આધ્યાત્મિકતા

Home


અંધશ્રધ્ધાનો બીજો પ્રકાર છે અતિશ્રધ્ધા.

મને આધ્યાત્મિકતાની એલર્જી છે તેથી નહીં પણ ગંભીરતાથી કહેવા માંગું છું કે તે અતિશ્રધ્ધાનો આવિર્ભાવ જ છે. બુધ્ધિ અને તર્ક વડે જે ન જાણી શકાયું તે બધું જ શ્રધ્ધા વડે જાણી શકાશે એવી આશાથી માણસ આધ્યાત્મિકતા તરફ વળે છે. બુધ્ધિ અને તર્કની મર્યાદા તો જાણવી જોઈએ પણ શ્રધ્ધાની મર્યાદા જાણવી પણ ખુબ જ જરુરી છે. (સત્ય, શ્રધ્ધા અને તર્ક; ભક્તિ, પ્રાર્થના અને શ્રદ્ધા)

કેટલાક પ્રશ્નો એવા છે કે જેના જવાબ જાણવાની કશી જ જરુર નથી. જેમ કે 'મર્યા પછી આત્માનું શું થશે?'. 'ગતે શોચો ન કર્તવ્યો ભવિષ્યં નૈવ ચિંતયેત્' ખાસ તો ગયા જન્મ અને આવતા જન્મ અંગે લાગુ પડે છે. મારા દેહાંત પછી અત્યારના મારા શરીરમાં જે આત્મા છે તેનું પરમેશ્વરને જે કરવું હોય તે કરે, મારે તેની શું પંચાત? સબ છોડ દે ઉસી પર.

પણ નહીં, આધ્યાત્મિક 'સાધકો' પોતાનો અંકુશ જતો કરવા તૈયાર નથી. મર્યા પછી પણ તેમના આત્માનો કશો જ ઉપયોગ ઈશ્વર ન કરે તે માટે તેમને 'મોક્ષ' અને 'મુક્તિ' જોઈએ. શા માટે ભાઈ? અને આને માટે બધી સાધના કરે. તેનો પણ વાંધો નહીં પણ પાછા આપણા જેવા અસાધકોને તુચ્છ ગણે, પોતાનું ભરણપોષણ સમાજ પાસે કરાવે, માન સન્માન સ્વીકારે અને ઉપદેશો આપતા ફરે.

આધ્યાત્મિકતા એ શું ખરેખર ઉપયોગી પ્રવૃત્તિ છે ખરી? આપણા સમાજમાં શું તેનો અતિરેક નથી થતો?

ધારો કે આ લખનાર આધ્યાત્મિક સાધના ચાલુ કરે. તો તેનાથી સમાજને શું ફાયદો થાય? શા માટે સમાજે મને પોષવો જોઈએ? અને ધારો કે મને આધ્યાત્મિક 'સિધ્ધી' મળી અને 'ઈશ્વરનો સાક્ષાત્કાર' પણ થયો. તેનાથી પણ સમાજને શું લાભ થાય કે લોકોએ મને માન આપવું જોઈએ? મારી આધ્યાત્મિક સાધના એ મારા પોતાના આત્માના કલ્યાણ માટેની સ્વાર્થી પ્રવૃત્તિ નથી તો શું નિ:સ્વાર્થ પારમાર્થિક પ્રવૃત્તિ છે?

યથાર્થમાં આધ્યાત્મિકતા છે શું? એક અસ્પષ્ટ ખ્યાલ સિવાય વિશેષ કશું છે ખરું? મ્રુત્યુ પછી આત્માનું શું થાય છે તેવા અનાવશ્યક પ્રશ્નો કે જેના જવાબ જાણવાની કશી જ જરૂર નથી તે પૂછવા તથા તેમના મનગમતા કાલ્પનિક ઉત્તરોને અપનાવવા એનું જ નામ આધ્યાત્મિકતા કે બીજું કંઈ? આત્મા પરમાત્માની મોટીમોટી વાતો ને બદલે આપણા રોજીંદા વ્યવહારમાં સૌને ઉપયોગી થાય તેવી બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે નહીં?

અમારી ઓફિસમાં અમારા એક મિત્ર ઘણા ધાર્મિક હતા. આખો દિવસ પ્રાર્થના કર્યા કરે. તેમને કશું પણ કામ સોંપીએ તો વેઠ ઉતારી થોડા સમયમાં પૂરું કરીને પાછા ભક્તિ કરવા લાગે. તેમને કોણ સમજાવે કે આવી આધ્યાત્મિકતા યોગ્ય નહોતી.

