सा विद्या या विमुक्तये

Home


આપણી ઘણી શાળાઓના મુદ્રાલેખો "सा विद्या या विमुक्तये" હોય છે કારણ કે તેઓના નામને છેડે પણ વિદ્યાલય શબ્દ હોય છે. સામાન્ય ધારણા એવી હોય છે કે નિશાળોમાં જે ભણાવવામાં આવે છે તે વિદ્યા ગણાય.

આ સંસ્કૃત કથનનો અર્થ સમજવાની જરૂર છે.

સરળ અર્થ: વિદ્યા ભણવાથી મુક્તિ મળે છે.

ભાવાર્થ : વિદ્યા તો તે કે જેનાથી મુક્તિ મળે.

સૂચિતાર્થ: જેનાથી મુક્તિ ના મળે તેને વિદ્યા ન કહેવાય.

ગૂઢાર્થ: મુક્તિ (મોક્ષ) અપાવે તેને જ વિદ્યા કહેવાય. બીજું બધું ભણતર અવિદ્યા કહેવાય. નિશાળોમાં જે ભણાવવામાં આવે છે તે અવિદ્યા ગણાય.

ઉપનિષદો ઇત્યાદિ ગ્રંથો ધ્યાનને જ વિદ્યા ગણાવે છે. તે સિવાયના વિષયો જેવા કે ભૂગોળ, ગણિત, સાયન્સ ઇત્યાદિ બધા અવિદ્યા મનાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં વિદ્યા અને અવિદ્યા બંનેનો સમન્વય સાધવાની શિખામણ છે. પણ તેવું આચરણ બહુ ઓછા 'સાધકો'એ કર્યું હોય તેવું જણાય છે.

એક બહુ દૃઢ ભારતીય વિચારધારા અનુસાર મુક્તિ એટલે મોક્ષ. જન્મમરણના ચક્રમાંથી છૂટકારો મેળવવો તે. માનજીવનનો એકમાત્ર હેતુ મોક્ષ મેળવવાનો મનાતો. આ મોક્ષઘેલછાથી ભારતને ઘણી હાનિ થઇ છે.

સેંકડો આત્માઓને મોક્ષ મળી ગયો હશે પણ કરોડો બીજા મનુષ્યો ગરીબી અને અજ્ઞાનમાં સબડતા રહ્યા. કારણ કે અવિદ્યા ગણાતી શાખાઓની અવગણના અને અવહેલના કરવામાં આવતી. તેમાં મેળવાયેલી સિદ્ધિઓ સ્હેલાઈથી ભુલાઈ જતી. પરિણામે ભારતનો વિકાસ રૂંધાયો. આટલા મોટા દેશમાં પાંચ હઝાર વર્ષોમાં કમ સે કમ પાંચ સો શોધ થઇ હશે કે થઇ શકી હોત તેને બદલે દસ-પંદર શોધોના બણગાં ફૂંક્યા કરીએ છીએ.

અંતે દેશ ગુલામ બન્યો. તેમાંથી મુક્તિ विद्या થી નહીં પણ अविद्या થી મળી.

આ લખનારે ​આ ​લખાણ ​ઇમેઇલ પર ​રજૂ કર્યું હતું.

તેના પ્રતિભાવમાં એક વાંચકે સૂચવ્યું કે विद्या અને विमुक्ति અંગ્રેજીમાં સમજાવો. તે તો કર્યું. (Information v Knowledge) તેના પર બીજા એક માનનીય મિત્રે જણાવ્યું કે તે અંગ્રેજી લખાણ ગુજરાતીમાં રજુ કરો. તેનો આવડે એવો અમલ કરવા પ્રયત્ન કરું છું.

સંસ્કૃતમાં "જાણવું" અર્થનો विद् ધાતુ છે. તેના પરથી વિદ્યા એટલે જાણેલું શબ્દ આવ્યો, અને તેનું અર્થઘટન જ્ઞાન થયું. અને ખાસ કરીને આધુનિક ભારતીય ભાષાઓમાં આ બંને શબ્દો પરસ્પર પર્યાય તરીકે વપરાય છે. બે વચ્ચે થોડો ફેર છે તે નીચે જણાશે.

વિદ્યા જુદાજુદા ચાર પ્રકાર કે સ્તરની હોઈ શકે છે.

