શિક્ષણ વિદ્યાશાખા દ્વારા તારીખ ૨૦ થી ૨૬ મે, ૨૦૨૦ દરમિયાન ગુજરાતમાં શિક્ષણશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓમાં શિક્ષણ વિદ્યાશાખા દ્વારા ઓનલાઈન શિક્ષણનો આ રીતે સૌ પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જ્ઞાનસત્રના ઉદ્ઘાટન સમારોહમાં કુલનાયકશ્રી પ્રો. અનામિક શાહની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ જ્ઞાનસત્રમાં સપ્તાહ સુધી સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦ અને સાંજે ૫-૦૦ થી ૬-૦૦ એમ પ્રતિદિન બે કલાક શૈક્ષણિક સંશોધન સંબંધિત મૂંઝવતા પ્રશ્નો અંગે પ્રો. ચંદ્રકાંત ભોગાયતાએ તજ્જ્ઞીય પ્રવચનો આપ્યા હતા. અભ્યાસુઓની મૂંઝવણોનું સમાધાન પણ કર્યું હતું. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં શિક્ષણશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. કક્ષાએ અભ્યાસ કરતા ૮૩ વિદ્યાર્થીઓ આ જ્ઞાનસત્રમાં પસંદ થયા હતા. જ્ઞાનસત્રના નિયામક તરીકે પ્રો. ભરત જોશીએ પ્રશંસનીય કાર્ય કર્યું હતું. આ જ્ઞાનસત્રનું સંયોજન ડૉ. મહેશ દીક્ષિત, ડૉ. અમિત માલી અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.
શિક્ષણ વિદ્યાશાખા દ્વારા તારીખ ૨૯-૫-૨૦૨૦ના રોજ બી.એડ્.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 'ક્રિયાત્મક' સંશોધન વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના, મહત્ત્વ, સોપાનો અને સંશોધનના નમૂનાની વિષદ છણાવટ કરવામાં આવી હતી. આયોજક અને વક્તા તરીકે ડૉ. અશોક પરમાર, ડૉ. નિલેશ કાપડિયા, ડૉ. સોનલબેન પટેલ અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા જોડાયા હતા. નિયામક તરીકે પ્રો. ભરત જોશીએ જહેમત ઉઠાવી હતી.