ટૂંકી નોંધો

Home


દોડવીર:


એક દોડવીર હતા. તેમના પાડોશીને ત્યાં ચોરી કરીને ચોર નાસતો હતો. ઘણા લોકો પકડવા દોડ્યા પણ દોડવીર સિવાય બીજા બધા થાકી ગયા. ચોરને પકડીને પાડોશીનો મુદ્દામાલ પાછો લેવાને બદલે દોડવીર ચોરથી પણ આગળ નીકળી ગયા. કોઈએ પૂછ્યું કેમ દોડો છો તો કહે, "પેલો મૂરખ ચોર શું જાણે કે હું શહેરનો સૌથી ઝડપી દોડવીર છુછું , ક્યાંય પાછળ પાડી દીધો." આવું જ ગુરુઓનું પણ છે. આ જન્મની વિકટ સમસ્યાઓના સમાધાન માટે લોકો તેમની પાસે જા્ય. તેને બદલે તેઓ આવનારો બીજો જન્મ સુધારવાની વાત કરે. કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં આવા હો્ય છે. પૃથ્વી પરની મુશ્કેલીઓનું નિરાકરણ શોધવાને બદલે અબજો કિલોમીટર દૂરના તારાઓ વગેરેનો અભ્યાસ કરવામાં અને હિગ્સબોસોન જેવા અત્યંત ઝીણા અને ક્ષણાર્ધજીવી નિરુપયોગી કણોને શોધવા માટે CERN જેવી પ્રયોગશાળાઓ બાાંધવામાાં પ્રજાઓના અબજો સાર્વજનિક ડોલર વેડફી નાખે છે. બીજા કેટલાક ઈશ્વર નથી એમ પુરવાર કરતા પુસ્તકો લખવા કે ભાષણો આપવા પાછળ પોતાનો અને વાંચકો કે શ્રોતાઓનો સમય વેડફતા હોય છે.

(−1):


ગણિતમાં વર્ગમૂળ કેવળ ઘન (પોઝીટીવ positive) સંખ્યાનું જ કાઢી શકા્ય. કારણ કે બે ઋણ (નેગેટીવ negative) સંખ્યાઓને એક બીજા વડે ગુણીએ તો જવાબ ઘન જ આવે. છતાં ગણિતની એક શાખામાાં કાલ્પનિક સંખ્યા ના સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકાર વગેરે કરવામાાં આવતા હોય છે. તેમાાં ઋણ 1 ના વર્ગમૂળને i (imaginary શબ્દનો પહેલો અક્ષર) સંજ્ઞા આપવામાાં આવે છે. અને બધી ગણતરીઓમાાં તેનો ઉપયોગ કરવામાાં આવે છે. √−1 વાહિયાત લાગે તો યે આ ગણિત વીજને લગતા સમીકરણો ઉકેલવામાાં ઘણું ઉપયોગી થાય છે. તે સિવાય પણ બીજી ઘણી ગણતરીઓમાાં તે વપરા્ય છે.

ishvar નો પહેલો અક્ષર પણ i છે. જેવી રીતે -1 નું વર્ગમૂળ કાઢી શકાતું નથી તેવી રીતે ઈશ્વરનું મૂળ પણ કાઢી શકાતું નથી. છતાં ઘણા માનવોને તેમના વિકટ સંજોગોમાં ટકાવી રાખવા માટે કામ લાગે છે. આ કાલ્પનિક ઈશ્વરનો વેપાર ના થાય તેની તકેદારી રાખવી જોઈએ. પણ વધારે પડતા બુદ્ધિવાદમાં પડવાને બદલે ઈશ્વર નથી જ નથી તેવો આગ્રહ રાખવાની જરૂર નથી. બુદ્ધિ નો પણ અતિરેક ના થવો જોઈએ.

સાયકલ:


સ્વામી શ્રી સચ્ચીદાનન્દજી કહે છે, ‘ધર્મ એ સાયકલનું આગળનું પૈડુ છે અને વિજ્ઞાન એ સાયકલનું પાછળ નું પૈડું છે.’

આ રૂપક સારી રીતે સમજવા જેવું છે. (અહીં વિજ્ઞાન એટલે કેવળ સાયન્સ નહીં પણ સાથે તર્ક પણ આવી જાય એમ માનું છું.)

