જ્ઞાન અને યોગનું તત્ત્વ

અધ્યાય ૨ જો

સંજય બોલ્યા–

આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી

શોચતા પાર્થને આવાં વચનો માધવે કહ્યાં– ૧/૨

શ્રી ભગવાન બોલ્યા–

ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે

નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે હરે ? ૨/૨


મા તું કાયર થા, પાર્થ, તને આ ઘટતું નથી;

હૈયાના દૂબળા ભાવ છોડી ઊઠ, પરંતપ. ૩/૨

અર્જુન બોલ્યા–

મારે જે પૂજવા યોગ્ય ભીષ્મ ને દ્રોણ,

તે પ્રતિ કેમ હું રણસંગ્રામે બાણોથી યુદ્ધ આદરું? ૪/૨

વિના હણીને ગુરુઓ મહાત્મા

ભિક્ષા વડે જીવવું તેય સારું;

હણી અમે તો ગુરુ અર્થવાંછુ

લોહીભર્યા માણશું ભોગ લોકે !

૫/૨

થાયે અમારો જય તેમનો વા–

શામાં અમારું હિત તે ન સૂઝે;

જેને હણી જીવવુંયે ગમે ના,

સામા ખડા તે ધૃતરાષ્ટ્ર-પુત્રો.

૬/૨

સ્વભાવ મેટ્યો મુજ રાંકભાવે,

ન ધર્મ સૂઝે, તમને પૂછું હું ;

બોધો મને નિશ્ચિત શ્રેય જેમાં,

છું શિષ્ય, આવ્યો શરણે તમારે.

૭/૨

સમૃદ્ધ ને શત્રુ વિનાનું રાજ્ય

મળે જગે કે સુરલોકમાંયે;

તોયે ન દેખું કંઇ શોક ટાળે

મારી બધી ઇન્દ્રિય તાવનારો.

૮/૨

સંજય બોલ્યા–

પરંતપ, ગુડાકેશે આમ ગોવિંદને કહી,

”હું તો નહીં લડું’ એવું બોલી મૌન ધર્યું પછી. ૯/૨


આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને

હસતા-શું હૃષીકેશે આવાં ત્યાં વચનો કહ્યાં– ૧૦/૨


શ્રીભગવાન બોલ્યા–

ન ઘટે ત્યાં કરે શોક,ને વાતોજ્ઞાનની વદે !

પ્રાણો ગયા-રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે. ૧૧/૨


હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યરે હતા નહીં,

ન હઇશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે ૧૨/૨


દેહીને દેહમાં આવે બાળ, જોબનને જરા,

તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના ૧૩/૨


સ્પર્શાદિ વિષયો જાણ, શીતોષ્ણ-સુખદુ:ખદા,

અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન, લે સહી ૧૪/૨


તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,

તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને ૧૫/૨


અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;

નિહાળ્યો તે તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો ૧૬/૨


જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;

તે અવ્યય તણો નાશ કોઇયે ના કરી શકે. ૧૭/૨


અવિનાશી, પ્રમાતીત, નિત્ય દેહીતણાં કહ્યાં

શરીરો અંતવાળાં આ તેથી તું ઝૂઝ, અર્જુન ૧૮/૨


જે માને કે હણે છે તે, જે માને તે હણાય છ,

બંનેયે તત્ત્વ જાણે ના, હણે ના તે હણાય ના ૧૯/૨


ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,

ન્હોતો ન તે કે ન હશે ન પાછો :

અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,

હણ્યે શરીરે ન હણાય તે તો.

૨૦/૨


જે એને જાણતો નિત્ય, અનાશી, અજ, અવ્યય,

તે નર કેમ ને કોને હણાવે અથવા હણે ૨૧/૨


ત્યજી દઇ જીર્ણ થયેલ વસ્ત્રો,

લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;

ત્યજી દઇ જીર્ણ શરીર તેમ,

પામે નવાં અન્ય શરીર દેહી

૨૨/૨


ન તેને છેદતાં શસ્ત્રો, ન તેને અગ્નિ બાલતો,

ન તેને ભીંજવે પાણી, ન તેને વાયુ સૂકવે ૨૩/૨


છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના :

સર્વવ્યાપક તે નિત્ય,સ્થિર, નિશ્ચળ, શાશ્વત ૨૪/૨


તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;

તેથી એવો પિછાણી તે, તને શોક ઘટે નહીં. ૨૫/૨


ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,

તોયે તારે, મહાબાહુ, આવો શોક ઘટે નહીં ૨૬/૨


જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;

માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં ૨૭/૨


અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;

વળી, અવ્યક્ત છે અંત, તેમાં ઉદ્વેગ જોગ શું ૨૮/૨

આશ્ચર્ય-શું કોઇ નિહાળતું એ,

આશ્ચર્ય-શું તેમ વદે, વળી, કો,

આશ્ચર્ય-શું અન્ય સુણેય કોઇ,

સુણ્યા છતાં કો સમજ ન તેને

૨૯/૨

સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;

કોઇયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં ૩૦/૨


વળી, સ્વધર્મ જોતાંયે ન તારે ડરવું ઘટે;

ધર્મયુદ્ધ થકી બીજું શ્રેય ક્ષત્રિયને નથી ૩૧/૨


અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું;

