હિંદુ ગૌરવ કે મિથ્યાભિમાન?

home

હિંદુ ગૌરવ કે મિથ્યાભિમાન?

(Hindu Pride or Vainglory? નો ગુજરાતી અનુવાદ)

આપણે ઘણુંખરું બીજાઓના વિચારો પર હિન્દુતરફી કે હિન્દુવિરોધી હોવાના સિક્કા મારીને તેમની પ્રસંશા કે ટીકા કરીએ છીએ. આ લખનાર બેમાંથી એકેય નથી. તે તો કેવળ ન્યાય અને સત્યનો પક્ષકાર છે. પ્રિય વાંચક જો હિંદુ સંસ્કૃતિના વખાણ જ વાંચવા માંગતો હોય તો આટલેથી જ અટકી જાય.

આપણે ઘણા સંવેદનશીલ છીએ, આપણી સંસ્કૃતિ વિષે સહેજ પણ અણગમતું બોલવામાં કે લખવામાં આવે તો આપણી ધાર્મિક લાગણી દુભાઇ જાય છે અને મોટો ઉહાપોહ કરી નાંખીએ છીએ. તે કથન કે લખાણ સાચું હોય તો પણ તેને ખોટું ઠરાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. મિથ્યાભિમાનને લીધે સત્ય કે ન્યાયની પરવા કર્યા વિના આપણી સંસ્કૃતિના બધા પાસાઓના વખાણ અને બચાવ કરીએ છે. "અહો રૂપં અહો ધ્વનિ:" જેવી આત્મક્ષ્લાઘામાં રચ્યાપચ્યા રહેવાથી, અને આત્મનિરીક્ષણ ના કરવાથી આપણે આપણી ભૂલોને જાણી, સમજી અને સુધારીને મહાન સંસ્કૃતિને વધારે મહાન બનાવી શકતા નથી. બીજાઓને આપણી ટીકા કરતા અટકાવવાથી આપણને કશો લાભ થતો નથી. તે ટીકા સાચી હોય તો આપણે આપણા વર્તનમાં સુધારો કરવો જોઈએ.

સૌથી પહેલા આપણે ગૌરવ અને મિથ્યાભિમાન વચ્ચેનો ભેદ સમજવો જોઇશે. એક દાખલા વડે કદાચ વધારે સ્પષ્ટ થશે. અમેરિકાના એક સેનેટરે કહ્યું, "My country, right or wrong." (મારો દેશ, સાચો હોય કે ખોટો.) બીજા એક સેનેટરે કહ્યું, "My country; to be supported when right, to be corrected when wrong." (મારો દેશ; સાચો હોય ત્યારે ટેકો આપવા માટે, ખોટો હોય ત્યારે સુધારવા માટે.") પહેલા સેનેટરના બોલવામાં મિથ્યાભિમાન હતું, બીજાના કહેવામાં ગૌરવ. આપણે જેને "મારું" ગણતા હોઈએ તે બધી રીતે સંપૂર્ણ અને યોગ્ય છે તેમ માનવું તે મિથ્યાભિમાન છે. તેના સારા તત્વોના વખાણ તેમ જ વિકાસ કરવાના પ્રયત્નો કરવા ઉપરાંત આત્મનિરીક્ષણ કરીને ખરાબ તત્વોને ઘટાડવા કે નિર્મૂળ કરવાના પ્રયત્નો કરવા તે સાચું ગૌરવ કહી શકાય.

ઉપનિષદ કહે છે કે "સત્યનું મુખ સોનેરી ઢાંકણ વડે ઢંકાયેલું છે". તો તે ઢાંકણ કયું? સૌથી ખરાબ ઢાંકણ છે આપણું મમત્વ. જેને આપણે "મારું" માન્યું હોય તે કુટુંબ, ફળિયું, ગામ, રાજ્ય, દેશ, ધર્મ જે હોય તેની ખામીઓ જોવામાં નડતું હોય તો તે આપણું મમત્વ. તે એટલું સુંદર અને આકર્ષક જણાય છે કે તે સોનેરી ઢાંકણની ગરજ સારે છે. વ્યક્તિગત અભિમાનને ("અહં" ને) ઘટાડવાનું અઘરું હોય છે પણ સામુહિક અભિમાનને ("વયં" = "અમે" ને) ઘટાડવાનું અશક્ય જણાય છે છતાં આવશ્યક છે.