આગલા પૈડાની દિશા બદલવાનું કામ બે હાથ કરે તે બુદ્ધિ અને શ્રદ્ધા, એક ખેંચે તો બીજાએ ઢીલ મુકવી પડે. એક જ હાથ વડે સાઇકલ ચલાવી તો શકાય પણ ઢીલ-ખેંચ તો બુદ્ધિ-શ્રદ્ધા ની જેમ જ કરવા પડે. હાથ કોના? ચાલકના? ચાલક સવાર મગજમાંથી સંદેશો આવે તે પ્રમાણે હાથ ચલાવે. મગજ કયા આધારે સંદેશ મોકલે? આંખે જોયું હોય તે પ્રમાણે ખાડા ટેકરા ટાળે અને જવાનું હોય તે તરફ જા્ય .

બંને પૈડા ને બ્રેક હોય. સામાન્ય રીતે બ્રેક પાછલા પૈડાં ને મારવી સારી. આગલા પૈડાં ને બ્રેક મારીએ તો કોઈ વાર ઉથલી પણ પડાય. તેથી હું સાયન્સ (અને તર્ક) રૂપી પૈડાં ને બ્રેક મારવાની તરફેણમાં છું.

ખાસ અગત્યની વાત એ છે કે પાછલા પૈડાં ને કશો ફેર નથી પડતો કે સવાર કોણ છે. ઈશ્વર છે કે નથી તેની પંચાત સાયન્સે કરવાની ના હોય .

કોઈ કારણસર સાયકલ સવાર બેમાંથી એક હેન્ડલને જ પકડી રાખે તો શું થાય? સાયકલ તે જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે. 'શોર' ફિલ્મમાં આવે છે તેમ ચક્કર ચક્કર ફરે પણ કશી પ્રગતિ ના થાય. તેવી જ રીતે જો ફક્ત શ્રદ્ધા પૂર્વક ધર્મ ને પકડી રાખીએ તો પણ હાનિ કારક નીવડે. કોઈ લેભાગુ ગુરુ આપણને મૂર્ખ બનાવી જઈ શકે. અથવા કેવળ બુદ્ધિ પૂર્વક તર્કને જ મહત્વ આપીએ તો માનવીય સંબંધોમાં તિરાડ પડે કે સંકટના સમયે ધીરજ અને હિંમત ગુમાવી બેસીએ. સાયકલ ચલાવીએ ત્યારે આપણે જરૂર પ્રમાણે ડાબો અથવા જમણો હાથ પોતાના તરફ ખેંચીએ છીએ તેવી રીતે સંજોગ પ્રમાણે ધર્મ અથવા તર્ક નો કે બંનેનો ઉપયોગ કરવો જોઈએ.

સિક્કાની બે બાજુ:

શોલે ફિલ્મ માં જય પાસે એક સિક્કો હતો. તેનો ઉપયોગ કરીને તે હંમેશા તેના દોસ્ત વીરુને હરાવતો. છેલ્લે ખબર પડે છે કે તે સિક્કાની બંને બાજુ એક સરખી હતી. આવો સિક્કો ચલણમાં કામ ના લાગે. કેટલાક ધર્મગુરુઓ તેમના અનુયાયીઓને આવા જ સિક્કા પધરાવતા હોય છે. તેમના સિક્કાની બંને બાજુ પર ફક્ત ધર્મની જ છાપ હોય છે. કારણ કે તેમને ગુરુવાદ ચલાવવો હોય છે. બીજા કેટલાક મિત્રોના સિક્કાની બંને બાજુ પર સાયન્સની છાપ હોય છે કારણ કે તેઓ અનીશ્વરવાદના પુજારીઓ હોય છે. બેઉ પ્રકારના સિક્કાઓ નિરુપયોગી છે.

ઉપયોગી સિક્કાની બે બાજુ પર જુદી જુદી છાપ હોય. જીવન માટેના સિક્કાઓ પણ તેવા હોવા જોઈએ, એક બાજુ પર બુદ્ધિ અને બીજી પર ભાવના. બુદ્ધિમાં સાયન્સ, કાયદો, વેપાર વગેરે પ્રવૃત્તિઓ કે જેમાં બુદ્ધિને મહત્વ આપવું જોઈએ તે આવે. ભાવનામાં શ્રદ્ધા, પ્રેમ, દોસ્તી, વગેરે આવે. બંને એકબીજાથી વિમુખ દેખાય પણ વિરુદ્ધ ના હોય, એક બીજાના પૂરક હોય તો તે જીવનમાં કામ લાગે. બુદ્ધિ વિનાની ભાવના અને ભાવના વિનાની બુદ્ધિ ટાળવા જોઈએ.


