મુક્ત બજારોનો ફાયદો કેમ નથી થતો
મુક્ત બજારોનો ફાયદો કેમ નથી થતો
(How Wealth does not Work નો ગુજરાતી અનુવાદ)
મૂડીવાદના સમર્થકો માને છે અને બીજાઓને મનાવવા ધારે છે કે મુક્ત બજારોનો લાભ બધાને મળે છે. એક અમેરિકન અંગ્રેજી સામયિકમાં એક લેખકે લખ્યું હતું કે "ફક્ત અમેરિકામાં જ નહીં પણ દુનિયાભરમાં મુક્ત બજારોનો અર્થ એ કે લોકોને તેમની મહેનતના ફળ પર કુદરતી અધિકાર છે અને તેનો તેઓ યથેચ્છ ઉપભોગ કરી શકે છે સિવાય કે બીજાના મોં પર સડેલા પદાર્થો નાખે." (બીજાને નુકશાન પહોંચાડે). તેઓ ભૂલી જય છે કે કર્મચારીઓ અને ઘરાકોને નુકશાન પહોંચાડ્યા વગર કોઈ ધનવાન બની શકતું નથી.
એવા ઘણા ઉપાયો છે કે જેનાથી કેટલાક લોકો ગરીબો અને મધ્યમવર્ગીયોને ખૂબ નુકશાન પહોંચાડીને પૈસાદાર બની જાય છે. એવા પણ ધનિકો જોવામાં આવે છે કે જે માલ મળ્યા પછી કે કામ કરાવ્યા પછી પૈસા આપતી વખતે આનાકાની ને રકઝક કરીને ઠરાવ્યા કરતા ઘણા ઓછા પૈસા આપતા હોય છે. અમેરિકાના એક કરોડપતિ તો આવી ચાલાકી માટે જાણીતા છે.
વસ્તુઓ અને સેવાઓ માટે ખૂબ ઊંચા ભાવ લઈને મહત્તમ નફા રળ્યા સિવાય પૈસાદાર બની શકાતું નથી. તેટલે અંશે તેઓ ઘરાકોને નુકશાન પહોંચાડે જ છે કારણ કે હવે તેમની પાસે તેમની જરૂરિયાતો માટે ઓછા પૈસા રહે છે. દાખલા તરીકે જો કોઈ મકાનમાલિક તેના ભાડૂત પાસેથી વ્યાજબી ભાડા કરતા ૧૦૦ રૂપિયા વધારે ભાડું લે તો તે ભાડૂતને તેની મહેનતના ફળ રૂપે મળેલી આવકમાંથી ખોરાક, કપડા કે બીજી કામની વસ્તુ લેવા માટે ૧૦૦ રૂપિયા ઓછા રહે અને કોઈ જરૂરિયાત તો જતી કરવી જ પડે. આ રીતે તે મકાનમાલિકે ભાડૂતને નુકશાન પહોંચાડેલું ના કહેવાય તો શું કહેવાય? ધનવાનો અને તેમના પુરસ્કર્તાઓ સંપત્તિ પેદા કરવાના આવા ગંદા પાસાઓ ભૂલી જાય છે અથવા તેમને અવગણે છે. એટલું જ નહીં પણ તેમના કરવેરા ઘટાડવાની માંગણી કર્યા કરે છે.
સંપત્તિના બીજા ફાયદાઓ આવા લેખકો ગણાવતા હોય છે કે રોકાણને કારણે નોકરીઓની તકો પેદા થાય છે વગેરે. પણ જો આ રોકાણકારો લોકોનું શોષણ ના કરે તો આવા ફાયદાઓ ઘણા વધારે મળી શકે. રોકાણકારોને તેમની મૂડીનું રોકાણ કરવામાં દેશ, ધર્મ, માનવતા કે અંતરાત્માનો અવાજ નડતા નથી. તેઓ તો બે પરસ્પર લડતા બંને જૂથોને હથિયાર પુરા પાડશે, સુલેહ કરાવવાનો પ્રયત્ન નહીં કરે. કોઈ કંપની તેના કર્મચારીઓની છટણી કરે તો તેના શેરના ભાવ વધી જાય. શેરના ભાવમાં થોડી વધઘટ થાય કે તરત શેર વેચી દેનારાઓ પ્રજાનું તો શું, એકાદ કંપનીનું પણ ભલું નથી કરતા.
