liesandinjustices(guj)

અસત્યો અને અન્યાયો

A Sample of the Lies and Injustices Perpetuated by Religious Propaganda

Home

અસત્યો અને અન્યાયો

આ લખનારનો ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિને ઉતારી પાડવાનો નથી જ નથી. તેને આપણી સંસ્કૃતિનું ગૌરવ છે પણ મિથ્યાભિમાન નથી. તેના સારા અંશોની પ્રસંશા અને પ્રચાર કરવાવાળા તો ઘણા છે, આપણી પોતાની ભૂલો જોઈ શકવાવાળા ખૂબ ઓછા છે. કોઈકે તો તે ધૃષ્ટતા કહો કે નૈતિક હિંમત, જે કહો તે, બતાવવાની જરૂર છે. તે પૂરી કરવાનો આ પ્રયાસ છે.

આપણે ત્યાં ઉત્તમ કક્ષાનું તત્વજ્ઞાન હતું અને છે. પણ કોઇ વ્યક્તિ એકાદ વીંટીના વખાણ કર્યા કરે પણ તેમાં જડેલા હીરા પ્રત્યે દુર્લક્ષ કરે તેવી રીતે આપણે ધાર્મિક વાર્તાઓમાં જ એવા અટવાઈ ગયા છીએ કે તત્વજ્ઞાન જાણતા હોવા છતાં તેનો અમલ કરતા નથી. એક વખત આપણને એમ થઈ જાય કે આપણે સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ છીએ પછી આપણી સાવધાનતા શૂન્યવત્ થઈ જાય, આપણે આપણા દોષો પર પુરતું ધ્યાન ન આપીએ, અને જતે દિવસે આપણી પડતી થયા વગર ન રહે. તેથી આપણે ગાફેલ (કોંપ્લેસંટ Complacent) ન થઈએ તે અગત્યનું છે.

એક બીજા લખાણમાં (સત્ય, શ્રધ્ધા અને તર્ક) આ લખનારે લખ્યું છે કે 'શ્રધ્ધા અને ભક્તિભાવના રૂપાળા અંચળા હેઠળ આપણે ઘણા અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે.' આ લખાણ તે વક્તવ્યને સમજાવવાનો પ્રયત્ન છે. જુદા જુદા પ્રસંગો ખાસ કશી તરાહ (પૅટર્ન) વિના જ રજુ કર્યા છે.

આ લખનારે પ્રચલિત વાર્તાઓમાં કશો જ ફેરફાર નથી કર્યો. કેવળ તેમના અર્થઘટન, કોઈ પણ વ્યક્તિ પોતાની સામાન્ય બુધ્ધિ વાપરીને કરી શકે તેવી, જુદી રીતે કરી બતાવ્યા છે. વાર્તાઓના શબ્દાર્થ ઉપરાંત ભાવાર્થો, ગૂઢાર્થો અને સૂચિતાર્થો સમજવાના પ્રયત્નો કર્યા છે.

સત્ય અને ન્યાય પરસ્પર આધાર રાખે છે. ન્યાય વિનાનું સત્ય નકામું છે, સત્ય વિના ન્યાય અશક્ય છે. એટલે જો કોઈ વાત બેમાંથી એક્નું સમર્થન કરતી ન હોય તો તે સમાજને માટે નિરૂપયોગી તો ખરી જ પણ હાનિકારક પણ હોઈ શકે છે. તેથી જે અસત્યોઅને અન્યાયોને આપણે અત્યાર સુધી સ્વીકારી અને ચલાવી લીધા છે તેમને ઉઘાડા પાડવા જોઈએ કે જેથી તેમણે કરેલા નુકશાનને અટકાવી અને સુધારી શકાય.

અન્યાયની સામે અવાજ ઉઠાવે તે યુવાન, અન્યાયનું સમર્થન કરે તે વૃધ્ધ. તમે યુવાન છો કે વૃધ્ધ?