જયારે આપણે કોઈ વાદ (મૂડીવાદ, સમાજવાદ વગેરે) કે ધર્મના ચશ્માંમાંથી જોઈએ છીએ ત્યારે સત્ય બરાબર જોઈ શકાતું નથી. તેથી આવા ચશ્મા ઉતારવા જરૂરી છે. કોઈ પણ સમાજ રચના, પછી તે કોઈ ધર્મ, અર્થતંત્ર, કે વિચાર સરણી પર આધારિત હોય, તેમાં શારીરિક, બૌદ્ધિક, આધ્યાત્મિક કે આર્થિક રીતે નબળા લોકોનું શોષણ ના થાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. સત્ય અને ન્યાયનું સમર્થન બધી સમાજરચનામાં થવું જોઈએ. આ માપદંડથી જોતાં આપણી સંસ્કૃતિ પણ થોડી ઉણી ઉતરે છે. જે ઉત્સાહથી આપણે બીજા ધર્મોની આલોચના કરીએ છીએ તેના દસમા ભાગથી પણ જો આત્મનિરીક્ષણ કરીને ભૂલો સુધારીએ તો આપણી મહાન સંસ્કૃતિ ઘણી વધારે મહાન બની શકે. પરંતુ આપણે તો આપણી ભૂલોને મારી મચડીને વ્યાજબી ઠરાવવામાં રચ્યા પચ્યા રહીએ છીએ. જાણે બીજાઓ સાથે ખરાબ થવાની હરીફાઈમાં ના ઉતર્યા હોઈએ!

ભારતીય સંસ્કૃતિમાં ઘણા ઉત્કૃષ્ટ તત્વો છે ખરા પણ આપણે તેમનું પાલન કરીએ છીએ? ઉપનિષદ કહે છે કે જે વ્યક્તિ બધામાં આત્મા (કે પરમેશ્વર) ને જુએ છે તે કોઈનો તિરસ્કાર ન કરે. તો પછી શુદ્રો અને આદિવાસીઓને જે રીતે અન્યાય અને અપમાન સહન કરવા પડ્યા હતા અને હજુ પડે છે તે કેમ? "ઢોલ, ચમાર, પશુ ઔર નારી, યે સબ તાડન કે અધિકારી" કહેનાર ને "સંત" કેવી રીતે કહી શકાય"? આપણા મંદિરોમાં રામધૂનમાં અંતરા તરીકે આ વાક્યનો સમાવેશ શા માટે થાય છે? આપણે બીજાઓનું જ નહીં પણ આપણા સ્વજનોનું (હરિજનો અને ગિરીજનો) પણ શોષણ કેમ કરતા આવ્યા છીએ? "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા:" એમ કહીએ ખરા પણ સ્ત્રીઓ પર માલિકી હક ધરાવી તેમની સાથે નિર્જીવ ચીજવસ્તુઓ જેવો વ્યવહાર કરીએ છીએ. અંગ્રેજી હસબંડ શબ્દના લગભગ બધા પર્યાય શબ્દોના અર્થ "માલિક" પણ થાય છે. પુત્રીઓને જન્મ પહેલા કે પછી મારી નાખવામાં સામાજિક નાલેશી કેમ નડતી નથી?

એક મિત્ર ભારતીય સંસ્કૃતિના પરમ પ્રસંશક છે. તેમણે અગત્સ્ય સંહિતામાંથી ૨,૫૦૦ વર્ષ પહેલા કોઈ ઋષિએ કરેલા પ્રયોગનું વર્ણન શોધી કાઢ્યું. તેમાં વીજળી કોશ (બેટરી સેલ) બનાવી, તેની વીજળી વડે પાણીમાંથી બે વાયુઓ છુટા પાડ્યા હતા. એક વાયુ જવલનશીલ (ઓક્સીજન) અને બીજો ઉડ્ડયનશીલ (હાઇડ્રોજન) હોવાનો ઉલ્લેખ પણ છે. યુરોપિયન વૈજ્ઞાનિકોના હજારો વર્ષ પહેલા આ પ્રયોગ થયો હતો તેનો આનંદ થાય પણ સાથે એ વાતનું દુઃખ પણ થાય કે તે શોધને કોઈએ પણ આગળ કેમ ના ચલાવી, કેમ આ જ્ઞાનનો માનવ કલ્યાણ માટે ઉપયોગ ના કરાયો? આના કેટલાક કારણો છે; આપણા ઋષિમુનિઓ બ્રાહ્મણો સિવાય બીજાઓને જ્ઞાન આપતા નહોતા, બીજા બ્રાહ્મણોને પણ જ્ઞાન વહેંચતા નહોતા, સુપાત્ર વિદ્યાર્થીની રાહ જોવામાં આખી જિંદગી કાઢી નાખતા પણ કોઈ બાળકને દત્તક લઇ તેને સુપાત્ર બનાવી તેને જ્ઞાન આપતા નહોતા, મોક્ષ સિવાય બીજા જ્ઞાનને અવગણતા હતા. પરિણામે જે કંઈ જ્ઞાન લાધતું તે પણ એળે જતું હતું. આપણે ત્યાં બે જ પ્રકારના ધનિકો થતા, ધાર્મિક પ્રવૃત્તિ કરવાવાળા અથવા મોજશોખમાં પૈસા વેડફનારા. યુરોપમાં ત્રીજા પ્રકારના ધનવાનો પણ પાક્યા કે જેમણે વિજ્ઞાન અને ગણિતના સંશોધકોને પ્રોત્સાહન આપ્યું જેને લીધે ઘણી પ્રગતિ થઇ શકી.