બાઈબલમાં કહ્યું છે કે "સોયના કાણામાંથી ઊંટ પસાર થઇ શકે પણ સ્વર્ગના દરવાજામાંથી પૈસાદાર વ્યક્તિ પસાર ના થઇ શકે" તેને માટે જોરદાર વ્યાજબી કારણો છે.
આમ છતાં મૂડીવાદને તજી દેવાની જરૂર નથી. જરૂર છે તેમાં અત્યારે વસેલા દૈત્યને બદલે દેવને વસાવવાની. તેમ કરવા માટે નીચેના પગલા લઇ શકાય.
આપણે સમજવું જોઈએ કે ઈશ્વરે આપણને જે બુદ્ધિ આપી છે તે માનવજાતની સેવા કરવા માટે આપી છે નહિ કે "બૌદ્ધિક સંપત્તિના અધિકારો" (Intellectual Property Rights) ને નામે ઘરાકોનું શોષણ કરવા માટે. જે રીતે દવા કંપનીઓ આસમાની ભાવો લઈને અઢળક નફો રળે છે તે અટકાવવું જોઈએ.
લોભ સારી વસ્તુ છે એમ માનવા મનાવવાનું બંધ કરવું જોઈએ. તે સામ્યવાદીઓએ પ્રસારેલી ઈર્ષ્યાવૃત્તિ જેટલી જ ખરાબ વૃત્તિ ગણાવી જોઈએ. લોભ અને ઈર્ષ્યા બેઉ માનવીય ભાવો છે તેથી જ તેમને માફ ના કરી શકાય. આવા જ બીજા ભાવો પણ છે પણ તેમને અંકુશમાં રાખવા તેનું જ નામ તો સંસ્કૃતિ છે ને?
"મારે તેની તલવાર" કે "જિસકી લાઠી ઉસીકી ભૈંસ" (Might is right) એ જંગલી નિયમ હતો. તેને બદલીને "પૈસા આપે તેની તલવાર" (Financial might is right) એવો બીજો જંગલી નિયમ ના ચલાવવો જોઈએ.
નફો ખરાબ નથી, નફાખોરી છે. ગમે તેવા ઉપાયે મહત્તમ નફો રળવાની પ્રવૃત્તિ અત્યંત ઘૃણાસ્પદ અને અનીશ્વરીય છે. રોકાણ-વળતર (Return on Investment) અમર્યાદ ના હોવું જોઈએ. એ ખરું કે વધારે વળતર ન મળવાનું હોય તો કોઈ આર્થિક પ્રવૃત્તિઓ શરુ જ ના કરે. બેંકમાં મુદતી ડીપોઝીટ પર જેટલા ટકા વ્યાજ મળતું હોય તેનાથી બમણા ટકા જેટલું વળતર વ્યાજબી ગણી શકાય. તેનાથી વધારે વળતર પર પ્રતિબંધ તો ના મૂકવો જોઈએ પણ તેના પર વધારાનો કર લેવો જોઈએ. એક દાખલા વડે આ સ્પષ્ટ થઇ શકે. ધારો કે બે જુદી જુદી કંપનીઓ એક કરોડ રૂપિયાનો કરપાત્ર નફો કરે છે. બંને રકમ સરખી હોવાથી તેમનો ટેક્ષ એક સરખો હોય. પરંતુ અમુક કંપનીનું રોકાણ ૫ કરોડ રૂપિયા અને તમુક કંપનીનું રોકાણ 3 કરોડ રૂપિયા હોય તો તમુક કંપનીનો ટેક્ષ વધારે હોવો જોઈએ કારણ કે તેનું વળતર અમુક કંપની કરતા વધારે છે. આ એટલા માટે શક્ય બન્યું કે તમુક કંપનીએ તેને પોસાય તેના કરતા વધારે ભાવ ઘરાકો પાસેથી લીધા. જો કંપનીઓ મુક્ત