પરમેશ્વર વિ. બધા ધર્મો

home

પરમેશ્વર વિ. બધા ધર્મો

(Translation of God vs Religions)

આ મથાળું કોર્ટ કેસ જેવું જણાય છે તે સહેતુક છે. અહીં ઈશ્વર ફરિયાદી અને બધા ધર્મો આરોપી છે. જનતાની અદાલતમાં આ ફરિયાદ સાંભળવાની છે. તો વાંચો ફરિયાદની વિગતો.

ભક્તિ એટલે જીવાત્મા રૂપી પત્નીનો પરમાત્મા રૂપી પતિ માટેનો ઉત્કટ પ્રેમભાવ. તે જાહેરમાં અને સમૂહમાં થઇ જ ન શકે. છતાં તેને માટે કેટકેટલા મંદિરો, ચર્ચો, સીનાગોગો, મસ્જીદો, ગુરુદ્વારાઓ વગેરે બાંધવા અને નિભાવવામાં આવે છે! આ બધા સામાજિક જીવન માટે જરૂરી ખરા પણ ભક્તિ કરવા માટે નહીં. ત્યાં ન જનારી બધી વ્યક્તિઓને દુષ્ટ કે નાસ્તિક ન ગણી શકાય.

ઈશ્વર બધા ધર્મોથી ચડિયાતો અને વેગળો નિરાળો છે. (God is above and beyond all religions.) છતાં બધા ધર્મો એવી રીતે રજૂઆત કરે છે કે જાણે ઈશ્વરે તેમને જ ઈશ્વરના વતી બોલવાનો એકાધિકાર આપી દીધો હોય અને ઈશ્વર તેમના જ કાનમાં બધું કહીને નિરાંતે સુઈ ગયો હોય. કોઈ ધર્મ એવો નથી કે જે ઈશ્વરનું ખરેખર પ્રતિનિધિત્વ કરતો હોય. તો પણ બધા ધર્મો તેમના અનુયાયીઓની પ્રાર્થનાનું નિયંત્રણ કરે છે. બધા ધર્મો એવું ખોટું અનુમાન કરી લે છે કે જાણે ઈશ્વર એટલો નિર્બળ છે કે તે તેના ભક્તોનો સીધે સીધો અને વ્યક્તિગત સંપર્ક કરી શકતો નથી અને તેને કોઈ મનુષ્યની મદદની જરૂર છે. આમ બધા ધર્મોએ ઈશ્વરને પોતપોતાની રીતે કેદ કરી રાખ્યો છે. આ દૃષ્ટિથી જોઈએ તો બધા ધર્મોને ઈશ્વરનિંદક અને ઈશ્વરઅપમાનક (blasphemous) ગણાવી શકાય. તેથી ઈશ્વરને તેમજ માનવજાતને બધા ધર્મોની જંજીરમાંથી મુક્ત કરવા જોઈએ.

કેટલાક લોકો ઈશ્વરના અસ્તિત્વને જ નકારે છે. આ લખનાર નહીં. એક યુવાન મિત્રે એક વાર મને કહ્યું કે તે ઈશ્વરમાં નહોતો માનતો. અમારો સંવાદ કૈંક આવો ચાલ્યો.

"હું ઈશ્વરમાં નથી માનતો કારણ કે તે મારી પોતાની આંખે દેખાતો નથી."

"તમે તમારી આંખ જોઈ છે?" "હા."

"ક્યાં?" "અરીસામાં."

"એટલે કે તમે તો પ્રતિબિંબ જ જોયું છે. છતાં તમને તમારી આંખો પર ખૂબ વિશ્વાસ છે જેને તમે જોઈ જ નથી. તમે કયા આધારે કહી શકો કે તમને આંખો છે?" "મેં બીજાઓની આંખો તેમજ તેમના પ્રતિબિંબ જોયા છે તેથી જાણું છું કે મારી આંખોના પ્રતિબિંબ તેમનું સાચું સ્વરૂપ બતાવે છે."

"વીજાણુંઓને જોયા વિના આપણે વીજળીને જાણીએ છીએ. ચીનની દીવાલ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વગેરેની હયાતી ત્યાં ગયા વગર સ્વીકારીએ છીએ ને? તમે બાથરૂમમાં ન્હાતા હો ત્યારે તમારો ગાવાનો અવાજ સાંભળીને તમને જોયા વગર જાણી લઈએ કે તમે જ ત્યાં છો, ટેપરેકોર્ડર નથી વાગતું. બરાબર તેવી જ રીતે આપણે ઈશ્વરને જોયા વગર તેનું અસ્તિત્વ જાણી અને સમજી શકીએ. આપણે ઈશ્વરને જોવાનો નહીં પણ અનુભવવાનો અને સમજવાનો હોય."

આમ આ લખનાર ઈશ્વરના અસ્તિત્વને નકારતો નથી. કેટલાક બુદ્ધિશાળી તર્કવાદી મિત્રો કહે છે કે વૈજ્ઞાનિક સાબિતી વિના પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારી ના શકાય. પરંતુ વૈજ્ઞાનિકોની બીગ બેંગ, બ્લેક હોલ, બ્લેક એનર્જી વગેરેની વાતો સુધ્ધાં, આધ્યાત્મિક ગુરુઓની ભૂત-પ્રેત, સ્વર્ગ- નર્ક ઈત્યાદી કલ્પનાઓ જેવી જ વાહિયાત હોવા છતાં, આપણે માની લઈએ છે ને! રોજીન્દા જીવનને અસર ના કરતી હોય તેવી, આધ્યાત્મિક હોય કે વૈજ્ઞાનિક, કોઈ પણ બાબતો પર ધ્યાન આપવાની કશી જરૂર નથી જણાતી.