લોકોના શારીરિક દુઃખો જોઇને તેમના ઉપાય શોધવા પોતાની પત્ની અને પુત્ર પ્રત્યેની પોતાની જવાબદારી અવગણીને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે "મહાભિનીશ્ક્રમણ" કર્યું. વર્ષો પછી શોધી કાઢ્યો નિર્વાણનો માર્ગ જે ખરેખર તો "મહાપલાયન" જ છે. શરીરની સમશ્યાઓનો ઉપાય ના જડે તો શરીર જ ના મળે તેવું કરો. જાણે આપણા શરીરમાંના આત્માઓ પર આપણો અધિકાર ના હોય? તેનો ફરીથી ઉપયોગ કરવાની મનાઈ ઈશ્વરને કરવાની તેનું નામ મોક્ષ? મોક્ષ પામવા માટે શું કરવાનું? તો કહે ધ્યાન. તે તો વ્યક્તિગત જ થઇ શકે, સમૂહમાં નહીં. તો પછી સંઘ બનાવવાની કશી જરૂર ખરી? અને તેમાં દાખલ થનારાઓ માટે ઘણા બધા નિયમો, સ્ત્રીઓ માટે વધારાના નિયમો. શા માટે?

આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સિવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દિવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ 'ધ્યાની'ઓ હોય છે કે વચગાળાના સમયમાં દુષ્કૃત્યો કરતા હોય. તેથી 'ધ્યાન રાખવા'નું મહત્ત્વ વધારે છે એટલે કે જે કાંઈ કર્મ કરીએ તેમાં ધ્યાન રાખીએ કે તે ઈશ્વરપ્રીત્યર્થે જ કરવાનું છે. કદાચ આપણી મનોવૃત્તિ એવી ધાર્મિક પ્રકારની ન હોય. આપણા સ્વાર્થ માટે જ કર્મ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાનું હિત ભલે ન થાય પણ અહિત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહિતનું અહિત ન થાય. પ્રત્યેક પળે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરથી આપણી કોઈ પ્રવૃત્તિ અજાણી નથી.

એક વાર એક લેભાગુ ધર્મપ્રચારકે મને ધ્યાનમાં બેસાડી મારા પર વશીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સદ્વિચારની ઢાલે મને બચાવ્યો ન હોત તો હું પણ તેના પંથમાં ભળી ગયો હોત. ખરાબ વ્યક્તિઓના દુર્વિચાર અને દુષ્ક્રુત્યોમાંથી તો સદ્વિચાર જ બચાવે, નિર્વિચાર નહીં.

ભવિષ્યને ભૂતકાળ બનતા વાર નથી લાગતી. આવા ક્ષણાર્ધજીવી વર્તમાનમાં કેવી રીતે વર્તી શકાય? ન્હાવા જતાં પહેલાં સાથે ટુવાલ તો લઇ જવો પડે ને? ટ્રેડ મિલ પર કસરત કરતાં કરતાં વિચાર તો આવે જ કે ભૂતકાળમાં એવું તે શું થયું હતું કે અત્યારે આ કસરત કરીએ છીએ ને? અને કસરત પૂરી થયે શું કરવાનું છે તેનો પણ વિચાર આવે. કોઈનો ફોન આવે તો જોઈએ કે પાંચ જ મિનીટ બાકી છે તો ત્યારે નિરાંતે વાત કરવાની છે. બધા વિચાર કંઈ દુઃખદાયક, ચિંતાજનક કે નકારાત્મક નથી હોતા. સારા સકારાત્મક વિચારોને રૂંધવાની શી જરૂર? મનન કરે (વિચાર કરે) તે માનવી ગણાય તો પછી વિચાર જ ન કરવાનો અર્થ એવો ના થાય કે માનવી મટી જવું?

ધ્યાનમાં બેઠા બેઠા પણ તે પૂરું કરવાનો સમય થયો કે નહીં તે તો જાણવું જ પડે ને? ધ્યાનનો સમય પૂરો થયો છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય? કે પછી કોઈ જગાડે નહીં ત્યાં સુધી ધ્યાન ધર્યા કરવાનું?

ધ્યાનનો મુખ્ય હેતુ 'નિર્વિચાર' અવસ્થા મેળવવાનો હોય છે કે જેથી મન પર કાબુ પામી શકાય. મન ના થાય તો કશું જ ન કરી શકાય, ધ્યાન પણ ના ધરાય. મન બન્યું છે વિચાર કરવા. નિર્વિચાર એટલે મનની મૂર્છા. તેને હિતાવહ માની શકાય?