બજારમાં ફરિફાઈ કરતી હોય તો તેઓ ખૂબ ઊંચા રોકાણ-વળતર મેળવે છે તે શક્ય ના બને. ઊંચા વળતરો દર્શાવે છે કે તે કંપનીઓ હરીફાઈનો દેખાવ જ કરે છે. ખાસ કરીને અમેરિકન વીમા કંપનીઓ અમેરિકાના બજારમાં પણ સાચી હરીફાઈ નથી કરી શકતી તેથી તેમને શર્મન કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કાયદા હેઠળ બીજી બધી કંપનીઓને અંદર અંદર હરીફાઈ કરવા મજબુર કરવામાં આવે છે. (દાખલા તરીકે જૂની AT&T કંપનીને નાની નાની જુદી જુદી કંપનીઓમાં આ કાયદા હેઠળ તોડી નાખવી પડી હતી.) જે કંપનીઓ અમેરિકામાં હરીફાઈ નથી કરી શકતી તેઓ ભારતના બજારમાં હરીફાઈ કરવાની પરવાનગી માંગે અને ભારત સરકાર તે આપે તે યોગ્ય છે?
વસ્તુઓ અને સેવાઓના ભાવો "બજાર ખમે તેટલા ઊંચા" (whatever the market bears) રાખવાને બદલે તેમના ઉત્પાદન ખર્ચ પર વ્યાજબી નફો ઉમેરીને નક્કી કરવા જોઈએ.
"ઘરાક ચેતે" (Buyer beware) એવું એક સૂત્ર પશ્ચિમના મુડીવાદી દેશોમાં પ્રચલિત છે. ઘરાકોની મજબુરીનો લાભ લઇ પૈસાદાર થવાનો આ એક અત્યંત ઘૃણાસ્પદ ઉપાય છે. વેપારીને તો છેતરવાનો હક છે પણ ઘરાકે સાવચેત રહેવું જોઈએ એમ આ સૂત્ર કહે છે. વેપારી તેના માલ અંગે ખોટી કે અધુરી માહિતી આપે તો ઘરાક તેની ચકાસણી કેવી રીતે કરી શકે? બધા ઘરાકો પાસે બધી ખરીદીઓ વિષે ચકાસણી કરવાની આવડત કે સમય હોતા નથી. વળી બજારમાં નવા રજુ કરાયેલા ઉત્પાદન અંગે બીજા ઘરાકોના અનુભવ જાણવાનું પણ શક્ય નથી હોતું. મોટા ભાગના વેપારીઓ પ્રમાણિક હોય છે પણ થોડા ઘણા જો છેતરપીંડી કરવા જતા હોય તો તેમને અટકાવવા અથવા જો છેતરપીંડી થઇ જ ગઈ હોય તો ઘરાકને ન્યાય અપાવવા સરકાર પગલા લે તો તેને મુક્ત બજારના હકનો ભંગ ગણીને વિરોધ કરવામાં આવે તે ખોટું છે. જેમ કે અમેરિકામાં એક મોટી દવા કંપનીએ તેની દવાની આડઅસરો વિષે બધાને અંધારામાં રાખીને કરોડો ડોલરની દવાઓ વેચી. પરિણામે ૨૭,૦૦૦ દર્દીઓને હૃદયરોગની તકલીફ થઇ. તેમાંથી એક ટકાનું પણ મરણ થયું હોય તો ૨૭૦ જણા મર્યા. આ ગંભીર અપરાધની સજા એ કંપનીને કરવામાં આવે તો તે શું મુક્ત બજાર પર આક્રમણ ગણાય? જે કંપનીઓ નફા ખાતર અમેરિકન પ્રજાનું અહિત કરતા ખચકાતી નથી તે ભારતની પ્રજાનું ભલું કરે તેવી આશા રાખી શકાય?