પરંતુ પોતે ઈશ્વર, કે ઈશ્વરના એક માત્ર પુત્ર કે તેમના છેલ્લા સંદેશવાહક હોવાના કૃષ્ણ, જીસસ, મહંમદ વગેરે વગેરેના મોટા મોટા દાવાઓ વિષે શંકા ઉઠાવે છે. માનવજાત માટે કાયમી નીતિનિયમો ઘડવાની સત્તા તેમને ઈશ્વરે આપી હોય તે શક્ય નથી. ધર્મ પ્રચારકોએ ઉપજાવી કાઢેલી અને પ્રસરાવેલી વાર્તાઓ અને તેમના ઉપદેશોમાં રહેલી વિસંગતતાઓને ખુલ્લી પાડતો એક લાંબો અંગ્રેજી લેખ (religious fallacies) આ વેબ સાઈટ પર છે તેથી અહીં તેમનું પુનરાવર્તન કરવું જરૂરી નથી જણાતું.

આપણે જયારે ઈશ્વર વિષે શબ્દો વાપરીએ છીએ ત્યારે અનિચ્છાએ પણ નાછૂટકે આપણી નબળાઈઓ અને ખામીઓ તેમના પર ઓઢાડી દઈએ છીએ. આપણે આવા શબ્દો વાપરવા તો પડે જ, પણ તેમના અર્થઘટન અંગે આપણી ભાષાઓની મર્યાદાઓ વિષે સભાન રહેવું જોઈએ. દાખલા તરીકે આપણે કશું પણ કરીએ તો તેમાં સમય અને મહેનત લાગે જેથી આરામની જરૂર પડે. સર્વશક્તિમાન ઈશ્વર માટે સર્જન તત્ક્ષણ અને અનાયાસ હોય, તેમને આરામની જરૂર ન પડે. તો યે ઘણા લોકો માને છે કે વિશ્વનું સર્જન કરવામાં પરમેશ્વરને છ દિવસ લાગ્યા અને સાતમે દિવસે તેમણે આરામ કર્યો. કેવું અનીશ્વરિય! (ungodly) આપણે ઈશ્વર પાસે જવાની વાતો કરીએ પણ જે સર્વવ્યાપી અને અંતર્યામી છે તેની પાસે આપણે જવાનું શું અને તેણે આપણી પાસે આવવાનું શું?

લગભગ બધા જ ધર્મો ઈશ્વરને સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપી વર્ણવે છે. પરંતુ એવા નિયમો બનાવે છે કે જે આનાથી વિપરીત હોય. દાખલા તરીકે ઈશ્વર સર્વવ્યાપી હોય તો તીર્થોને બીજા સ્થળો કરતા વધારે પવિત્ર કેમ મનાય? ન્યાય અને ધાર્મિક આઝાદી માટે એક દેશ છોડી બીજા દેશમાં જવાની મોઝીસને શું જરૂર હતી? ઈજીપ્તમાં જ રહીને બીજી પ્રજા જેટલા સમાન હક્ક માગી શકયા હોત. હિન્દુઓએ પણ ચાર ધામની જાત્રા કરવાની શી જરૂર? ઈશ્વર સર્વજ્ઞ છે તેથી તેને અત્યારની આપણી ભાષાઓ પણ આવડે જ ને? તો પછી સંસ્કૃત, લેટીન, હિબ્રુ, અરેબીક જેવી ઘરમાં ન બોલતી ભાષામાં જ પ્રાર્થના શીદ કરવી પડે? ઈશ્વર સર્વશક્તિમાન છે તો પછી ઈશ્વરનીન્દકોથી તેનું રક્ષણ ધર્મગુરુઓએ કરવું પડે ખરું? તે પોતે જ તેમને સજા કરી ન શકે? જેમ કે સલમાન રશ્દીને સજા કરવા માટે ખોમૈનીએ ફતવો બહાર પાડ્યો તેનો અર્થ એમ થાય કે ઈશ્વરની શક્તિ માટેની ખોમૈનીની શ્રદ્ધા કાચી હતી. વળી રશ્દીને મારવાનું જો ઈશ્વરપ્રેમનું કામ હોય તો તે કરવા માટે ઇનામની જાહેરાત શા માટે? આવું તો બીજા ધર્મો વડે જાહેર કરાયેલી સજાઓ માટે પણ પૂછી શકાય.

સ્વનેત્રે ઈશ્વરને જોયા કે સ્વકર્ણે તેમને સાંભળ્યા હોવાનો દાવો કરનારાઓએ અનુમાન જ કરેલું હોય છે કે પરમેશ્વર કેવા દેખાતા હશે કે શું કહેવા માંગતા હશે. આ મહાનુભાવો, કદાચ શુભેચ્છાપૂર્વક, તેમની વાત બધાને જણાવી તેનો પ્રસાર કરે પછી આપણે બધા પોતપોતાના નાયકે કરેલા વર્ણન સાવ સાચા હશે તેવા અનુમાન કરીને તેમને અનુસરીએ છીએ. તેમાં વાંધો એટલો જ છે કે આપણા સિવાયના બીજા બધા જૂથો ભૂલો અથવા પાપ કરતા હશે તેમ માની લઈને તેમની સાથે બિનજરૂરી ઘર્ષણ પેદા કરીએ છીએ. આમ કરવાને બદલે ઈશ્વરના સર્જનોના અવલોકનો પરથી તેમના લક્ષણો જાણી શકીએ. ઈશ્વરની બનાવેલી કુદરતના અવલોકન પરથી ઈશ્વરની કેટલીક અગત્યની ખાસિયતો જણાઈ આવે છે.