ભૌતિક બળો:

ભૌતિક બળો સકર્મક હોય છે. કોઈ વસ્તુ પર જેની અસર ના થાય તે બળ શા કામનું ? કોઈ પણ બળનો ઉપયોગ અથવા પ્રતિકાર કરવો હોય તો તેની દિશા, માપ અને વસ્તુના કયા ભાગ પર તે લગાડવા નું છે તે જાણવું પડે. નહીં તો વસ્તુ ખોટી દિશામાં જાય કે સીધી ખસવાને બદલે ગોળગોળ ઘૂમે.

કેરમ રમીએ ત્યારે આપણે સ્ટ્રાઇકર ક્યાં મૂકવો, કેટલા જોરથી કઈ દિશામાં ધકેલવો, રાણી લેવાની હોય તો પણ સફેદ કે કાળી ફૂકીને કેવી રીતે મારવી કે જેથી તે ફંટાઈને રાણીને ખસેડે તે આવડત કામ લાગે છે.

કોઈ નાનું સાધન બનાવવું હોય તો પણ વિચારવું પડે. ચીપિયો કે સાણસીનો ઉપયોગ ગુરુત્વાકર્ષણ નો પ્રતિકાર કરવા માટે કરીએ છીએ. તેની લંબાઈ, મજબૂતાઈ, તેના બે પાંખિયા ક્યાં જોડવા તેમ જ વાપરનારના હાથ અને આાંગળાના આકારને અનુરુપ ઘાટ ઘડવો વગેરે સમજીને વિચાર્યા વિના તે સાધન બનાવીએ તો નકામું પણ નીવડે.

થોડું મોટું સાધન બનાવવું હોય તો વધારે બાબતો ધ્યાનમાં રાખવી પડે. રેંટિયો બનાવવો હોય તો તેના બે વર્તુળ આકારના ચક્રોના વ્યાસ, બે વચ્ચેનું અંતર, તકલીની ગોઠવણી વગેરે નક્કી કરવા પડે. મોટરગાડી માટે તો પેટ્રોલ પંપ, એન્જિન, વગેરે બધા ભાગો ની રચના એવી રીતે કરવી પડે કે જુદા જુદા બળો યોગ્ય સમયે, યોગ્ય ક્રમમાં, યોગ્ય માપમાં સક્રિય થઈને પછી નિષ્ક્રિય પણ થઈ જા્ય.

સાયન્સ અનુસાર બધી ભૌતિક પ્રવૃતિઓ પાછળ મોટું જબરું (stronger), નાનું નબળું (weaker) અને વીજચુંબકીય (electromagnetic) બળો એમ ત્રણ મૂળભૂત (fundamental ) બળો કામ કરે છે. ગુરુત્વ બળ છે કે નહીં તેનો વિવાદ ચાલે છે. ત્રણ કે ચારથી જુદું પાંચમું બળ નથી. આ બળોની જુદીજુદી ગોઠવણોને કારણે જુદા જુદા પદાર્થો બન્યા છે એમ મનાય છે.

વૈજ્ઞાનિક ધારણા (theory) એવી છે કે અબજો વરસો પહેલા મહા વિસ્ફોટ (બીગ બેંગ) થયો હતો. તે પહેલા કશું જ નહોતું. પછી આપોઆપ વારાફરતી ઘણા પદાર્થો પેદા થયા. જે ત્રણ કે ચાર બળોના મિશ્રણ થી વિશ્વ બન્યું તે બધા કોઈની પણ મધ્યસ્થી કે દોરવણી વિના અસ્તિત્વમાં આવ્યા અને આપમેળે બધી રચનાઓ થઇ ગઈ. તે પણ એવી કે બધા કુદરતી બનાવો નિશ્ચિત સમયે, નિશ્ચિત ક્રમે, નિશ્ચિત નિયમો અનુસાર થયા કરે છે.

આ વાત માની શકાય એવી છે?

