ગુણથી ક્રિયાઓના ભેદ

અધ્યાય ૧૭મો


અર્જુન બોલ્યા-

શાસ્ત્રના વિધિને છોડી શ્રદ્ધાથી પૂજન કરે,

તેની નિષ્ઠા ગુણે કે’વી સત્વ, કે રાજ, કે તમ? ૧/૧૭


શ્રી ભગવાના બોલ્યા-

ત્રણ પ્રકારની શ્રદ્ધા દેહીઓની સ્વભાવથી-

સાત્વિકી, રાજસી, તેમ તામસી, સુણ તે સહુ. ૨/૧૭


જેવું જે જીવન સત્વ, શ્રદ્ધા તેવી જ તે વિષે,

શ્રદ્ધાએ આ ધડયો દેહી, જે શ્રદ્ધા તે જ તે બને. ૩/૧૭


સાત્વિકો દેવને પૂજે, રાજસો યક્ષ-રાક્ષસો;

પ્રેતો-ભૂતગણો પૂજે, જે લોકો તામસી જગે. ૪/૧૭


શાસ્ત્ર-વિરુદ્ધ ને ઘોર, જે જનો તપ આચરે;

અહંતા-દંભથી યુક્ત, કામ-રાગ-બળે ભર્યા; ૫/૧૭

દેહના પંચભૂતો ને હ્રદયે વસતા મ’ને,

પીડે જે અબુધો જાણ, તેના નિશ્ચય આસુરી. ૬/૧૭


આહારે પ્રિય સર્વેના ત્રણ પ્રકારના જુદા;

તેમ યજ્ઞો તપો, દાનો - તેના આ ભેદ સાંભળ. ૭/૧૭


આયુ, સત્વ,બળ,સ્વાસ્થ્ય,સુખ,પ્રીતિ,વધારતા

રસાળ, રોચક, સ્નિગ્ધ, સ્થિર તે સાત્વિક-પ્રિય. ૮/૧૭


ખારા, ખાટા, ઘણા ઊના, તીખા, લૂખા, બળે, ;

દે દૂ:ખ, શોક કે વ્યાધિ, આહારો રાજસ-પ્રિય. ૯/૧૭


પો’ર ટાઢો, થયો વાસી, ગંધાતો, સ્વાદ ઊતર્યો,

એઠો, નિષિદ્વ આહાર, તામસી જનને પ્રિય. ૧૦/૧૭


ન રાખી ફળની આશા, યજ્ઞે જ ધર્મ જાણતા,

સ્થિરચિત્તે થતો યજ્ઞ, વિધિપૂર્વક સાત્વિક. ૧૧/૧૭


ફળને દ્રષ્ટિમાં રાખી, તેમ જે દંભભાવથી,

જે યજ્ઞ થાય છે લોકે, રાજસી યજ્ઞ તે કહ્યો. ૧૨/૧૭


જેમાં ન વિધિ, ના મંત્ર, ન'યે સર્જન અન્નનું ;

ન દક્ષિણા, નહીં શ્રદ્ધા, તામસી યજ્ઞ તે કહ્યો. ૧૩/૧૭


દેવ-દ્વિજ-ગુરુ-જ્ઞાની તેની પૂજા, પવિત્રતા,

બ્રહ્મચર્ય, અહિંસા ને આર્જવ દેહનું તપ. ૧૪/૧૭


અખૂંચતું, સત્ય ને મીઠું હિતનું વેણ બોલવું;

તથા સ્વાધ્યાય, અભ્યાસ, વાણીનું તપ તે કહ્યું. ૧૫/૧૭


આત્મનિગ્રહ ને મૌન, મન કેરી પ્રસન્નતા,

મૃદુતા, ભાવની શુદ્ધિ, મનનું તપ તે કહ્યું. ૧૬/૧૭


યોગથી, અતિશ્રદ્ધાથી, આચારે આ ત્રણે તપો,

આ સેવી ફળની આશા, તે કહેવાય સાત્વિક. ૧૭/૧૭


સત્કાર-માન-પૂજાર્થે તથા જે દંભથી કરે;

તે તપ રાજસી લોકે, કહીં ચંચળ, અધ્રુવ. ૧૮/૧૭


મૂઢાગ્રહે તપે જેઓ પીડીને અંતરાત્મને,

પરના નાશ માટે વા, તપ તે તામસી કહ્યું. ૧૯/૧૭


કશો ના પાડ તોયે જે દેવાનો ધર્મ ઓળખી,

યોગ્ય પાત્રે-સ્થળે-કાળે આપે, તે દાન સાત્વિક. ૨૦/૧૭


ફેડવા પાછલો પાડ, હેતુ વા ફળનો ધરી,

કે કોચતા મને આપે, તે દાન રાજસી કહ્યું. ૨૧/૧૭


અપાત્રે દાન જે આપે, અયોગ્ય દેશકાળમાં,

વિના આદર-સત્કાર, તે દાન તામસી કહ્યું. ૨૨/૧૭


ૐ, તત, સત, ત્રણે નામે થાય નિર્દેશ બ્રહ્મનો ,

બ્રાહ્મણો, વેદ ને યજ્ઞો સજર્યા તેણે જ આદિમાં. ૨૩/૧૭


તેથી ओं (ऊ) વદી પહેલા, યજ્ઞ-દાન-તપ-ક્રિયા,

બ્રહ્મવાદી તણી નિત્ય પ્રવર્તે વિધિપૂર્વક. ૨૪/૧૭


तद વડે ફળને ત્યાગી, યજ્ઞ ને તપની ક્રિયા,

વિવિધ દાન કર્મોએ આચરે છે મુમુક્ષુઓ. ૨૫/૧૭


સારું ને સત્ય દર્શાવવા सत શબ્દ વપરાય છે;

તેમ सत શબ્દ યોજાય પ્રશંસાયોગ્ય કર્મમાં. ૨૬/૧૭


યજ્ઞે, તાપે તથા દાને વર્તે તેને'ય सत કહે;

તે માટે જે થતાં કર્મો, તે બધાં પણ सत કહ્યાં. ૨૭/૧૭


અશ્રદ્ધાથી કર્યા કર્મ, યજ્ઞ, દાન, તપો વળી;

असत કે ’વાય તે સર્વ, વ્યર્થ તે બેઉ લોકમાં. ૨૮/૧૭

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ગુણથી ક્રિયાઓના ભેદ’ નામનો સત્તર મો અધ્યાય સંપૂર્ણ