ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવેલી શિક્ષણ વિદ્યાશાખાનું પરિસર રમણીય છે. આ પરિસર પ્રશિક્ષણાર્થીઓને પ્રકૃતિ વચ્ચે શિક્ષણની અનુભૂતિ કરાવે છે. શાંત અને રમણીય વાતાવરણ વચ્ચે વિદ્યાશાખાની ઈમારત અદ્યતન સુવિધાઓ સભર છે. વિદ્યાશાખાને પોતાની સ્વતંત્ર બે માળની ઈમારત છે. સભાખંડો, વિવિધ પ્રયોગ શાળાઓ, અધ્યાપક કક્ષો , વર્ગખંડો વગેરે મળીને કુલ ૪૪ ઓરડાઓ છે. ૩ વિશાળ હોલ છે. શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓને અગવડતા ન રહે તે માટે વિદ્યાશાખામાં એક માળ પરથી બીજા માળ પર જવા માટે લીફ્ટની સુવિધા પણ છે.
વિદ્યાશાખા માટે અલગ પ્રાણજીવન છાત્રાલય છે. છાત્રાલયનું મકાન એક ઐતિહાસિક ઈમારત છે. આ છાત્રાલયમાં એક સમયે કવિ ઉમાશંકર જોશી, કાકાસાહેબ કાલેલકર અને મહાત્મા ગાંધીજીનો નિવાસ હતો. સુવિધા સ્વચ્છતા અને સુવ્યવસ્થા ધરાવતા આ છાત્રાલયમાં ખંડ છે. દરેક ખંડમાં બે વિદ્યાર્થીઓ રહે છે. છાત્રાલયમાં ગાંધીજીનો બાઈબલ ખંડ પણ આવેલો છે.
વિદ્યાર્થીઓનું અધ્યયન-અધ્યાપન ગુણવત્તા યુક્ત બને તેવા હેતુથી વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી વાઈફાઈ કનેકશન પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત કમ્પ્યૂટર લેબ, અધ્યાપક કક્ષ, સેમિનાર હોલ, ઉપાસના ખંડમાં પણ વિદ્યાર્થીઓ નેટ કનેકશન સાથે કમ્પ્યૂટરનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદ્યાશાખામાં દરરોજ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ ઉપાસનાથી થાય છે. વિદ્યાશાખાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મળીને સમૂહમાં ઉપાસના કરે છે. આ વિશાળ ઉપાસના ખંડમાં એક સાથે ૩૫૦ વ્યક્તિઓ બેસીને કાંતણ કરી શકે તેવી સુવિધા છે. જુદાં જુદાં જૂથમાં વર્ગીકૃત થયેલા વિદ્યાર્થીઓ અહીં દરરોજ પ્રાર્થના કાર્યક્રમ રજૂ કરે છે. રજૂઆત દરમિયાન પ્રોજેક્ટરનો ઉપયોગ કરવાની સુવિધા પણ અહીં છે.
વિદ્યાશાખામાં અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થીએ કોઈ એક ઉદ્યોગમાં જોડાવું ફરજિયાત છે. વિદ્યાશાખામાં અંબર કાંતણ, સિવણ, વણાટ, કૃષિ જેવા ઉદ્યોગોને સ્થાન આપવામાં આવ્યું છે. અને પ્રત્યેક ઉદ્યોગ માટે અલગ ખંડની સુવિધા કરવામાં આવી છે.
ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયની સાથે સાથે વિદ્યાશાખાને પોતાનું વિભાગીય પુસ્તકાલય પણ છે. અહીંથી વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંદર્ભ તરીકે ઉપયોગી બની શકે તેવા પુસ્તકો, સામયિકો અને શોધનિબંધો પ્રાપ્ય છે.
વિદ્યાશાખામાં અધ્યયન-અધ્યાપન દરમિયાન અનેક પદ્ધતિઓ-પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. જરૂરિયાત અનુસાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આ હોલમાં કોન્ફરન્સનું આયોજન કરે છે. પ્રોજેક્ટર સાથે જ ગોળાકાર બેઠક યોજવા માટેની તમામ ભૌતિક સુવિધા છે.
વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મળીને જરૂરીયાત અનુસાર વિવિધ વિષયો-મુદ્દા પર સેમિનારો યોજતા રહે છે. આ ખંડમાં એમ.ફિલ., પીએચ.ડી. અભ્યાસક્રમ અંતર્ગત કરવાના થતા સિમિનાર પણ યોજાય છે. આ ખંડમાં પણ પ્રોજેક્ટર અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમની સાથે ૭૦ વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય તેવી બેઠક વ્યવસ્થા પણ છે.
