દૈવી અને આસુરી સંપત્તિ

અધ્યાય ૧૬મો

શ્રી ભગવાન બોલ્યા –

અભય, સત્વસંશુદ્ધિ, વ્યવસ્થા જ્ઞાન-યોગમાં,

નિગ્રહ, દાન, સ્વાધ્યાય, યજ્ઞ, સરળતા, તપ; ૧/૧૬


અહિંસા,સ ત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન,

મૃદુતા, સ્થિરતા,લાજ, દયા જીવે, અલાલસા; ૨/૧૬


ક્ષમા, અમાન, અદ્રોહ, તેજ, ધૈર્ય, પવિત્રતા,

દૈવીભાવ વિષે જન્મે, તેની આ સંપદા થતી. ૩/૧૬


અજ્ઞાન, માન ને દર્પ, દંભ, ક્રોધ, કઠોરતા:

આસુરી ભાવમાં જન્મે, તેની આ સંપદા થતી. ૪/૧૬


મોક્ષ દે સંપદા દૈવી, કરે બંધન આસુરી;

મા કર, શોક, તું જન્મ્યો દૈવી સંપત્તિને લઈ. ૫/૧૬


દૈવી ને આસુરી બે છે સૃષ્ટિ ભૂતોની આ જગે;

વિસ્તારે વર્ણવી દૈવી, હવે સાંભળ આસુરી. ૬/૧૬


આસુરી જન જાણે ના પ્રવૃત્તિ કે નિવૃત્તિને,

ન સ્વચ્છતા, ન આચાર,સત્યે ના તેમણે વિષે. ૭/૧૬


અસત્ય જગ છે બોલે, અનાધાર, અનીશ્વર;

અન્યોન્ય યોગથી જનમ્યું,હેતુ કામ વિના નહીં ૮/૧૬


આવી તે રાખતા દ્રષ્ટિ ક્રૂરકર્મી, અબુદ્ધિઓ,

હૈયાસૂના ઘરે જન્મ પ્રજાક્ષયાર્થ ક્ષત્રુઓ. ૯/૧૬


દૂષ્પુર કામને સેવે, દંભ-માન-મદે ભર્યા.

મોહે દુરાગ્રહો બાંધી પાપાચરી પ્રવર્તતા. ૧૦/૧૬


વહે અપાર ચિંતાને મૃત્યુએ ઝાલતાં સુધી;

સુખ-ભોગ ગણે ધ્યેય, તે જ સર્વસ્વ માનતા. ૧૧/૧૬


આશપાશો વડે બાંધ્યા, કામ-ક્રોધ-પરાયણ;

ઈચ્છતા સુખ ભોગાર્થે અન્યાયે ધનસંચય. ૧૨/૧૬

‘આ પામ્યો આજ,ને કાલે કોડ પૂરો કરીશ આ;

‘આટલું મારું છે આજે, આયે મારું થશે ધન; ૧૩/૧૬


‘આ વેરી મેં હણ્યો છે ને બીજાયે હણનાર છું,

‘હું સર્વાધીશ ને ભોગી, સિદ્ધ હું, બળવાન, સુખી. ૧૪/૧૬


‘હું છું કુલીન, શ્રીમંત, બીજો મારા સમાન ના,

‘યજીશ, દઇશ, માં’ણીશ’-કહે અજ્ઞાન મોહથી. ૧૫/૧૬


ભૂલ્યા અનેક તર્કોમાં, ગૂંચાયા મોહજાળમાં;

આસક્ત સુખ ને ભોગે તે કૂડા નરકે પડે. ૧૬/૧૬


આત્મશ્લાધી ગુમાની તે, દંભ-માન-મદે ભર્યા,

કરે છે નામના યજ્ઞો દંભથી વિધિને ત્યજી. ૧૭/૧૬


બળ, દર્પ અહંકાર, કામ ને ક્રોધને વર્યાં;

સ્વ-પર દેહમાં મારો ઈર્ષાથી દ્રોહ તે કરે. ૧૮/૧૬


એવા દ્વેષી તથા ક્રૂર સંસારે જે નરાધામો,

તે દુષ્ટોને સદા નાખું આસુરી યોનીઓ વિષે. ૧૯/૧૬


આસુરી યોનિ પામેલા જન્મોજન્મે'ય મૂઢ તે,

મ’ને ન મેળવે, પામે ઝાઝી ઝાઝી અધોગતિ. ૨૦/૧૬


કામ, ક્રોધ તથા લોભ, નરક ના ત્રણ દ્વાર આ,

કરતાં આત્મનો ધાત, તેથી તે ત્યજવાં ત્રણે. ૨૧/૧૬


તમનાં આ ત્રણે દ્વારો, તેથી મુક્ત થઈ, પછી,

આચરી આત્મનું શ્રેય દેહી પામે પરંગતિ. ૨૨/૧૬


છોડીને શાસ્ત્રનો માર્ગ સ્વચ્છંદે વરતે નર,

તેને મળે નહીં સિદ્ધિ, ન સુખે, ના પરંગતિ. ૨૩/૧૬


માટે પ્રમાણવું શાસ્ત્ર કાર્યકાર્ય ઠરાવવાં; શાસ્ત્રથી વિધિને જાણી કર્મ આચરવું ધટે. ૨૪/૧૬

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘દૈવી અને આસુરી સંપત્તિ ’ નામનો સોળ મો અધ્યાય સંપૂર્ણ.