પહેલી તો એ કે તેણે બધા કામો કરવા માટે સ્વયંસંચાલિત વ્યવસ્થાઓ કરી રાખી છે. તે એક મહાન સ્વયંસંચાલક (Great Automator) છે. દિવસ રાત પાડવાની જંજાળ રોજેરોજ કરવાને બદલે પૃથ્વીને ગોળ ફરતી કરી દીધી એટલે પત્યું! ઋતુઓ બદલવા માટે પૃથ્વીની ધરી વાંકી કરી દીધી. વિશ્વભરમાં સ્વયંસંચાલિત વ્યવસ્થાઓ હયાત છે જે ઈશ્વર સિવાય બીજા કોઈ ના બનાવી શકે.

બીજી, ઈશ્વર બધી વસ્તુઓનો વારંવાર ઉપયોગ (recycle) કરે છે. પાણી, પ્રાણવાયું, નત્રવાયુ, કાર્બન ડાયોક્ષાઇડ વગેરે બધા જ તત્વોના ચક્રો (cycles) બનાવી રાખ્યા છે. તેથી બનવાજોગ છે કે આપણા શરીરોમાંના આત્માઓને પણ recycle કરતો હશે.

ઈશ્વરને વિવિધતા ગમે છે. યંત્રમાંથી નીકળતા એક સરખા ઉત્પાદનો ન કર્યા. માણસો, પ્રાણીઓ, વ્રુક્ષો તો ઠીક પણ પથ્થરો પણ જાતજાતના બનાવ્યા છે.

ઈશ્વર એક મહાન સમાનતાકારક (Great Equalizer) પણ છે. જો બધા ઊંચા પરુષો ઊંચી સ્ત્રીઓને જ પરણે તો સમાજમાં ઊંચા અને નીચા લોકોના બે જુદાજુદા વર્ગો પડી જાય. તેવું જ રૂપ, બહાદુરી, ઉદારતા, બુધ્ધિવત્તા વગેરે બધા ગુણો અંગે થાય. તેમ ના થાય તે માટે તે એવા પતિપત્નીને ભેગા કરે છે કે જેઓ કેટલીક બાબતોમા તો એકબીજાથી વિરુદ્ધ ગુણો ધરાવતા હોય.

ઈશ્વરની આ ખાસિયતો ના સમજવાથી ધર્મશાસ્ત્રો અયોગ્ય રીવાજો પાડે છે. જેમ કે ઈશ્વરને વિવિધતા ગમતી હોવા છતાં ધર્મો તો તેમના અનુયાયીઓને બીબાઢાળ એકસરખા બનાવવાની વેતરણમાં પડ્યા છે.

બધા ધર્મોને વિજ્ઞાન પરત્વે અણગમો અને વિરોધી ભાવ હોય છે. (જો કે આજકાલ ધાર્મિક રિવાજોને વૈજ્ઞાનિક પુરવાર કરવાનો ચાલ શરુ થયો છે.) બીજી બાજુ કેટલાક વિજ્ઞાનીઓ નાસ્તિકતાની વૃત્તિ ધરાવતા હોય છે. દાખલા તરીકે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સામે 'સર્જન'વાદ (creationism) ના મુદ્દા પર મોટો વિવાદ ચાલે છે. બંને બાજુઓ સૌથી અગત્યના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળે છે. તે છે "વિજ્ઞાન અને તેના નિયમોને કોણે બનાવ્યા?" કોઈએ તો તે બનાવ્યા હશે ને? ઈશ્વરે જ તે બનાવ્યા એમ સ્વીકારીએ કે તેના બનાવનારને ઈશ્વર કહીએ તો બધો વિવાદ મટી જાય છે. સૌથી વધુ શક્યતા એ જ છે કે ઈશ્વરે જ વિજ્ઞાન, વિજ્ઞાનના નિયમો, શરૂઆતનો જથ્થો (દળ, mass) અને ઉર્જા બનાવ્યા અને તેમને સ્વયંસંચાલિત વ્યવસ્થાઓમાં જોડી દીધા જેના પરિણામે વિશ્વ વિકાસ પામ્યું. જીનેસીસમાં આદમ અને ઈવની જે વાર્તા જોડી કાઢી છે તે પ્રમાણે નહીં.

જયારે આપણે ન્યુટનના નિયમો જેવા વિજ્ઞાનના નિયમોની વાત કરીએ છીએ ત્યારે તે નિયમોના શોધનાર વૈજ્ઞાનિકોના નામથી તેમનો ઉલ્લેખ કરીએ છીએ. તે નિયમો તો પરાપુર્વથી અસ્તિત્વમાં હતા જ. બધાજ નિયમો પરમેશ્વરના નિયમો છે. વૈજ્ઞાનિકોએ તો તેમને સમજીને તેના સુત્રો વૈજ્ઞાનિક ભાષામાં વ્યક્ત કર્યા. તેઓએ કંઈ તેમની શરૂઆત ન્હોતી કરી કે નથી તેમના તે નિયમો પર કોઈ માલિકી હક્ક. એક વાર આ વાત સમજી લઈએ તો વિજ્ઞાન અને ધર્મો વચ્ચેનો ઝગડો નિરર્થક બની જાય છે. ધર્મગુરુઓ વિજ્ઞાનના સાધનોનો ઉપયોગ કરતા જાય અને છતાં વિજ્ઞાનની ટીકા કરતા હોય છે તે પણ અયોગ્ય છે. વળી ઈશ્વરમાં માનવા માટે ચમત્કારોની પણ જરૂર નથી.