ક્ષત્રિઓ ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આ સમું ૩૨/૨


માટે આ ધર્મસંગ્રામ આવો જો ન કરીશ તું,

તો તું સ્વધર્મ ને કીર્તિ છાંડી પામીશ પાપને ૩૩/૨

અખંડ કરશે વાતો લોકો તારી અકીર્તિની;

માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ ૩૪/૨


ડરીને રણ તેં ટાળ્યું માનશે સૌ મહારથી;

રહ્યો સ્ન્માન્ય જેઓમાં તુચ્છ તેને જ તું થશે ૩૫/૨


ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ;

નિંદશે તુજ સામર્થ્ય, તેથી દુ:ખ કયું વધું ૩૬/૨


હણાયે પામશે સ્વર્ગ, જીત્યે ભોગવશે મહી;

માટે, પાર્થ, ખડો થા તું, યુદ્ધાર્થે દૃઢનિશ્ચયે ૩૭/૨

લાભ-હાનિ, સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,

પછી યુદ્ધાર્થે થા સજ્જ, તો ના પાપ થશે તને. ૩૮/૨


કહી આ સાંખ્યની બુદ્ધિ, હવે સાંભળ યોગની;

જે બુદ્ધિથી થયે યુક્ત તોડીશ કર્મબંધન ૩૯/૨


આદર્યા વણસે ના ને વિઘ્ન ના ઊપજે અહીં;

સ્વલ્પેઆ ધર્મનો અંશ ઉગારે ભયથી વડા. ૪૦/૨


એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે;

અનંત, બહુશાખાળી બુદ્ધિ બુદ્ધિ નિશ્ચયહીનની ૪૧/૨


અલ્પબુદ્ધિજનો, પાર્થ કાઅમ-સ્વર્ગ-પરાયણ,

વેદવાદ વિશે મગ્ન, આવી જે કર્મકાંડની ૪૨/૨


જન્મ-કર્મ- ફળો દેતી, ભોગ-ઐશ્વર્ય સાધતી

વાણીને ખીલવી બોલે,”આથી અન્ય કશું નથી.” ૪૩/૨

ભોગ-ઐશ્વર્યમાં ચોંટ્યા, હરાઇ બુદ્ધિ તે વડે,–

તેમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં. ૪૪/૨


ત્રિગુણાત્મક વેદાર્થો, થા ગુણાતીત, આત્મવાન્ .

નિશ્ચિંત યોગ ને ક્ષેમે, નિર્દ્વંદ, નિત્ય-સત્ત્વવાન્ ૪૫/૨


નીર-ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું,

તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠનેચ ૪૬/૨


કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,

મા હો કર્મફળે દૃષ્ટિ, મા હો રાગ અકર્મમાં ૪૭/૨


કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;

યશાયશ સમા માની –સમતા તે જ યોગ છે ૪૮/૨


અત્યંત હીન તો કર્મ બુદ્ધિયોગ થકી ખરે;

શરણું બુદ્ધિમાં શોધ, રાંક જે ફળ વાંછતાં. ૪૯/૨


બુદ્ધિયોગી અહીં છોડે પાપ ને પુણ્ય બેઉયે;

માટે થા યોગમાં યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે ૫૦/૨


બુદ્ધિયોગી વિવેકી તે, ત્યાગીને કર્મનાં ફળો,

જન્મબંધનથી છૂટી પોં’ચે નિર્દોષ ધામને. ૫૧/૨


મોહનાં કળણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે;

સુણ્યું ને સુણવું બાકી બેએ નિર્વેદ આવશે ૫૨/૨


બહુ સુણી ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર,

અચંચળ, સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે ૫૩/૨


અર્જુન બોલ્યા:

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?

બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો? ૫૪/૨


શ્રીભગવાન બોલ્યા–

મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે

રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો ૫૫/૨


દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ;

ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો ૫૬/૨


આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ;

ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઇ સ્થિર ૫૭/૨


કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી

સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર ૫૮/૨

નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,


રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરમ ૫૯/૨

પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે


મન'ને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી ૬૦/૨

યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,


ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા સ્થિર ૬૧/૨

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,


જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે ૬૨/૨

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;


સ્મૃતિલોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે ૬૩/૨

રાગ ને દ્વેષ છૂટેલીઇન્દ્રિયે વિષયો ગ્રહે


વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા ૬૪/૨

પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા;


પામ્યો પ્રસન્નતા તેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર ૬૫/૨

અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના;


ન ભાવહીનને શાંતિ,સુખ ક્યાંથી અશાંતને? ૬૬/૨

ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,


દેહીની તે હરે બુધ્ધિ, જેમ વા નાવને જળે ૬૭/૨

તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી


ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઇ સ્થિર ૬૮/૨

નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,


જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા ૬૯/૨

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ

સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;

જેમાં પ્રવેશે સહુ કામ તેમ,

તે શાંતિ પામે નહીં કામકામી

૭૦/૨

છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ,

અહંતા—મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત ૭૧/૨


આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે;

અંતકાળેય તે રાખી બ્રહ્મનિરવાણ મેળવે… ૭૨/૨


શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ’સાંખ્ય-યોગ’ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