ઋષિ મુનિઓની મહાનતા?

Home
ઋષિ મુનિઓની મહાનતા?

     કોઈ પણ વ્યક્તિ વિષે  સારો કે ખરાબ અભિપ્રાય લોકોમાં પ્રચલિત કરી દેવો હોય તો એક બહુ સરળ અને અસરકારક માર્ગ છે.  ફલાણી બેન બહુ સારી છે એમ ફેલાવવું હોય તો તેમના વખાણ થાય તેવા સારા સારા વિશેષણો તેમને માટે વાપરવા.  તેમાંથી એક પણ વિશેષણ સાચું છે તેવું પ્રમાણ આપવાની જરૂર નથી.  ઢીંકણા ભાઈ ખૂબ જ ખરાબ છે એવો પ્રચાર કરવો હોય તો તેમને માટે ખરાબ વિશેષણો વારંવાર વાપરતા રહેવું.  કોઈ પણ વિશેષણ અંગે કોઈ જ સાબિતી આવશ્યક નથી.  તેમના કોઈ જ ખરાબ કૃત્યો વિષે કશો જ ઉલ્લેખ ન કરવો.  કેમ કે કદાચ તેની સાબિતી આપવી પણ પડે.  જો કોઈ વ્યક્તિ કે સમૂહ વિષે વપરાયેલા વિશેષણોની યથાર્થતા ચકાસવી હોય તો તેમણે કરેલા કર્મો જોવા જોઈએ.  તેમ કરવાનો આ પ્રયાસ છે.
     આ વાત આપણા ઋષિઓ અંગે પણ લાગુ પડે છે.  તેઓની મહાનતાને ઉલ્લેખ જયારે હોય ત્યારે કરવામાં આવે છે તેથી આપણે માની લઈએ છીએ કે તેઓ બધા અત્યંત મહાન હતા.  બધા ઋષીઓ મહાન ન્હોતા.  કેટલાક હતા.  તેમણે આપણને ઉત્કૃષ્ટ તત્વજ્ઞાન આપ્યું.  તેના જેવું જ્ઞાન બહુ ઓછા  ધર્મોમાં છે.  દાખલા તરીકે ઇશાવાસ્ય ઉપનિષદ હિંદુ ધર્મના પાયા રૂપ છે.  તેના કર્તા ઋષિ એટલા નિરહંકારી અને નિસ્પૃહ હતા કે પોતાનું નામ પણ જાહેર નહોતું કર્યું.  બીજી બાજુ કીર્તીભુખ્યા ઋષીઓ પણ હતા જેમણે ઉપરોક્ત યુક્તિનો ઉપયોગ પોતાની મહાનતાનો પ્રચાર કરવા માટે કર્યો હતો.  अहो रूपं अहो ध्वनि: અનુસાર એક બીજાના વખાણ કરી કરીને પ્રજાને ભરમાવી કે તેઓ બધા મહાન હતા.  પરંતુ આપણી આંખો પરથી અહોભાવના ચશ્મા ઉતારીને જોઈએ કે તેઓ ખરેખર મહાન હતા કે નહીં.
    
આ બધા ઋષીઓ મહાન થયા કેવી રીતે?  ઘણા તો સાવ હાસ્યાસ્પદ સાધના કરીને.  એક અત્યંત મહાન ઋષિ તો વર્ષો સુધી ઉંધે માથે ઝાડની ડાળી પરથી લટક્યા.  તેથી શિવજી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું.  શિવજીએ એમ ના પૂછ્યું કે " હે ભલા મુની,  બ્રહ્માજીએ તમને આવી રીતે લટકાવવા જ હોત તો ચામાચીડિયા ના બનાવ્યા હોત?  આમ લટકીને તમે કોનું ભલું કરો છો તે હું તમને કશું વરદાન આપું?"  પરંતુ પ્રજા તરીકે આપણે એટલા બધા નાદાન અને બાલીશ છીએ કે આવી વાર્તાઓને સાચી માની લઈને આવા નવરા અને મુર્ખ ઋષિમુનીઓની મહાનતાના ગુણગાન ગાતા રહીએ છીએ.