વિદ્યા શબ્દનો સૌથી વધારે ઉપયોગ "માહિતી" તરીકે થાય છે. તેને જ્ઞાન કહી શકાય નહીં. "કૌન બનેગા કરોડપતિ" પરના પ્રશ્નોના જવાબ માહિતી હોય છે, જ્ઞાન નહીં. તો પણ સરળતા ખાતર તેને જ્ઞાન કહેવાય છે. ગતિનું ગણિત (kinetics) ભણવાથી જ સાયકલ ચલાવતા આવડી ના જાય. રાગ રાગિણીના નિયમો વાંચીને ગાઈ ના શકાય. દોડવીરને તાલીમ આપનાર શિક્ષક પોતે તેટલી ઝડપથી દોડી ના શકે.

વિદ્યા શબ્દનો બીજો અર્થ "આવડત" (skill) પણ થાય. માહિતી હોય પણ તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. 'કરોડપતિ'ના 'ફાસ્ટેસ્ટ ફિંગર' પ્રશ્નનો જવાબ આવડતો હોય પણ કોમ્પ્યુટર પર ઝડપથી એન્ટર કરે તે જ હોટસીટ પર બેસી શકે. સંગીત નિર્દેશક ધૂન બનાવે પણ તે ગાવા માટે જુદા ગાયક કે ગાયિકાને બોલાવવા પડે. દોડવાની તાલીમ આપનાર પોતે ના દોડી શકે.

પછી આવે છે વિવેક, ડહાપણ કે સમજણ (wisdom). 'કરોડપતિ' પર કવીટ ન કરનાર બધી જીત ગુમાવી પણ બેસે. લાખો કે એક કરોડ રૂપિયા જીતનાર વ્યક્તિ તેને વેડફી નાંખે તો કેવું? ચોરને પકડવા દોડતો દોડવીર તેને પકડવાને બદલે તેનાથી આગળ નીકળી જાય તો શું કામનું? વિવેક વિના માહિતી અને આવડત બંને નકામા નીવડે.

છેલ્લે આવે "આત્મવિદ્યા". તેમાં ધ્યાન ધરવાની વિધિ વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિની વાતો આવે. તે અંગે કશું પણ લખવાની ક્ષમતા આ લખનારમાં નથી.

નીચે રજૂ કરેલા ઇતિહાસ પરથી ઉપરનું લખાણ સ્પષ્ટ થઇ શકશે.

વીસમી સદીના મહાનતમ સાયન્ટીસ્ટ* શ્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈને સન 1905માં તેઓનું વિખ્યાત સમીકરણ (E = mc2) પ્રસિદ્ધ કર્યું. તેના વડે m દળના કોઈ પદાર્થના પરમાણુઓનું વિભાજન કરવાથી કેટલી શક્તિ ઉત્પન્ન થાય તે ગણતરી કરી શકાય છે. પરંતુ તે માહિતીનો ઉપયોગ કરવા માટે પરમાણુઓનું વિભાજન કરતાં આવડવું જોઈએ.

જર્મનીથી આવેલા બે અમેરિકન સાયન્ટીસ્ટોને ખબર મળ્યા કે જર્મનો અણુબોંબ બનાવવાની આવડત શોધવાનો પ્રયત્ન કરતા હતા. તે સાયન્ટીસ્ટો આઈન્સ્ટાઈનને મળ્યા અને ત્યારના અમેરિકન પ્રમુખને લખવાના પત્રનો ખરડો બતાવ્યો. તેમાં દરખાસ્ત હતી કે જર્મનો સફળ થાય તે પહેલા અમેરિકાએ અણુંબોંબ બનાવવો જોઈએ. આઈન્સ્ટાઈને તે પત્ર પર 2 ઑગસ્ટ 1939 ના રોજ સહી કરી તે પત્ર મોકલ્યો. અમેરિકન સરકારે અણુંબોંબ બનાવવા માટે 'મેનહટન પ્રોજેક્ટ' શરૂ કર્યો. આઈન્સ્ટાઈન 'શાંતિવાદી' ગણાતા હોવાથી બાકાત રખાયા. રોબર્ટ ઓપનહાઇમારને જવાબદારી સોંપી. બીજા કેટલાક સાયન્ટીસ્ટોએ સહાય કરી. તેમને પાછળથી નોબેલ પારિતોષિક પણ મળ્યા. 1945માં બોંબ બનાવવામાં સફળતા (આવડત) મળી. જર્મનો તો હારી જ ગયા હતા. પણ જાપાન લડતું હતું. તેના હિરોશિમા અને નાગાસાકી નગરો પર બે બોંબ નાંખ્યા. બંને પક્ષે જ્ઞાનનો અભાવ હતો.

