જન્મતારીખ


Home

જન્મતારીખ


જન્મતારીખનો દાખલો શું જણાવે છે? તેમાં દર્શાવેલી તારીખે ફલાણા સ્થળે અને સમયે અમુક નામની સ્ત્રીએ નર અથવા માદા બાળકને જન્મ આપ્યો હતો. તે સ્ત્રીના કે તેના સાથીદારના જણાવ્યા પ્રમાણે તે બાળકના પિતાનું નામ તમુક હતું. બાળકનું નામ શું પાડવામાં આવ્યું હતું તે તેમાં હોય કે ના પણ હોય. આ માહિતી જેને લાગુ પડતી હોય તે પુખ્ત વ્યક્તિ કોણ છે તે તેમાં જણાવી શકાતું નથી.


આપણો જન્મતારીખનો દાખલો આપણો જ છે તેમ માનવું એ શ્રદ્ધાનો વિષય છે. બનવાજોગ છે કે તે બાળક કોઈ બીજું જ હતું. કોઈ એક વ્યક્તિનો દાખલો તે વ્યક્તિનો જ છે એવો પુરાવો કદાચ DNA ટેસ્ટ વડે આપી શકાય. પણ બહુ ઓછા કિસ્સામાં તે જરૂરી, વ્યવહારુ કે શક્ય બને. તેથી આપણે સૌએ તો આપણા પોતપોતાના દાખલામાં લખાયેલી તારીખ અનુસાર જીવન જીવવું પડે છે. જેમ કે ક્યારે કયા રોગ સામેની રસી આપવામાં આવશે, શાળામાં પ્રવેશ ક્યારે મળશે, ક્યારે મતાધિકાર મળશે, ક્યારે નિવૃત્ત થવું પડશે (કે થઇ શકાશે) વગેરે બધા નિર્ણયો આપણા જન્મતારીખના દાખલામાં નોંધાયેલી તારીખ પર નિર્ભર હોય છે. કારણ કે આ પ્રથાનો કોઈ વિકલ્પ નથી. ભવિષ્યમાં કદાચ બાળકના જન્મ પછી તરત જ તેની માતા સાથે તેનો આધાર કાર્ડ જેવો ફોટો પાડી લેવામાં આવે અને તેના જન્મતારીખના દાખલા પર ચોંટાડવામાં આવે. આ શક્ય છે પણ હિતાવહ ના પણ હોય.


બધા વિધાનોના પુરાવા માંગનારા બુદ્ધિપ્રેમીઓને પણ આ શ્રદ્ધા લાચારીથી સ્વીકારી લેવી પડે છે. સાયન્સમાં પણ અનુમાનો કરવા પડતા હોય છે. તેમાંથી કેટલાક પુરવાર કરી શકાતા નથી. તેમને સાબિતી વિના જ સ્વીકારી લેવા પડે છે. પ્રખ્યાત સાયન્ટીસ્ટ સ્ટીફન હૉકિંગ* ના પુસ્તક THE THEORY OF EVERYTHING ના પૃષ્ઠ 20 થી 23*** પર તેનો નમૂનો છે. 20 મા પાના પર બે અનુમાનો (assumptions) નો ઉલ્લેખ છે. 20 થી 22મા પાના પર પહેલા અનુમાનની વિગતો જણાવી છે. 23મા પાના પર બીજા અનુમાન વીશે લખ્યું છે, "We have no scientific evidence for or against this assumption. We believe it only on grounds of modesty." આ મોડેસ્ટી એટલે મજબૂરી. (જખ મારી!) ખરી વાત એ છે તેમના જટિલ ગણિતનો ઊકેલ લાવી શકાતો નહોતો તેથી સરળતા કરવા ખાતર તે બે અનુમાનો કરવા પડ્યા હતા.