આ લખનારનો અનુભવ છે કે મન બે સ્વરૂપમાં કામ કરતું હોય છે, બાહ્ય મન અને આંતરિક મન. ઘણી વાર આ બે મન એક જ સમયે જુદાજુદા વિચાર કરતાં હોય છે. મનને વિચાર કરતું બંધ કરવાને બદલે એવી રીતે કેળવવું જોઈએ કે બંને મન એક સમયે એકી સાથે એક જ કામ વિષે વિચાર કરે અને તે પ્રમાણે તે કામ કરે. આને આપણે 'એકવિચાર' કહી શકીએ. અથવા આંતરમનને એવું કેળવવું જોઈએ કે તે સતત પ્રાર્થનામય રહે. સાંસારિક કૃત્યો તો કર્યા કરવા પડે. તેમાં બાહ્ય મન પરોવાયેલું રહે. પણ જયારે જયારે બાહ્ય મન નવરું પડે ત્યારે ત્યારે આંતરમન પ્રાર્થના કર્યા કરે. તેનો પણ અતિરેક ના થવો જોઈએ. આપણી જે કંઈ જવાબદારી હોય તે પ્રત્યે દુર્લક્ષ ના થવું જોઈએ. 'નિર્વિચાર' તો દિવસમાં થોડા કલાક જ કરી શકાય અને બાકીના સમયમાં દુર્વિચાર અને દુષ્કૃત્યો પણ કરી શકાય. જયારે સદ્વિચાર તો જાગૃત અવસ્થામાં સતત કરી શકાય અને કરતાં રહેવું જોઈએ કે જેથી સત્કૃત્યો કરતાં રહીએ.

અમારા એક સંબંધી બાયપાસ સર્જરી માટે મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોઈએ કહ્યું કે અમદાવાદમાં કોઈ ડોક્ટર યોગ વડે હૃદયરોગ મટાડે છે. અમદાવાદ ગયા, યોગ શીખ્યા. મહિનાઓ સુધી સારું લાગ્યું. પણ એક દિવસ તાત્કાલિક બાયપાસ સર્જરી કરાવવી પડી. પેલા ડોક્ટર સાહેબને તો જાણ પણ નથી. તેમની યાદીમાં આ એક સફળ કેસ ગણાય. કારણ અસંતુષ્ટ દર્દીઓ કંઈ ડોકટરોને જણાવતા નથી હોતા. દાઢ સણકા મારતી હોય, હાડકું તૂટ્યું હોય, કુતરું કરડ્યું હોય જેવા કિસ્સાઓમાં યોગચિકિત્સા કામ લાગે?

આધ્યાત્મિક લખાણો વાંચતા એક વાત સ્પષ્ટ જણાય છે. લગભગ બધા જ લેખકો પોતાની વાતના સમર્થન માટે બીજાના લખાણ કે વક્તવ્યનો આધાર લેતા હોય છે. એકાદ 'મહામુનિ' એ કશું કહ્યું કે તે પરંપરા ચાલુ થઇ ગઈ. કર્ણોપકર્ણ તે વાત સાચી મનાતી ગઈ. તેની યથાર્થતા ચકાસવાની હિંમત કે દરકાર કોઈનાથી ના કરાઈ. જેમ કે ચોર્યાસી લાખ જન્મો લીધા પછી માનવ અવતાર મળે તે માન્યતા ચકાસવી હોય તો પણ કેવી રીતે? પ્રત્યેક અવતાર સરેરાશ એક દિવસ જીવે, અને બે અવતાર વચ્ચે જરા પણ વિલંબ ના થાય એમ ગણીએ તો પણ તે પુરા કરવા માટે ૨૩,૩૩૩ વરસ લાગે. કોઈ એક જીવાત્માની ૮૩,૯૯,૯૯૯ જન્મોની યાત્રા જોવા માટે કયા મહામુનિ જીવ્યા હોય? અને બીજા કયા મુનિ જીવવાના હોય કે તે પેલા મહામુનિના કથનને સમર્થન આપી શકે કે તેનું ખંડન કરી શકે. માટે 'ચાલવા દો ને, આપણું શું જાય છે?' એવા ભાવ સાથે આ ગપગોળો ચાલવા દીધો એટલું જ નહીં પણ તેનો લાભ ઉઠાવ્યો, ભોળી જનતાને વધારે ભોળવીને. આવી છે આપણી સૌની આધ્યાત્મિકતા!

એટલું જ નહીં પણ બીજો એક મહાભ્રમ ચાલુ કર્યો કે માનવેતર જીવનમાં પુણ્યો કર્યા હોય તો જ મનુષ્ય જન્મ મળે જે શ્રેષ્ઠ જન્મ છે અને તે મળવાનો હેતુ મોક્ષ પામવાનો જ છે. અમાનવ જીવો તો ચાહીને પણ પાપ કે પુણ્ય કરી શકતા નથી. તેથી આખી વાત જ પાયા વિનાની વાહિયાત છે. વળી અધમતા તો માનવીઓ જ આચરે છે તેને વળી શ્રેષ્ઠ યોની કેમ કહી શકાય?

