મોક્ષેષણા

Home



માનવજીવનનો એક માત્ર (અથવા મહત્વનો) હેતુ મોક્ષ મેળવવાનો છે એવો ઉપદેશ વારંવાર સાંભળવા ને વાંચવા મળે છે. એનો અર્થ એમ કે एकोSहं बहु स्याम ને ઉલ્ટાવી નાંખો. શા માટે? તો કે આરંભમાં ગર્ભવાસથી અંતે મૃત્યુ સુધીનું પૂરેપૂરું જીવન વ્યથાકારક છે. ઉપરછલ્લે આ સાચું લાગે પણ ખરું. જરા નિરાંતે વિચારીએ.


માતાના ગર્ભમાં રહેલા બાળકને પીડા થાય છે કે બીજી કોઈ રીતે તે દુઃખી થાય છે એમ શા આધારે માની લેવામાં આવે છે? બનવાજોગ છે કે તેને ના તો આનંદ કે ના તો પીડા થતી હશે. માની લઈએ કે માતાના ગર્ભમાં ભ્રૂણને પીડા થાય છે. તો પણ માતાને જે સુખ અને સંતોષ મળે છે તેટલા ખાતર તે પીડા ભોગવવી જોઈએ. વળી સંતાનને વરસો અને દાયકાઓ સુધી માતાનો નિઃસ્વાર્થ પ્રેમ મળે છે તેની સરખામણીમાં નવ મહિનાની પીડા સાવ ઓછી ગણાય. વધારામાં પિતાનો સહારો મળે, દાદા-દાદી અને નાના-નાનીના વ્હાલ પણ મળે. આટલો સારો સોદો જવા દેવાય?


જીવનમાં પણ સર્વથા અને સર્વદા વ્યથા જ ભોગવવી પડે છે એવું નથી. થોડી પીડા નડે તો સદ્દગત બાલાશંકર કંથારિયા (કલાન્ત) ને યાદ કરીએ:


ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહજે

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.


રહી વાત મૃત્યુની. પાકેલા ફળ (ઉર્વારૂક) ની જેમ ખરી પડવાનું, તેમાં સુખ કેવું ને દુઃખ કેવું? કવિ કહે છે,


કોઈ વહેલું કોઈ મોડું જવાનું,

જાવાનો ના તેથી કંઈ હર્ષ શોક.


મરણ તો ક્ષણાર્ધમાં થઇ જાય છે. તેના પહેલા જુદી જુદી અવધિ માટે પીડા થાય છે તે તો જીવનમાં ગણાઈ જાય.


આવતો જન્મ અને ત્યાર પછીના બધા જન્મો દુઃખદાયક જ હશે એમ માનવું તે નકારાત્મક વિચારસરણી નથી? શરીરના દુઃખોનો ઉપાય નથી મળતો તેથી શરીર જ ના મળે એવું કરવું તે તો કાયરતા અને પલાયનવૃત્તિ ગણાય. લોકો બિચારા પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે ગુરુઓ પાસે જાય. ગુરુઓએ તે ના કરી શકે તેથી શિષ્યો અને અનુયાયીઓને ભ્રમમાં નાંખવા મોક્ષની કલ્પના ઉપજાવી કાઢી.


દેહ વગરનો આત્મા એટલે શું? ભૂત કે બીજું કાંઈ? તે શું કરી શકે? કશું જ નહીં. शरीरमाद्यं खलु धर्मसाधनम्। શરીર વિના તો ધર્માચરણ પણ ના કરી શકાય. સજ્જનો (સાધુ એટલે બાવા નહિ) ના રક્ષણ અને દુર્જનોનો વિનાશ કરવો હોય તો શરીર ધારણ કરવું જ પડે, વૈકુંઠમાં રહ્યા રહ્યા કે ક્ષીરસાગરમાં શેષનાગના ખોળામાં સૂતા સૂતા ના કરી શકાય.


