એક્મેકને ક્યાં સુંધી તરસાવશું?
પ્રેમવર્ષા ક્યારથી વરસાવશું?
આવ થઈને શ્રાવણીને તું વરસ,
આકરી લાગે છે વૈશાખી તરસ.
તું બને જો વાદળી વરસ્યા કરે,
જિંદગીભર રણ બની તરસ્યા કરું.
દિલ અમારું હદ સુધી તરસી જશે,
એ પછી એ મન મૂકી વરસી જશે.
એટલું વરસે કે મન તરસે નહિં,
એ પછી છૉને કદી વરસે નહિં.
આ વરસ, તું સરસ, એવું વરસ,
કે મને ઓછી પડે મારી તરસ.
યાતના મારી સમજ તરસી તું જો,
એ ન ફાવે તો ઘડી વરસી તું જો.
પ્રેમ તારો એટલે વરસ્યો નથી,
હું કદાચિત્ એટલો તરસ્યો નથી.
કેટલું “સર્જન” તને તરસ્યો હશે
તે ગઝલ થઈ આટલું વરસ્યો હશે.