Water under the bridge:

અંગ્રેજીમાં એક બહુ સરસ મહાવરો છે. ભૂતકાળના પ્રસંગ માટે "Water under the Bridge" (પુલ હેઠળનું પાણી) એમ કહેવાય છે. તેનો ઈશારો એવો છે કે તે બનાવને ભૂલી જવો જોઈએ. આ વાત સમજવા જેવી છે.

વરસાદનું પાણી બે મુખ્ય રીતે વહે છે. થોડું પાણી જમીનની સપાટી પર વહી જાય છે. તેની સાથે જમીન પરનો કચરો અને માટી પણ તણાઈ જાય છે. ત્યારે તે પાણી પીવાને લાયક નથી રહેતું. પૂર મોટું હોય તો તરવાનું કે હોડી ચલાવવાનું પણ બંધ રાખવું પડે છે. સારું છે કે તે ડહોળું પાણી ઝડપભેર વહી જાય છે.

બીજું પાણી જમીનમાં શોષાઈ જાય છે અને ઝરણાં બનીને નદીના પ્રવાહમાં ભળી જાય છે. તેમાં જમીન ના ક્ષારો ઓગળે છે ખરા તો પણ એકંદરે તે સ્વચ્છ અને પીવા યોગ્ય હોય છે. અને મંદ ગતિએ પુલની નીચે થી વહે છે. બેમાંથી એકે પાણી પાછું ફરીને બીજી વાર પુલની નીચેથી વહેતું નથી.

આપણા પોતપોતાના જીવનમાાં આપણા કૌટુંબિક અને સામાજિક સંબંધીઓના વર્તન રૂપી પાણીનો વરસાદ પડતો હોય છે. તેનાથી ઉદ્વેગ પામવાને બદલે તે પ્રવાહને પણ નદીના "પુલ નીચેથી વહી જતા પાણી" સમજીને દરગુજર કરી નાખવા જોઈએ. અને સુધરેલા સંબંધ રૂપે સ્વચ્છ પાણી આવે ત્યારે તેને આવકારવા જોઈએ.


હરિમાં જ અરિ:


સંસ્કૃતમાં 'હરિ' શબ્દના ઘણા અર્થ થાય છે. સામાન્ય રીતે વપરાતો અર્થ વિષ્ણુ હોય છે. અહીં પરમેશ્વર અર્થ માનીશું. 'અરિ' શબ્દના પણ ઘણા અર્થ થાય છે. અહીં શત્રુ અર્થ માનીશું. 'હરિમાં 'હ' ના હોય તો 'અરિ' શબ્દ રહે છે. તો શું પરમેશ્વરમાં પણ શત્રુ સમાયેલો છે?

શત્રુ પરમેશ્વરમાં તો નથી પરંતુ તેને ક્યારે, કેવી રીતે અને શા માટે યાદ કરીએ છીએ તેમાં છે. કારણ કે અનુચિત રીતે તેને યાદ કરવાથી વ્યક્તિ નબળી અને ગાફેલ બની જઈ શકે છે. આપણા આખ્યાનો અને ભજનોમાં હરિભક્તિને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. પરિણામે આપણા ઘણા લોકો હરિ પર જ આધાર રાખે છે. બધી વાતમાં 'ઈશ્વરને ગમશે તો' આવી જ જાય .

એક ભજનમાં તો કહે છે, "પ્રભુ મેરે અવગુણ ચિત્ત ના ધરો". પોતે અવગુણ ચાલુ રાખવા છે ને ઈશ્વરની મદદ જોઈએ છે! "અવગુણ દૂર કરો" એમ ના કહે. બીજા એક ભજનમાં તો હરિએ કોને કોને કેવી કેવી મદદ કરેલી તેની લાંબી યાદી છે, પણ તેમના સદગુણ કે કર્મ કેવા હતા તેનો જરા પણ ઉલ્લેખ નથી.

ઈશ્વર છે કે નહીં તેનો વિવાદ ચાલે છે. પણ જો હોય તો તેને આવા બેદરકાર ભક્તો ગમે ખરા? સાચા ઈશ્વરભક્તોએ તેના કામો કરવાના હોય કે પોતાના કામ તેને સોંપવાના હોય?