પાણી પર ચાલવાના ચમત્કારનો વિચાર કરીએ. આપણે પાણી પર ચાલી શકતા નથી તે ઈશ્વરના ગુરુત્વાકર્ષણ, ક્રિયા-પ્રતિક્રિયાના અને તરણના નિયમોને લીધે. ઈશ્વરના સાચા ભક્તો આ નિયમોના ઉલ્લંઘન કરવા ઈચ્છે પણ નહીં. તેને બદલે આ જ નિયમોના પાલન કરીને હોડી અથવા બીજા સાધનો બનાવી તેમના વડે પાણી પર પ્રવાસ કરે. તેથી જીસસ અથવા બીજી કોઈ વ્યક્તિ પાણી પર ચાલવાનો દાવો કરે તો તે અનીશ્વરીય (ungodly) જ હોઈ શકે. તેવી જ રીતે આપણે ઉડી શકતા નથી તેનું કારણ ઈશ્વરના નિયમો છે. ઈશ્વરના સાચા ભક્તો તો યોગ કે બીજી કોઈ આધ્યાત્મિક શક્તિ વડે ઉડવાનો પ્રયત્ન પણ ના કરે. બલકે ઈશ્વરના બનવેલા એરોડાયનેમિક્સ (aerodynamics) ના નિયમોનો અભ્યાસ કરીને તેમનો ઉપયોગ કરીને એરોપ્લેન બનાવે, પોતે પણ ઉડે અને બીજા માનવ પ્રવાસીઓને પણ ઉડાડે. ચમત્કાર કરવાનો દાવો ના કરે.

ચમત્કાર થાય છે, પળે પળે. ઈશ્વર જ તે બધા કરે છે. જેમ કે પાણી. બીજા બધા પદાર્થો જો ઠરી જાય તો ભારે થઇ જાય અને ડૂબે. કેવળ પાણી જ એવી વસ્તુ છે કે જે ઠરવાથી (બરફ બનવાથી) હલકી બને છે અને તરે છે. આને વિજ્ઞાનમાં પાણીનું અપવાદરૂપ વિસ્તરણ (anomalous expansion of water) કહે છે. પાણીના આ ગુણધર્મને લીધે જળચરો તળાવો, સરોવરો અને સમુદ્રો ઠરી જાય ત્યારે સપાટી પરના બરફની નીચે જીવતા રહી શકે છે, નહીં તો ઠરેલા બરફમાં દટાઈ મરે. ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરવા માટે આ ચમત્કાર એકલો જ બસ છે. છતાં બીજા થોડા ચમત્કાર જોઈએ.

પૃથ્વીની ધરી જેટલા અંશથી નમેલી છે તે પણ એક ચમત્કાર છે. જો તે ખૂણો શૂન્ય અંશનો હોત તો ઋતુઓ ના હોત. બારે મહિના એક સરખા હોત. જો તે ૪૫ અંશ હોત તો ગરમ અને ઠંડા પ્રદેશો એકબીજાને અડોઅડ આવી ગયા હોત, સમશીતોષ્ણ કટિબંધ હોત જ નહીં. માનવજાતને પેદા થવા અને વિકાસ પામવા માટે પુરતી જગ્યા જ રહી ન હોત.

આપણા શરીરની રક્ત પરિભ્રમણ રચના પણ એક ચમત્કાર છે. શરીરની બધી રક્તવાહિનીઓમાં લોહી પહોંચાડવા માટે જો પંપ બનાવવો હોય તો તે આપણા શરીર કરતા પણ મોટો પંપ જોઈએ. પણ તે કામ મુઠ્ઠી જેવડું આપણું હૃદય કરી શકે છે તેનું કારણ લોહીનો ચમત્કારિક ગુણધર્મ છે જેનાથી તે વહેતું હોય ત્યારે ઘણું પાતળું થઇ જાય છે પણ વહેતું બંધ થાય ત્યારે ઘટ્ટ બની જાય છે.

જેમ જેમ વિજ્ઞાન જાણતા થઈએ છીએ તેમ તેમ ઈશ્વરના ચમત્કારો આશ્ચર્ય પમાડતા જાય છે. ઈશ્વર આવા આવા ચમત્કારો કર્યા કરે છે તો પણ આપણે તેની હયાતીમાં માનવા માટે ચમત્કારિક વ્યક્તિઓને શોધતા રહીએ છીએ. કેવું આપણું દુર્ભાગ્ય!

ઈશ્વરને નામે આપણે ભળતી જ વ્યક્તિઓમાં શ્રદ્ધા રાખીએ છીએ. શ્રદ્ધાની પરિકલ્પના (concept) નો ખૂબ દુરુપયોગ થયો છે. શ્રદ્ધાળુઓને કશી સાબિતીની જરૂર નથી હોતી, અશ્રદ્ધાળુઓ કોઈ જ સાબિતી સ્વીકારતા નથી. પણ શ્રદ્ધા કોનામાં કે શાનામાં રાખવી જોઈએ તે વિચારવા જેવું છે. ગમે તેટલી મહાન હોય તો પણ કોઈ એક વ્યક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી ન જોઈએ. પછી ભલે તે વ્યક્તિ પોતે જ કે તેમના અનુયાયીઓ તે વ્યક્તિ સ્વયં પરમેશ્વર, કે પરમેશ્વરના એક માત્ર પુત્ર, કે તેમના સંદેશવાહક હોવાનો દાવો કરતા હોય કે તેમણે ચમત્કારો કર્યા હોવાની અફવાઓ ચાલતી હોય. ચમત્કાર વડે ઉત્પન્ન કરાયેલી શ્રદ્ધા તે કંઈ ખરી શ્રદ્ધા નથી હોતી કારણ કે ઈશ્વરના સાચા પ્રેમીઓને ચમત્કાર કરવાની જરૂર જ શી હોઈ શકે? બીજું, આવા આધ્યાત્મિક મહાપુરુષો જે ચમત્કારો કરતા હોય છે તે લગભગ બધા જ ભૌતિક મહત્વના હોય છે જેમનું આધ્યાત્મિક મહત્વ કશું જ નથી હોતું. સાચી શ્રદ્ધા તો ઈશ્વરમાં અને ઈશ્વરીય સિદ્ધાંતો જેવા કે સત્યપ્રિયતા, ન્યાય, પ્રેમ, દયા વગેરેમાં જ હોવી જોઈએ.