જેટલો નકામો આત્મા વગરનો દેહ છે તેનાથી પણ વધારે નકામો દેહ વગરનો આત્મા છે. આત્મા વિનાનો દેહ જો બાળી ના નાંખ્યો હોય તો પશુ પક્ષીઓ કે જીવડાઓ તેને ખાઈને જીવી શકે. દેહ વિનાનો આત્મા તો કોઈને પણ કશું કામ ના લાગે. બ્રહ્મર્ષિઓને પણ શરીર વિના ચાલતું નથી તેનો પુરાવો વાલ્મીકિ રામાયણમાં છે.


તે રામાયણના ઉત્તરકાંડના ૫૫મા સર્ગમાં એવો પ્રસંગ આવે છે કે રાજા નિમિ અને ગુરુ વશિષ્ઠ બંને એકબીજાને શાપ આપવાથી મૃત્યુ પામ્યા. ત્યાર બાદ વશિષ્ઠના મૃતાત્માએ બ્રહ્માજી પાસે જઈને શું માંગ્યું? તે જાણવા ૫૬મા સર્ગના श्लोक ७ થી ८ १/२ જુઓ:


"ब्रह्माण्डकटाहसे प्रकट हुए देवाधिदेव महादेव! भगवन! मैं राजा निमिके शापसे देहहीन हो गया हूँ; अत: वायुरूपमें रह रहा हूँ || ७ ||


प्रभो! समस्त देहहीनोंको महान दुःख होता है और होता रहेगा; क्योंकि देहहीन प्राणीके सभी कार्य लुप्त हो जाते हैं | अत: दूसरे शरीरकी प्राप्तिके लिए आप मुझ पर कृपा करें" ||८ १/२ ||


(गीता प्रेस, गोरखपुर, का भाषांतर)


બ્રહ્મર્ષિ વશિષ્ઠને મોક્ષની ઈચ્છા નહોતી, શરીરની હતી. બીજા બધા ગુરુઓ શાને માટે મોક્ષને મહત્વ આપ્યા કરે છે?


મુમુક્ષુઓ બે પ્રકારના હોય છે. કેટલાક મુમુક્ષુઓ પ્રસિદ્ધિ કર્યા વિના સામાન્ય જનતાની જેમ જીવે. પોતે સાધના કરતા હોય પણ કોઈને ભારે ના પડે. બીજા કેટલાક પોતાની જાહેરાત કરીને જાણે સમાજ પર ઉપકાર કરતા હોય તેમ કશો કામધંધો કર્યા વિના જીવે. આશ્રમ ખોલે, ઉપદેશો આપે, પોતાની ચરણરજ લેવડાવે. તેમાંના કેટલાક ગૌરવાન્વિત ભિક્ષુકો તો હક કરીને માંગણી પણ કરે.


અત્યાર સુધીમાં કેટલા અને કયા આત્માઓને મોક્ષ મળી ગયા છે તેની કોઈ નોંધણી શક્ય નથી. તે બધા અત્યારે શું કરે છે? એટલું તો ખરું કે સારા આત્માઓ નિષ્ક્રિય થઇ ગયા. પરમેશ્વર માટે તેઓ બધા NPA (Non Performing Assets = નિરુત્પાદક સંપત્તિ) ગણી શકાય ને? અને માનવજાત માટે? ઉત્તમ ખેલાડીઓ "નથી રમતા" કહીને બેસી જાય તો આપણી ટીમ હારી જ જાય ને? તેથી જ દુનિયા બગડતી જાય છે?


જુદા જુદા ઇષ્ટદેવોના નામે એક વાર્તા અવારનવાર વાંચવામાં આવે છે. કોઈ શહેરની નદીમાં મોટું પૂર આવવાની ચેતવણી હતી. લોકોના સ્થળાંતર કરાતા હતા. એક ભાઈએ પહેલા બસમાં, પછી હોડીમાં અને છેલ્લે હેલીકૉપટરમાં જવાની ના પાડી કારણકે "મારો ઇષ્ટદેવ મને બચાવશે". ના બચ્યા. ઇષ્ટદેવને પૂછ્યું કે "તમે મને કેમ બચાવ્યો નહીં?" તો દેવે કહ્યું, "હું તો તને બચાવવા ત્રણ વખત આવ્યો હતો પણ તેં જ મને ઓળખ્યો નહિ." આવા નાના નાના કામો આપણે કરવાના હોય. અને તે માટે વારંવાર જન્મો લેવા જોઈએ.


