કર્મયોગ

અધ્યાય ત્રીજો

અર્જુન બોલ્યા–

જો તમે માનતા એમ, કર્મથી બુદ્ધિ તો વડી,

તો પછી, ઘોર કર્મોમાં જોડો કેમ તમે મને ? ૧/૩


મિશ્રશાં વાક્યથી, જાણે મૂંઝવો મુજ બુદ્ધિને;

તે જ એક કહો નિશ્ચે, જે વડે શ્રેય પામું હું. ૨/૩


શ્રીભગવાન બોલ્યા–

બે જાતની કહી નિષ્ઠા આ લોકે પૂર્વથી જ મેં;

સાંખ્યની જ્ઞાનયોગે ને યોગીની કર્મયોગથી. ૩/૩


કર્મ ન આદરે તેથી નિષ્કર્મી થાય ના જન;

ન તો કેવળ સંન્યાસે મેળવે પૂર્ણ સિદ્ધિને. ૪/૩


રહે ક્ષણેય ના કોઇ ક્યારે કર્મ કર્યા વિના;

પ્રકૃત્તિના ગુણે સર્વે અ'વશે કર્મ આચરે. ૫/૪


રોકી કર્મેન્દ્રિયો રાખે, ચિત્તમાં સ્મરતો રહે;

વિષયોને મહામૂઢ—મિથ્યાચાર ગણાય તે ૬/૩


મનથી ઇંદ્રિયો નીમી આસક્તિવિણ આચરે,

કર્મેન્દ્રિયે કર્મયોગી, તે મનુષ્ય વિશેષ છે. ૭/૩


નીમેલાં કર કર્મો તું, ચડે કર્મ અકર્મથી;

ન તારી દેહયાત્રાયે સિદ્ધ થાય અકર્મથી. ૮/૩


વિના યજ્ઞાર્થકર્મોથી આ લોકે કર્મબંધન;

માટે આસક્તિને છોડી યજ્ઞાર્થે કર્મ આચર. ૯/૩


યજ્ઞ સાથ પ્રજા સર્જી બ્રહ્મા પૂર્વે વદ્યા હતા—

“વધજો આ થકી, થાજો તમારી કામધેનુ આ. ૧૦/૩


દેવોને રીઝવો આથી, રીઝવો તમનેય તે;

અન્યોન્ય રીઝવી એમ, પરમ શ્રેય મેળવો. ૧૧/૩


રીઝેલા યજ્ઞથી દેવો આપશે ઇષ્ટ ભોગને;

તેઓ દે, તેઅને ના દે, તેવો ખાનાર ચોર છે” ૧૨/૩


યજ્ઞશેષ જમી સંતો છૂટે છે સર્વ પાપથી;

પોતા માટે જ જે રાંધે, તે પાપી પાપ ખાય છે. ૧૩/૩


અન્નથી ઊપજે જીવો; વૃષ્ટિથી અન્ન નીપજે;

યજ્ઞથી થાય છે વૃષ્ટિ; કર્મથી યજ્ઞ ઉદ્ભવે; ૧૪/૩


બ્રહ્મથી ઊપજ્યું કર્મ; બ્રહ્મ અક્ષરથી થયું;

સર્વવ્યાપક તે બ્રહ્મ આમ યજ્ઞે સદા રહ્યું. ૧૫/૩


લોકે આવું પ્રવર્તેલું ચક્ર જે ચલવે નહીં,

ઇંદ્રિયારામ તે પાપી વ્યર્થ જીવન ગાળતો. ૧૬/૩


આત્મામાં જ રમે જેઓ, આત્માથી તૃપ્ત જે રહે,

આત્મામાંહે જ સંતુષ્ટ, તેને કો’ કાર્ય ના રહ્યું. ૧૭/૩


કરે કે ન કરે તેથી તેને કો’ હેતુ ના જગે;

કોઇયે ભૂતમાં તેને કશો સ્વાર્થ રહ્યો નહીં. ૧૮/૩


તેથી થઇ અનાસક્ત આચર કાર્ય કર્મને,

અસંગે આચરી કર્મ શ્રેયને પામતો નર. ૧૯/૩


કર્મ વડે જ સંસિદ્ધિ મેળવી જનકાદિએ;

લોકસંગ્રહ પેખીયે તને તે કરવાં ઘટે. ૨૦/૩


શ્રેષ્ઠ લોકો કરે જે જે, તે જ અન્ય જનો કરે;

તે જેને માન્યતા આપે, તે રીતે લોક વર્તતા. ૨૧/૩


ત્રણે લોકે મ’ને કાંઇ બાકી કાર્ય રહ્યું નથી;