 
     સમગ્ર ઋષિ સમુદાયે હિંદુ પ્રજાનું સૌથી મોટું અહિત જ્યોતિષ વડે કર્યું છે.  નિર્જીવ ગ્રહો સજીવ માનવોનું ભવિષ્ય નક્કી કરે તે વિચાર જ વાહિયાત છે.  પણ  આપણા મહાન કહેવાતા ઋષિઓએ સૌને જ્યોતિષીઓના ગુલામ બનાવી દીધા.  કોઈ પણ કામ કરતા પહેલા મુહૂર્ત જોવડાવવાની ટેવ પાડી દીધી, જોશીઓને આવકનું સાધન કરી આપ્યું.  તેમના નવ ગ્રહોમાંથી બે, રાહુ-કેતુ, તો છે જ નહિ, કેવળ કાલ્પનિક ગ્રહો છે.  તે વળી આપણું શું બગાડી  શકવાના?  પણ તેમનો ભય ઉભો કરી પૂજા કરાવવી જ પડે તેવી અસહાયતા પેદા કરી. 
જે બીજા સાચા ત્રણ ગ્રહો છે, યુરેનસ, નેપ્ચુન અને પ્લુટો, તેમનો તો ભારતીય જ્યોતિષમાં કશો ઉલ્લેખ જ નથી કરવામાં આવતો.
     એક બીજું તુત આ લોકોએ ચાલુ કરેલું તે છે વર કન્યાની કુંડળીઓ મેળવાનું.  સાવ અજાણ્યા બે જણાની કુંડળીઓનો મેળ ખાતો હોય તો તે બે નરનારી સુખી થાય પણ વર્ષોથી એકબીજાને જાણતા યુવકયુવતીની કુંડળીઓ ના મળે તો તે દુખી થાય તે વાત કેવી રીતે માની શકાય?  તેમાં પણ કોઈની કુંડળીમાં 'મંગળ' હોય તો તેને માટે ' મંગળ'વાળું જ પાત્ર જોઈએ તેવી માન્યતાને લીધે કેટકેટલાના જીવન આ જોશીઓએ બરબાદ કરી નાખ્યા છે તેનો કોઈ હિસાબ છે?
     સૌથી વધુ હાસ્યાસ્પદ પૂજા છે ગ્રહશાંતિ.  દક્ષિણાભિલાષી ગોર મહારાજ અગડંબગડમ શ્લોકો બોલે તેનાથી યજમાનને નડતા ગ્રહો નડવાનું બંધ કરી દે તે મનાય જ કેમ કરીને?  છતાં બધા જ પ્રસંગોએ ગ્રહશાંતિ તો કરાવવી જ પડે અને ગોરોના તરભાણા ભર્યા જ કરવાના.  અને જો ગ્રહોની શાંતિ થઇ શકતી હોય તો 'મંગળ'ની કેમ નહિ?  ફલજ્યોતિષ કદાચ સાચું પડતું હોય તો પણ નડતા ગ્રહોને શાંત કરવાના ઉપાયો તો નિરર્થક અને છેતરપીંડી જ ગણી શકાય.
    ઋષિમુનિઓએ ચાલુ કરાવેલી બીજી પણ ઘણી ખરાબ પૂજાઓ છે.  સત્યનારાયણ પૂજા તો નરી સોદાબાજી જ છે.  ઈશ્વરને કહેવાનું કે અમુક ફળ આપશો તો અને તો જ તે પૂજા કરીશ. અને ઈશ્વર પણ કેવો કે ફળ આપે તો ખરો પણ પૂજા ના કરાવીએ તો આપણને દંડ આપે જેમ કે જેલમાં નખાવે, પતિને અદૃશ્ય કરી નાખે વગેરે વગેરે.    