આધ્યાત્મિક ઉપદેશકોની એક ખાસિયત છે કે તેઓ આપણા સૌની સુખની વ્યાખ્યા જ બદલી નાખે છે. તેમનું માનીએ તો સુખ તો મળે પણ તેમની આગવી વ્યાખ્યા પ્રમાણેનું અને તે આપણે સ્વીકારવાનું!

કોણે એની હણી લીધી હશે શક્તિ ઉત્સાહ કેરી

કોણે એની હણી કીધી વળી શક્તિ નૈરાશ્યની યે

ને પ્રાણી એ અજબ દીસતો હર્ષ ને શોક મુક્ત

મુંઢો મૂંગો જડ જ નકરો બેલનો ભાઈ જાણે.

(જવાહરલાલ નહેરુની આત્મકથા My Autobiography ના મહાદેવ દેસાઈએ કરેલા અનુવાદમાંથી )

હવે આનું રૂપાંતર જોઈએ

કૃષ્ણે એની હણી લીધી ખરે ઉર્મિ ઉત્સાહ કેરી

કૃષ્ણે એની હણી લીધી વળી ઉર્મિ નૈરાશ્યની યે

ને પ્રાણી એ અજબ દીસતો હર્ષ ને શોક મુક્ત

મુંઢો મૂંગો જડ જ નકરો સ્થિતપ્રજ્ઞ આ છે.

એક મહાપુરુષે કહ્યું છે કે જે વેદને નથી માનતો તે પોતાને હિંદુ ના કહી શકે. હવે જુઓ કે વેદમાં કેવી વાહિયાત વાતો પણ છે.

"એમ કહેવાય છે કે, એક રાત્રીના સમારંભમાં દેવો એકઠા મળ્યા હશે. ત્યાં મિત્ર અને વરુણ ઉર્વશીને જોઈ ક્ષોભ પામ્યા અને વીર્ય સ્ખલિત થયું. તે અર્ધું એક કુંભ એટલે ઘડામાં પડ્યું અને અર્ધું વસુ એટલે પાણીમાં પડ્યું. આ રીતે વસુમાંથી જે પ્રગટ્યા તેને વસિષ્ઠ કહે છે." (ગુજરાતી વિકિપીડિયામાંથી ઉદ્ધૃત) દેવોને વીર્ય સ્ખલન થયું હોય તો પણ તે ઘડામાં કે પાણીમાં કેમ કરીને પડી શકે? તેઓ શું નિર્વસ્ત્ર અવસ્થામાં સમારંભમાં ગયા હતા? હા, તો આવા દેવોની પૂજા શા માટે કરવી જોઈએ? ના, તો આખી વાત વાહિયાત નથી તો શું છે?

બીજા એક ધર્માત્માના કહેવા પ્રમાણે વેદમાં જણાવ્યા અનુસાર બ્રહ્માના મસ્તકમાંથી ઉત્પન્ન થયા હોવાથી બ્રાહ્મણો બધા અધિકાર અને માનને પાત્ર છે. પણ અંત્યજો બ્રહ્માના પગમાંથી પેદા થયા હોવાથી તિરસ્કાર અને અન્યાયને લાયક છે. આ વાત માની શકાય એવી છે?

આ લખનાર આવી વાતોને ના માને તો તે શું હિંદુ મટી જાય છે?

ધર્મ વિરુધ્ધ વિજ્ઞાનની આ વાત નથી. ધાર્મિક વાર્તાઓમાં આવતા કેટલાક વિધાનોને હું વિજ્ઞાનની દૃષ્ટિથી નથી નકારતો પણ સામાન્ય બુધ્ધિ અને માનવતાની દૃષ્ટિથી ચકાસું છું. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ દોષિત છે કે નિર્દોષ તે અગ્નિ જાણી શકે કે નહીં તેમ પૂછતો નથી. પણ એટલું તો જરુર કહીશ કે સીતાજીની અગ્નિપરીક્ષા લેવાનું 'ભગવાન' રામનું કૃત્ય અત્યંત અમાનુષી, અન્યાયી અને ઘૃણાસ્પદ હતું. માનવબાળના ધડ પર હાથીના બચ્ચાનું માથું બરાબર બંધબેસતું ના થાય તેવી દલીલ નથી કરતો પણ અજાણ્યા બાળકનું માથું વધેરી નાખવાનું શિવજીનું કૃત્ય સાવ અવિચારી હતું તેમ તો અવશ્ય કહીશ.

આધ્યાત્મિકતા પ્રવૃત્તિને નામે પ્રજાનો ઘણો મોટો સમુદાય નિરુત્પાદક અને પરોપજીવી જીવન ગાળે છે અને દેશની ગરીબી વધારે છે. તે શું યોગ્ય છે?

સત્ય, શ્રધ્ધા અને તર્ક

ભક્તિ, પ્રાર્થના અને શ્રદ્ધા

Home