ભારતીય સંસ્કૃતિની મહાનતા (?)
ભારતીય સંસ્કૃતિની મહાનતા (?)
Dispels our boastful tall claims
ભારતીય સંસ્કૃતિની મહાનતા (?)
(Hindu Pride or Vainglory? નો ગુજરાતી અનુવાદ)
સહસ્ત્રાર્જુનથી માંડીને કર્ણ સુધીના સેંકડો જ નહીં પણ હજારો વર્ષો દરમ્યાન ભારતીય સંસ્કૃતિ એક પણ એવા બ્રાહ્મણને પેદા ન કરી શકી કે જે પરશુરામની વિદ્યા માટે સુપાત્ર હોય. પરિણામે તે વિદ્યા એળે ગઈ.
તેનાથી પણ લાંબા એવા, ઈક્ષ્વાકુથી અર્જુન સુધીના સમય ગાળા દરમ્યાન આપણી સંસ્કૃતિએ યોગ જેવા યોગને પણ નષ્ટ થવા દીધો એમ તો સ્વયં શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના બીજા શ્લોકમાં કહ્યું છે.
ભારતમાં જ્યારે બીજા ધર્મો તો હતા પણ નહીં ત્યારે જે સંસ્કૃતિ પોતાની વિદ્યા તથા યોગને સાચવી ન શકી તેની મહાનતાના પોકળ મિથ્યાભિમાનમાં રાચવાને બદલે તેને સુધારવી જોઈએ. સંસ્કૃતિના અધઃપતન માટે જવાબદાર ઋષિમુનિઓને તેમની નિષ્ફળતાનો દોષ આપી શકાય તેમ તો રહ્યું નથી પણ તેમની પ્રસંશા કરવાનું બંધ કરીને તેમની ભૂલો સુધારવા પ્રયત્નશીલ થવું આવશ્યક છે. ભૂલોને સુધારવી તો જોઈએ જ ને? તો ચાલો આપણે થોડું આત્મનિરીક્ષણ કરીએ.
પહેલાં તો 'ગૌરવ' અને 'મિથ્યાભિમાન' વચ્ચેનો તફાવત સમજીએ. ગૌરવ એટલે જેને માટે ગૌરવ ધરાવતા હોઈએ તેના સારા પાસાઓના વખાણ ભલે કરીએ પણ તેની ખામીઓ અંગે સભાન હોઈએ અને તેમનો ઉપાય કરવા પ્રયત્નશીલ બનીએ અને રહીએ. જ્યારે મિથ્યાભિમાની તો તેની પ્રિય બાબતના કેવળ વખાણ જ કરે એટલું જ નહીં પણ તેની ક્ષતિઓને પણ મારી મચડીને વ્યાજબી ઠરાવવા બધા જ બહાના કાઢે. હવે તો આપણે આપણી વિચારસરણીને પ્રતિકૂળ એવા ઇતિહાસને પણ બદલી નાંખવા માંડ્યા છીએ. આવા મિથ્યાભિમાનથી ભારતીય સંસ્કૃતિને લાભ નહીં પણ નુકશાન જ થઈ શકે.
આપણે બધા આપણા પૂર્વજોની છૂટી છવાઈ વ્યક્તિગત સિધ્ધિઓને બિરદાવવામાંથી જ ઊંચા નથી આવતા. પણ જરા પણ વિચાર કરતા નથી કે એ બધી સિધ્ધિઓ ગઈ ક્યાં? વિમાન બનાવતા આવડતું હતું તો પછી બીજા વિમાનો કેમ નહીં બનાવ્યા? આયુર્વેદિક દવાઓ તો ઘણી બને છે. "વાયુર્વેદિક વિમાન" બનાવવાનું જ્ઞાન પણ છે. વિમાનશાસ્ત્ર ના બે સંસ્કૃત ગ્રંથો ઇન્ટરનેટ પર મળે છે. તેના આધારે વિમાન બનાવવાનું એક કારખાનું સ્થાપવાનું સાહસ કોઈ ભારતીય સંસ્થા કે ઉદ્યોગપતિ એ હજુ સુધી નથી કર્યું. કેમ?
ભૌતિક સફળતાને પણ પોતપોતાના આધ્યાત્મિક ચમત્કાર તરીકે ખપાવીને ગુરૂઓએ ઈશ્વર ને બદલે પોતાની પ્રત્યે શ્રધ્ધા પેદા કરી તેને ટકાવી રાખવા માટે તેનું જ્ઞાન બીજા કોઈને આપ્યું નહીં. પરિણામે તે શોધ ભૂલાઈ ગઈ.
