ભૂલું તને ના એટલો હેરાન રાખજે,
પૂછ્યા કરી સવાલ પરેશાન રાખજે!
જીંદગી મુશ્કેલ તો આપી ભલે મને,
આખરે તું મોતને આસાન રાખજે.
એ આપ જે ખાવાથી ફરી ભૂખ ના લાગે,
એ ઝેર ના હો એનું વળી ધ્યાન રાખજે!
યાદોના ખાજનમાં એની આખરી ઝલક,
ને પહેલી મુલાકાતની મુસ્કાન રાખજે.
દિલમાં રહીને દોસ્તે ઝખમો દીધા ઘણાં.
એ આવે ત્યારે દુશ્મનીનું માં રાખજે.
મોજાંની રવાની તો હોય છીછરાં જળમાં,
ત્યારે હૃદય સાગર તણું તોફાન રાખજે.
"સર્જન"ની ક્ષણે સર્વને વિસરી ગયો છે તું,
પણ વીતતા સમયનું જરા ભાન રાખજે!
દુ:ખ નો સમય ક્યારેય ના આવે, ખુદા કરે,
પણ આવે તો આ દોસ્ત ની પહેચાન રાખજે.
દુનિયા અજાણ સત્યથી કહેશે તને ઘણું,
પણ શબ્દની તલવાર ત્યારે મ્યાન રાખજે.
કહેતો નહીં કે લાખ વિજય બાદ તું હાર્યો,
મારા પ્રથમ વિજયની ત્યારે શાન રાખજે!
ના ખ્રિસ્ત, ના ખુદા, ના તો ભગવાન રાખજે,
"સર્જન" બસ એક દિલ મહી ઇન્સાન રાખજે.