ન્યાયપ્રિય કોણ?

Home

ન્યાયપ્રિય કોણ?

ઇસ્વી સન ૧૯૦૩, બ્રિટીશ સામ્રાજ્યની પરમ ટોચનો સમય. ઇંગ્લેન્ડનું ગ્રેટ વાયર્લી ગામ. તેમાં ભારતીય પિતા અને બ્રિટીશ માતાનો પુત્ર જ્યોર્જ એદલજી રહે. તેના પર ગામના ઘેંટા, ગાય અને ઘોડા મારવાનો આક્ષેપ થયો. કાચા પુરાવાને આધારે દોષિત ઠર્યો. સાત વર્ષની સજા થઇ. જેલમાં ધકેલાયો.

કેસની વિગત જાણતા કેટલાક નાગરિકોને લાગ્યું કે ન્યાય થયો નહોતો. ૧૦,૦૦૦ લોકોએ અરજી કરી. પરિણામે જ્યોર્જને ત્રણ વર્ષ બાદ છોડવામાં આવ્યો. પણ સજા ભોગવી હોવાથી તેનું રદ થયેલું વકીલાતનું લાયસંસ તો રદ જ રહ્યું.

શેરલોક હોમ્સની જાણીતી રહસ્ય કથાઓના લેખક ડો. આર્થર કોનન ડોયલ જયોર્જની મદદે આવ્યા. તેમણે લંડનના ડેઈલી ટેલીગ્રાફ અખબારમાં લેખમાળા લખી, બધી વિગતો રજુ કરી. તેનાથી ત્યાંની પ્રજાનું અને બ્રિટીશ સરકારનું ધ્યાન દોરાયું. ત્યારે કોર્ટના ફેંસલા વિરુદ્ધ અપીલ કરવાની કશી જોગવાઈ કાયદામાં નહોતી. છતાં સરકારની એક ખાનગી સમિતિએ, કેસની ફેર તપાસ કરી, જ્યોર્જને નિર્દોષ જાહેર કર્યો. પરિણામે ત્યાંની લો સોસાયટીએ જ્યોર્જનું વકીલાતનું લાયસંસ રીન્યુ કર્યું.

પ્રિય વાંચકની ઈચ્છા હોય તો વધુ વિગત માટે નીચેની કડી (લીન્ક) પર વાંચી શકાશે.

https://www.conandoyleinfo.com/life-conan-doyle/conan-doyles-own-mystery-cases/the-george-edalji-case/

હવે વિચારો:

રંગભેદના જમાનામાં ૧૦,૦૦૦ લોકોએ જ્યોર્જ એદલજીની સજા વિરુદ્ધ રજૂઆત કરી. એક પ્રખ્યાત સફળ લેખકે તેની તરફેણમાં ઝુંબેશ ચલાવી તેને ન્યાય અપાવ્યો. આ લોકો સાચા ન્યાયપ્રિય હતા કે પોતાને પરમેશ્વર અને ગુણકર્મ આધારિત ચાર વર્ણની વ્યવસ્થાના સર્જક ગણાવવા છતાં ગુણ તેમ જ કર્મે ક્ષત્રિય એવા કર્ણને વારંવાર અન્યાય કરનાર "પૂર્ણ પુરુષોત્તમ" શ્રીકૃષ્ણ? તેમનું ન્યાયવિહીન તત્વજ્ઞાન હોય તો પણ શું અને ના હોય તો પણ શું?

Home