પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત આગુસ ઈન્દ્રા ઉડયાનાનું પ્રવચન
શિક્ષણ વિદ્યાશાખામાં તા. ૭-૧૨-૨૧ના રોજ પ્રાર્થના સભામાં આગુસ ઈન્દ્રા ઉડયાનાનું પ્રવચન યોજાયું હતુ. તેમને ઈન્ડોનેશિયામાં ગાંધીવિચાર કેન્દ્રી સામાજિક પ્રવૃતિઓ કરવા બદલ ભારત સરકાર તરફથી પહ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ તેમણે શિક્ષણ વિદ્યાશાખામાં ચાલતા ઉદ્યોગોની મુલાકાત લીધી હતી. પ્રાર્થના સભામાં શિક્ષણ વિદ્યાશાખાના કાર્યકારી અધ્યક્ષશ્રી ડૉ. દીપુબા દેવડાએ તેમનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. દ આગુસ ઈન્દ્રા ઉડયાનાએ વિદ્યાર્થીઓને સંબંધિત કરતા શિક્ષણનું ધ્યેય માત્ર પદવી નથી, પણ પરિવર્તન છે તેમ જણાવ્યું હતું. તેઓ ગાંધીવિચાર તરફ કેવી રીતે આકર્ષિત થયા તે અંગે વિગતે વાત કરી હતી. તેમણે પોતાના દ્વારા સ્થાપિત આશ્રમો અને તેમની ગાંધીવિચાર સંબંધિત પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી. પોતાના આશ્રમમાં ચાલતી પ્રવૃત્તિઓની તેમણે દસ્તાવેજી ફિલ્મ પણ બતાવી હતી.
શિક્ષણ મંત્રાલય, આંતરિક ઓડિટર શાખાની ટીમની પ્રાર્થનાસભામાં ઉપસ્થિતિ
શિક્ષણ વિદ્યાશાખામાં તા. ૨૦-૧૨-૨૧ના રોજ પ્રાર્થના સભામાં શિક્ષણ મંત્રાલય, આંતરિક ઓડિટર શાખા, નવી દિલ્હીની ટીમનું આગમન થયું હતું. સૌ પ્રથમ શિક્ષણ વિદ્યાશાખાના કાર્યકારી અધ્યક્ષ પ્રો. દીપુબા દેવડાએ હિન્દી શિક્ષક મહાવિદ્યાલયથી માંડીને IASE સુધીના વિદ્યાશાખાના ઈતિહાસથી પરિચિત કરાવ્યા હતા. તાલીમાર્થી મિત્રોએ જાતે બનાવેલા આસન અને સૂતરની આંટીથી સૌનું સ્વાગત કર્યું હતું. વિદ્યાશાખાએ કરેલા સંશોધનોથી તેમને પરિચિત કર્યા હતા. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠના કા. કુલસચિવશ્રી પ્રો. નિખિલભાઈ ભટ્ટે ટીમના સભ્યોનો સૌને પરિચય કરાવ્યો હતો. ઓડીટર ટીમના સભ્યોએ પ્રાર્થનાસભા અને વિદ્યાર્થીઓની શિક્ષણ શૈલીથી અભિભૂત થયા હોવાના પ્રતિભાવો આપ્યા હતા.
સંજયભાઈનું વ્યાખ્યાન
તા. ૧૦-૧૨-૨૦૨૧ના રોજ શિક્ષણ વિદ્યાશાખામાં સમાજના કર્મશીલ તરીકે સંજય-તુલા તરીકે જે યુગલની ઓળખ છે તેમાના સંજયભાઈનું વ્યાખ્યાન યોજાયું હતું. પ્રારંભે કાર્યકારી અધ્યક્ષશ્રી દીપુબા દેવડાએ સંજયભાઈનો પરિચય આપ્યો હતો. તેમના વ્યાખ્યાન દરમિયાન તેમણે પૂર્વકુલપતિ નારાયણભાઈ દેસાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. સમાજ અને જીવનમાં શાંતિનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાંતિ માટે નાગરિક તરીકે આપણી ભૂમિકા શું છે તે વિશે તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. તેમના મતે યુવાનો એ શાંતિની કેળવણી માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે વિશ્વગ્રામ સંસ્થાની સ્થાપનાથી માંડીને વર્તમાન કામગીરીનો ખ્યાલ આપ્યો હતો. અંતમાં તેમણે શાંતિ માટેની કાશ્મીરયાત્રામાં જોડાવા માટે તેમણે વિદ્યાર્થીઓને આહવાન આપ્યું હતું.
સમૂહભોજન કાર્યક્રમ
શિક્ષણ વિદ્યાશાખામાં તારીખ ૨૩-૧૨-૨૦૨૧ને ગુરુવારના રોજ સાંજના ૫-૦૦ થી ૬-૩૦ દરમિયાન સમૂહભોજન કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાશાખાના સેવકશ્રી જયેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સાથે મળીને પાંઉભાજીનું ભોજન તૈયાર કર્યું હતું. કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરીને વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ સમૂહભોજન લીધું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. રસોઈ અને રાંધણના કેટલાક કૌશલ્યો શીખવાની તક પૂરી પાડતા આ કાર્યક્રમનું આયોજન વિદ્યાશાખાના પ્રાધ્યાપક છનાભાઈ ભીંસરાના આર્થિક સહયોગથી થયું હતું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડે તે માટે કાર્યકારી અધ્યક્ષશ્રી પ્રો. દીપુબા દેવડાએ જહેમત લીધી હતી.
નાતાલપર્વની ઉજવની
શિક્ષણ વિદ્યાશાખામાં તારીખ ૨૪-૧૨-૨૦૨૧ને શુક્રવારના રોજ પ્રાર્થનાસભામાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.