યમરાજની આપવીતી

Home


સૂતો હતો, ગીતો સાંભળતા ઊંઘવા માટે. સાયગલનું ગીત વાગ્યું, "બજનેકો હૈ કૂજનધારા, હોના હૈ સબસે છૂટકારા". છાતીમાં થોડો દુઃખાવો લાગ્યો. આશા બંધાઈ કે સાચું પડશે.


પેલા દેખાયા. બીજા કોણ? જેમની રાહ જોતો હતો તે યમરાજ.


તેઓ કહે, "આમ ખુશ ના થા. તારે હજુ તો માનવજીવનના ઘણા દુઃખો સહન કરવાના બાકી છે."

હું - તો શીદ આવ્યા છો.

યમરાજ - કિશનજીએ ભલામણ કરી કે તું સારું લખી કાઢે છે.

હું - તો મારે શું લખવાનું છે?

યમરાજ - મારી આપવીતી.

હું - તે તમને શું વીત્યું?

યમરાજ- તમને માનવોને લાગે તેટલું સહેલું મારું કામ નથી.

હું - બોલવા માંડો .

યમરાજ - આ બધા ઋષિમુનિઓ અને સામાન્ય લોકો પણ શાપ આપી દે છે. મારી મુશ્કેલી વધી જાય છે.

હું - દાખલા તો આપો.

યમરાજ - સત્યુગમાં ગુરુ વશિષ્ઠ અને રાજા નેમીએ એકબીજાને મરવાના શાપ આપ્યા, વિધાતાને પૂછ્યા વિના જ. મારા બધા દૂતો વ્યસ્ત હતા. મારે જાતે જવું પડેલું.

હું - તો જીવવા દેવા હતા.

યમરાજ - મારાથી તારા જેવા ના થવાય. બીજો દાખલો પેલા નચિકેતાનો.

હું - તે તો બિચારો જ્ઞાન લેવા તમારી પાસે આવેલો તે ને?

યમરાજ - તેના બાપ વાજશ્રવસે અત્યંત ઘૃણાસ્પદ કામ કરેલું. મેં દાન નહોતું માગ્યું તો પણ છોકરો મને દાન કરી દીધો. ઋષિના પુત્રને કંઈ યમસહાયક કે યમદૂત બનાવાય? તે છોકરાએ પણ હાસ્યાસ્પદ વર્તન કર્યું. મારું ઘર હોય? કશેક જઈને ભૂખ્યો તરસ્યો ત્રણ દિવસ બેસી રહ્યો. મને જાણ થઈ. દયા આવી તેથી મળવા ગયો તો મારે ગળે પડ્યો. પૂછવા લાગ્યો. મેં ગલ્લાંતલ્લાં કર્યા. એવો ચીટકુ કે ગયો જ નહિ. મારી કને થોડું ગુગલ છે કે જવાબ શોધી કાઢું? અમે તો જીવાત્માઓને તેમના દેહમાંથી કાઢી ચિત્રગુપ્તને મોકલી આપીએ. પછી જે થાય તે. જેમ તેમ રવાના કર્યો. તેના બાપે મારું નામ વટાવી ખાધું.

હું - પણ લોકોને જ્ઞાન તો મળ્યું!

યમરાજ - તે જ્ઞાન તો મારું નામ દીધા વિના પણ આપી શકાયું હોત. પેલા કન્દીમ મુનિએ પાંડુ રાજાને શાપ એવો આપ્યો કે મારા દૂતોએ સતત એનું ધ્યાન રાખવું પડતું હતું કે કયારે પ્રેમ કરે કે તરત તેનો પ્રાણ હરી લઈએ.

હું - એ ખોટું.

યમરાજ - ને પેલો ગાંગેય. સ્વેચ્છામૃત્યુ કહેવાય છે તે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થવા જતું હતું તેથી મને થયેલું કે ડોસો મરવા ઇચ્છશે. ત્યારે તેનો જીવ ચિત્રગુપ્તને પહોંચાડવા અમે સુસજ્જ હતા. તે એવો નિર્લજ્જ નીકળ્યો કે મરવાની ઈચ્છા ના કરી તે ના જ કરી. પૌત્રવધૂને નિર્વસ્ત્ર થતી જોવા જીવતો રહ્યો. વિદુરજીને મરવું હતું પણ તેમનો સમય નહોતો આવ્યો.

હું - પિતામહે તે તો ઘણું ખોટું કર્યું.

યમરાજ - તો પણ તમે લોકો તો એના વખાણ કરતા થાકતા નથી. ને તમારા ધર્મરાજ. પાંચ જ ગામો ના મળ્યા તેથી, ત્રીજી વાર બ્રાહ્મણ બનવાને બદલે, લાખો પારકા સૈનિકોના પ્રાણ હોમી દીધા. એટલા તો કોવિડ મહામારીથી પણ મરતા નથી. અમે તો જેમ તેમ પહોંચી વળ્યા પણ બિચારા ચિત્રગુપ્તની ઠૂસ નીકળી ગઈ. આવી તો બીજી ઘણી વાતો છે.

હું - હૃ... હૃ.. હૃ. હૃ

યમરાજ - તારા તો નસકોરાં બોલવાં લાગ્યા. ચાલ હવે તને ઊંઘવા દઉં.

ગયા.


Home