ઈશ્વર હોય કે ના પણ હોય પરંતુ તેને નામે આપણે પાંગળા થઇ જઈએ તો તે હરિ ને બદલે અરિ જ થઇ જાય ને?

ઉપકારની સાંકળ:


વાલ્મીકિ રામાયણ ના ઉત્તરકાંડના ૪૦ મા સર્ગમાં એક બહુ સરસ શ્લોક (નં. ૨૪) આવે છે. રામ હનુમાનજી ને કહે છે કે "કપિશ્રેષ્ઠ, હું ઈચ્છું છું કે તમે જે જે ઉપકાર કર્યા છે તે બધા મારા શરીરમાં પચી જાય. તેનો બદલો ચૂકવવાનો અવસર મને ક્યારેય ના મળે; કારણ કે ઉપકારનો બદલો વાળવા ની તક માણસને આપત્તિકાળમાં જ મળતી હોય છે. (હું નથી ઇચ્છતો કે તમે સંકટમાં પડો ને હું તમારા ઉપકાર વાળી દઉં.)

મારા જીવનમાં પણ એવા ઘણા પ્રસંગો આવ્યા છે કે જ્યારે કોઈની મદદ ઉપયોગી થઇ પડી હતી. બધા મદદગાર મારા સગા સંબંધી કે મિત્રો નહોતા, ક્યારેક તો સાવ અજાણી વ્યક્તિઓએ ખૂબ જરૂરી મદદ કરી હતી. તેમનો આભાર ત્યારે તો વ્યક્ત કર્યો હોય તો પણ તે મદદ નો વળતો બદલો આપવાની ઈચ્છા થાય. પણ તેવી તક જ ના મળી. કોઈએ આપણા પર ઉપકાર કર્યો હોય તો તે ભૂલી જવાને બદલે જો અને જ્યારે શક્ય બને તો અને ત્યારે તેમના પર ઉપકાર કરવો જોઈએ. પણ જો તેમને આપણી મદદની જરૂર જ ના પડે તો શું? વસવસો જ કરી શકીએ.

ઉપકાર નો હિસાબ પરસ્પર ચૂકવવો જ જોઈએ તે જરૂરી નથી. તેને બદલે ઉપકારની સાંકળ (પરંપરા) ચાલુ રાખવી જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિને મદદની જરૂર હોય તો તે, બદલાની આશા રાખ્યા વગર, કરવી જોઈએ. કારણ કે તે વ્યક્તિ પણ આપણા કરેલા ઉપકાર નો બદલો વાળી શકવાની સ્થિતિમાં ના પણ હોય.

આપણી સંસ્કારિતા આવી?


દુ:શાસનનું લોહી પીવું અને તે લોહીથી દ્રૌપદી ના વાળ સીંચવા તે બે કાર્ય ભીમ કરવાનો હતો તે વાત અગાઉથી જાણીતી હતી. આ પાશવી (પશુઓ તો આવું ના કરે.) દાનવી (કોઈ દાનવે આવું કશું કર્યું હતું ખરું?) કૃત્યો અટકાવવા માટે ધર્મરાજ યુધિષ્ઠિર, ધર્મસંસ્થાપક શ્રીકૃષ્ણ કે ત્રીજી કોઈ વ્યક્તિ એ જરા પણ પ્રયત્ન કર્યો હોવાનો કશો ઉલ્લેખ મહાભારતમાં છે ખરો? હોય અથવા કોઈ પણ પુરાણમાં આના જેવા કોઈ પ્રસંગ એક પણ પૂર્વઆધાર (precedent) આપ જાણતા હો તો મને લખી જણાવવા વિનંતી કરું છું.

"પંચાધિક શતા: વયં" કહેનારા મોટાભાઈ આ કેમ જોઈ શક્યા? કેવળ સારથિ તરીકે આવેલ હોવા છતાં પાંચજન્ય શંખ ફૂંકીને પોતે શરૂ કરાવેલા યુદ્ધ વચ્ચે અર્જુનને લગભગ સાડા છસો શ્લોકનો રાગદ્વેષ વિયુક્તિ નો ઉપદેશ આપનારે તેના અઢારમા દિવસે દ્વેષાતિરેક ન કરવા માટે ભીમને એકાદ શ્લોક પણ ના કહ્યો? મોટું આશ્ચર્ય!