સરકારે બજારની ગતિવિધિમાં દખલગીરી ના કરવી જોઈએ તે ખરું પણ સાથે સાથે એ જોવાની પણ સરકારની ફરજ છે કે બીજું કોઈ આવી દખલગીરી, જેવી કે બનાવટી તંગી ઊભી કરીને કોઈ ચીજના ભાવ વધારી દેવા, ના કરે.
કોઈ પણ કંપની કે ધંધાના નફાના પહેલા ૧૦ ટકા પર તેના માલિકો કે શેરહોલ્ડરોનો હક ગણાય. તેનાથી વધારાના નફામાં બીજા ત્રણ હક્દારોના ભાગ પણ ગણવા જોઈએ, કર્મચારીઓ, ઘરાકો અને સમાજ. તેમને બોનસ, ભાવઘટાડા અને સરચાર્જ ટેક્ષ રૂપે ભાગ આપવો જોઈએ.
શેરબજારમાં સાંકડી વધઘટે વારંવાર સોદાઓ થાય છે તેનો લાભ સમાજ ઉર્ફે સરકારને પણ મળવો જોઈએ. જેવી રીતે બીજી ચીજવસ્તુઓ પર વેચાણવેરો હોય છે તેવી રીતે શેરોની લેવેચ પર ખરીદી વેરો હોવો જોઈએ પછી ભલે સાવ નાનો હોય. તેની આવક કેન્દ્ર સરકારને મળવી જોઈએ. કશું જ ઉત્પાદન કર્યા વગર ઘડીઘડી શેરોની લેવેચ કરીને લાખો-કરોડો રૂપિયા કમાનારાઓએ દેશને થોડી તો મદદ કરવી જોઈએને?
તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય સોદાઓ પર પણ આંતરરાષ્ટ્રીય ખરીદી વેરો નાખવો જોઈએ જેની આવક યુનો ચલાવવામાં વાપરી શકાય.
જીસસે કહ્યું છે કે જેઓ શસ્ત્રો પર આધાર રાખીને જીવશે તેઓ શસ્ત્રોથી પાયમાલ થશે. તે ઉક્તિમાં થોડો ફેરફાર કરીને કહી શકાય કે જે પ્રજાઓ કેવળ બજાર પર આધાર રાખશે તેમને બજાર જ પાયમાલ કરશે કારણ કે બજારો ઈશ્વરના સિદ્ધાંતોનું પાલન નથી કરતા. કંપનીઓના વ્યવસ્થાપકો સમેત બધા કર્મચારીઓની એક માત્ર ફરજ તેમની કંપનીને મહત્તમ નફો રળી આપવાની હોય. તેમાં કશું ખોટું પણ નથી. ખોટું એ છે કે કંપનીઓને પ્રજાઓની તારણહાર માનવામાં આવે છે અને તેમના પરના વ્યાજબી અને જરૂરી અંકુશોનો પણ વિરોધ કરવામાં આવે છે. સરકાર અને સરકારી કર્મચારીઓ ગમે તેટલા બિનકાર્યક્ષમ કે ભ્રષ્ટ હોય તો પણ તેમના પર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનીધીઓની દેખરેખ અને ન્યાયતંત્રનું પણ નિયંત્રણ હોય છે. કંપનીઓના મેનેજરો પ્રજાએ ચૂંટેલા નથી હોતા. તેમના પર વધારે વિશ્વાસ મુકવાનું પ્રજાના હિતમાં હોઈ શકે?