બી.એડ્.માં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થીઓ વિવિધ અધ્યાપન કૌશલ્યોનું સંકલન કરી શકે તેવા હેતુથી વિદ્યાશાખામાં સેતુપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ અધ્યાપકના માર્ગદર્શન હેઠળ આયોજનો તૈયાર કર્યા હતા અને તે આયોજન આધારિત શિક્ષણકાર્ય પણ કર્યું હતું. પાઠ આપવા માટે કુમાર વિનય મંદિરના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ સાંપડ્યો હતો. સૌ અધ્યાપકોએ શિક્ષકત્વનું ઘડતર અને ચણતર કરનારા સૂચનો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રો. છનાભાઈ ભીંસરા અને ડૉ. સોનલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદ્યાશાખાના વિજ્ઞાન મંડળ દ્વારા ડૉ. વિક્રમ સારાભાઈના ૧૦૧માં જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણી નિમિત્તે વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને કુમાર વિનય મંદિરના બાળકોને પ્રયોગો વડે વિજ્ઞાન શીખવ્યું હતું. વિદ્યાર્થીઓ ભારતે છોડેલા ચંદ્રયાન, ચંદ્રયાનની કામગીરી અને ચંદ્રયાન મોકલવા પાછળના હેતુઓ પર પેનલચર્ચા પણ કરી હતી. વિદ્યાશાખાની વિજ્ઞાન પ્રયોગશાળામાં વિજ્ઞાન વિષયક પ્રયોગો અને સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જેની મુલાકાત સૌ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ લીધી હતી. નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન પ્રો. દીપુબા દેવડા, પ્રો. લાલજીભાઈ પટેલ અને પ્રો. જિજ્ઞેશભાઈ પટેલે પૂરું પાડ્યું હતું.
રક્ષાબંધન પર્વની ઉજવણી માટે વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વનું ઐતિહાસિક અને ધાર્મિક સંદર્ભ સાથેનાં વક્તવ્યો આપ્યા હતા. વિદ્યાર્થિની બહેનોએ ભાઈઓ અને અધ્યાપકોને રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી. શ્રી રમેશભાઈ બારોટ અને ગાયકવૃંદ દ્વારા રક્ષાબંધન વિશેષ ગીતોની પ્રસ્તુતી કરવામાં આવી હતી. અંતમાં અધ્યક્ષશ્રી પ્રો. ભરતભાઈ જોશીએ ભારતીય સંસ્કૃતિમાં આ પર્વનું અનેરું મહત્ત્વ જણાવી સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન હાબેલભાઈ અને મીનાક્ષીબેને કર્યું હતું અને માર્ગદર્શન પ્રો. છનાભાઈ ભીંસરા તથા ડૉ. શીતલબેન રાવતે પૂરું પાડ્યું હતું.
વિદ્યાશાખાના સૌ સેવકો અને વિદ્યાર્થીઓએ ભારતના ૭૩માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરી હતી. વિદ્યાશાખાના સેવક શ્રી જયેશભાઈ પરમારના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.