એકલવ્ય :-

એકલવ્યના ડાબા હાથનો અંગૂઠો માંગી લેવાના દ્રોણના અપકૃત્યના બચાવમાં કેટલાક ધર્મગુરૂઓ કહે છે કે તે શસ્ત્રવિદ્યાનો દુરૂપયોગ ન કરે તે માટે આ જરૂરી હતું. આ તો મહાસત્તાઓએ ઊભી કરેલી ન્યુક્લીઅર નોનપ્રોલિફરેશન ટ્રીટી જેવી વાત થઈ. 'અમે ભલે શસ્ત્રો રાખીએ, તમારે નહીં રાખવાના'. અને બ્રાહ્મણો વિદ્યાનો દુરૂપયોગ ન જ કરે એ વાત ક્યાં સાચી છે? દ્રોણના જ પુત્ર અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર છોડીને બ્રહ્માસ્ત્રનો દુરૂપયોગ ક્યાં નહોતો કર્યો?

કર્ણ :-

કર્ણની કથની તો ખૂબ જ જાણીતી છે. પરંતુ તેમાંથી ઉદ્ભવતા પ્રશ્નો પૂછવાનો કશો જ પ્રયાસ થયો જણાતો નથી.

કુતુહલવશ કુંતીએ તો પોતાને મળેલો મંત્ર જપીને સૂર્યનારાયણને બોલાવ્યા અને પુત્રપ્રાપ્તિની વિનંતિ કરી. તે સમયે કુંતી તો નાદાન હતી પણ શું સૂર્યદેવનું એ કર્તવ્ય નહોતું કે તેઓ કુંતીની વિનંતિ નકારે અને સમજાવે કે અપરિણીત કન્યા માટે પુત્રપ્રાપ્તિઅનુચિત હતી? કુંવારી કન્યાને ગર્ભવતી બનાવવાનો દોષ સૂર્યદેવ કરી જ કેમ શક્યા?

નવજાત શિશુનો કુંતીએ તો ત્યાગ કર્યો. પણ પિતા તરીકે શું સૂર્યનું એ કર્તવ્ય નહોતું કે પોતાના પુત્રના યોગક્ષેમનું રક્ષણ કરે? સીધી અથવા આડકતરી રીતે લોકોને કેમ જણાવ્યું નહીં કે કર્ણ સારથિપુત્ર નહીં પણ સૂર્યપુત્ર હતો? માતાનું નામ જણાવ્યા વિનાપણ પિતાનું નામ જણાવી શક્યા હોત. શું દેવતાઓને કશું જ ઉત્તરદાયિત્ત્વ નહોતું? તો એવા ચરિત્રહીન દેવ આપણી પૂજાને પાત્ર કેવી રીતે ગણી શકાય?

પરશુરામ અને 'પૂર્ણપુરૂષોત્તમ' શ્રીકૃષ્ણ તો ભગવાન શ્રી વિષ્ણુના અવતાર હતા અને તેથી સર્વજ્ઞ હોવા જોઈતા હતા. તેઓ બંને પણ કર્ણના સાચા પિતાને જાણવામાં કેમ નિષ્ફળ ગયા? કે પછી જાણીબૂઝીને અજાણ બનતા હતા? શા માટે તેમણે બંનેએ કર્ણનેઅપમાન અને અન્યાય કર્યા? જો તેને તેની યોગ્યતા અનુસાર સ્થાન મળ્યું હોત તો તે કૌરવોને પક્ષે ગયો હોત?

ગુણ તથા કર્મ અનુસાર ચાતુર્વર્ણ્યની વ્યવસ્થાના સર્જક શ્રીકૃષ્ણએ, કર્ણના ગુણ તેમજ કર્મ બંને ક્ષત્રિયને અનુરૂપ હોવા છતાં, તેને ક્ષત્રિય કેમ ન ગણ્યો? પોતે પણ મહાભારતના યુધ્ધ સમયે સારથિપણું કરવાના તો હતા જ તો પછી એક સારથિનાપાલિતપુત્રને આટલો ઘોર અન્યાય કરવાથી તત્કાલીન સમાજનું કે સનાતન ધર્મનું શું કલ્યાણ કરવા ધાર્યું હતું? કે પછી આ બે 'અવતારો'ના પરમેશ્વરપણાના દાવા સાવ પોકળ તો નહોતા? પરમેશ્વર કદી આટલી અમાનુષી, નિષ્ઠુર અને અન્યાયી જ્ઞાતિપ્રથાસર્જી શકે ખરા?

