શિક્ષણ વિદ્યાશાખાની પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓએ માતૃભાષા દિનની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ માતૃભાષાની ગૌરવગાથાના ગીતોનું ગાન કર્યું હતું તેમજ માતૃભાષાનું મહત્ત્વ વર્ણવતા વક્તવ્યો આપ્યાં હતાં. આ સાથે સાથે જ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ૧૦૦ પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી આનંદ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ વિદ્યાશાખા અને માતૃભાષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૫-૨-૨૦ના રોજ માતૃભાશા દિન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતી સાહિત્ય પરીષદના મહામંત્રીશ્રી પ્રફુલ્લ રાવલ તેમજ ગૂજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલશ્રી મીનુબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શિક્ષણ વિદ્યાશાખાના અધ્યક્ષ અને કા. કુલસચિવશ્રી પ્રો. ભરત જોશીએ શોભાવ્યું હતું. સૌએ માતૃભાષાનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું હતું. 'પુસ્તક પરબ' પ્રકલ્પ પર કાર્ય કરનારા કવિઓએ સ્વરચિત કાવ્યોનું પઠન કર્યું હતું. દ્વિતીય બેઠકમાં માતૃભાષા શિક્ષણ માટે નવીન પ્રયોગો કે શિક્ષણ વ્યવહારો કરનારા શિક્ષકોની રજૂઆતો થઈ હતી. શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. નીતિનકુમારે કર્યું હતું.
જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર અને શિક્ષણ વિદ્યાશાખાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭-૨-૨૦ થી ૨૯-૨-૨૦ દરમિયાન RP (English) Enhancement Programme યોજાયો હતો. જેમાં ગુજરાતની ઉચ્ચતર માધ્યમિકશાળામાં અંગ્રેજી વિષયનું શિક્ષણકાર્ય કરતા શિક્ષકો જોડાયા હતા. ઉદ્દઘાટન સમારોહમાં અંગ્રેજી ભાષાનાં અસરકારક શિક્ષણ માટે રચાયેલા મોડ્યુલનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન વર્ગખંડમાં અંગ્રેજી શિક્ષણની નવી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ વિશે તજ્જ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંયોજન ડૉ. નિલેશ કાપડિયાએ કર્યું હતું.