અગસ્ત્ય સંહિતાના કેટલાક શ્લોકો અનુસાર કોઈએ વીજળી કોશ બનાવીને પાણીમાંથી ઓક્સીજન અને હાયડ્રોજન છુટા પાડ્યા હતા. આવી અગત્યની શોધને કોઈએ પણ આગળ ના ચલાવી. પરિણામે આ શોધનો લાભ પ્રજાને ન મળ્યો. કોઈ મિત્રો તેનો દોષ પરદેશીઓને આપે છે. પણ પરદેશીઓ તો સેંકડો બલકે હજારો વર્ષો પછી ભારતમાં આવ્યા. તે પહેલાના આપણા પૂર્વજોએ શું કર્યું? બધા મોક્ષની સાધનામાં પડ્યા હતા.
જ્યારે પશ્ચિમમાં ટેસ્ટટ્યુબ શિશુની શોધ થઈ ત્યારે આપણા કેટલાક વડીલોએ કહેવા માંડ્યું કે 'એમાં શું, અમારી ગાંધારીએ પણ સો કુંભમાં ગર્ભ મૂક્યા હતા.' પણ તો પછી કૌરવો જેવા ખરાબ સો સો સંતાનોને પેદા કરવાને બદલે એકાદ સારૂં સંતાન જ પેદા કરવું હતું ને એવો વિચાર કોઈ નથી કરતું કારણ કે મિથ્યાભિમાનમાં રાચવાનું બહુ સહેલું છે.
આપણે તો એવા ભિખારી જેવા છીએ કે જેમની પાંચમી પેઢી કરોડપતિ હોય પણ વચ્ચેની પેઢીઓએ બધી મિલ્કત ગુમાવી દીધી હોય. આપણા હજારો વર્ષો પહેલાના પૂર્વજોની સિધ્ધિઓ વચગાળાના સમયમાં ભૂલાઈ ગઈ તેનું કારણ આપણી સમાજવ્યવથામાં હતું અને છે.
યોગ નાશ પામવાનું એટલે કે ભૂલાઈ જવાનું કારણ તો ગીતાના ચોથા અધ્યાયના બીજા શ્લોકમાં જ છે. કહ્યું છે કે 'એવં પરંપરાપ્રાપ્તં ઇમં રાજર્ષયોઃ વિદુઃ'. આ યોગ કેવળ રાજાઓને જ શીખવવામાં આવતો હતો, સામાન્ય પ્રજાને નહીં. આપણા 'અત્યંત મહાન' ઋષિમુનિઓએ એવી સમાજવ્યવસ્થા બનાવી હતી કે જ્ઞાનને પણ સત્તાધારીઓનો ઈજારો બનાવી દીધો હતો.
તેવી જ રીતે શસ્ત્રવિદ્યા ભુલાઈ જવાનું કારણ પરશુરામની માનસિક સંકુચિતતા કે તે વિદ્યા બ્રાહ્મણ સિવાય બીજા કોઈને નહીં આપવાની હઠ બે હજાર વર્ષો સુધી ચલાવી, સુપાત્ર બ્રાહ્મણની રાહ જોઈ પણ એકાદ બ્રાહ્મણ બાળકને દત્તક લઈ સુપાત્ર બનાવવાની તસ્દી ન લીધી.
આ તો ખાસ કિસ્સાઓ હતા. પણ વર્ણવ્યવસ્થાને લીધે અનેક વિદ્યાઓ તથા સંશોધનો લુપ્ત થયા. બ્રાહ્મણો એવા મિથ્યાભિમાનમાં રાચતા હોય છે કે તેમની જ્ઞાતિ જ ખૂબ બુધ્ધિશાળી છે. ધારો કે બ્રાહ્મણોના ૯૦ ટકા બુધ્ધિશાળી હોય છે. સમાજના આશરે ૧૦ ટકા વસ્તી બ્રાહ્મણો હોય તો લગભગ ૯ ટકા બુધ્ધિશાળી થયા. બાકીના ૯૦ ટકા સમાજના કેવળ ૧૦ ટકા જ બુધ્ધિશાળી હોય તો પણ લગભગ ૯ ટકા થાય. એટલે કે સમાજના આશરે ૧૮ ટકા બુધ્ધિશાળી લોકોમાંથી અડધોઅડધ લોકોને તેમની બુધ્ધિ વાપરવાની મનાઈ હતી. વિચાર કરો કે કેટલા મોટા પ્રમાણમાં આપણે પ્રજાની બુધ્ધિશક્તિ વેડફી નાંખી હતી.