એટલું તો કહી શકાય ને કે અપરિણીત માતાના પુત્રને તો ઈશ્વર પણ અવહેલના, અપમાન, અન્યાય અને ત્રાસ જ આપે છે?

આપણે હિંદુઓને બ્રહ્મચર્યનું એવું ઘેલું લાગ્યું છે કે બ્રહ્મચર્યનો દાવો કરનાર દરેક પુરૂષને માનાર્હ અને પૂજનીય ગણીએ છીએ પછી ભલે તેણે 'અશક્તિમાન્ ભવેત્સાધુઃ' ન્યાયે પોતાની એબ છુપાવવા જ બ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય. આનો સૌથી ખરાબ દાખલો હોય તો તે ભીષ્મ છે. શાંતનુપુત્ર દેવવ્રત એટલો ચતુર નીકળ્યો કે તેણે પિતાની પરિસ્થિતિનો લાભ લઈ જીવનભર બ્રહ્મચર્યની જાહેરાત કરી દીધી કે જેથી પોતાની નપુંસકતા છુપાવી શકાય. ઘેલા લોકોએ તેને 'ભીષ્મ'નું બિરૂદ આપી દીધું. આ લખનાર તો તેને ગાંગેય જ કહેશે. ગાંગેય જો નપુંસક ન હોત તો તેણે મત્સ્યગંધાની આજ્ઞા ઉવેખીને અંબાલિકા સાથે પરણવાની તેમજ અંબા અને અંબિકા સાથે નિયોગ કરવાની ના પાડી જ ન હોત. પણ તે જાણતો હતો કે પોતે ધારે તો પણ અપરમાની આજ્ઞાઓનું પાલન કરવાની તેનામાં શક્તિ જ નહોતી. શિખંડી પર વાર ન કરવાની તેની વૃત્તિ પણ તેની નપુંસકતાની સાક્ષી પૂરે છે. દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે તેની ચૂપકીદી તેના માનસિક રીતે પણ નપુંસક હોવાનો પૂરાવો હતો. કહે છે કે તે 'ઈચ્છામૃત્યુ' હતો. જેનું આખેઆખું જીવન બીજાઓની ઈચ્છા પ્રમાણે જ વીત્યું હોય તે વળી 'ઈચ્છામૃત્યુ' હોય તો પણ શું અને ન હોય તો પણ શું? અને મૃત્યુને શા માટે વિલંબમાં નાંખ્યું તો કે સ્વર્ગમાં જવા માટે. સ્વર્ગમાં જઈને કરશે શું? જેની અર્જુન ના પાડી આવ્યો હતો અને જે પોતે મૃત્યુલોકમાં તો કરી શકે તેમ નહોતો તે? શરશય્યાની વાત પણ બરાબર નથી. બાણ છોડીને અર્જુને તેને માટે ઓશીકું બનાવી આપ્યું તે બતાવે છે કે તે ચત્તોપાટ સૂતો હતો. તીર બધા પીઠમાં વાગેલા હતા? તો તે તીર કોના હતા? શું કૌરવોએ પોતાના સેનાપતિને ઘાયલ કર્યા હતા? જો પાંડવોના તીર હોય તો છાતી ને બદલે પીઠમાં કેવી રીતે વાગ્યા? આમ ગાંગેયનું આખું જીવન અસત્યોની પરંપરા જ હતું જેને આપણે 'શ્રધ્ધા' ના રૂપાળા અંચળા હેઠળ દબાવી દીધા છે.

વિષ્ણુના બીજા બધા અવતારો નિશ્ચિત્ત ઉદ્દેશ્ય માટે થયા હતા. પરશુરામ અવતાર કયા વિશેષ લક્ષ્ય માટે થયો હતો તે સ્પષ્ટ નથી. પણ તે માનવ અવતાર હતો તેમાં શંકાને સ્થાન નથી.

રેણુકાની કશી ભૂલ માટે તેને મારી નાંખવાની આજ્ઞા જમદગ્નિએ તેમના પ્રથમ ચાર પુત્રોને કરી. તેનું પાલન ન કરનાર પુત્રોને મુનિએ 'તપ ના તેજથી દૃષ્ટિ વડે' જ બાળીને ભસ્મ કરી નાંખ્યા. ભલા મુનિ, આટલી શક્તિ હતી તો પત્નીને જ બાળવી હતી ને! પણ અક્કલ કોણ વાપરે?

