વિદ્યાશાખામાં તારીખ ૫-૧-૨૦ને રવિવારના રોજ ૧૯૮૦-૮૧માં બી.એડ્.માં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહ મિલનમાં તે વર્ષમાં અભ્યાસ કરતા ૬૫ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ અધ્યાપકોમાં ડૉ. ઈલાબેન નાયક અને ડૉ. માલતીબેન દૂબેએ પ્રેરક પ્રવચનો આપ્યા હતા. શિક્ષણ વિદ્યાશાખાના અધ્યક્ષ પ્રો. ભરતભાઈ જોશીએ આ સ્નેહ મિલનને ૪૦ વિરસના ઈતિહાસ તરીકે ઓળખાવ્યું હતું. આ સ્નેહમિલનનું અધ્યક્ષપદ જાણીતા શિક્ષણ ચિંતક ડૉ. મોતીભાઈ પટેલે શોભાવ્યું હતું. તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મિલનની આ રીતને વખાણી હતી અને વારંવાર મળતા રહીને સમાજને ઉપયોગી કાર્યો કરવાની પ્રેરણા આપી હતી.
શિક્ષણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ સ્વાવલંબન અને આયોજનનાં ગુણો વિકસે તેમજ પ્રાદેશિક વાનગીઓથી પરિચિત બને તેવા હેતુથી સ્વયંપાક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સાથે મળીને શાકભાજીની ખરીદીથી માંડીને વાનગી બનાવવા સુધીનાં કાર્યો જાતે જ કર્યા હતા. ચોખા, ઘઉં, બાજરી અને નાગલીના ગરમા ગરમ રોટલા, સોડમદાર ઊંધીયું-પુલાવ અને સાથે સાથે ઘી-ગોળ-છાસ વડે આ સ્વયંપાક જીવનનો એક સ્વાદિષ્ટ અનુભવ બની રહ્યો હતો. સ્વયંપાકમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે કુલનાયકશ્રી પ્રો. અનામિકભાઈ શાહ અને નિયામક ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીએ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સમૂહભોજન કર્યું હતું. ભોજનને અંતે રાસ-ગરબાની રમઝટ બોલાવીને વિદ્યાર્થીઓએ આ દિવસને અવિસ્મરણીય બનાવ્યો હતો.
શિક્ષણ વિદ્યાશાખામાં બી.એડ્. સત્ર-૪માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, પ્રાકૃતિક સંપદા અને નઈતાલીમ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓનો પરિચય મેળવવાના આશયથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા; તુલસીશ્યામ, દિવ, જુનાગઢ, સોમનાથ જેવા પ્રાકૃતિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી. પ્રવાસમાં માર્ગદર્શક તરીકે પ્રો. લાલજીભાઈ પટેલ, પ્રો. છનાભાઈ ભીંસરા અને ડૉ. નીતિનકુમાર જોડાયા હતા.