ભલા બુધ્ધિમાન સાયન્ટીસ્ટો, થોડી મોડેસ્ટી ઈશ્વરની કલ્પના (સહેજ જુદા પ્રકારનું અનુમાન) પ્રત્યે પણ દર્શાવો ને! અમે મંદબુધ્ધિ સામાન્ય માનવીઓ અમારી સમશ્યાઓના સમાધાન માટે ઈશ્વરને યાદ કરીએ છીએ. ઈશ્વર છે એવો દાર્શનિક, દસ્તાવેજી કે સાયન્ટીફીક પુરાવો મળવાની કોઈ શક્યતા નથી. પુરાતત્વશાસ્ત્ર (archeology) માં તો કહે છે, "absence of proof is not the proof of absence." ઢગલાબંધ સાંયોગિક પુરાવાઓ પળેપળ ઠેરઠેર મળ્યા કરે છે તે સ્વીકારવામાં તમને તમારી નાસ્તિકતાનો નશો નડે છે. ઈશ્વરની હયાતીના પુરાવા તો ઘણા હોય છે પણ તે જોવા સમજવાની વૃત્તિ હોવી જોઈએ.


બધા સત્યો જનતા માટે કલ્યાણકારી નથી હોતા, જેમ કે આઇન્સ્ટાઇનના જાણીતા સમીકરણને લીધે માનવજાતના હિત કરતાં અહિત વધારે થયું છે. રોજિંદા જીવનમાં પણ માતા એટલે 'પિતાપત્ની' અને પિતા એટલે 'માતાપતિ' એ તાર્કિક દૃષ્ટિએ સાચું ખરું પરંતુ સાવકી માતા કે સાવકા પિતાને પણ તેવા સંબોધન કરવામાં ઔચિત્ય નથી હોતું.


બધા અસત્યો હાનિકારક નથી હોતા. ઈશ્વર ના હોય તો પણ તેની કલ્પના સાવ નિરુપયોગી નથી. તેનો તેમ જ સાયન્સ** બેમાંથી એકેયનો દુરુપયોગ ના થવા દેવો જોઈએ.


અહીં ઈશાવાસ્ય ઉપનિષદના નવમાથી ચૌદમા શ્લોક સમજવા જેવા છે. જેઓ ફક્ત વિદ્યા (બુદ્ધિ) ને જ અનુસરે છે તેઓ બહુ મોટી ભૂલ કરે છે, જેઓ કેવળ સંભૂતિ (શ્રદ્ધા) ને જ વળગી રહે છે તેઓ પણ ઘણી મોટી ભૂલ કરે છે. (બંને અતિઘોર અંધકારમાં પ્રવેશ કરે છે). તેમની વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. બધી વાતોના પુરાવા માંગવાના ના હોય. કઈ બાબતના પુરાવા માંગવા અને કઈ વાતના નહીં તે નક્કી કરવા માટે બુદ્ધિ કે શ્રદ્ધા નહિ પણ ડહાપણ વાપરવું જોઈએ. ત્યાં જ સાચા રેશનાલીઝમની જરૂર પડે છે, દલીલબાજીની નહિ.


------------------

*સ્ટીફન હૉકિંગનું લાબું જીવન ખરેખર તો ઈશ્વરના અસ્તિત્વનો પુરાવો છે. જે વ્યક્તિ બે ત્રણ વર્ષમાં મરી ગઈ હોત તેને ઈશ્વરે નહિ તો બીજા કોણે દાયકાઓ સુધી જીવાડી? તેટલું જ નહિ પણ ઘણા બધા લોકો અને સંસ્થાઓએ તેને સહાય પણ કરી તે શાને લીધે? નાસ્તિકતાનું પણ ઝનૂન ના હોવું જોઈએ.

** સાયન્સ એટલે વિજ્ઞાન એ ભાષાંતર ખોટું છે. સાયન્સ ફક્ત માહિતી જ આપે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાન નથી આપી શકતું.

*** Dear Reader, if you would like to read the four pages referred to above, please send me an email.


Home