ત્યાર બાદ આવી પહોંચનાર પાંચમા પુત્ર પરશુરામે માતાનો વધ કરી પિતાને પ્રસન્ન કર્યા અને પાંચેય મૃતાત્માઓને પુનર્જીવિત કરવા વિનંતિ કરી. બાપે તેમ કર્યું. જમદગ્નિ પાસે સંજીવનિ વિદ્યા હતી પણ તે એકેય પુત્રને શિખવી નહીં. કેમ? શું પરશુરામ સુપાત્ર નહોતા? શિખવી હોત તો સહસ્ત્રાર્જુન સામેના સંઘર્ષમાં કામ ન લાગી હોત? પણ દૂરંદેશી કોણ થાય?

સહસ્ત્રાર્જુને જમદગ્નિને મારી નાંખ્યા. તેથી રોષે ભરાયેલા પરશુરામે કહે છે કે એકવીસ વાર પૃથ્વી નક્ષત્રી કરી. પહેલી વાર જો પૃથ્વી પૂરેપૂરી નક્ષત્રી કરી હોય તો બીજી વાર શું કરવાનું રહે? તો પછી વીસવીસ વાર તેમણે અધૂરૂં કામ કર્યું? અને એકવીસમી વારના પ્રયત્ન પછી પણ ક્ષત્રિયો તો રહ્યા જ. વિષ્ણુનો અવતાર આટલી ઘોર નિષ્ફળતા પામે? ધારો કે સફળ થયા હોત તો વિષ્ણુએ આંઠમા અવતારમાં 'ચાતુર્વર્ણ્યમ્મયા સૃષ્ટમ્'ને બદલે 'ત્રૈવર્ણ્યમ્મયા સૃષ્ટમ્' એમ કહેવું પડત કે નહીં? બે અવતાર પરસ્પર વિરોધી કામ કરે ખરા?

રાવણને મારવા માટે માનવ અવતાર લેવાની જરૂર પડી ત્યારે તેમજ કંસને મારવા માટે અવતાર લેવાની વેળા આવી ત્યારે પણ પરશુરામ પૃથ્વી પર જ હતા. તો રામ કે કૃષ્ણ અવતાર કેમ લેવા પડ્યા?

કહે છે કે પરશુરામ ચિરંજીવી હતા (કે છે). તો પછી શિવધનુષના ભંગથી ક્રોધિત થઈ રામ સાથે લડવા આવનાર પરશુરામ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા સોમનાથ લિંગના ભંગ સમયે નિષ્ક્રિય કેમ રહ્યા?

પરશુરામ પાસે કશીક વિદ્યા હતી. બ્રાહ્મણેતરને વિદ્યા ન આપવાની માનસિક સંકુચિતતા દાખવી. કર્ણને પણ શાપ આપી વિદ્યા ભૂલાવી દીધી. પરિણામે તે વિદ્યા સાવ જ ભૂલાઈ ગઈ. એકાદ બ્રાહ્મણ બાળકને દત્તક લઈ સુપાત્ર બનાવી તેને વિદ્યા આપી શક્યા હોત. તો તે વિદ્યા મુસ્લિમોના આક્રમણનો સામનો કરવામાં ખૂબ કામ લાગી હોત કે નહીં? વિદ્યા આપ્યા વગરનું તેમનું ચિરંજીવપણું આપણા ધર્મને શું કામ લાગ્યું?

