રાત આખી રડતી કૂંપળ હોય છે,
આંસુ એનાં એ જ ઝાકળ હોય છે.
દિલ્લગી તો છીછરાં જળ હોય છે,
પ્રેમના દરિયાને ક્યાં તળ હોય છે?
સંકુચિતતાને ને ઘણાં વળ હોય છે,
મનના તાળાને કઈ કળ હોય છે?
સાચવીને દિલ બદલ સોના તણું,
ચમકે પીળું તોય પિત્તળ હોય છે!
પ્રેમનાં વચનો, મિલનની વાત સૌ,
પૈસા પાછળ દોડતું છળ હોય છે.
દોડી દોડી દોડીને હું હાંફતો,
પણ હજીયે નસીબ આગળ હોય છે!
થોભ, બે ઘડી ઔર એની વાટ જો,
ધૈર્યનું મોડું મધુ-ફળ હોય છે!
એક યાદ હું કઈં કરી વિસારાઉં ત્યાં,
સો ગણી પાછળ ને પાછળ હોય છે.
રોજ તો બદલાય છે આ રાત પણ,
એ ભવાઈ એ જ ભૂંગળ હોય છે.
ક્રોધ મુજ માસૂમ પર ક્યાં હોય છે?
હોય છે એ બે ઘડી છળ હોય છે.
એની યાદ, ગઝલ, ને ખાલી જામનો,
દિલ તને સંગાથ હરપળ હોય છે.
"કહે મને પાગલ જે મય ચાખ્યા વિના",
બોલ્યો મયકશ, "એ જ પાગલ હોય છે!"
જિંદગી 'જીવવા'નો યત્ન તું છોડ! ક્યાં..
.. કૂટપ્રશ્નો નાં કોઈ હલ હોય છે?
આપને લાગે કે છે ગંભીર બહુ,
નહીં તો મારી વાત જ સરળ હોય છે!
અશ્રુ ની કીમત તો બસ સમજે 'રફી',
બાકી સૌને માં તો એ જળ હોય છે!
~~~
રાતભર લખતો રહું સ્યાહી વિના, આખરે એ કોરો કાગળ હોય છે!