ છે ખરી? આપણા સમાજમાં શું તેનો અતિરેક નથી થતો?
ધારો કે આ લખનાર આધ્યત્મિક સાધના ચાલુ કરે. તો તેનાથી સમાજને શું ફાયદો થાય? શા માટે સમાજે મને પોષવો જોઈએ? અને ધારો કે મને આધ્યત્મિક 'સિધ્ધી' મળી અને 'ઈશ્વરનો સાક્ષાત્કાર' પણ થયો. તેનાથી પણ સમાજને શું લાભ થાય કે લોકોએ મને માન આપવું જોઈએ? મારી આધ્યત્મિક સાધના એ મારા પોતાના આત્માના કલ્યાણ માટેની સ્વાર્થી પ્રવૃત્તિ નથી તો શું નિસ્વાર્થ પારમાર્થિક પ્રવૃત્તિ છે?
યથાર્થમાં આધ્યત્મિકતા છે શું? એક અસ્પષ્ટ ખ્યાલ સિવાય વિશેષ કશું છે ખરું? મ્રુત્યુ પછી આત્માનું શું થાય છે તેવા અનાવશ્યક પ્રશ્નો કે જેના જવાબ જાણવાની કશી જ જરૂર નથી તે પૂછવા તથા તેમના મનગમતા કાલ્પનિક ઉત્તરોને અપનાવવા એનું જ નામ આધ્યત્મિકતા કે બીજું કંઈ? આત્મા પરમાત્માની મોટીમોટી વાતો ને બદલે આપણા રોજીંદા વ્યવહારમાં સૌને ઉપયોગી થાય તેવી બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે નહીં?
ધર્મ વિરુધ્ધ વિજ્ઞાનની આ વાત નથી ધાર્મિક વાર્તાઓમાં આવતા કેટલાક વિધાનોને હું વિજ્ઞાનની દૃષ્ટિથી નથી નકારતો પણ સામાન્ય બુધ્ધિ અને માનવતાની દૃષ્ટિથી ચકાસું છું. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ દોષિત છે કે નિર્દોષ તે અગ્નિ જાણી શકે કે નહીં તેમ પૂછતો નથી. પણ એટલું તો જરુર કહીશ કે સીતાની અગ્નીપરીક્શા લેવાનું 'ભગવાન' રામનું કૃત્ય અત્યંત અમાનુષી, અન્યાયી અને ઘૃણાસ્પદ હતું.
આધ્યત્મિક પ્રવૃત્તિને નામે પ્રજાનો ઘણો મોટો સમુદાય નિરુત્પાદક અને પરોપજીવી જીવન ગાળે છે અને દેશની ગરીબી વધારે છે.