     કહ્યું છે કે जन्मना जायते शूद्र: संस्कारात् द्विज उच्यते અર્થાત માણસ જન્મે ત્યારે શુદ્ર હોય છે પણ સંસ્કાર વડે બ્રાહ્મણ થાય છે.  આપણને થાય કે અહીં ચારિત્ર્યને મહત્વ આપવામાં આવ્યું છે.  પણ ના, ઋષિઓએ તો સંસ્કાર શબ્દનો અર્થ જ બદલી નાંખ્યો.  સોળ સંસ્કારો એટલે કે વિધિઓ નક્કી કરી.  તેમાં અમુક તો ક્ષુદ્ર પ્રસંગે.  બાળકને પહેલી વાર અન્ન ખવડાવીએ તેની પણ વિધિ અને તે પણ સંસ્કાર!  પુત્રના વાળ પહેલીવાર કાપવાની પણ વિધિ?  અને જનોઈ પહેરાવવાનો વિધિ કરવા માત્રથી તે કિશોર બ્રાહ્મણ બની ગયેલો ગણાય પછી ભલે મોટો થઈને તે દુશ્ચરીત બને.
     અનેક 'સંસ્કારો' તો ખરા, પણ બધા પૂજા વિધિ લાંબા લાંબા.  લગ્નના વિધિના તો એટલા બધા સોપાન બનાવ્યા છે કે માણસ કંટાળી જાય.  માંડવા મુહૂર્તથી માંડીને માંડવાનું ઉત્થાપન કરવા સુધીમાં યજમાન ખરચના ખાડામાં પડી જાય.  આપણે ત્યાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું હોવાનું એક કારણ એવું પણ હોઈ શકે કે 'જવા દો ને, ફરી પાછા એ બધી ઉઠવેઠમાં ક્યાં પડવું?' એવા વિચારથી લોકો પડ્યું પાનું નિભાવ્યે રાખતા હશે.
     ઋષિમુનિઓએ એક બીજું અહિત પણ કર્યું છે.  એટલા બધા ઉત્સવો શરુ કરાવ્યા કે અઠવાડિયામાં બે-ત્રણ નહીં તો એકાદ તહેવાર તો આવે જ.  દરેકની જુદી જુદી પૂજા. તેથી ગોર મહારાજોને લીલા લહેર, પ્રજાનું જે થવાનું હોય તે ભલે થતું.  વળી રજાઓ પણ ઘણી બધી પાળવાની.  જનતાનું આળસ વધારતા જ જવાનું?  વિષ્ણુના જ અવતારો હોવા છતાં રામ, કૃષ્ણ, પરશુરામ, બુદ્ધ બધાની રજાઓ નોખી નોખી, એક 'સર્વાવતાર' જયંતી ના ચાલે?
     ત્રીજું અહિત ચમત્કારપ્રિયતા દૃઢ કરી.  સામાન્ય માનવો ચમત્કારથી અંજાઈ જાય તે સ્વાભાવિક છે.  પરંતુ લોકહિત ઈચ્છતા હોય તે નાયકોએ તો તેનાથી દૂર રહેવું જોઈએ બલકે અનુયાયીઓને પણ ચમત્કારીઓથી બચાવવા જોઈએ તેને બદલે આ 'મહાન' ઋષિઓએ તો ચમત્કાર કરનારાઓની પ્રસંશા કરીને તેમનો જયજયકાર બોલાવ્યો.  બીજા ધર્મોમાં પણ ચમત્કારને મહત્વ આપવામાં આવે છે તે ખરું પણ આપણે પણ બીજાઓ જેવા અણસમજુ થવું જોઈએ?