શિવજીએ વગર વિચાર્યે રાવણને વરદાન આપ્યું કે દેવ કે દાનવ તેને મારી ન શકે. તેથી તેને મારવા માટે માનવ અવતાર લેવાની વિષ્ણુને જરૂર પડી. અર્થાત્ આપેલા વચનનું પાલન શબ્દશઃ થવું જ જોઈએ. તો પછી દશરથે કૈકેયીને આપેલા વચનનું પાલન થયું હતું ખરૂં? ના, નહોતું થયું. દશરથના વચન સાવ સ્પષ્ટ હતા, ભરતને રાજ્ય મળે અને રામ વનમાં જાય. ભલે ભરતે પ્રાણત્યાગ કરવાની ધમકી આપી, રામે તો આજ્ઞા કરવી જોઈતી હતી કે 'ભાઈ, પિતાશ્રીના વચનના પાલન ખાતર તારે રાજ્ય લેવું જ પડશે અને પ્રાણ પણ સાચવવા જ પડશે. તારે સિંહાસન પર ન બેસવું હોય તો પિતાશ્રીની પ્રતિમા અથવા ચરણપાદુકાઓ મૂક. મારી પાદુકાઓ ગાદી પર મૂકવા દેવાનો અધિકાર મને નથી.' પણ તેમ ન કર્યું. એટલે ખરેખર તો એમ કહેવું જોઈએ કે

ભીષ્મ(?) :-

પરશુરામ :-

રામનો વચનભંગ :-

રઘુકૂલ રીતિ રામ ઠુકરાઈ

વચન પિતાકા તોડકે

ભાઈકી જાન બચાઈ

.

અહલ્યા અને સીતા :-

અહલ્યા અને સીતાના જીવનની સરખામણી કરવા જેવી છે. અહલ્યાના કિસ્સામાં અપકૃત્ય થયું તો હતું પછી ભલે તે ઇંદ્રની વંચનાથી થયું. 'નબળો ધણી બૈરી પર શૂરો' એ કહેવત અનુસાર પતિ ગૌતમે શાપ આપીને તેને 'શલ્યા' બનાવી દીધી. 'શલ્યા' શબ્દનો અર્થ 'પથ્થર' તો થાય પણ અહીંના સંદર્ભમાં 'કામવૃત્તિવિહીન સ્ત્રી' થાય. ચમત્કારઘેલા આપણને 'પથ્થર' અર્થ વધારે ગમ્યો. તે તો જે હોય તે પણ વિચારવા જેવી વાત એ છે કે રામનો પગ અડકવાથી જ અહલ્યા શાપમુક્ત થઈ. સીતાને તો રામના આખેઆખા શરીરનો સ્પર્શ થતો હતો. છતાં તેને એવા કૃત્ય માટે દંડના ભોગ બનવું પડ્યું કે જે થયું જ નહોતું પણ કદાચ થઈ શક્યું હશે એવી કેવળ શંકાને આધારે. તે કેટલે અંશે ક્ષમ્ય ગણાય? રામના સ્પર્શથી પથ્થર જીવતા થાય, રામનું નામ લખવાથી પથ્થરો તરે પણ સીતા તો ડૂબે જ એવું કેવું?

સીતાની અગ્નિપરીક્ષા લેવામાં આવી. તે સમયે સીતાના પ્રશ્નના ઉત્તરમાં રામે કહ્યું કે 'આ પરંપરાનો આરંભ તમારાથી થશે અને અંત પણ તમારાથી જ આવશે.' એટલે કે આ અન્યાય ફક્ત તમને જ કરવામાં આવશે. જરા વિચાર કરો. સીતાનો તો કશો દોષ હતો જ નહીં. રાવણ કદાચ બળાત્કાર કરી શક્યો હોત તો પણ તે અપરાધ તેનો જ હોત. સીતા તો કેવળ તેની બલિ (=ભોગ બનેલી વ્યક્તિ, વિક્ટિમ victim) બની હોત. સંભવિત અપરાધની સંભવિત બલિ પાસેથી પ્રમાણ માંગવું કે તે ગુનો થયો નહોતો તે કયા ન્યાયશાસ્ત્રમાં લખ્યું છે? વળી તે પુરાવો પણ એવી રીતે આપવાનો કે જો તે ગુનો થયો હોય તો અપરાધી નહીં પણ બલિ જ જીવતેજીવ બળી જાય? 'મર્યાદા પુરૂષોત્તમ'ને ન્યાય કે માનવતાની કશી જ મર્યાદા ન નડી? સ્વતંત્ર રીતે વિચારીએ તો એ સ્પષ્ટ છે કે સીતાની અગ્નિપરીક્ષા એ આપણા ધાર્મિક સાહિત્યનું સૌથી અમાનુષી, અન્યાયી અને ઘૃણાસ્પદ કૃત્ય હતું. છતાં તેના કરનારની પૂજા કરવી તે કેટલે અંશે યોગ્ય છે?

