વાલ્મીકિના વાંકે

Home

વાલ્મિકી ઋષિની કરુણા એટલી તીવ્ર હતી કે ક્રૌંચ પક્ષી ને મારનાર શિકારીને તરત જ શાપ દઈ બેઠા. પાછળથી તે એવી બુઠ્ઠી થઇ ગઈ કે તેમના આશ્રમ પાસે ત્યજાયેલા સીતાજીને જોઈને પોતાની દિવ્યદૃષ્ટિથી જાણી તો લીધું કે તે પવિત્ર હતા છતાં કશું ના કર્યું. વાલ્મિકી ઋષિએ જાણી જોઈને વિલંબ કર્યો તેથી સીતાજીએ ત્યકતા કલંકિની તરીકે જીવન જીવવું પડ્યું. તેમના ગર્ભનો સીમંત વિધિ જે રામે કરવો જોઈતો હતો તે ના થયો. લવ કુશ ને પણ પિતાના પ્રેમથી વંચિત રહેવું પડ્યુ.

રામે જુઠ્ઠું કહીને લક્ષમણ સાથે સીતાજીને વાલ્મીકિના આશ્રમ પાસે મોકલી આપ્યા. ઋષિને બાળકોએ જાણ કરી. ઋષિએ પોતાની દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું કે સીતાજી શુદ્ધ હતા. દંભ ની પરાકાષ્ઠા તો જુઓ. તે ઋષિએ તે જ દિવસે સીતાજીને અયોધ્યા લઇ જવા જોઈતા હતા. ત્યાં રામ ને તેમ જ પ્રજા ને સમજાવીને તેમનો ત્યાગ રદ કરાવવો જોઈતો હતો. પરંતુ ત્વરિત પગલાં ના લીધાં. કારણ? પત્નીને અન્યાય કરીને ત્રાસ આપવાનો પતિનો અબાધિત અધિકાર તેમને સ્વીકાર્ય હતો? તેમના પુસ્તકમાં તો કશો ખુલાસો નથી.

બાર વરસ પછી અશ્વમેધ યજ્ઞ પ્રસંગે વાલ્મીકિ સાથે સીતાજી અયોધ્યા ગયા હતા. ત્યારે વાલ્મીકિએ બધાના દેખતા કહ્યું કે તેમણે તેમની દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું હતું કે સીતાજી શુદ્ધ હતા. (વા.રા., ઉત્તર કાંડ, સર્ગ ૯૬ શ્લોક ૨૩). તો પણ રામે માંગણી કરી કે સીતાજીએ પોતાની "શુદ્ધિ" નું પ્રમાણ બધાના દેખતાં આપવું. ઋષિએ સીતાજીને પૂછ્યા વિના તે સ્વીકારી હતી.

અયોધ્યાની શંકાશીલ પ્રજા અને તેના કાચા કાનના અને નબળા મનના (અગ્નિદેવ તેમ જ વાલ્મીકિના પ્રમાણને અવગણીને ત્રીજું પ્રમાણ માંગતા) રાજા સ્વમાની સીતા માટે સાવ જ અપાત્ર હતા. તેથી સીતાજી ભૂગર્ભમાં જતા રહ્યા. રામ સાથે રાજ્યાસન પર ના બેઠા. આમ કરીને સીતાજીએ રાજા અને પ્રજા બંનેનો ત્યાગ કર્યો. રામ તો સીતાજીને સ્પર્શ પણ ના કરી શક્યા. બિચારા લવકુશને પિતા મળ્યા તો પિતાની રાજહઠને લીધે માતા ગુમાવવી પડી.

રામે તો ભૂલ કરી, પણ તે સુધારવાની જવાબદારી વસિષ્ઠ, વાલ્મિકી અને જનકરાજાની હતી. કોઈએ નાનો સરખો પ્રયાસ પણ નહોતો કર્યો. અગ્નિદેવનું અપમાન થયું હોવા છતાં દેવોએ પણ કશું જ ના કર્યું. કારણ? તે સમયના આપણા પૂર્વજોના મૂલ્યો એટલા અધૂરા હતા કે સત્યનું સમર્થન કરવા કોઈની ઈચ્છા જ નહોતી. સ્ત્રીઓ અને શુદ્રોને અન્યાય થાય તો તે અજુગતું નહોતું ગણાતું.


Home