શિક્ષણ વિદ્યાશાખા દ્વારા તારીખ ૧૦-૧૧ જુલાઈ, ૨૦૨૦ દરમિયાન 'ગુણાત્મક સંશોધન શું, શા માટે અને કેવી રીતે?’ વિષય પર રાજ્ય કક્ષાનો વેબિનાર યોજાયો હતો. વેબિનારના ઉદ્દઘાટન સમારોહમાં શિક્ષણ વિદ્યાશાખાના અધ્યક્ષશ્રી પ્રો. ભરત જોશીએ શાબ્દિક સ્વાગત કરી ગુણાત્મક સંશોધનના સાંપ્રત પ્રવાહોથી સૌને પરિચિત કર્યા હતા. અતિથિ વિશેષ પ્રો. ચંદ્રકાંત ભોગાયતાજીએ આશિર્વચનો પાઠવી આ વેબિનારને આવકાર્ય ગણાવ્યો હતો. ચાવીરૂપ વક્તા પ્રો. રમેશ કોઠારીએ ગુણાત્મક સંશોધનની પ્રક્રિયાના વિવિધ પાસાંઓ પર તજ્જ્ઞીય છણાવટ કરી હતી. કુલનાયકશ્રી પ્રો. અનામિક શાહે અધ્યક્ષીય ઉદ્દબોધન કરતા આ વેબિનાર દ્વારા અધ્યેતાઓ અને અધ્યાપકોની ગુણાત્મક સંશોધન અંગેની સૂઝ અને સમજમાં વધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ વેબિનારમાં બે દિવસ દરમિયાન ગુણાત્મક સંશોધનના વિવિધ પાસાંઓ પર જાણીતા તજ્જ્ઞો પ્રો. જયંત વ્યાસ અને પ્રો. સતીષ પાઠકના પ્રવચનો પણ યોજાયા હતા. વેબિનારમાં ભૂમિગત સિદ્ધાંત, ઉપકરણો, ત્રિકોણીકરણ, વિષયવસ્તુ વિશ્લેષણ અને વર્ડક્લાઉ અંગે તજ્જ્ઞીય પ્રવચનો યોજાયા હતા. વેબિનારમાં કુલ નવ શોધપત્રોની રજૂઆત પણ થઈ હતી. આ વેબિનારના સંયોજક તરીકે ડૉ. મહેશ દીક્ષિત; સહસંયોજક તરીક ડૉ. અમિત માલી અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા તેમજ નિયામક તરીકે પ્રો. ભરત જોશીએ કામગીરી કરી હતી.