ગંગા તટ પર રહેતા એક ગુરુના શિષ્યને પાણી પર ચાલતા શીખવું હતું. આ ગુરુને તેવો ચમત્કાર આવડતો નહોતો કે કરવો નહોતો. ચેલાજી તો હિમાલય જઈ બીજા ગુરૂ પાસે બાર વર્ષ તપ કરીને પાણી પર ચાલવાની 'સિદ્ધિ' મેળવી આવ્યા. આવીને જુના ગુરૂ આગળ તેનું પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું, "જે કામ થોડા પૈસા હોડીવાળાને આપીને થઇ શકે તે માટે તેં જીવનના અમુલ્ય બાર વર્ષ બગાડ્યા." આમ કહેવાતા ચમત્કારોનું ભૌતિક મુલ્ય હોય પણ આધ્યાત્મિક મુલ્ય કશું હોતું નથી.

ધર્મોનું એક અંગ છે પ્રાર્થના. પ્રાર્થના એટલે ઈશ્વર પ્રત્યેની ભકતની ઉત્કટ લાગણી. તેનું વળી નિયંત્રણ કેમ કરીને કરી શકાય? છતાં બધા ધર્મો વધતા ઓછા પ્રમાણમાં તે કરતા જ હોય છે. અનુયાયીઓએ દિવસમાં કેટલી વાર, ક્યારે ક્યારે, કઈ જગ્યાએ, કઈ મુદ્રામાં, કઈ ભાષામાં, કયા શબ્દોમાં પ્રાર્થના કરવી તે ધર્મગુરુઓ જડબેસલાક નક્કી કરતા હોય છે. ઘણી વાર તો એવું પણ લાગે કે આ તે ભક્તો છે કે કોઈ લશ્કરના સૈનિકો કે પછી ચાવી ભરાવેલા યાંત્રિક રમકડા! સાચી પ્રાર્થના તો ભકત વડે આપમેળે (spontaneously) પોતાના શબ્દોમાં, પોતાના મનમાં જ કરે તેને કહી શકાય. પ્રાર્થના જાહેરમાં અને સમુહમાં ન કરવી જોઈએ. વ્યક્તિગત પ્રાર્થનાઓમાં ધર્મોની દખલગીરી ચલાવી ના લેવી જોઈએ. મંદિરોમાં, મસ્જિદોમાં, ચર્ચોમાં જે થાય છે તે સામાજિક અને માનસિક ટેકા માટે એક અથવા બીજા જૂથના સભ્ય હોવાનું પ્રમાણ હોય (Confirmation of conformation) છે. સૌને આવા ટેકાની જરૂર હોઈ શકે છે. પણ તેને માટે પ્રાર્થનાનો ઉપયોગ કરવાથી પ્રાર્થનાની પવિત્રતા જોખમાય છે.

આ લખનારને કોઈ કોઈ વાર સામુહિક પ્રાર્થનાઓમાં જવાનું થયું છે. કોઈ વાર જો મોઢેથી બોલ્યો હોઉં તો વખાણ થયા છે પછી ભલે તે સમયે મારા મનમાં ભળતા જ વિચારો ચાલતા હોય. કોઈ વાર સંપૂર્ણ ધ્યાનપૂર્વક પ્રાર્થના સાંભળતો હોઉં ત્યારે ચૂપ રહેવા બદલ મારી ટીકા પણ થઇ છે. આવા પ્રસંગોએ એટલું તો સ્પષ્ટ હતું કે મારી આસપાસના 'ભક્તો'નું ધ્યાન પ્રાર્થનાને બદલે હું શું કરતો હતો કે ન્હોતો કરતો તેમાં જ હતું.

પ્રાર્થના માટે કોઈ સમય પત્રક ના હોવું જોઈએ. જેમ કે અઠવાડિયે એક વાર કે રોજ એક વાર કે રોજ ત્રણ કે પાંચ વાર. એક પ્રાર્થના પછી બીજી પ્રાર્થના વચ્ચેના સમયગાળા દરમ્યાન આપણે શું કરીએ છીએ તે પણ મહત્વનું છે. ખરેખર તો પ્રાર્થના સતત ચાલુ રહેવી જોઈએ જાણે કે આપણા આંતરમનમાં આપમેળે ચાલ્યા કરતુ પાર્શ્વસંગીત ન હોય! આપણે જે કઈ કરીએ તે ઈશ્વરપ્રીત્યર્થે કરવું જોઈએ. આપણા બધા કૃત્યો ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા સહીત અને ઈશ્વરથી કશું છુપાવી શકાતું નથી એવી સભાનતા સાથે કરવા જોઈએ. આખું જીવન પ્રાર્થનામય હોવું જોઈએ.

