જ્ઞાનનો સાર

અધ્યાય નવમો

શ્રી ભગવાન બોલ્યા :

તને નિષ્પાપને મારું સારમાં સાર જ્ઞાન આ;

કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે દોષથી છૂટે. ૧/૯

શ્રેષ્ઠ વિદ્યા, પરમસાર, આ છે પવિત્ર ઉત્તમ;

અનુભવાય પ્રત્યક્ષ, સુકારે, ધર્મ્ અક્ષય. ૨/૯

જે મનુષ્યો અશ્રદ્ધાથી માને આ ધર્મને નહિ;

તે ફરે મૃત્યુ સંસારે, મને એ પામતા નહિ. ૩/૯

અવ્યક્ત રૂપ હું થી જ ફેલાયું સર્વ આ જગત;

હું - માં રહ્યા બધા ભૂતો, હું એ માહી રહ્યો નથી. ૪/૯

નથીએ કો હું માં ભૂતો, જો મારો યોગ ઈશ્વરી;

ભૂતાધાર, ન ભૂતોમાં, ભૂત સર્જક રૂપ હું. ૫/૯

સર્વગામી મહા વાયુ નિત્ય આકાશમાં રહે;

તેમ સૌ ભૂત મારામાં રહ્યા છે, એમ જાણજે. ૬/૯

કલ્પ ના અંતમાં ભૂતો મારી પ્રકૃતિમાં ભળે;

આરંભ કલ્પનો થાં'તા સરજુ એ સર્વને ફરી. ૭/૯

નિજ પ્રકૃતિ આધારે સરજુ છું હું ફરી ફરી;

સર્વ આ ભૂતનો સંઘ બળે પ્રકૃતિને વશ. ૮/૯

પણ એ કોઈએ કર્મ મુજને બાંધતા નથી ;

કાં જે રહ્યો ઉદાસી શો કર્મે આસક્તિહીન હું. ૯/૯

પ્રકૃતિ પ્રસવે શ્રુષ્ટિ મારી અધ્યક્ષતા વડે;

એના કારણથી થાય જગતના પરિવર્તનો. ૧૦/૯

અવજાણે મને મૂઢો માનવી-દેહને વિષે ;

ન જાણતા પરમભાવ મારો ભૂત મહેશ્વરી. ૧૧/૯

વૃથા આશા, વૃથા કર્મો, વૃથા જ્ઞાન કુબુદ્ધીના;

રાક્ષસી આસુરી એઓ સેવે પ્રકૃતિ મોહિની. ૧૨/૯

મહાત્માઓ મને જાની ભૂતોનો આદિ અવ્યય,

અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૧૩/૯

કીર્તિ મારી સદા ગાતા, યત્નવાન વ્રતે દ્રઢ ;

ભક્તિથી મુજને વંદી ઉપાસે નિત્ય યોગથી. ૧૪/૯

જ્ઞાનયગ્નેય કો ભક્તો સર્વવ્યાપી મને ભજે;

એક્ભાવે, પૃથગભાવે, બહુ રીતે ઉપાસતા. ૧૫/૯

હું છું ક્રતુ, હું છું યજ્ઞ, હું સ્વધા, હું વનસ્પતિ;

મંત્ર હું, ધૃત હું શુદ્ધ, અગ્નિ હું, હું જ આહુતિ. ૧૬/૯

હુંજ આ જગનો ધાતા, પિતા,માતા,પિતામહ;

જ્ઞેય પવિત્ર ઓમકાર, ઋગ, યજુર, સામવેદ હું. ૧૭/૯

પ્રભુ, ભર્તા , સુહ્રદ, સાક્ષી નિવાસ શરણું ગતિ;

ઉત્પત્તિ પ્રલય, સ્થાન, નિધાન બીજ અવ્યય. ૧૮/૯

તપુ હું, જળને ખેંચું, મેઘને વરસાવું હું;

અમૃત હું, હું છું મૃત્યુ, સત્ ને અસતે'ય હું. ૧૯/૯

પી સોમ નિષ્પાપ થઇ ત્રિવેદી

યજ્ઞો વડે સ્વર્ગ્નીવાસ યાચે;

ને મેળવી પુણ્ય સુરેન્દ્ર્લોક

ત્યાં દેવાના વૈભવ દિવ્ય માણે

૨૦/૯

એ ભોગવી સ્વર્ગ વિશાળ એવું

પુણ્યો ખુટયે મર્ત્ય વિષે પ્રવેશે;

સકામ એ વૈદિક કર્મ માર્ગી

આ રીત ફેરા ભાવના કરે છે.

૨૧/૯

અનન્ય ચિત્તથી જેઓ કરે મારી ઉપાસના,

તે નીત્યયુક્ત ભક્તોના યોગક્ષેમ ચલાવું હું. ૨૨/૯

તેમ જે ભક્ત શ્રદ્ધાથી ઉપાસે અન્ય દેવને,

વિધિપૂર્વક નાં તો'યે, તેઓ એ પૂજાતા મને; ૨૩/૯

કાં જે હું સર્વ યજ્ઞોનો ભોક્તા ને પ્રભુ છું વળી;

પરંતુ તે પડે, કાં જે ના જાણે તત્વથી મને. ૨૪/૯

દેવપૂજક દેવોને, પિતૃનાં પિતૃને મળે,

ભૂત પૂજક ભૂતોને, મારા ભકત મને મળે. ૨૫/૯

પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે આપે ભક્તિ થી મને

ભક્તિથી એ અપાયેલું આરોગું યત્નવાન નું. ૨૬/૯

જે કરે ભોગવે વા જે, જે હોમે દાન જે કરે,

આચરે તપને વા જે, કરે અર્પણ તે મને. ૨૭/૯

કર્મના બંધનો તોડીશ આમ સુખ દુખદા,

સન્યાસયોગથી મને પામીશ મુક્ત થઇ. ૨૮/૯

સમ હું સર્વ ભૂતોમાં વા'લા વેરી મને નથી,

પણ જે ભક્તિથી સેવે, તેમાં હું મુજ માહ્ય તે. ૨૯/૯

મોટો'યે કો દુરાચારી એકચિત્તે ભજે મને,

સાધુ જ તે થયો માનો, કા જે નિશ્ચયમાં ઠર્યો. ૩૦/૯

શીઘ્ર એ થાય ધર્માત્મા, પામે શાસ્વત શાંતિ ને,

પ્રતિજ્ઞા કરું છું મારા, ભક્તો નો નાશ ના કદી. ૩૧/૯

સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો જીવો પાપી'ય યોનીના

જો આશરો લે તો તે'ય પામે પરમ ગતિ. ૩૨/૯

પવિત્ર બ્રાહ્મણ ક્ષત્રી ભક્તની વાત શી પછી,

દુ:ખી અનિત્ય આ લોકે પામેલો ભજ તું મને. ૩૩/૯

મન-ભક્તિ મને અર્પ, મને પૂજ મને નમ,

મ'ને જ પામશે આવા યોગથી મત્પરાયણ. ૩૪/૯

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ’જ્ઞાન નો સાર’ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