    
એક બીજો મહાભ્રમ આપણા લોકોમાં ખુબ ફેલાયેલો છે.  તે એ કે અત્યારના 'કલિયુગ'માં જે શક્ય નથી તેવા ચમત્કારો અગાઉના યુગોમાં શક્ય હતા, ખાસ કરીને 'સત્યુગ'માં.  વિજ્ઞાનના નિયમો તો ઠીક, સામાન્ય માણસાઈના નિયમો પણ યુગેયુગે બદલાય તે માની શકાય?  જેમ કે ગુલામી હવે તો નાબુદ થઇ, આપણા પ્રાચીન પૂર્વજો દાસ અને દાસી રાખતા એટલું જ નહીં પણ તેમની સાથે અત્યંત ખરાબ વ્યવહાર કરતા અને તે પણ ધર્મના નામે.  દાખલા તરીકે, સત્યવાદી ગણાતા રાજા હરીશ્ચંદ્રે પત્નીને ગુલામ તરીકે વેચી તે દુષ્કૃત્યના વખાણ કરતા આપણા કથાકારો થાકતા નથી.  દ્રૌપદી સામ્રાજ્ઞી હતી ત્યાં સુધી તે સલામત હતી; તેનું વસ્ત્રાહરણ કરવાનો પ્રયત્ન કરતા પહેલા તેને દાસી બનાવવામાં આવી હતી.  દાસ-દાસીઓ સાથેના અમાનુષી વર્તાવના તો ઘણા બનાવો આપણા પુરાણોમાં છે.  પ્રજા તરીકે આપણે ઘણા સુધરી ગયા છીએ ને?
     અગસ્ત્ય સંહિતાના શિલ્પસૂત્રમાં કેટલાક શ્લોકમાં વીજકોષ બનાવી તેની વીજળી વડે પાણીમાંથી હાયડ્રોજન (ઉડાણવાયુ) અને ઓક્સીજન (જ્વલનશીલ વાયુ) છુટા પાડ્યા હોવાનું વર્ણન આવે છે.  તે સમયે કોઈએ વિદ્યુતપ્રવાહ પેદા કર્યો હતો.  આ શોધ ત્યાં જ અટકી ગઈ કારણ કે આપણા મોક્ષઘેલા પૂર્વજોને આવી કશી સિદ્ધિમાં રસ હતો જ નહિ.  આ પ્રયોગ કરનારને પ્રોત્સાહન આપીને આ જ્ઞાનને આગળ વધાર્યું હોત તો પ્રજાનું કેટલું હિત કરી શકાયું હોત!  પણ કલ્પનાના ઘોડા દોડાવ્યા કર્યા.  સાયકલ બનાવતા નહોતી આવડતી તેમણે વિમાન બનાવ્યું હોવાના ગપગોળા ફેલાવ્યા, ચશ્માં નહોતા બનાવતા તેઓએ સુક્ષ્મ વાઢકાપ (સર્જરી) કરી હોવાના દાવા કર્યે રાખ્યા.
     ઋષિમુનીઓએ મહાકાવ્યો અને પુરાણો રચ્યા.  કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી, નિરૂપયોગી અને અશક્ય ચમત્કારો તેમ જ આંતરિક વિસંગતતાઓથી ભરપૂર કથાઓને ધર્મના નામે ચલાવી.  તેમાંના પાત્રો ખરેખર થયા હતા કે કાલ્પનિક હતા તે વિવાદનો વિષય છે.  પરંતુ તે નિર્ણય કરવાનું જરૂરી નથી.  પ્રશ્ન એ છે કે આ બધા રામ, કૃષ્ણ જેવા મહાનાયકો અને ભીષ્મ, યુધિષ્ઠિર જેવા લઘુનાયકોના કૃત્યો અનુકરણ કે વખાણ કરવા જેવા હતા ખરા?  નહીં જ.  ધારો કે તે બધા ખરેખર જીવતી જાગતી વ્યક્તિઓ હતી તો પણ તેમના ગુરૂઓ અને માર્ગદર્શકો તો ઋષીઓ જ હતા ને?  