રામની રાજ્યસભામાં એક પુરૂષ પોતાના પુત્રનું શબ લઈને આવ્યો અને ફરિયાદ કરી કે તેના પહેલાં તેનો પુત્ર કેમ મરણ પામ્યો. રામે ગુરૂઓને પૂછ્યું. તેમણે કહ્યું કે શંબુક નામનો શૂદ્રોનો રાજા, શૂદ્રોને તપ કરવાનો અધિકાર ન હોવા છતાં, કોઈ પર્વતના શિખર પર તપ કરતો હતો તેથી આમ થયું. કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના. જાણે કે કર્મનો સિધ્ધાન્ત નેવે મૂકાયો ન હોય! રામે તો તેનો ખુલાસો પૂછ્યા વગર જ ત્યાંથી રહીને જ શંબુકનો વધ કરી નાંખ્યો. ફરી એક વાર 'મર્યાદા પુરૂષોત્તમ'ને ન્યાય કે માનવતાની કશી જ મર્યાદા ન નડી? રામની તીર વિદ્યા બિરદાવવા માટે કોઈએ આવી હાસ્યાસ્પદ વાત જોડી કાઢી પણ આપણે પણ કેવા મૂરખ કે તેને માની લીધી?

અગ્નિપરીક્ષા :-

શંબુકવધઃ -

હાસ્યાસ્પદ?

કોઈ એક દેશમાં એક ગૃહસ્થનું ઘર રસ્તા પરથી દુરથી દેખાતું હતું. એક દિવસ તેઓ બહારથી આવતા હતા ત્યારે તેમણે કોઈ ચોરને તેમના ઘરનું તાળું તોડતો જોયો. ચતુર સજ્જને દુરથી જ પોલિસને ફોન કરી દીધો. પોલિસ તરત જ આવી પહોંચી અને ચોરને રંગે હાથે પકડી પાડ્યો. ચોર પર અદાલતમાં કામ ચાલ્યું, સજા પણ થઈ. હવે સત્તાવાળાઓ ઘરમાલિક પાસેથી પુરાવો માંગે છે કે તેમના ઘરમાંથી કશું જ ચોરાયું નથી.

આ વાત હાસ્યાસ્પદ લાગે છે? છે જ. પણ રામે પણ આવું જ કર્યું હતું. સીતાની અગ્નીપરીક્ષા એ આવી જ અન્યાયી બાબત હતી. અપરાધી રાવણ હતો. તેને તો મૃત્યુ દંડ મળી ચુક્યો હતો. સીતા તો સંભવીત અપરાધની બલિ હતા. પણ જો રાવણ સીતા પર બળાત્કાર કરી શક્યો હોત તો રાવણના વાંકે સીતા બળી મર્યા હોત. કેટલું અમાનુશી,નિર્દય અને ઘૃણાસ્પ્દ કાર્ય રામે કર્યું હતું?

આનો બચાવ કરવા માટે કહે છે કે તે તો પ્રજા પર દાખલો બેસાડવા માટે જરુરી હતું. તો બીજી વાર્તા વાચો.

સૈકાઓ પહેલાં લક્ષ્મીચંદ નગરશેઠ હતા. સાત ખોટનો એક પુત્ર પાછલી ઉંમરે થયો. નામ પાડ્યું ધનસુખ. તે જ અરસામાં શેઠાણીની અંગત નોકરાણીને પણ છોકરો જ્ન્મ્યો. નામ ભીખલો. બંને બાળકો એકજ ઘરમાં સાથે સાથે મોટા થયા તેથી ગાઢ મિત્રો બની ગયા. પાંચેક વરસના થયા ત્યારે લક્ષ્મીચંદે ગામના શીક્ષકને બોલાવી કહ્યું, 'ધનસુખને અને ભીખલાને શાળા એ મોકલશું, ધનસુખ બહુ નરમ સ્વભાવનો છે. તેથી તેને કશું ન આવડે તો મારતા નહીં, ભીખલાને મારશો તો ધનસુખ પણ રડશે..' શીક્ષક કહે, 'ભીખલાની ભુલ ન હોય તો?' શેઠ કહે, 'ભીખલાને ક્યાં ભણવાનું છે? તેને તો માર ખાવા જ મોકલીશું.'

