ત્રિગુણ નિરૂપણ

અધ્યાય ૧૪ મો

શ્રી ભગવાન બોલ્યા:

જ્ઞાનમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું,

જે જાણી મુનીઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં. ૧/૧૪


આ જ્ઞાન આશરી જેઓ પામે મુજ સમાનતા,

સર્ગકાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા પામતા. ૨/૧૪

મારું ક્ષેત્ર મહદ્ બ્રહ્મ , તેમાં હું બીજ થાપું છું;

એ થકી સર્વ ભૂતોની લોકે ઉત્પત્તિ થાયછે. ૩/૧૪

સર્વ યોની વિષે જે જે વ્યક્તિઓ જન્મ પામતી,

તેનું ક્ષેત્ર મહદબ્રહ્મ, પિતા હું બીજ્દાયક. ૪/૧૪

તમો રજો તથા સત્વ, ગુણો પ્રકૃતિથી થયા,

તે જ અવ્યય દેહીને બાંધે છે દેહને વિષે. ૫/૧૪

એમાં નિર્મળ એ સત્ત્વ, દોષ હીન , પ્રકાશક,

એ બાંધે છે કરાવીને આસક્તિ જ્ઞાને સુખે. ૬/૧૪

તૃષ્ણા આસક્તિથી જન્મ્યો રાગ તે જ રજોગુણ,

દેહીને બાંધતો એ તો કરી આસક્ત કર્મમાં. ૭/૧૪

મોહમાં નાખતો સૌને ઉઠે અજ્ઞાનથી તમ;

દેહીને બાંધતો એતો નિદ્રા, પ્રમાદ, આળસે. ૮/૧૪

સુખમાં જોડતો સત્વ, કર્મમાં જોડતો રજ,

ને ઢાકી જ્ઞાનને જોડે પ્રમાદે તો તમોગુણ. ૯/૧૪

રજો-તમો દબાવીને સત્વ ઉપર આવતો;

રજો ગુણ તમો-સત્વ, તમ એ રાજ-સત્વને. ૧૦/૧૪

જ્યારે આ દેહમાં દીસે પ્રકાશ સહુ ઇન્દ્રિયે;

ને જ્ઞાન પ્રગટે ત્યારે વધેલોં સત્વ જાણવો. ૧૧/૧૪

કર્મે પ્રવૃત્તિ, આરંભ, લોભ, ના -શાંતિને સ્પૃહા,

રજોગુણ વધે જ્યારે, ત્યારે આ ઉપજે બધાં. ૧૨/૧૪

પ્રવૃત્તિ નાં, પ્રકાશે નાં, દીસે પ્રમાદ, મૂઢતા;

તમોગુણ વધે જ્યારે, ત્યારે આ ઉપજે બધાં. ૧૩/૧૪

સત્વની વૃદ્ધિ વેળાએ દેહી છોડે શરીર જો,

ઉત્તમ જ્ઞાનવાનોના નિર્મલા લોક મેળવે. ૧૪/૧૪

કર્મસંગી વિષે જન્મે, રજો માં લય પામતાં:

મૂઢ યોની વિષે જન્મે, તમમાં લય પામતાં. ૧૫/૧૪

કહ્યું છે પુણ્ય કર્મોનું ફળ સાત્વિક નિર્મળ;

રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ. ૧૬/૧૪

સત્વથી ઊપજે જ્ઞાન, રજથી લોભ ઊપજે,

પ્રમાદ્, મોહ, અજ્ઞાન, ઊપજે તમથી સહુ. ૧૭/૧૪

ચડે છે સાત્વિકો ઊંચે, રાજ્સો મધ્યમાં રહે;

હિનવૃત્તિ તમોધર્મિ, તેની થાય અધોગતિ. ૧૮/૧૪

ગુણો વિના ન કર્તા કો જ્યારે દ્રષ્ટા પીછાણતો,

ત્રીગુણાતીતને જાણે, તે પામે મુજ ભાવને. ૧૯/૧૪

દેહ સાથે ઊઠેલા આ ત્રીગુણો જે તરી જતો,

જન્મ મૃત્યુ જરા દુ:ખે છૂટી તે મોક્ષ ભોગવે. ૨૦/૧૪

અર્જુન બોલ્યા :

કયા લક્ષણથી દેહી ત્રીગુણાતીત થાય છે?

હોય આચાર શો એનો? કેમ એ ત્રીગુણો તરે? ૨૧/૧૪

શ્રી ભગવાન બોલ્યા :

જ્ઞાન પ્રવૃત્તિ ને મોહ, તેના ધર્મો શરીરમાં,

ઊઠે તો ન કરે દ્વેષ, શમે તો ન કરે સ્પૃહા. ૨૨/૧૪

જે ઉદાસીન શો વર્તે ગુણોથી ચળતો નથી,

વર્તે ગુણો જ જાણીને, રહે સ્થિર ડગે નહિ. ૨૩/૧૪

સમ દુ:ખે-સુખે, સ્વસ્થ, સમલોષ્ટાશ્મકંચન;

સમ પ્રીયાપ્રીયે, ધીર, સમ નિંદા-વખાણ માં.

૨૪/૧૪

સમ માનાપમાને જે, સમ જે શત્રુમીત્રમાં,

સૌ કર્મારંભે છોડેલો, ગુણાતીત ગણાય તે. ૨૫/૧૪

અવ્યભિચાર ભાવે જે ભક્તિયોગે મને ભજે,

તે આ ગુણો કરી પાર બ્રહ્મને પાત્ર થાય છે. ૨૬/૧૪

અમૃત-અક્ષર-બ્રહ્મ, ને એકાંતિક જે સુખ,

તેમ શાશ્વત ધર્મો જે, સૌનો આધાર હું જ છું. ૨૭/૧૪

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ત્રિગુણ નિરૂપણ' નામનો ચૌદ મો અધ્યાય સંપૂર્ણ