કેટલાક ધર્મપ્રચારકો એવી દલીલ કરે છે કે શ્રીકૃષ્ણએ પોતે ચાતુર્વણ્યનું સર્જન કર્યું હોવાથી તે જ સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે. પણ 'સમત્વં યોગ ઉચ્યતે' કહેનાર શ્રીકૃષ્ણ અસમતાની ગંગોત્રી એવી વર્ણવ્યવસ્થાનો વિચાર પણ કરી શકે ખરા? પરમેશ્વર કદી આવી અન્યાયી, ક્રૂર અને અમાનુષી વર્ણવ્યવસ્થાનું સર્જન કરે ખરા? મનુસ્મૃતિ વાંચ્યા પછી જ ખ્યાલ આવી શકે કે તે વ્યવસ્થા કેટલી ભેદભાવભરેલી હતી અને છે. ગીતાના ચોથા અધ્યાયનો તેરમો શ્લોક બહુધા ક્ષેપક હશે. આમ તો અર્જુનના બધા પ્રશ્નોના ઉત્તર પહેલા ત્રણ અધ્યાયમાં અપાઈ જ ગયા હતા. ચોથા અધ્યાયનો પ્રારંભ શ્રીકૃષ્ણ એવા ઉત્તરથી કરે છે કે જેનો પ્રશ્ન અર્જુને પૂછ્યો જ ન હતો. સંભવતઃ ચોથાથી અઢારમા સુધીના બધા જ અધ્યાય ક્ષેપક હશે.
આપણે आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: (વિશ્વભરમાંથી અમને સારા વિચારો આવી મળો) કહીને સારાસારા વિચારોને આવકાર્યા. પણ आ नो भद्रा: मानवा: यन्तु विश्वत: (વિશ્વભરમાંથી અમને સારા માનવો આવી મળો) એમ ના વિચારીને સારા લોકોને ના તો આવકાર્યા કે સ્વીકાર્યા. તેટલું જ નહિ પણ છળ, લાલચ કે બળને લીધે એક વાર પરધર્મી થઇ ગયેલા હિન્દુઓને પણ પાછા ના લીધા. ન્યાતબહાર મુકાયેલા કુટુંબો ધર્મ બહાર પણ થઇ જ ગયા. પરિણામે પેદા થયા 'કાલા પહાડ' જેવા ખૂંખાર ધર્મપ્રચારકો જેમણે હજારો હિન્દુઓને જોર જુલમથી મુસ્લિમ બનાવ્યા, કે મહમદ અલી ઝીણા જેમણે દેશના ભાગલા પડાવ્યા.
કેટલાક લોકો ભારતીય વેશભુષાનો આગ્રહ રાખે છે. એક જાણીતા ગુજરાતી લેખકના મતે 'ધોતિયું તેના પહેરનારના દેશપ્રેમ, સંસ્કૃતિપ્રેમ અને ધરતીપ્રેમનું પ્રતીક છે.' ધોતિયું અને સાડી તો સોયની શોધ થયા પહેલાનો વેશ છે. જોઈએ તેના કરતા ત્રણથી ચાર ગણું કાપડ વપરાય છતાં શરીર બરાબર પૂરેપૂરું ઢંકાય નહિ તેવા વેશને વળગી રહેવામાં દેશપ્રેમ, સંસ્કૃતિપ્રેમ કે ધરતીપ્રેમ ક્યાંથી આવી ગયા?
ગ્રીસના સ્પાર્ટાના એક રાજાએ કહ્યું હતું કે 'The nation that makes a great distinction between its scholars and its warriors has its thinking done by cowards and its fighting done by fools જે રાષ્ટ્ર પોતાના વિદ્વાનો અને યોધ્ધાઓ વચ્ચે મોટો તફાવત રાખે છે તેનું વિચારવાનું કામ કાયરો અને લડવાનું કામ મૂર્ખાઓ કરે છે.' જ્ઞાતિ પ્રથાનો સૌથી મોટો ગેરલાભ આ છે. આનો અનુભવ ભારતને થઈ ચૂક્યો છે. આપણા બહાદુર રાજાઓ લડતા તો હતા પણ બુધ્ધિપૂર્વક નહીં, તેમના સલાહકારો કાયરતાની સલાહ આપતા હતા. સોમનાથનો ભંગ તથા પૃથ્વીરાજની હાર આવા કારણોને લીધે જ થયા હતા.