ખોટું કહે છે બધા -
કે પહેલો પતંગ ઉડાડી માણસે પોતાની ઉડવાની ઈચ્છા પૂરી કરી હતી.
એને પતંગ બનાવવાની પ્રેરણા ભગવાને એ માટે નહોતી આપી.
એ તો પંખીઓ ની લાંબી લાંબી ઉડાનો માં દેખાડી દીધું જ હોત.
વાદળા ને આભ સપાટી પર સરકતા બતાવી એ આનંદ આપ્યો હોત.
અરે ખર્યુ પાન જમીનદોસ્ત થતા પહેલા ક્ષણવાર પણ ઉડી લે છે એટલું પણ પુરતું હોત!
માણસ ના વિચાર તરંગો ઉડતા તો આ બધું જોઇને પણ શીખી શકત,
એને આવી નાજુક સ્થૂળતા બક્ષવાની જરૂર જ ક્યાં હતી?
એણે તો બસ માણસને એક રહસ્ય બતાવવું હતું, શીખવવું હતું -
લે ચાલ, એક કાગળ ને ઉડાડ, તારી મરજીથી
કમાન-કિન્ના ની તકલાદી તાકાત પર
એને ઝંઝાવાતી પવન સામે સ્થિર રાખ
અરે, એનેય નાના મોટા, સારા ખોટા જેવા ભેદ શીખવાડ
એને એના જેવા જ બીજા ફરફરિયાઓ સાથે લડાવ-ઝઘડાવ
એની દિશા-દશા નો નિર્ણય કર આમ-તેમ ફેરવ
મરજી પડે તેમ ઉપાડ અને મરજી પડે તેમ ગોથ ખવડાવ
જરૂર પડે તો નમો આપજે પણ ક્યાંક ફસાય કોક એન્ટેના માં કે ઝાડ પર
તો પરવા ના કરતો
બસ એને રઝળતો મૂકીને એક બીજો બનાવી ઊડાવજે
પણ હા, એને બાંધી રાખજે લાંબી દોરી થી
તારા કહ્યામાં રાખવા માટે
ભલે ઉડે ઉંચે ને ઉંચે, સાંજ ઢળે, તડકો નડે, કાગળ ની તબિયત બગડે કે અમસ્તું તને આળસ ચડે -
બસ દોરી ખેંચી લેજે, ફિરકીમાં વીંટી લેજે. ખેલ પૂરો.
મન થયું તો બીજા દિવસે એને ફરી મોકો આપજે ફરી ઉડવાનો, આભને અડવાનો.
એ જો કદી પડશે તો એ ગગનવિહારી ને ધરતી જોવી પડશે,
ફરી કોઈક ને રસ જાગશે, તો એનો પુનારોધ્ધાર કરી વાપરશે
નહીતર રખડતી ગાયોના ટંક ટાળવામાં ખપી જશે.
પપ્પા દોરી પકડે, મમ્મી પતંગ છોડાવે અને
એ જરાક સ્થિર થાય પછી
નાનકડા સોનુ ને થોડી વાર એ પકડવા આપે
એમાં અમસ્તું પોતે જે આનંદ મેળવે છે તેની અનુભૂતિ કરાવવા, બસ!
એણે માણસ ને એ ભેદ બતાવ્યો
અને એવી રીતે કે એ પતંગ ચડાવતો માણસ હમેશા એની તરફ ઉપર, આભ તરફ તાક્યા કરે
આ સામ્ય સમજવા મથે
એ સમયે માણસને મળતો આનંદ એ જુએ
અદ્દલ પપ્પા પતંગ અને પ્રસન્નમુખ સોનુને જોયા કરે તેમ!
પણ બેડ ટાઈમ સ્ટોરી અને “બોધ”કથા વચ્ચે અટવાયેલી વાર્તાની માફક
માણસે અહી પણ એમ જ કર્યું
મજા-મજા લીધી ને બોધ-બોધ જવા દીધો!
Tuesday 22-Dec-2009
સાક્ષર ઠક્કર ના blog પર mouse વિષે વાંચીને વર્ષો જૂના એક વિચારને કાવ્યાત્મક સ્વરૂપ આપવાની કરેલી મથામણ - comment થી કવિતા લગી!