વિદ્યાશાખામાં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્યની શરૂઆત અભિમુખતા શિબિરથી કરવામાં આવે છે. ત્રણ દિવસનો આ શિબિર શૈક્ષણિક વર્ષના પ્રારંભે યોજાય છે. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને ગૂજરાત વિદ્યાપીઠ, વિદ્યાપીઠના હેતુઓ, વિદ્યાપીઠનો ઈતિહાસ, વિદ્યાપીઠની કાર્યપ્રણાલી, સમૂહજીવન, છાત્રાલય વ્યવસ્થા, અભ્યાસક્રમ વગેરેથી પરિચિત કરાવવામાં આવે છે.
વિદ્યાશાખાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના અને કાંતણ પ્રવૃત્તિમાં ભાગ લેવો ફરજિયાત છે. ઉપાસના ખંડમાં સૌ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સમૂહમાં દરરોજ ૧૧-૦૦ થી ૧૧-૪૫ દરમિયાન સમૂહમાં પ્રાર્થના અને કાંતણ કરે છે. આ દરમિયાન વિદ્યાર્થીઓની જુદી જુદી ટુકડીઓ પ્રાર્થના કાર્યક્રમ પણ રજૂ કરે છે.
વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસના ભાગરૂપે ઉદ્યોગમાં જોડાય છે. કાંતણ, વણાટ, બાગાયત અને સિવણ જેવા ઉદ્યોગોમાં વિદ્યાર્થીઓ સહભાગી બને છે. અભ્યાસ સાથે અનુબંધ કરવાની સાથે વિદ્યાર્થીઓમાં ચોક્કસ કૌશલ્યની ખિલવણી કરવાનો અહીં પ્રયાસ કરવામાં આવે છે.
વિદ્યાશાખામાં બી.એડ્.માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અભ્યાસના ભાગરૂપે ગ્રામ શિક્ષણ શિબિરનું આયોજન કરે છે. ગુજરાતની કોઈ પણ ઉત્તર બુનિયાદી શાળામાં આ શિબિર એક સપ્તાહ માટે યોજાય છે. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ શાળામાં જ નિવાસ કરે છે. વિદ્યાશાખાના અધ્યાપકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ શાળાનાં વ્યવસ્થાતંત્ર અને વિદ્યાર્થીઓને સમજવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓ પોતાના વિષયમાં શિક્ષણકાર્ય કરે છે અને દરરોજ વિવિધ સહઅભ્યાસક પ્રવૃત્તિઓ કરે છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ગામડાઓની દશા અને દિશાનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવે તેવા હેતુથી પદયાત્રા યોજવામાં આવે છે. વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસના ભાગરૂપે 'પદયાત્રા'માં જોડાય છે. મોટે ભાગે ગાંધી જન્મ જયંતીની આસપાસ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ ચાર દિવસ માટે યોજાય છે. વિદ્યાશાખાના અધ્યાપકોનાં માર્ગદર્શન હેઠળ આઠ-દસ વિદ્યાર્થીઓનું જૂથ ગુજરાતનાં ગામડાઓની મુલાકાત લે છે. જૂથના સભ્યો દરરોજ એક ગામમાં રોકાય છે. સ્થાનિક લોકો સાથે સંવાદ કરે છે. ગ્રામજીવનનું વૈવિધ્ય અને વિષમતાઓને સમજવાનો પ્રયાસ કરે છે. શેરીનાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને ગામલોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. ચાર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ સ્વને અને સમાજને સમજવાનો પ્રયાસ કરે છે અને તેનો અહેવાલ રજૂ કરે છે.
વિદ્યાશાખામાં બી.એડ્. અને એમ.એડ્.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસના ભાગરૂપે કેન્દ્ર નિવાસ કાર્યક્રમ યોજાય છે.
બી.એડ્.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સત્ર-૩ દરમિયાન કેન્દ્ર નિવાસમાં જાય છે. કેન્દ્ર નિવાસનો સમયગાળો ૪ મહિનાનો છે. જેમાંથી ૨ મહિના ગુજરાતની કોઈ એક ઉત્તર બુનિયાદી શાળામાં અને ૨ મહિના કોઈ એક પ્રાથમિક શાળામાં પૂર્ણસમય જોડાય છે. કેન્દ્ર નિવાસ દરમિયાન વિદ્યાર્થી આચાર્ય-શિક્ષક-ગૃહપતિ અને વાલીની ભૂમિકાને નજીકથી સમજવાનો પ્રયાસ કરે છે. વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે અને શાળામાં દરરોજ સહઅભ્યાસક પ્રવૃત્તિનું આયોજન કરે છે.
વિદ્યાર્થીઓ વિશિષ્ટ દિવસોની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે છે. ગ્રામશિક્ષણ શિબિર અને પદયાત્રા દરમિયાન વિવિધ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વર્ષાંત દિને વિદ્યાશાખાના બધા જ વિદ્યાર્થીઓ મળીને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે છે.
વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સમૂહજીવન દૃઢ બને તેવા હેતુથી પ્રત્યેક વર્ષે સ્વયંપાકી ભોજનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મળીને ભોજન બનાવે છે અને સમૂહમાં ભોજન કરે છે.
વિદ્યાશાખાનો વિશિષ્ટ કાર્યક્રમ એટલે હોમરૂમ પ્રોગ્રામ. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાશાખાના પ્રત્યેક અધ્યાપકને ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવે છે. અધ્યપક તેમના મિત્ર અને માર્ગદર્શક તરીકે તેમના વ્યક્તિગત વિકાસ માટે સલાહ-માર્ગદર્શન આપે છે. તેઓ નિયમિત રીતે બેઠકો યોજે છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે પ્રયાસ કરે છે.
વિદ્યાશાખામાં બી.એડ્. અને એમ.એડ્.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસના ભાગરૂપે શૈક્ષણિક પ્રવાસ યોજાય છે. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રદેશના ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્યને શૈક્ષણિક દૃષ્ટિકોણથી સમજે છે. પ્રવાસ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓની મુલાકત લઈને તેમના હેતુઓ અને કાર્યપ્રણાલી સમજવાનો પ્રયાસ કરે છે.
વિદ્યાશાખામાં બી.એડ્. અને એમ.એડ્.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસના ભાગરૂપે શૈક્ષણિક મુલાકાતો યોજાય છે. વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ મુલાકાત દ્વારા જ્ઞાન મેળવે એવા આશકય સાથે આ મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને તેમના વિષય અનુસાર જૂથમાં વર્ગીકૃત કરીને સંસ્થા મુલાકાત, વ્યક્તિ મુલાકાત કે સ્થળ મુલાકાતનું આયોજન કરવામાં આવે છે.
વિદ્યાશાખામાં સમયાંતરે વિવિધ વિષય અને ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓને પ્રવચન આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિદ્વાનોના જ્ઞાનનો પ્રત્યક્ષ લાભ મળે તેવું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ વિદ્વાનો સાથે પ્રશ્નોત્તરી કે વાર્તાલાપ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક વર્ષે રમતોત્સવ યોજાય છે. તેમાં દોડ, બેડમિન્ટન, વોલીબોલ, ક્રિક્રેટ, કબડ્ડી, ગોળાફેંક, બરછી ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ, દોરડા કૂદ જેવી અનેક રમતોની સ્પર્ધા યોજવામાં આવે છે. વિજેતા થનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કક્ષાએ સહભાગી થવા માટે મોકલવામાં આવે છે.