આપણે આપણા બાળકો પાસે પ્રાર્થના કરાવતા હોઈએ છીએ. અમેરિકામાં તો મોટો વિવાદ ચાલે છે કે સ્કૂલોમાં બાળકો પાસે પ્રાર્થના શા માટે ન કરાવવી? ખરેખર તો માબાપોએ પ્રાર્થના કરવી જોઈએ તે સમજતા નથી. ભારતમાં અને અમેરિકામાં વસતા હિંદુઓ પોતાના બાળકો પાસે સંસ્કૃત શ્લોકો ગોખાવી, બધાના દેખતા બોલાવી ગર્વ લેતા હોય છે. તે બાળકોને તો શું માબાપોને પણ સંસ્કૃત સમજાતું તો નથી હોતું પણ ઘણી વાર તો બરાબર બોલતા પણ નથી હોતા. શ્લોકોના આધ્યાત્મિક અર્થો તો ઠીક શાબ્દિક અર્થો પણ નથી આવડતા હોતા. પણ સંસ્કૃતિ રક્ષાના નામે આ બધું ચાલતું હોય છે. આપણા પ્રાચીન પૂર્વજો સંસ્કૃત વાપરતા હતા કારણ કે તેમને ગુજરાતી નહોતી આવડતી. હવે આપણે સંસ્કૃત વાપરવાની જરૂર નથી.

"ધાર્મિક સ્વાતંત્ર્ય" એ સૌથી ખરાબ વિરોધાર્થી (oxymoron) શબ્દપ્રયોગ છે. ધર્મોપદેશનું પહેલું ભોગ (victim) સ્વાતંત્ર્ય હોય છે. કોઈ પણ ધર્મના કોઈ પણ અનુયાયી પોતાની રીતે વિચાર કરવાને મુક્ત નથી હોતા. તેમણે તેમના ધર્મના "પવિત્ર" પુસ્તકના લખાણોને ઈશ્વરના એક માત્ર શબ્દ તરીકે સ્વીકારવા જ પડે. જે કંઈ જ્ઞાન અને ડહાપણ ઈશ્વર માનવજાતને આપવા માંગતો હતો તે બધું જ વેદો, ઉપનીષદો, ગીતા, બાઈબલ, કુરાન, ગ્રંથસાહેબ, શિક્ષાપત્રી કે બીજું જે કોઈ પુસ્તક તેમના સંપ્રદાયને માન્ય હોય તે પુસ્તકમાં છે અને બીજે કશે નથી એમ માનવું જ પડે પછી ભલે તેમાં ગમે તેટલી ભૂલો હોય. આ તે કઈ જાતનું સ્વાતંત્ર્ય? ખરે જ, ધાર્મિક સ્વાતંત્ર્ય એટલે પોતાને કોણ બાંધી રાખશે તે બંધક (captor) પસંદ કરવાનું સ્વાતંત્ર્ય. તેથી ધર્મપરિવર્તન કરવાનો કશો અર્થ નથી રહેતો. છતાં કેટલા યે બુદ્ધિશાળી જણાતા લોકો ધર્મ બદલતા હોય છે! માનવજાતને તો બધા ધર્મોમાંથી મુક્તિની તાતી જરૂર છે.

ધર્મો તેમના અનુયાયીઓની આઝાદી તો ઝૂંટવી લેતા હોય છે પરંતુ ઈશ્વરની પણ છીનવી લેતા હોય છે. દાખલા તરીકે હિંદુ ધર્મમાં ઈશ્વરે તેના અવતારો તેમના બીજા અવતાર સુધી કશું કરવાનું નહીં. ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરને એક જ પુત્ર હોઈ શકે, તેઓ વધારે પુત્રો (કે પુત્રીઓ) મોકલી ના શકે, ઇસ્લામમાં વધુ સંદેશવાહકો મોકલવાની ઈશ્વરને મનાઈ છે. આથી, ઈશ્વરને પણ બધા ધર્મોના બંધનમાંથી મુક્ત કરવાની જરૂર છે.

સ્થાપિત ધર્મો તો અપરાધી સંગઠનો (organized crime) કરતા પણ ખરાબ છે કારણ કે તેમની સામે લડવું વધારે અઘરું બલ્કે લગભગ અશક્ય હોય છે.

વિખ્યાત વિચારક આલ્ડસ હક્ષ્લીએ કહ્યું છે કે માનવજાત બુદ્ધિશાળી છે પરંતુ પુરતી બુદ્ધિશાળી નથી તે બદલ તેણે ધર્મોના સ્વરૂપમાં કિંમત ચૂકવવી પડે છે. (Religion is the price that the mankind has to pay for being intelligent but not sufficiently so. - Aldous Huxley) તેમણે આને માટે શા કારણો બતાવેલા તે તો નથી જાણતો પણ એટલું સમજી શકાય છે કે આપણે બુદ્ધિશાળી હોવાથી આપણને આધ્યાત્મિક બાબતો વિષે અઘરા પ્રશ્નો સુઝે છે. જેવા કે આત્મા ક્યાંથી આવ્યો અને ક્યાં જશે? પણ તેમના જવાબ નથી અપાઈ શકતા. તો યે એટલા ભોળા છીએ કે ધર્મપુરુષોએ આપેલા ઉત્તરો માની ના શકાય તેવા હોય તો પણ પૂછ્યા વગર સ્વીકારી લઈએ છીએ. આપણામાં ડહાપણ હોવું જોઈએ કે આવા આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ હોઈ જ ના શકે. અમુક બાબતો જાણી શકાય તેવી નથી તેમ જાણવું તે પણ જ્ઞાન છે.

