હૃદયમાં તો આંસૂનો ઘૂઘવતો સાગર,
ખૂણા આંખના તૉય છોડ્યા છે કોરા
અધૂરી છે પૂરી કરી દે કહાણી,
જીવનગ્રંથના પાન છોડ્યા છે કોરા
તેં વ્હાલપની વર્ષાથી ભિંજવ્યા સહુને,
ને અમને દરેક વાર છોડ્યા છે કોરા
અભિનય છે એ તો નશો ક્યાં છે સહુને,
ઘણા હોઠ સાકીએ છોડ્યા છે કોરા
એ જ્યારેય વરસ્યો છે વરસ્યો ઘણુંએ,
પણ આંગણ અમારાં જ છોડ્યા છે કોરા
કહાની તો આખી રૂદનની હતી પણ,
ઘણા શબ્દ એમાંય છોડ્યા છે કોરા
જે પલળ્યા છે એ તો ડૂબ્યા છે જ અંતે,
બચ્યા એ જળે જેને છોડ્યા છે કોરા
એ છાંટી ગયો છે બે તેજાબી શબ્દો,
નથી એમ કે સાવ છોડ્યા છે કોરા
જમાનો પ્રણયમસ્ત પૂછે કે “’સર્જન’,
તમે રહી ગયાં છો કે છોડ્યા છે કોરા?”
~~~
આફતાબ હો કે માહતાબ!
વો જહાં સે ભી ગુઝરે
ચરાગ બૂઝા દીયે ગયે!