આવો જ બીજો નક્કર દાખલો દિલ્હી પાસેના (સ્ટેનલેસ સ્ટીલ જેવા) કાટપ્રતિરોધક થાંભલાનો છે. એક જ થાંભલો બનાવીને અટકી કેમ ગયા? ધાતુવિદ્યાના જે કોઈ નિષ્ણાતે આ થાંભલો બનાવ્યો હશે તેણે તેની વિદ્યા બીજા બધાથી છુપાવી હોય અથવા (હીરા સલાટની જેમ) તે વિદ્વાનની હત્યા તેના રાજા કે શેઠિયાએ કરાવી નાંખી હોય તે ખૂબ બનવાજોગ છે. નકર આ વિદ્યાનો સમાજના હિતમાં ઘણો ઉપયોગ થઇ શક્યો હોત.

થોડા વર્ષો પહેલા એક હિંદુ ઋષિએ ધ્યાન વડે ઉડવાનું નિદર્શન અમેરિકન ટીવી પર કરવાનો પ્રયત્ન કર્યો, નિષ્ફળ ગયા, ભોંઠા પડયા ને વધારામાં ભારતીય સંસ્કૃતિને હાંસીપાત્ર બનાવી. બીજા એક યોગગુરુએ ઈ.સ. ૨૦૧૦માં એવો દાવો કર્યો હતો કે કેલીફોર્નીઆમાં થયેલો મધ્યમ કક્ષાનો ધરતીકંપ તેમના ધ્યાનના પ્રભાવથી થયો હતો. સારું છે કે અમેરિકન સરકારે તેમને ભારત પાછા ના મોકલ્યા કે તેમનાથી થયેલી નુકસાની તેમની પાસેથી વસુલ ના કરી.

બીજા ધર્મોમાં પણ ઘણી ત્રુટીઓ છે. (તેથી જ તો આ લખનારે ધર્મ પરિવર્તન કર્યું નથી. જુઓ (મેં ધર્મ કેમ ના બદલ્યો). હિંદુ ધર્મમાં ઘણા સારા તત્વો પણ છે અને તેના વખાણ કરવાવાળા અને તેમને વિષે બડાઈ કરવાવાળા તો અગણ્ય છે. પોતાની ખામીઓ જોઇને આપણા સમાજના ધ્યાન પર લાવી તે દૂર કરવાનો પ્રયત્ન કરવાવાળા ઘણા ઓછા છે. આપણે આપણી બેદરકારી ફગાવી શકીએ તો જ આપણી મહાન સંસ્કૃતિને વધારે મહાન બનાવી શકીશું. આપણે શ્રેષ્ઠ હોવાનો દાવો કરીએ અને બીજાઓના જેટલું ખરાબ વર્તન કરીએ તો તે દાવો પોકળ સાબિત થાય.

કોઈ કોઈ ધર્મ પ્રચારકો આપણા ધર્મની ત્રુટિઓના બચાવમાં ધર્મની સરખામણી વસ્ત્રો કે સોફા જેવા રચીલા સાથે કરીને કહેતા હોય છે કે તે ગંદા થઇ જાય તો સાફ કરીને વાપરીએ છીએ તેવી રીતે ધર્મને પણ સાફ કરી શકાય. સારી વાત છે. પણ વિચારો. કપડા, સોફા વગેરે તો જતે દિવસે નકામા થઇ જાય ત્યારે આપણે ફેંકી દેતા હોઈએ છીએ. ધર્મને ફેંકી દેવાય? ધર્મ શું કપડા કે સોફા જેવો નિર્જીવ હોવો જોઈએ? સજીવો, પ્રાણીઓ અને પક્ષીઓ પણ, પોતાના શરીરને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરતાં હોય છે, ધર્મ કેમ નહીં?