એક પ્રશ્ન જે આપણામાંથી મોટા ભાગનાને સતાવતો હોય છે તે છે, "સારી વ્યક્તિઓ દુઃખી અને ખરાબ વ્યક્તિઓ સુખી કેમ હોય છે?" જુદા જુદા ધર્મો આના જુદા જુદા જવાબ આપે છે. આપણે એ નથી સમજી શકતા કે સુખી જણાતા ખરાબ માણસો ખરેખર સુખી ના પણ હોય. તેમના સુખ કે દુઃખ તો તેઓ જ જાણતા હોય ને!. તેઓ સુખી હોવાનો આપણો માપદંડ કેવો છે? વળી આપણે બીજાઓ વિષે તેઓ "સારા" છે કે "ખરાબ" તેનો ચુકાદો આપીએ છીએ ત્યારે ઈશ્વરના નિર્ણય વિષે શંકા ઉઠાવીએ છીએ. જો બધા સારા માણસો સુખી અને બધા ખરાબ માણસો દુઃખી હોય તો જગતમાં બે જ પ્રકારના લોકો હોઈ શકે. પણ ઈશ્વરને તો વિવિધતા ગમે છે. તેથી બધા પ્રકારના વધતા ઓછા સારા કે ખરાબ અને વધતા ઓછા સુખી કે દુઃખી લોકો બનાવ્યે જાય છે. ઈશ્વર તો જગત રૂપી અત્યંત મોટા નાટકના લેખક, નિર્માતા, દિગ્દર્શક વગેરે બધી જવાબદારીઓ સંભાળે છે અને નાટક રસપ્રદ બને તેટલા માટે જાતજાતના પાત્રો બનાવી અને તેમને સૌને જાતજાતના સુખદુઃખ આપ્યે જાય છે. નાના બાળકને વાર્તા કહીએ તેમાં પણ જો ચકલો બધી ખીચડી ખાઈ ના જાય તો બાળકને રસ ના પડે. તેવી જ રીતે જીવનમાં પણ ખલનાયકો ના હોય તો જીવન એકધારું નીરસ બની જાય. તેથી ઈશ્વર ખરાબ વ્યક્તિઓ બનાવ્યે જાય છે.

જે લોકો ઉપદેશ આપવા માટે વળતર લેતા હોય અને જેમની આજીવિકાનું એકમાત્ર સાધન ઉપદેશ હોય તેઓ હમેશા સાચું જ બોલે એવી અપેક્ષા ના રાખી શકાય. તેથી અંધશ્રધ્ધા ફેલાવવા અને ટકાવવામાં સ્થાપિત હિત ધરાવતા આવા બધા "સંતો", "ગુરૂ"ઓ, મહારાજો, પાદરીઓ, મૌલવીઓ વગેરેની વાતો પર ભરોસો ના રાખી શકાય.

"પરધન નવ ઝાલે હાથ" એ સાચા "વૈષ્ણવ જન"નું લક્ષણ ગણાય છે. છતાં જેઓ આખી જીંદગી કશી જ કમાણી કર્યા વગર બીજાઓના સહારે જીવતા હોય છે તેઓને ભક્ત તો ઠીક "સંત" પણ કહેવામાં આવે છે તે ખરેખર પ્રકોપનીય (outrageous) છે.

"ગુરૂ"ની વિભાવના (concept) સ્વયંવીરોધી (self-contradictory) છે. આધ્યાત્મિક વ્યક્તિ તો અહંકારમુક્ત હોય. પણ જે વ્યક્તિને પોતાના આધ્યાત્મિક ચડિયાતાપણાનું અભિમાન હોય તે જ ગુરૂ બનીને બીજાઓને પોતાના શિષ્યો બનાવે. બધા નહીં તો યે મોટા ભાગના ગુરુઓ અત્યંત અભિમાની હોય છે. બીજાઓએ પાળવાના નિયમો બનાવવા, જે લગભગ બધા ગુરુઓ કરતા હોય છે, તે અભિમાનીપણાનું સચોટ લક્ષણ છે. આમ સદ્ગુરૂ હોવા શક્ય નથી અને બનાવટી ગુરુઓ માનને પાત્ર નથી હોતા.

કેટલાક ધર્મો મૂર્તિપૂજાનો સખત વિરોધ કરે છે. પણ તે એટલી બધી ખરાબ નથી. આ અંગે આ લખનારનું "પૂજાના સ્વરૂપો" લખાણમાં વિગતે ચર્ચા કરી છે. તેથી અહીં પુનરુક્તિ કરવાની જરૂર નથી જણાતી.

"ક્ષમા વીરસ્ય ભૂષણમ" કહેવાય છે. વીરતા ક્ષમા આપવામાં છે કે માંગવામાં? જોવા જઈએ તો બંનેમાં. ક્ષમા આપવા માટે ક્રોધ કે તિરસ્કારને વશમાં રાખવા પડે, જયારે ક્ષમા માંગવા માટે આપણો અહંકાર ભુલાવીને થઇ ગયેલા અપરાધ કે ભૂલને કબૂલ કરવા પડે. બેમાંથી એક પણ સહેલું નથી. પરંતુ આપણે બધા તો એવા શૂરા છીએ કે આપણી જાતે જ પોતાને ક્ષમા આપી દઈએ છીએ. ક્ષમા એ સારી વાત છે જો તે બીજાને આપવાની હોય. આપણે પોતે ખોટું કરીને માફી માગવી તે તો બીનજવાબદારી ગણાય. આપણે જાણીને કે અજાણતા સારા કે ખરાબ કામ કર્યા હોય તો તેના પરિણામ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ. તેમાં પણ વીરતા જોઈએ. ઈશ્વર કાંઈ એવો બાઘો ના હોઈ શકે કે તેની ખુશામત કરવાથી આપણને માફી આપી દે. ઈશ્વરને દયાળુ અને ક્ષમાશીલ માનતા હોઈએ તો ઈશ્વરનિંદકોને સજા કરવી તે ઈશ્વરના સ્વભાવની વિરુધ્ધની વાત થઇ ગણાય. આપણા અવગુણ પરમેશ્વર અવગણે તેવી પ્રાર્થના કરવાને બદલે તેઓ તે અવગુણોને દૂર કરે તેવી પ્રાર્થના કરવી જોઈએ કે નહીં?