અપામ્યું પામવા જેવું, તોયે હું વર્તુ કર્મમાં. ૨૨/૩


કદાચે જો પ્રવર્તું ના કર્મે આળસને ત્યજી,

અનુસરે મનુષ્યોયે સર્વથા મુજ માર્ગને. ૨૩/૩

પામે વિનાશ આ સૃષ્ટિ જો હું કર્મ ન આચરું;

થાઉં સંકરનો કર્તા, મેટનારો પ્રજાતણો. ૨૪/૩


જેમ આસક્તિથી કર્મ અજ્ઞાની પુરુષો કરે;

તેમ જ્ઞાની અનાસક્ત, લોકસંગ્રહ ઇચ્છતો. ૨૫/૩


કર્મે આસક્ત અજ્ઞોનો કરવો બુદ્ધિભેદ ના;

જ્ઞાનીએ આચરી યોગે શોધવાં સર્વ કર્મને. ૨૬/૩


પ્રકૃત્તિના ગુણોથી જ સર્વે કર્મો સદા થતાં,

અહંકારે બની મૂઢ માને છે નર, ‘હું કરું’ ૨૭/૩


ગુણકર્મ વિભાગોના તત્ત્વને જાણનાર તો

‘ગુણો વર્તે ગુણોમાંહી’ - જાણી આસક્ત થાય ના. ૨૮/૩


પ્રકૃત્તિના ગુણે મૂઢ ચોંટે છે ગુણ કર્મમાં;

તેવા અલ્પજ્ઞ મંદોને જ્ઞાનીએ ન ચળાવવા. ૨૯/૩


મારામાં સર્વ કર્મોને અર્પી અધ્યાત્મબુદ્ધિથી,

આશા ને મમતા છોડી, નિર્વિકાર થઇ લડ. ૩૦/૩


મારા આ મતને માની વર્તે જે માનવો સદા,

શ્રદ્ધાળુ, મન નિષ્પાપ, છૂટે તેઓય કર્મથી. ૩૧/૩


મનમાં પાપ રાખી જે મારા મતે ન વર્તતા,

સકલજ્ઞાનહીણા તે અબુદ્ધિ નાશ પામતા. ૩૨/૨


જેવી પ્રકૃત્તિ પોતાની જ્ઞાનીયે તેમ વર્તતો;

સ્વભાવે જાય છે પ્રાણી, નિગ્રહે કેટલું વળે ? ૩૩/૩


ઇન્દ્રિયોને સ્વઅર્થોમાં રાગ ને દ્વેષ જે રહે,

તેમને વશ થાવું ના, દેહીના વાટશત્રુ તે. ૩૪/૩


રૂડો સ્વધર્મ ઊણોયે સુસેવ્યા પરધર્મથી;

સ્વધર્મે મૃત્યુયે શ્રેય, પરધર્મ ભયે ભર્યો. ૩૫/૩


અર્જુન બોલ્યા–


તો પછી નર કોનાથી પ્રેરાઇ પાપ આચરે–

ન ઇચ્છતાંય, જાણે કે હોય જોડાયેલો બળે? ૩૬/૩


શ્રી ભગવાન બોલ્યા–

એ તો કામ તથા ક્રોધ, જન્મ જેનો રજોગુણે,

મહાભક્ષી મહાપાપી, વેરી તે જાણજે જગે. ૩૭/૩


ધુમાડે અગ્નિ ઢંકાય, રજે ઢંકાય દર્પણ,

ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ જ્ઞાન કામથી. ૩૮/૩


કામ રૂપી મહાઅગ્નિ, તૃપ્ત થાય નહીં કદી,

તેનાથી જ્ઞાન ઢંકાયું, જ્ઞાનીનો નિત્યશત્રુ તે ૩૯/૩


ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ, કામનાં સ્થાન સૌ કહ્યાં;

તે વડે જ્ઞાન ઢાંકી તે પમાડે મોહ જીવને. ૪૦/૩


તે માટે નિયમે પ્હેલાં લાવીને ઇન્દ્રિયો બધી,

જ્ઞાનવિજ્ઞાનઘાતી તે પાપીને કર દૂર તું. ૪૧/૩


ઇન્દ્રિયોને કહી સૂક્ષ્મ, છે સૂક્ષ્મ ઇન્દ્રિયથી મન,

મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ, બુદ્ધિથી સૂક્ષ્મ તે રહ્યો. ૪૨/૩


એમ બુદ્ધિપરો જાણી , આપથી આપ નિગ્રહી,

દુર્જેય કામરૂપી આ વેરીનો કર નાશ તું. ૪૩/૩


શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘કર્મયોગ’ નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