તો તેમણે યોગ્ય સલાહ કેમ ના આપી?  અને ધારો કે આ બધા ગ્રંથો કાલ્પનિક છે તો વાર્તા તો સારી લખવી હતી?  તે પણ ના કરી શક્યા તેનું કારણ તેમની મનોવૃત્તિ જ એવી હતી કે શૂદ્રો અને સ્ત્રીઓ તો અપમાન, તિરસ્કાર અને અન્યાયને પાત્ર જ હતા.  સ્ત્રીઓ તો વસ્તુ જ ગણાતી.  વાર્તા તો ઠીક, મનુસ્મૃતિ જેવા પુસ્તકમાં પણ ઋષિઓની આવી અધમ માનસિકતા સ્પષ્ટ દેખાય છે.  દા. ત. એક પ્રશ્ન એવો ઉઠ્યો કે કોઈ પરિણીત સ્ત્રી તેના પતિ સિવાય બીજા કોઈ પુરુષથી ગર્ભવતી થાય તો તે બાળકનો પિતા કોણ?  મનુસ્મૃતિ તેના ઉત્તરમાં ઉદાહરણ આપે છે જમીનનું.  કે જેવી રીતે કોઈ ખેતરમાં થયેલો પાક બિયારણ નાખી જનાર વ્યક્તિનો નહિ પણ ખેતરના માલિકનો ગણાય તેવી રીતે સ્ત્રીના બાળકનો પિતા તેનો પતિ જ ગણાય.  એટલે કે બાળકની માતા તો ખેતર જેવી  નિર્જીવ વસ્તુ જ ગણાય.  તેથી તો શાન્તનુના પુત્રો નિ:સંતાન ગુજરી ગયા તો નિયોગ દ્વારા ધૃતરાષ્ટ્ર અને પાંડુ જન્માવ્યા.  મનુસ્મૃતિ અનુસાર જો કોઈ બ્રાહ્મણ કોઈ શૂદ્ર સ્ત્રી પર બળાત્કાર કરે તો તેને હળવી સજા થાય પણ જો કોઈ શૂદ્ર કોઈ બ્રાહ્મણ સ્ત્રી પર બળાત્કાર કરે તો તેને મૃત્યુદંડ મળે. 
     હવે વ્યક્તિગત ઋષિઓના કર્મો ચકાસીએ.
     વસિષ્ઠ મુનિના જન્મની વાત કૈંક આવી છે.  સૂર્યને ત્યાં યજ્ઞ હતો.  જે પોતે જ બળતો હોય  તેણે યજ્ઞ શીદ કરવો પડે?  અને ત્યાં ગયા કોણ?  અગ્નિ અને વરુણ, એક બાળે, બીજો ઓલવે.  ત્યાં ભુવનમોહિની રંભાને જોઇને પેલા બે ભાન ભૂલી ગયા અને તેમનું વીર્યસ્ખલન થઇ ગયું.  તે પડ્યું પૃથ્વી પર એક ઘડામાં, કોઈ સ્ત્રીની યોનિમાં નહીં.  તેમાં જે બાળક જન્મ્યું તે વસિષ્ઠ.   તે બે દેવોએ કપડા ન્હોતા પહેર્યા?  ના, તો શા માટે નહિ; હા તો વીર્ય પડે કેમ કરીને?  આવી સાવ ઢંગઢડા વિનાની વાત વેદમાં આવે છે.  વેદોને ઈશ્વરવચન કહેવામાં આવે છે તે આ માટે?
     આ વસિષ્ઠ ઋષિ એવા 'મહાન' હતા કે બીજા ઋષિ વિશ્વામિત્ર પોતાને 'બ્રહ્મર્ષિ' કહેવડાવવા માટે તેમનું પ્રમાણ ઈચ્છતા હતા જે તે કહેતા નહોતા.  તેથી અકળાયેલા વિશ્વામિત્રએ, વસિષ્ઠના સો પુત્રો (કે શિષ્યો) ને મારી નાખ્યા અને છળકપટ કરીને વસિષ્ઠને નદીમાં ડુબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો.  છતાં વસિષ્ઠએ તેમને માફ કર્યા. 
