ભક્તિ તત્વ

અધ્યાય બારમો

અર્જુન બોલ્યા:

નીત્યયુક્ત થઇ આમ જે ભક્ત તમને ભજે

ને જે અક્ષર, અવ્યક્ત, તે બે માહી કયા ચડે ? ૧/૧૨

શ્રી ભગવાન બોલ્યા :

મારામાં મનને પ્રોઈ, નીત્યયુક્ત થઇ મને

ભજે પરમ શ્રદ્ધાથી તે યોગી ચડતા ગણું. ૨/૧૨

જેઓ અચિંત્ય, અવ્યક્ત સર્વવ્યાપક, નિશ્ચલ

એકરૂપ, અનીર્દેશ્ય , ધ્રુવ અક્ષરને ભજે. ૩/૧૨

ઇન્દ્રિયો નિયમે રાખી, સર્વત્ર સમબુદ્ધીના,

સર્વભૂતહિતે રક્ત, પામતા'ય મ'ને જ તે. ૪/૧૨

અવ્યક્તે ચિત્ત ચોંટાડે, તેને કલેશ થતો વધુ,

મહાપરીશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ. ૫/૧૨

મારામાં સર્વ કર્મોનો કરી સન્યાસ, મત્પર,

અનન્ય યોગથી મારા કરે ધ્યાન ઉપાસના. ૬/૧૨

મારામાં ચિત્ત પ્રોતા એ ભક્તોનો ભવસાગરે

વિના વિલંબ ઉદ્ધાર કરું છું પાર્થ ! હું સ્વયમ. ૭/૧૨

મુજમાં જ મનને સ્થાપ, નિષ્ઠા મારી જ રાખ તું,

તો મારામાં જ ની:શંક, તું વસીશ હવે પછી. ૮/૧૨

જો ન રાખી શકે સ્થિર હું માં ચિત્ત સમાધિથી,

તો મ'ને પામવા ઇચ્છ સાધી અભ્યાસ યોગને. ૯/૧૨

અભ્યાસે'ય ન જો શક્તિ, થા મત્કર્મપરાયણ,

મારે અર્થે કરે કર્મો તો'યે પામીશ સિદ્ધિને. ૧૦/૧૨

જો કરી ન શકે તે'એ, આશારી મુજ યોગને,

તો સૌ કર્મફળો ત્યાગ, રાખીને મનને વશ. ૧૧/૧૨

ઊંચું અભ્યાસથી જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન તો ચડે,

ધ્યાનથી ફળનો ત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર. ૧૨/૧૨

અદ્વેષ સર્વ ભૂતોનો, મિત્રતા, કરુણા, ક્ષમા,

નિર્મમી, નિરહંકારી, સુખદુ:ખે સમાનતા. ૧૩/૧૨

યોગી સદાય સંતોષી, જીતાત્મા, દ્રઢનિશ્ચયી,

મનબુદ્ધિ મ'ને અર્પ્યા તે મદ્ભક્ત મ'ને પ્રિય. ૧૪/૧૨

જેથી દુભાય નાં લોકો, લોકથી જે દુભાય ના,

હર્ષ-ક્રોધ-ભય-ક્ષોભે છૂટ્યો જે, તે મને પ્રિય. ૧૫/૧૨

પવિત્ર, નિ:સ્પૃહી, દક્ષ, ઉદાસીન, વ્યથા નહિ,

સૌ કર્માંરંભ છોડેલો, મારો ભક્ત મને પ્રિય. ૧૬/૧૨

ન કરે હર્ષ કે દ્વેષ, ન કરે શોક કે સ્પૃહા,

શુભાશુભ ત્યાજ્ય જેણે, ભક્તિમાન મને પ્રિય. ૧૭/૧૨

સમ જે શત્રુ ને મિત્રે, સમ માનાપમાનમાં,

ટાઢે-તાપે, સુખે-દુ:ખે સમ, આસક્તિહીન જે. ૧૮/૧૨

સમાન સ્તુતિ નિંદામાં, મૌની, સંતુષ્ટ જે મળે,

સ્થિરબુદ્ધિ, નીરાલંબ, ભક્ત જે તે મને પ્રિય. ૧૯/૧૨

આ ધર્મામૃતને સેવે શ્રદ્ધાથી જેમ મેં કહ્યું

મત્પરાયણ જે ભક્તો, તે મને અતિશે પ્રિય. ૨૦/૧૨

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ભક્તિ તત્વ' નામનો બારમો અધ્યાય સંપૂર્ણ