શિક્ષણ વિદ્યાશાખામાં બી.એડ્. અને એમ.એડ્.માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠ, વિદ્યાપીઠના ઉદ્દેશ્યો અને તેની શિક્ષણ પ્રણાલીથી પરિચિત થાય તેવા હેતુ સાથે તારીખ ૪-૭-૧૯ થી ૬-૭-૧૯ દરમિયાન અભિમુખતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ ૪-૭-૧૯ને ગુરુવારના રોજ અભિમુખતા શિબિરના પ્રથમ દિવસે સવારના ૫-૩૦ કલાકે પ્રભાતફેરીથી આ શિબિરનો પ્રારંભ થયો હતો. શ્રી રમેશભાઈ બારોટ, શ્રી સંદીપ ગોસ્વામી અને ડૉ. નિલેશ કાપડિયાના નેતૃત્વ હેઠળ પ્રભાતફેરી ગૂજરાત વિદ્યાપીઠ પરીસરમાં કરવામાં આવી હતી. પ્રથમ બેઠકમાં ઉદ્યોગ શિક્ષકો ડૉ. પંકજ પટેલ અને શ્રી અશોક મકવાણાએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને તેના મહત્ત્વ વિશે સમજ આપી હતી. ત્યારબાદ દ્વિતીય બેઠકમાં પ્રો. લાલજીભાઈ પટેલે અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો પરસ્પર પરિચય કરાવ્યો હતો. તૃતીય બેઠક દરમિયાન વિદ્યાશાખાના પૂર્વ પ્રાધ્યાપક ડૉ. કોકીલાબેન પારેખ વિદ્યાપીઠના કર્ણધરોનો પરિચય આપ્યો હતો. ચોથી બેઠકમાં પ્રાણજીવન છાત્રાલયનાં ગૃહપાલ ડૉ. સંદીપ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ માટે પ્રેરિત કર્યા હતા. અને પાંચમી બેઠકમાં ડૉ. કપિલ દેશવાલે વિદ્યાર્થીઓને ખાદી, ખાદીનું અર્થશાસ્ત્ર અને તેના મહત્ત્વ વિશે સમજ આપી હતી. ભોજન વિરામ બાદ રાત્રે વિદ્યાર્થીઓના નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જ શિબિરનો પ્રથમ દિવસ પૂર્ણ થયો હતો.
તારીખ ૫-૭-૧૯ના રોજ પ્રભાતફેરીમાં શ્રી રમેશભાઈ બારોટ, શ્રી સંદીપ ગોસ્વામી, પ્રો. ડાહ્યાભાઈ પટેલ અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા જોડાયા હતા. પ્રથમ બેઠકમાં યોગ વિભાગના અધ્યક્ષ ડૉ. બિમાન પાલે યોગ અને સ્વાસ્થ્ય પર મનનીય વિચારો રજૂ કર્યા હતા. ઉપાસના બાદ બીજી બેઠકમાં શ્રી રમેશભાઈ બારોટ અને ડૉ. સંદીપ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ગાંધીજીનો સફાઈ પ્રત્યેનો દૃષ્ટિકોણ સમજાવ્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓને સફાઈ સાધન નિર્માણનું નિદર્શન પૂરું પાડ્યું હતું. તૃતીય બેઠકમાં ડૉ. નિલેશ કાપડિયાએ પ્રાર્થના અને ગાંધીજી વિષયક વિચારોની રજૂઆત કરી હતી. ચોથી બેઠકમાં શિક્ષણ વિદ્યાશાખાના અધ્યક્ષ પ્રો. ભરત જોશીએ શિક્ષણ અને ચારિત્ર ઘડતર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો. પાંચમી બેઠકમાં વિદ્યાર્થીઓએ વિદ્યાપીઠ પરિસરનાં મહત્ત્વનાં સ્થળો જેવાં કે પુસ્તકાલય, આદીવાસી સંગ્રહાલય, મોરારજી દેસાઈ સંગ્રહાલયની મુલાકાત કરી હતી. ભોજન વિરામ બાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
તારીખ ૬-૭-૧૯ના રોજ પ્રભાતફેરીમાં શ્રી રમેશભાઈ બારોટ, શ્રી સંદીપ ગોસ્વામી અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા જોડાયા હતા. ડૉ. મહેશ દીક્ષિત દ્વારા વિદ્યાર્થીઓને યોગાસનોનું નિદર્શન આપવામાં આવ્યું હતું. પ્રથમ બેઠકમાં ઈજનેરી વિભાગના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા જળસંચય વિષયક પ્રેરણાત્મક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાપીઠની જળસંચય વ્યવસ્થાનો પરિચય કરવ્યો હતો. દ્વિતીય બેઠકમાં પ્રો. દીપુબા દેવડા અને ડૉ. શીતલબેન રાવતે વિદ્યાર્થીઓને સહશિક્ષણ અને યુવાવસ્થા વિષયક વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના પ્રતિભાવો સાથે શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.