બીજા વિશ્વયુદ્ધમાં 8 મે 1945 ના દિવસે જર્મનીએ હાર સ્વીકારી લીધી. ત્યારબાદ ત્રણેક મહિનામાં 6 ઑગસ્ટ 1945 ના દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર બીજો બોંબ નાંખ્યો. આ દરમ્યાન 'મહાન' સાયન્ટીસ્ટ રૉબર્ટ ઓપનહાઇમાં અને રીચાર્ડ ફેયન્માન તેમનું સંશોધન અટકાવી શક્યા હોત જો તેમનામાં થોડું પણ ડહાપણ હોત. તે ના થયું.

દરમ્યાન બ્રિટિશરોએ ખરું ડહાપણ વાપર્યું. તેમને પણ જર્મનોના પ્રયાસોની જાણ થયેલી. બોંબ બનાવવા માટે 'ભારે પાણી' (heavy water) ની જરૂર પડતી હોય છે. જર્મનોએ તે બનાવ્યું પણ હતું. બ્રિટિશરોએ બે વાર ષડ્યંત્રો દ્વારા તેના જથ્થાઓના નાશ કરેલા જેનાથી જર્મનોના પ્રયાસો ઢીલમાં પડ્યા. અણુંબોંબ બનાવી શકે તે પહેલા જર્મનો હારી ગયા.

1905 થી 1945 સુધીના ચાલીસ વર્ષ દરમ્યાન આઈન્સ્ટાઈને એક વાર પણ એવો વિચાર ના જણાવ્યો કે અણુશક્તિનો ઉપયોગ શાંતિમય હેતુઓ માટે કરી શકાય. છતાં તેઓ 'શાંતિવાદી' ગણાતા હતા. ઓપનહાઇમારને કે તેમના સહાયક સાયન્ટીસ્ટોને પણ છ વર્ષ દરમ્યાન એવો વિચાર ના આવ્યો કારણ કે સાયન્સથી જ્ઞાન મળતું નથી.

1954માં અમેરિકન સરકારે અણુશક્તિનો શાંતિમય ઉપયોગ કરવા મટે U.S. Army Nuclear Power Program શરૂ કરેલો. 1957માં પહેલું અણુવિદ્યુત મથક શરું થયું હતું.

હવે આવે विमुक्ति એટલે છુટકારો. તેને માટે બંધન હોવું જોઈએ. અધ્યાત્મમાં આત્માને શરીરનું બંધન હોવાનું મનાય છે. જન્મ પુનર્જન્મ ઇત્યાદિ ગહન વિષયો આ લખનારની ક્ષમતાની બહાર છે. પણ मुक्ति અંગે વિચારીએ.

मुक्ति એટલે પણ છુટકારો પરંતુ ક્યારેક બંધન વિનાની આઝાદી પણ હોઈ શકે. આપણે માનીએ છીએ કે આઝાદી આપણો જન્મસિદ્ધ હક છે, જ્યાં રહીએ ત્યાંના કાયદા અને નિયમો પાળવા બંધાયેલા નથી. પરિણામે આપણે બધા આપણી પોતાની તેમ જ બીજાઓની 'આઝાદીના ગુલામ' બની જઈએ છીએ. પોતાને અને બીજાઓને હાનિ પહોંચાડીએ છીએ. કોરોના વાઈરસ ના સમયમાં સાયન્સઅનુસાર બનેલા નિયમોનું પાલન કરવામાં આઝાદી વાપરીને પોતાને અને બીજાઓને ખતરામાં મૂકીએ છીએ.

______________________________

* અંગ્રેજી 'સાયન્સ' (science) શબ્દનું ભાષાંતર ભૂલથી 'વિજ્ઞાન' થઇ ગયું, સ્વીકારાયું અને પ્રચલિત થયું. પણ તે ખોટું છે કારણ કે સાયન્સ માહિતી આપે છે​. સાયન્સ દ્વારા આપણને જરૂરી, બિન જરૂરી, ઉપયોગી, નિરુપયોગી, હિતકારી કે હાનિકારી બધી માહિતી મળે. તેનો ઉપયોગ ક્યાં, કેવી રીતે કે શા માટે કરવો તે વિવેક નહીં. તેથી અંગ્રેજી શબ્દ જેમનો તેમ રહેવા દેવો જોઈએ.


Home

Information v Knowledge