શિક્ષણ વિદ્યાશાખામાં બી.એડ્.નો અભ્યાસ કરતા તાલીમાર્થીની વ્યવસાયિક ક્ષમતાના વર્ધન માટે તા. ૧-૧૦-૨૦૨૧નાં રોજ 'પાઠ્યવસ્તુનું વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિ કાર્યશાળા' યોજાઈ હતી. કાર્યશાળાનાં ઉદ્દઘાટનમાં વિદ્યાશાખાના અધ્યક્ષશ્રી પ્રો. ભરત જોશીએ શિક્ષક માટે વાચનની અગત્ય સપષ્ટ કરી હતી. પ્રથમ બેઠકમાં તજ્જ્ઞીય વક્તવ્ય આપતા પ્રો. ભરત જોશીએ તાલીમાર્થીઓને શું વાંચવું ? અને કેવી રીતે વાંચવું ? - આ બન્ને પ્રક્રિયાઓની વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક સમજ આપી હતી. દ્વિતીય બેઠકમાં ડૉ. નિલેશ કાપડિયાએ વાચનની પ્રયુક્તિઓથી તાલીમાર્થીઓને સભાન કર્યા હતા. તૃતિય બેઠકમાં ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ આદર્શવાચન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોથી તાલીમાર્થીઓને વાકેફ કર્યા હતા. અંતિમ બેઠકમાં ડૉ. મહેશ નારાયણ દીક્ષિતે વાચનના આધાર પર ચિંતનાત્મક અભિવ્યક્તિ કઈ રીતે કરી શકાય તે અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું.
શિક્ષણ વિદ્યાશાખા દ્વારા વિદ્યાર્થીઓ માટે તા. ૫-૧૦-૨૧ના રોજ Student Startup and Innovation Policy વિષય પર ડૉ. પ્રસન્નભાઈ ગાંધીનું વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ , પત્રકારત્વ , નિરંતર શિક્ષણ અને લાઈબ્રેરી સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડૉ. પ્રસન્નભાઈ ગાંધીએ વિદ્યાર્થીઓને ઈનોવેટીવ આઈડિયા વિશે રસપ્રદ ઉદાહરણો આપીને ચર્ચા કરી હતી. તેમણે કેટલાક ઈનોવેશનના કેસ સ્ટડીઝ પણ રજૂ કર્યા હતા. તેમણે Student Startupની નોંધણીની પ્રક્રિયા સમજાવીને વિદ્યાર્થીઓને Startup and Innovation માટે પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ. શેતલ બડોદિયાએ ગૂજરાત વિદ્યાપીઠના Startup and Innovationના ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને વિશેષ સમજ પૂરી પાડી હતી.
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજયંતી નિમિત્તે ગાંધી સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને શિક્ષણ વિદ્યાશાખા(IASE) માં તા. 2-10-2021 થી તા. 8-10-2021 સુધી વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોને બે વિભાગમાં આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાર્થના સંમેલન દરમિયાન અધ્યાપકમિત્રો દ્વારા ગાંધીવિચાર પ્રસ્તુતિ અને બપોરના ૩-૦૦ કલાકથી વિદ્યાર્થીઓ માટે ગાંધીવિચાર કેન્દ્રી સંસ્થાપરિચય, ગાંધીગીત, ગાંધી પ્રસંગકથન, મેં કરેલો સત્યનો પ્રયોગ તેમજ એકપાત્રીય અભિનય જેવી ગાંધી વિચારકેન્દ્રી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગાંધીસપ્તાહ ઉજવણી કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ. સોનલબેન પટેલ અને ડૉ. શીતલબેન રાવતે કામગીરી કરી હતી.
શિક્ષણ વિદ્યાશાખા દ્વારા ૧૪-૧૦-૨૧ના રોજ નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભે વિદ્યાર્થિની બહેનોએ અર્વાચીન ગરબાની પ્રસ્તુતિ કરી રમઝટ બોલાવી હતી. ત્યારબાદ મા જગદંબાની સ્તુતિ કરતા કરતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ થનગનાટ સાથે ગરબા લીધા હતા. કાર્યક્રમનું આયોજન ડૉ.શીતલબેન રાવત, ડૉ. નિલેશ કાપડિયા અને ડૉ. નીતિન ઢાઢોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.