વિદ્યાશાખામાં નાનકડો ઔષધબાગ પણ છે. અહીં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મળીને બાગાયત કામ કરે છે. કેટલીક વાર શિક્ષણકાર્ય પણ થાય છે. અહીં આયુર્વેદિક ઔષધિઓનો ઉછેર કરવામાં આવે છે અને સાથે જ ઉદ્યોગના ભાગરૂપે વિદ્યાર્થીઓ પાલક, રીંગણ, મેથી અને કોથમીર જેવી શાકભાજીનું વાવેતર પણ ઉછેર કરે છે.
વિદ્યાશાખાના અધ્યક્ષ અને પ્રત્યેક અધ્યાપક માટે અલગ કક્ષની સુવિધા છે. પ્રત્યેક અધ્યાપક કક્ષ બ્લેકબોર્ડ, ઈન્ટરનેટ અને કમ્પ્યૂટર સાથે જરૂરી ફર્નિચર અને સુવિધાઓથી સજ્જ છે.
વિદ્યાશાખાના દરેક અભ્યાસક્રમમાં એક વિષય તરીકે કમ્પ્યૂટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાશાખામાં આ માટે એક વિશાળ કમ્પ્યૂટર લેબ ઊભી કરવામાં આવી છે. અહીં ઈન્ટરનેટ, પ્રોજેક્ટર અને એક સથે પચાસ વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર પર પ્રાયોગિક કાર્ય કરી શકે તેવી સુવિધા છે.
વિદ્યાશાખામાં અનેલોગ ભાષાપ્રયોગ શાળા છે. વિવિધ ભાષાઓના અધ્યાપન દરમિયાન અહીં અધ્યયન-અધ્યાપન કરી શકાય છે.
વિદ્યાશાખાના ઈ.ટી. રૂમમાં જરૂરિયાત અનુસાર શૈક્ષણિક ટેક્નોલજીનો વિનિયોગ કરવાની સુવિધા છે. ટી.વી., પ્રોજેક્ટર, કે-યાન સ્માર્ટબોર્ડ અને ઓ.એચ.પી. જેવા શૈક્ષણિક તકનિકીના સાધનો દ્વારા અહીં શિક્ષણકાર્ય થાય છે.
સામાજિક વિજ્ઞાન વિષય સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે આ વિશેષ ખંડની સુવિધા છે. અહીં સામાજિક વિજ્ઞાનનું શિક્ષણકાર્ય કરાવતી વખતે ઉપયોગી બની શકે તેવા વિવિધ ચાર્ટ, નકશાઓ અને મોડેલની સુવિધા પણ છે.
પ્રત્યેક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે અલગ વર્ગખંડની સુવિધા છે. પ્રત્યેક વર્ગમાં ૫૦ વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા છે. આ સાથે જ અધ્યયન-અધ્યાપનમાં સરળતા રહે તેવા ફર્નિચરની પણ સુવિધા છે.
વાચનની ઉત્તમ સુવિધા ધરાવતાં અને ગુજરાતનાં શ્રેષ્ઠ કહી શકાય તેવાં 'ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય' નો વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અધ્યયન-અધ્યાપન માટે ઉપયોગ કરી શકે છે. આ ગ્રંથાલય વર્ષના ૩૬૪ દિવસ સવારના ૭ થી રાતના ૭ કલાક સુધી ખુલ્લું રહે છે. ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગી બની શકે તેવાં આઠ લાખથી પણ વધારે પુસ્તકો આ ગ્રંથાલયમાં છે. એમ.ફિલ અને પીએચ.ડી. કક્ષાએ થયેલાં હજારો સંશોધન અહેવાલોનો અહીં સંગ્રહ છે. વિવિધ વિષયનાં સામયિકો અને વર્તમાનપત્રોનો અખૂટ ભંડાર અહીં ઉપલબ્ધ છે.
ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સ્નાનાગારની સુવિધા ઉપલબ્ધ છે. તરણ કલા શીખવા માટેે કૉચ પણ ઉપલબ્ધ છે.
ગૂજરાત વિદ્યાપીઠ વિશાળ રમત-ગમતનું મેદાન ધરાવે છે. અહીં ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, દોડ, ગોળાફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ, બરછીફેંક, ચક્રફેંક જેવી રમતો કે સ્પર્ધાઓ યોજી શકાય છે.
શિક્ષણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જેમને રમત-ગમત ક્ષેત્રે રુચિ હોય તેમના માટે ગૂજરાત વિદ્યાપીઠમાં બેડમિન્ટન અને સ્વીમિંગની તાલીમ લઈ શકે તેવી સુવિધા પણ છે.
વિદ્યાર્થીઓ માટે પરિસરમાં જ દાક્તરી સેવાઓ ઉપલ્બ્ધ છે. સામાન્ય બીમારીઓ વખતે અહીં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નિદાન-ઉપચાર કરી આપવામાં આવે છે.