ભારત અને હિંદુ ધર્મની અવદશા માટે મેકોલે નામના બ્રિટીશ અમલદારે દાખલ કરેલી કેળવણી પદ્ધતિને દોષ દેવાની ફેશન શરુ થઇ છે. અલબત્ત મેકોલેનો હેતુ ખરાબ ન્હોતો. આ અંગે આ લખનારે વધુ તપાસ કરી છે અને તેનો ખુલાસો જુદી પોસ્ટ પર કર્યો છે તે મારી વેબસાઈટ પર મુક્યો છે. (Maculay's Truth). બીજી બે બાબતો પણ ધ્યાનમાં રાખવા જેવી છે. એક તો એ કે તેના પહેલાની વ્યવસ્થા તો અત્યંત ખરાબ હતી જેમાં બ્રાહ્મણો સિવાય બીજાઓને ભણવાનો અધિકાર જ નહોતો સિવાય કે વાણિયાઓને હિસાબ રાખવા પુરતું જ ગણિત ભણવા દેવામાં આવતું. બ્રાહ્મણો પોતાની વિદ્યા બીજા બ્રાહ્મણોને પણ આપતા નહોતા. એકલવ્ય અને કર્ણ જેવા પ્રતિભાવંત અને સંનિષ્ઠ વિદ્યાર્થીઓને જન્મના કુળને કારણે જ કુપાત્ર ગણી વિદ્યાભ્યાસથી વંચિત રાખીને બ્રાહ્મણ ગુરુઓએ સનાતન ધર્મની ઘોર કુસેવા કરી હતી. તે જ ખરાબ વ્યવસ્થા મેકોલે સુધી અમલમાં હતી.

સહાસ્ત્રાર્જુનથી કર્ણ સુધીના સમય ગાળા દરમ્યાન આપણી સંસ્કૃતિએ એક પણ બ્રાહ્મણ એવો પેદા ના કર્યો કે જે પરશુરામની વિદ્યા માટે સુપાત્ર હોય. ઇક્ષ્વાકુથી અર્જુન સુધીના ગાળા દરમ્યાન યોગને પણ ભૂલી ગયા (કારણ કે તે રાજાઓને જ શીખવવામાં આવતો). આ તથ્યોના દોષ મેકોલે કે બીજા ધર્મોને આપી શકાય તેમ નથી. ત્યારે પૃથ્વીના પટ પર કદાચ (ભારત બહાર) યહૂદી ધર્મ હોય તો ભલે પણ ના તો ઈસાઈ ધર્મ કે ના તો ઇસ્લામ હતા. એક જ કારણ, આપણી પોતાની ખામીઓ, હતું.

બીજું એ કે ભલે મેકોલે ખરાબ હતો કે ન્હોતો પણ થોડા બ્રિટીશરો સારા પણ હતા. ભારત એક રાષ્ટ્ર છે તેવી ભાવના તેમની દેન છે. તે પહેલા બધા પોતપોતાના પ્રદેશને જ વફાદાર રહેતા. જેમ કે સોમનાથનું રક્ષણ કરવામાં ભીમદેવની મદદ બીજા એક પણ રાજાએ નહોતી કરી. બીજા રાજાઓને હરાવવા માટે અંગ્રેજોની મદદ લેવામાં તે પરધર્મી હોવાની હકીકત નડતી નહોતી, તો પરદેશીપણું તો શાનું નડે? ગાંધીજી, તિલક મહારાજ, ગોખલેજી, રવીન્દ્રનાથ ઠાકુર, જેવા મહાપુરુષો બ્રિટીશ રાજ્ય દરમ્યાન જેટલા પાક્યા હતા તેટલા તો તેના પહેલા અને પછીના બધા મહાપુરુષોનો સરવાળો કરીએ તો પણ નથી પાક્યા તે બ્રિટીશ ભણતરનો આડકતરો અને અણધાર્યો ફાયદો થયો.

કેટલાક બ્રિટીશરોની ન્યાયની ભાવના ઘણી પ્રબળ હતી. એક દાખલો શેરલોક હોમ્સની વાર્તાઓના લેખક ડોક્ટર આર્થર કોનન ડોયલનો છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લેન્ડ જઈ વસેલા એક ભારતીય યુવાનને પશુઓની હત્યા કરવાના આરોપસર સાંયોગિક પુરાવાઓને લીધે લાંબી જેલની સજા થઇ. ડોક્ટર ડોયલને લાગ્યું કે તે યુવાન નિર્દોષ હતો. પોતાનું દવાખાનું બીજા ડોક્ટરને સોંપી, તે યુવાનના ગામે જઈ મહિનાઓ સુધી ત્યાં રહી તપાસ કરી, ખરા ખૂનીને શોધી કાઢ્યો. બે વર્ષ સુધી મથામણ કરીને બ્રિટીશ પાર્લામેન્ટમાં ઠરાવ પસાર કરાવ્યો કે તે કેસ ફરીથી ચલાવવો. તે યુવાનને નિર્દોષ સાબિત કર્યો. ત્યાર બાદ પણ વર્ષો સુધી પ્રયત્નો કરીને તે યુવાનને ખોટી રીતે જેલ ભોગવી પડી તેનું વળતર પણ અપાવ્યું. જુઓ ન્યાયપ્રિય કોણ?