ધર્મોનું બીજું અંગ છે જન્મથી માંડીને મરણ સુધીની ધર્મવિધિઓ. આમાંથી કૈંક અંશે મર્યાદિત પ્રમાણમાં ઉપયોગી હોય તો લગ્નવિધિ. તેમાં પણ હિંદુ લગ્નવિધિમાં એટલા બધા પ્રસંગો દાખલ કરવામાં આવ્યા છે કે કદાચ દક્ષિણા મેળવવા માટે જ નહીં હોય એવી શંકા જાગ્યા વગર ના રહે. ખાસ તો ગ્રહશાંતિની વિધિ સાવ જ હાસ્યાસ્પદ છે. દક્ષિણના લોભી ગોર મહારાજ અગડમ બગડમ કોઈ શ્લોકો બોલે તેથી થોડી વારમાં બધા ગ્રહો શાંત થઇ જાય એવી માન્યતા જ બિનપાયેદાર છે. બાકી બધી વિધિઓ તો તેમના કરાવનાર ગોર મહારાજો, પાદરીઓ, મૌલવીઓ વગેરે માટે ફક્ત આવકના સાધનો હોય છે. ઘણી તો હાસ્યાસ્પદ હોય છે. અને બીજી કેટલીકનું આધ્યાત્મિક મુલ્ય શૂન્યવત હોય છે. લગભગ બધીજ વાસ્તવિકતા ને બદલે કલ્પના પર આધારિત હોય છે.

ધાર્મિક સાહિત્ય અને ધર્મપ્રચારકોના વ્યાખ્યાનોમાં ઘણું ખરું ભારેખમ પોલા શબ્દો મોટા પ્રમાણમાં હોય છે જેને લીધે વાંચનાર કે સાંભળનાર અંજાઈ જઈ શકે છે. તેમાં જોડી કાઢેલી વાર્તાઓ દૃષ્ટાંતો માટે ઘુસાડેલી હોય છે જે સ્વયંવિરોધી હોય છે. આ લોકો તો સારી, માની શકાય તેવી વાર્તાઓ પણ લખી કે કહી શકતા નથી.

પ્રતીકો વિના તો ધર્મો નભી ના શકે. પરંતુ પ્રતીકો બિનજરૂરી અથવા નિરર્થક હોય છે. કોઈ એક પ્રતિક પાછળની ભાવના સમજીએ તો પ્રતીકની જરૂર નથી, અને તે જાણતા ના હોઈએ તો તે પ્રતીકનો ફાયદો કશો નથી. મારી યુવાનીમાં મારા એક બ્રાહ્મણ યુવાન મિત્રને જનોઈના પ્રતીકનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરેલો. તેણે તો એવું અશ્લીલ અર્થઘટન કર્યું કે અહી લખી તો ના શકાય, કોઈને કહી પણ ના શકાય. પણ જરા શિષ્ટ દાખલો વિચારીએ રાષ્ટ્રધ્વજનો. મારા પાડોશી કરતા ચાર ગણો મોટો ઝંડો મારા મકાન પર લગાડું તો શું હું તેના કરતા ચાર ગણો દેશપ્રેમી થઇ જાઉં? પછી ભલે ઇન્કમ ટેક્ષ વગેરેમાં ચોરી કે બીજી દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરતો હોઉં? મારું ધ્વજવંદન એક ખોખરી વિધિ જ બની જાય ને? બીજાઓ કરતા દસ ગણી મોટી ગણેશજીની મૂર્તિ સ્થાપું તો હું તેમના કરતા દસ ગણો ભક્ત બનું? આમ પ્રતીકોથી કશો ફેર પડતો નથી.

અનુયાયીઓ પર પકડ જમાવી રાખવા માટે ધર્મગુરુઓ તેમને પાપીપણાની ગ્રંથિ ભેરવી દેતા હોય છે. જેમાં કશું પાપ નથી હોતું તેમાં પણ પાપ ગણાવીને બધાને દબાયેલા રાખે છે. જેમ કે અમુક વસ્તુ ખાવાથી પાપ થઇ જાય વગેરે. ખાસ તો પતિ પત્ની જો બ્રહ્મચર્ય ના પળે તો પાપ થઇ જાય તે વાત જ ખોટી છે. બુદ્ધિ અને પતિ-પત્નીની કામવૃત્તિ, એ બે તો માનવજાતને ઈશ્વરે આપેલી શ્રેષ્ઠ ભેટો છે, તેમનો ઉપયોગ ના કરવો તે ઈશ્વરનું ઘોર અપમાન ગણાવું જોઈએ. પણ લોકોને દબાયેલા રાખવાના દુષ્ટ હેતુથી ધર્મગુરુઓ ઊંધો ઉપદેશ આપ્યા કરે છે. તેવી જ રીતે કેટલાક ગુરુઓ અમુક બાબતો પર જ ભાર મુકતા હોય છે. જેમ કે 'માંસાહાર ન કરો', 'દારૂ ન પીઓ', 'ગૌમાંસ ન ખાઓ', 'ભૂંડનું માંસ ના ખાઓ', 'કાંદા, બટાકા, લસણ ન ખાઓ' વગેરે વગેરે. આવા પોતપોતાના પંથના પ્રતિબંધો પાળનારાઓ અનુયાયીઓ બધા કંઈ સજ્જનો નથી હોતા કે નથી તેમનો ભંગ કરનાર બધા અનનુયાયીઓ (અનુયાયીઓ ના હોય તેઓ) દુર્જનો. આવા નિયમોથી અનુયાયીઓમાં વિચિત્ર ગ્રંથીઓ બંધાય તેથી કંઈ તેઓ સારા માનવો બની જ જાય તેવું નથી હોતું. પણ ધર્મગુરુઓની સત્તા ટકી રહે છે.

હવે તમે જ વિચારીને ચુકાદો આપો અને તે પ્રમાણે પોતપોતાના જીવન જીવો.

home