આપણા અત્યારના શરીરોમાં જે આત્માઓ છે તે બધા આપણી પોતપોતાની માલીકીના છે કે તે બધાનો માલિક પરમેશ્વર છે? તેમનો ફરીથી ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી શકાય?


આપણા પૂર્વજોની તેમના પોતાના વ્યક્તિગત મોક્ષ માટેની એષણા (=ઘેલછા) નું દુષ્પરિણામ એવું આવ્યું કે બુદ્ધિશાળી લોકો પણ તેમની બુદ્ધિ આધ્યાત્મ પાછળ જ વાપરતા. કોઈ રડ્યા ખડ્યા માનવે કશી ભૌતિક શોધ કરી હોય તો તેને આગળ ધપાવવાની તસ્દી કોઈ લેતું નહિ. આનું જ્વલંત ઉદાહરણ અગસ્ત્ય સંહિતામાં છે. કોઈ પ્રયોગશીલ વ્યક્તિએ વીજળી કોષ બનાવી, તેનાથી પાણીમાંથી હાયડ્રોજન અને ઓક્સિજન છુટા પાડ્યા હતા.* તે ગ્રંથમાં લખાયું ખરું પણ તરત જ ભુલાવી દેવામાં આવ્યું. તે શોધને આગળ ચલાવી હોત તો ભારત કેટલું આગળ વધી ગયું હોત? વિદેશીઓના આક્રમણો ખાળી શકાયા હોત કે નહિ?


______________________________________

*

संस्थाप्य मृण्मये पात्रे ताम्रपत्रम् सुसंस्कृतम् ।

छादयेत शिखिग्नीवेनार्दाभिः काष्ठपांसुभिः ॥


दस्तालोष्ठो निघातव्यः पारदाच्छादितस्ततः ।

संयोगात जायते तेजो मित्रावरुण संज्ञितम् ॥


अनेन जलभंगोस्ति प्राणोदानेषु वायुषु।

एवम् शतानाम् कुंभानाम् संयोगः कार्यकृत्स्मृतः ॥


वायु बंधक वस्त्रेण निबद्धो यंमस्तके l

उदान: स्वलघुत्वे बिभर्त्याकाश यानकम ll


sansthaapya mrinmaye patre taamrapatram susanskritam

chhaadayet shikhigni venaardabhi kaashthpaamsubhi:


dastaaloshto nighaatavya: paaradaachhaditasta:

sanyogaat jaayate tejo mitraavarun sangyitaam


anena jala-bhangosti praanodaaneshu vayushu

evam shataanam kumbhaanam sanyoga: karyakrit smrita:


vaayu-bandhak vastrena nibaddho yan-mastake

udaan: swa-laghutve bibhartyaakaash yaanakam


"Take an earthen pot, place a copper sheet, and put the shikhigreeva in it. Then, smear it with wet sawdust, mercury and zinc. Then, if you join the wires, it will give rise to energy (Tejas) called Mitravaruna. This will lead to disintegration of water into Praan vayu (Oxygen) and Udaan vayu (Hydrogen) . A chain of one hundred jars is said to give a very active and effective force. The Udaan Vaayu thus created can then by trapped into an air-tight cloth with some tactic. If this is achieved, owing to self-buoyancy of Udaan vayu, it is possible to build a structure capable of flying in air"


- अगस्त्य संहिता शिल्प सूत्र - From Agastya Samhita, Shilpa Sutra (theory of architecture) - Most probably composed after 500 BC.


For details visit:


http://kalchiron.blogspot.com/2009/12/interesting-verse-from-agastya-samhita.html


Home