ભારતીય કોંગ્રસની સ્થાપના કરનાર પણ એક અંગ્રેજ મહાશય (જેમનો આશય ખરેખર મહાન હતો) હતા. આપણે તે સંસ્થાની દુર્દશા કરી નાંખી તે આપણા વાંકે. આપણી નબળાઈઓ માટે બીજાઓનો વાંક ના કાઢી શકાય.

આપણા પ્રાચીન પૂર્વજોએ ભારત બહારની પ્રજાને મલેચ્છ, યવન વગેરે ગણીને તેમનો તિરસ્કાર કર્યો, તેમને આપણો ધર્મ આપ્યો જ નહીં કારણકે ઋષિઓ જન્મના કૂળને જ મહત્વ આપતા હતા. તેને બદલે મધ્યપૂર્વની બધી વસ્તીને હિંદુ બનાવી દીધી હોત તો બીજા ધર્મો અસ્તિત્વમાં આવ્યા જ ના હોત. હજુ પણ કેટલાક લોકો કહે છે કે હિંદુઓ જન્મથી જ હોય, બનાવી ના શકાય. (Hindus are born, not made). મુસ્લિમ અને અંગ્રેજ રાજ્ય દરમ્યાન બળજબરી કે છેતરપીંડી વડે જે હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવેલું તેમને પાછા હિંદુ સમાજમાં સ્વીકારવામાં નહોતા આવતા. આ અને આવી બીજી સંકુચિતતાઓને લીધે આપણને ઘણું નુકશાન થયું છે.

આપણા પ્રાચીન પૂર્વજો અત્યંત મહાન હતા તેમ સ્વીકારીએ તો તે મહાનતા ગઈ ક્યાં? વચગાળાના સમયના આપણા પૂર્વજો તેને સાચવી ના શકયા તેનું કારણ શું? એ જ ને કે સંસ્કૃતિને સાચવવાની વૃત્તિ અને શક્તિ તેમને તેમના પૂર્વજોએ નહોતી આપી?

પરદેશીઓ સામે આપણે હારી કેમ ગયા? ગ્રીસના સ્પાર્ટાના એક રાજાએ કહ્યું હતું કે "જે પ્રજા પોતાના વિદ્વાનો અને સૈનિકો વચ્ચે મોટો ભેદભાવ રાખે છે તેનું વિચારવાનું કામ કાયરો અને લડવાનું કામ મુરખાઓ કરે છે." (The nation that makes a great distinction between its scholars and its warriors will have its thinking done by cowards and fighting done by fools.") આપણી જ્ઞાતિપ્રથા આવોજ ભેદભાવ કરે છે. આપણા રાજાઓ ખૂબ બહાદુરીથી લડતા પણ તેમના મંત્રીઓ કાયરતાની સલાહ આપતા. એટલું મોટું નુકશાન ભોગવવા છતાં આપણે જ્ઞાતિપ્રથાને જડતાથી વળગી રહ્યા છીએ. શા માટે? કોઈ કોઈ ધર્મપ્રચારકો કહે છે કે જ્ઞાતિપ્રથા શ્રીકૃષ્ણએ સર્જી હતી તેથી તે જ યોગ્ય છે. પરમેશ્વર પોતે આવી ઘોર અન્યાયી અને અહિતકારક વ્યવસ્થા સર્જે તે શક્ય જ નથી.

आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: ॥ અને वसुधैव कुटुम्बकम् ॥ કહીએ છીએ પણ તે પ્રમાણે વર્તન કરીએ છીએ ખરા? આપણે તો બસ "મારું તેથી સારું" કરીએ છીએ; "સારું તેથી મારું" માની બીજાઓના સારા લક્ષણો અપનાવવા ના જોઈએ?

----- XXX -----

Maculay's Truth આ પોસ્ટનો અનુવાદ કરી શક્યો નથી તેથી અંગ્રેજી પોસ્ટ વેબસાઈટ પર વાંચી લેવા વિનંતી.

home