એક ચાંદની રાતે ખડગ લઈને વસિષ્ઠને મારવા નીકળ્યા.  વસિષ્ઠ જોઈ ગયા. ચતુરાઈ વાપરી.  વિશ્વામિત્ર સાંભળે તેમ પત્ની અરુંધતીને કહ્યું કે ચાંદની તો વિશ્વામિત્રના બ્રહ્મતેજને કારણે હતી.  વિશ્વામિત્ર વસિષ્ઠના પગે પડ્યા. વસિષ્ઠ પાસે કામધેનુ ગાય હતી.  વિશ્વામિત્રને તે જોઈતી હતી.  તે પામવા માટે 'બ્રહ્મર્ષિ' બનવું પડે તેમ હતું.  તેથી વારંવાર તપ કર્યા.  વસિષ્ઠ જો વિશ્વામિત્રને 'બ્રહ્મર્ષિ' કહે તો ગાય તેમને આપી દેવી પડે તેથી કહેતા નહોતા.  જીવ ગુમાવવાની પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે જ 'બ્રહ્મર્ષિ' કહ્યા.  જીવ આપવા કરતાં ગાય આપી દેવી સારી!  આવી સ્પષ્ટ વાત વિસારીને બીજી ભ્રામક વાતો ઉપજાવી કાઢી.  ભયના માર્યા વસિષ્ઠએ વિશ્વામિત્રને 'બ્રહ્મર્ષિ' કહ્યા.  ડરાવીને કે ખુશામત કરીને કોઈ પાસે પોતાને 'બ્રહ્મર્ષિ' કહેવડાવવાથી બ્રહ્મર્ષિ થોડા થઇ જવાય?  વિશ્વામિત્રએ ક્યારે ય એવું કશું જ નહોતું કર્યું કે જેથી તેમને 'બ્રહ્મર્ષિ' કહી શકાય સિવાય કે વસિષ્ઠનો અહંકાર સંતોષ્યો હતો.  બધાને અહંકાર છોડવાનો ઉપદેશ પનારનો પોતાનો અહંકાર કેટલો જોરદાર હતો!  
     
કહેવાય છે કે વિશ્વઅમિત્ર ગાયત્રી મંત્રના ઉદ્ગાતા હતા તે વાતની ખબર વસિષ્ઠને નહોતી તેથી તેમને 'બ્રહ્મર્ષિ' કહેતા નહોતા.  વિચારવા જેવી વાત એ છે કે ગાયત્રી મંત્રનો કોઈ પણ ઉપાસક વિશ્વઅમિત્રએ કરેલા તેવા દુષ્કર્મો કરે ખરો?
      આ એ જ વિશ્વામિત્ર હતા કે જે એટલા બધા નિષ્ઠુર અને બિનજવાબદાર હતા કે નવજાત બાળકી ( જે પાછળથી શકુંતલા કહેવાઈ) ને વનમાં રઝળતી મુકીને જતા રહ્યા હતા.  તેમણે હરિશ્ચંદ્રને પારાવાર ત્રાસ આપ્યો હતો.  ત્રિશંકુને સ્વર્ગમાં મોકલવાની ધ્રુષ્ટતા તો કરી પણ નિષ્ફળ ગયા તો તેને બિચારાને અધવચ લટકતો રાખી દીધો.  ત્રણ આંખવાળા માનવીઓ બનાવવા ગયા પણ નારિયેળ બનાવી અટકવું પડ્યું. 
બધા પ્રયાસોમાં નિષ્ફળ ગયા.
 
     ગૌતમ ઋષિએ ઇન્દ્રના વાંકે અહલ્યાને સજા કરી, નબળો ધણી બૈરી પર શૂરો!  દુર્વાસા તો બધાને શાપ આપતા જ ફરતા હતા. 
     આવા તો ઘણા દાખલાઓ છે પણ
અહીં બધા ઋષિઓના ખરાબ કામોની યાદી બનાવવાનો ઉદ્દેશ નથી.  એટલું પુરતું છે કે એકેએક ઋષિ પૂજનીય હતા એમ ના માની શકાય.  અને તેમણે ચાલુ કરેલી બધી જ પરંપરાઓ આપણા સમાજ માટે હિતાવહ છે એમ માનવાનું બંધ કરવું જોઈએ.


Home


Comments