આપણા પૂર્વજોની સંસ્કારિતા ના વખાણ કરતાં આપણે થાકતા નથી. તેથી પ્રશ્ન ઉપજે છે કે કોઈને પણ કેમ ના સૂઝ્યું કે આ ખૂબ ઘૃણાસ્પદ અસંસ્કારી વર્તન હતું. આવું વર્તન સામાન્યપણે સ્વીકાર્ય તો નહોતું ને?

પડીકાં packaging:

આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઉપદેશ શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરેલો હોય છે. જેમ કે કઠોપનિષદ માં નચિકેતા ની વાત. અંતમાં યમરાજે તેના ત્રીજા પ્રશ્નનો જે જવાબ આપ્યો તે સુયોગ્ય હતો એમ માની લઈએ. પણ આખો પ્રસંગ કેટલો ઘૃણાસ્પદ અને હાસ્યાસ્પદ છે તે વિચારવા જેવું છે.

વાજશ્રવસ ઋષિ દાન આપતા હતા? ઋષિઓ તો અકિંચન હો, તે દાન આપે? દસ જ વર્ષનો પુત્ર તેમની ભૂલ કાઢે? ક્રોધ કરે તેને ઋષિ કહેવા્? યમરાજ ક્યારેય દાન લે? આ પ્રસંગે તેમણે દાન માગ્યું હતું? ના માગનારને દાન આપી શકાય? છોકરો યમને શું કામ લાગે? આમ જુઓ તો પિતાએ ખૂબ ઘૃણાસ્પદ અવીચારી કામ કર્યું હતું. નચિકેતા નીકળી પડ્યો યમના ઘરે જવા. યમરાજ કોઈ ઘરમાં રહેતા હોય? ને રહેતા હોય તો ત્રણ દિવસ સુધી બહાર હોય? અને તેના ઓટલે ખાધા પીધા વગર બેસી રહેવાનું હોય? આ બધું હાસ્યાસ્પદ વર્તન કર્યું. આખી વાર્તા વાહિયાત છે. પણ તેનો હેતુ યમે જે જ્ઞાન નચિકેતાને આપ્યું તે લોકોને પહોંચાડવાનો છે. અર્થાત વાર્તા પડીકું (packaging) છે. ખરેખર જોવા જાવ તો તેની કશી જરૂર જ નથી. તે જ્ઞાન સીધેસીધું જણાવી શકાય તેવું છે.

આવા ઘણા પડીકાઓ આપણા શાસ્ત્રોમાં છે. તેમના હેતુ સારા હોય છે. પણ આપણે તે પડીકાઓ ના મોહમાં પડી જઈએ છીએ અને તેમની મારફત આવેલા જ્ઞાન પ્રત્યે ધ્યાન આપતા નથી. હીરાનો સેટ ઝીપ લોક બેગ માં ના મુકાય, તેના બોક્સમાં જ મુકવો જોઈએ. પરંતુ તે ટપાલમાં આવ્યો હોય તો તેના પેકિંગ માટે વપરાયેલા સ્ટાયરોફોમ, બબલ રેપ કે બીજી વસ્તુઓ તો ફેંકી જ દેવાની હોય ને? કોઈ સંદેશ વાહક પશુ કે પક્ષી આવ્યું હોય તો સંદેશો સાચવીને તેને તો છોડી દેવાનું હોય, પાસે રાખીને પાળવાનું ના હોય. આપણે તો પુષ્પક વિમાન, રામ સેતુ વગેરે ના પ્રેમમાં એવા પડી ગયા છીએ કે તેમને આપણા પ્રાચીન પૂર્વજોની ની મહાન સિદ્ધિઓ તરીકે બિરદાવીએ છીએ. ગણેશજી ના ધડ પર હાથીનું માથું ચોંટાડ્યું તેને વિશ્વનું પહેલું ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ પણ ભૂલી જઈએ છીએ કે તેમ કરવાની જરૂર કેમ પડી. એવો કેવો ગુસ્સો કે અજાણ્યા બાળકનું માથું વાઢી નાખ્યું? કેટલી બધી બેદરકારી કે માથું એવું ખોવાઈ ગયું કે જડ્યું જ નહી?

પડીકા ફેંકી દેવાનો આરંભ કરીશું ખરા? ક્યારે?


Home

-----XXX-----