પ્રજા તરીકે આપણે શું એટલા બધા નાદાન છીએ કે નીર્દોશને સજા ન થાય તો સુધરીએ જ નહીં?

દ્રૌપદી વસ્ત્રાહરણ :-

આ આખા પ્રસંગના સૂચિતાર્થો આપણે ધ્યાનમાં લીધા જ નથી. દ્રૌપદીને દાવમાં મૂકતા પહેલાં 'ધર્મરાજ' યુધિષ્ઠિરે ચારેચાર ભાઈઓને પણ દાવમાં મૂક્યા હતા. મનુસ્મૃતિ અનુસાર પત્ની જ નહીં પણ પુત્રો અને નાના ભાઈઓ પણ સૌથી મોટા ભાઈની સંપત્તિ ગણાય. તેથી જ 'ધર્મરાજ'નું પોતાના ભાઈઓને દાવમાં મૂકવાનું ઘૃણાસ્પદ પગલું ચાલી ગયું. દ્રૌપદી પણ 'દાસી' બની ગઈ. દાસીઓના વસ્ત્રાહરણ અનુચિત ગણાતા નહોતા. એટલે તો કેવળ ગાંગેય જ નહીં વિદુરજી સહિત અન્ય વડીલો પણ આ દુષ્કૃત્યનો વિરોધ ન કરી શક્યા. અને વડીલો પણ કેવા? એવા વયસ્ક કે જેઓએ સંન્યાસ લેવા જોઈતા હતા પણ તેને બદલે રાજ્યસભામાં ઉપસ્થિત હતા. સ્પષ્ટ છે કે આપણી તે સમયની સમાજવ્યવસ્થા ક્ષતિયુક્ત હતી. તો પછી બણગાં શાનાં ફૂંકીએ છીએ? યુધિષ્ઠિરના કૂતરાને સદેહે સ્વર્ગમાં પ્રવેશ મળ્યો પણ અર્જુનને નહીં તે શું શ્રીકૃષ્ણનો વચનભંગ (ભગવદ્ગીતા ૧૮-૬૬) નહોતો?

પરધન: -

'

પરધન નવ ઝાલે હાથ રે' ગાનાર નરસિંહ મહેતા પોતે કયું સ્વધન કમાયા હતા? આખી જિંદગી પરધન જ નહોતું ખાધું? કોઈ પ્રવાસીના પૈસા લઈને વાપરી ખાધા પછી હૂંડી સ્વીકારવાની ફરજ ભગવાનને પાડી. ભગવાન પાસે વારંવાર પોતાના કામ કરાવ્યા. સાચો ભક્ત ભગવાનના કામ કરે કે પોતાના કામ ભગવાન પાસે કરાવે? સાચા ભક્તો તો તે હતા જેમણે મહેતાજીને મદદ કરી પણ યશ પરમેશ્વરને આપ્યો, પોતાના નામ પણ જણાવ્યા નહીં. તેઓ તો પત્નીને 'જંજાળ' ન કહેનારા આપણા જેવા સંસારીઓ જ હતા ને?

શૂદ્રો અને સ્ત્રીઓને અન્યાય કરવો, અપાત્રોને માન આપવું અને અપૂજયોની પૂજા કરવી એ આપણી સંસ્કૃતિના વિશેષ લક્ષણો હતા એવું તારતમ્ય આ બધા પરથી નીકળે છે. વાર્તા લખનારાઓએ તો લખી પણ આપણા પૂર્વજોએ તેમને સ્વીકારી અને પાત્રોને બહુમાન આપ્યું કારણ કે આપણા મૂલ્યો પૂરતા વિકાસ ન્હોતા પામ્યા.

આવા તો પુષ્કળ પ્રસંગો અને વ્યક્તિઓ આપણા ધાર્મિક સાહિત્યમાં છે. આપણે સૌ તેમને વગર વિચાર્યે ભાવપૂર્વક સ્વીકારતા આવ્યા છીએ. ક્યાં સુધી?